પરિવર્તન
પરિવર્તન


મણિબા આજે વિચાર કરતા હતા કે, આ મારો રોયો જીવલો કેમ આજે આટલો સમજદાર થઈને ફરે છે ? મણિબાનું વિચાર કરવું પણ યોગ્ય જ છે કેમકે જીવલો એના સ્વર્ગસ્થ દીકરા વહુનો દીકરો એમનો પૌત્ર છે. જે માબાપને ગુમાવ્યા પછી સાવ રેઢિયાળ બની ગયેલો.
મણિબા વૃદ્ધ એટલે એમનાથી થાય એટલું કરે. જુવાનજોધ દીકરા વહુને ગુમાવ્યા અને પોતે આ જીવલાની જવાબદારી આ અવસ્થામાં માથે આવી. એમાંય જેમ જુવાન થયો જીવલો એમ મણિબાને ગણકારતો નહીં. મણિબાએ માવતર વગરના આ છોરાને લાડકોડથી રાખેલો એટલે પણ એ ઉંછાછળો બની ગયેલો. આખો દિવસ રખડવું. મણિબા ગામના બે-ત્રણ ઘરના કામ કરીને પેટીયું રળે પણ જીવલો માતેલા સાંઢની જેમ એના જેવા જ બગડેલા દોસ્તારો હારે રખડ્યા કરે. ગામને ચોરે બેસીને આવતી જાતી ગામની દીકરીઓ પાણી ભરીને જાતી હોય તો એમની છેડતી કરે.
એક દિવસ ગામનાં મુખીની દીકરી વાસંતીને જીવલાએ જોઈ. અને જોતો જ રહી ગયો. વાસંતી હતી જ એવી પાતળી પરમાર. રૂપાળી કાચની પૂતળી જ જોઈ લો. અને એકવાર વગડાની વાટે જાતી વાસંતીને જીવલાએ રોકી અને એને કહ્યું," ઊભી રે મારી રાણી, કયાં જાય છે ?જરાક અમારા જેવા તરસ્યાં માણહ પર એક નજર તો નાખતી જા".
વાસંતી બોલી,"હટ્ ભૂંડા તારામાં નજર નાખવા જેવું સે હું ?
આખો દાડો રેઢિયાળની જેમ રખડ્યા કરે સે. તારી ઘરડી બાના કાંડાની કમાણી ખાઈને હાંઢ બન્યો સે. નમાલો સે નમાલો. આળહુનો પીર તારા મનમાં તું તારી જાતને મરદ હમજે સે ?"
અને જીવલાને તો જાણે આખા શરીરે વાસંતીનાં આ શબ્દોએ શૂળીના ઘા માર્યા હોય એવાં હૈયા સોસરવા ઉતરી ગયાં. અને એ નીચું માથું કરીને હટી ગયો રસ્તામાંથી. અને વાસંતી ઘરની વાટ પકડીને ચાલતી થઈ. પણ બસ એ ઘડીએ જાણે રખડું જીવલાને જાણે મગજમાં માત્ર વાસંતી અને એના બોલાયેલા કારમા શબ્દો જ ફર્યા કરે. અને એણે ઘરમૂળથી પોતાને બદલી કાઢ્યો. બીજા દિવસે મણિબાને કીધું, "માડી, તું હવેથી કામ કરવા જાતી નઈ". તો મણિબા એ કીધું,"મારા રોયા હું કામ કરવા નઈ જાવ તો બેય મા દીકરો હુ ખાહું ? તું તો આખો દાડો રખડ્યા કરે સે. મારે તો કામ કરવું ને ?"
અને જીવલાએ કીધું,"ના માડી મને હવે મારી ભૂલ હમજાણી સે. તું એક કામ કરજે આજે ગામનાં મુખીબાપાને વિનવજે કે એના ખેતરમાં મને મજૂરીએ રાખે. માવડી હું કામ કરીશ". અને મણિબા બોખા મોઢે હસ્યાં અને પૌત્રનાં ઓવારણાં લીધા અને મુખીબાપાનાં ઘરે જઈને વાત કરી. મૂખીબાપા દયાળુ હતાં તરતજ હા પાડી અને જીવલો રાત દિવસ જોયાં વગર પોતાનું રેઢિયાળપણું છોડીને મહેનત કરીને કમાવવા લાગ્યો. અને છ મહિનામાં તો પોતાની કાચી ઝૂંપડીને એક સરસ ઘર બનાવી દીધું. મણિબા વિચાર કરતાં રહ્યા અને ઘણીવાર પૂછ્યું જીવલાને પણ જીવલો કંઈ બોલતો નહીં.
એક દિવસ મણિબાએ કીધું કે,"દીકરા જીવા, હવે હું ખર્યું પાન. તું હારા મારગે વળી ગયો સે તો હવે મને વધારે જીવવાનાં કોડ નથી. બસ તારું ઘર મંડાય તો હું નિરાંતે ધામમાં જાવ. અને જીવલાએ કીધું માવડી તારે હમણાં મરવાની વાત નથી કરવાની હો. તારે તો એયને મારા બૈરાં અને તારી પૌત્રવધુનાં હાથના રોટલા ખાઈને એયને ભગવાનની માળા જપવાની છે. માવડી એક કામ કરજે ને તારા આ જીવલાનાં જીવનમાં જે પરિવર્તન તને દેખાયું એ મુખીબાપાની દીકરી વાસંતી મને રુદયે વસી ગઈ સે તો તું મુખીબાપાને વાત કરજે ને".
અને મણિબાએ વિચાર કર્યો કે મુખીબાપા વળી અમારા જેવા ગરીબનાં ઘરમાં એની ફૂલ જેવી દીકરીને હું કામ પરણાવે. પણ તોય પોતાના વ્હાવસોયા પૌત્ર માટે એ પણ કરવાનું વિચાર્યું. અને મુખીબાપાનાં આંગણે જઈ ઊભી. અને વાત નાખી. મુખીબાપાને તો બહુ ગુસ્સો આવ્યો. એ બોલ્યાં, "ડોહી, તારી ડાગળી ચસકી સે કે હુ ? મજૂરી તો બરાબર કે તમને બે ટંક હખે રોટલા મળે એટલે મેં દયા કરીને તારા રખડતાં છોરાને કામે રાખ્યો. એમાં તો તમારી એટલી હિંમત કે મારા ઘરની દીકરીને તમારા ઘરમાં વળાવીને એને ગરીબીમાં નાખું ? હું બાપ સુ એનો કોઈ વેરી નથી".
આ સાંભળીને બારણાંની આડશે ઊભેલી વાસંતી બહાર આવી અને એણે કહ્યું,"બાપુ, મને આ સંબંધ મંજૂર સે.".અને મુખીબાપાને વાસંતી બહુ વ્હાલી હતી એણે પ્રેમથી કહ્યું, "દીકરી, તું આ હુ બોલસ એ ખબર સે તને ? આવા ગરીબીમાં હાંડલાં ખખડે એવાં ઘરમાં તારે પરણવું સે ? જીવલાને તો તું ઓળખે જ સે દીકરી." તો વાસંતી બોલી," બાપુ, જે જીવલો રેઢિયાળ હતો એ તો ક્યારનો સુધરી ગયો. એ હમજદાર બન્યો એની પાછળ પણ મારા એને બોલેલા કડવાં વેણ જ સે. અને આજે છ મહિનાથી હું રોજ જોઉં સુ એને એ સીધા રસ્તે જાય ને સીધા રસ્તે આવે સે. મહેનત કરે સે. રુપિયો તો બાપુ મહેનતથી જ ઊભો થાય ને ?" અને મુખીબાપા અને મણિબા આ સાંભળીને ગદગદ થઈ ગયાં. એકને દીકરી પર ગૌરવ થયો અને એકને પોતાના બગડેલા વારસને સમજદાર બનાવનાર પોતાની થનાર વહુ ઘરની લક્ષ્મી પર ગૌરવ થયો.