નદીનાં બે કિનારા -૨
નદીનાં બે કિનારા -૨


અર્ચના અને રિતેશ વાર્તાનાં પ્રથમ ભાગનાં નાયક અને નાયિકા પોતાના અધૂરા પ્રેમની યાદ હૈયામાં સમાવીને છૂટા પડ્યા છે. સમય વહેતી નદીની માફક વહેતો રહ્યો. અર્ચનાએ પોતાના પહેલાં પ્રેમની છબીને પવિત્ર ભાવથી પોતાના મનમંદિરનાં ખૂણામાં સ્થાપિત કરીને પોતાના નવા જીવનની સંસારની શરૂઆત કરી. અને એ નવોઢા બનીને પોતાના પતિને સમર્પિત થાય છે. શરીરથી ! કહેવાય છે કે પ્રથમ પ્રેમ જેટલો જલ્દી થાય છે એટલો જલ્દી ભૂલાતો નથી. એકવાર હૈયાનો ધબકાર કોઈ બની જાય તો એને હૈયામાંથી કાઢવું ખૂબ મુશ્કેલ છે.
ધીરે ધીરે અર્ચના પોતાના સંસારમાં ગોઠવાઈ રહી છે. એનાં સાસરીમાં સાસુ નથી. બે દેવર અને બે નણંદ અને સસરા છે એમાંથી મોટી નણંદ પરણીને ઠરીઠામ થયેલી છે. એટલે અર્ચના પર સાસુ વગરનાં સંયુક્ત પરિવારની જવાબદારી છે. એટલે અર્ચના એ જવાબદારી બરાબર નિભાવે છે પણ, ક્યારેક એકલતામાં એને રિતેશની યાદ આવી જાય છે. એને એના વિશે જાણવાની ઉત્કંઠા છે પણ એ જાણે છે કે એણે રિતેશનું હૃદય ભંગ કર્યું છે અને બીજી કન્યાનાં કોડ ભાંગે નહીં એ માટે પોતાના પ્રેમનું બલિદાન આપ્યું છે. એટલે રિતેશ એને ક્યારેય માફ નહીં કરે.
કહેવાય છે ને કે, સમય દરેક ઘાવને ભરી દે છે. અર્ચનાનાં ખોળામાં હવે બે દીકરા રમે છે. એ પોતાના પરિવાર અને બાળકોનાં ઉછેરમાં બધું ભૂલી જાય છે.પણ એ પોતાના પ્રેમને નથી ભૂલી. ક્યારેક ક્યારેક એને યાદ કરીને દુઃખી થઈ જાય છે. પણ એ ક્યારેય પોતાની દીદી સાથેની વાતચીતમાં એ બાબતનો ઉલ્લેખ કે રિતેશ વિશે જાણવાની ઈચ્છા નથી રાખતી. કદાચ સ્ત્રીની મર્યાદા કહો કે સમાજનો ડર એણે એક મર્યાદા નક્કી કરીને ક્યારેય એનું ઉલ્લંઘન કરવાનું યોગ્ય ના સમજ્યું.
અર્ચનાનાં બાળકો પણ હવે ધીરે ધીરે મોટા થયા છે. અર્ચના પર એને ઉછેરવાની ભણાવવાની જવાબદારી વધી રહી છે. અને અર્ચના પોતાના દીકરાઓને સારી કેળવણી આપી રહી છે. પણ ભૂતકાળ ઘણીવાર ના ઈચ્છવા છતાં ક્યારેક તો સામે આવે જ છે. એમ અર્ચનાનાં લગ્નના પંદર વર્ષ પછી એક પારિવારિક પ્રસંગમાં અર્ચના અને રિતેશ સામસામે આવે છે. અર્ચનાનાં પતિને બિઝનેસનાં કામ અર્થે બહાર જવાનું હોવાથી એ પ્રસંગમાં નહતો આવ્યો. અર્ચનાને પોતાના બે દીકરા સાથે જોઈને રિતેશે મો ફેરવી લીધું. અર્ચનાએ એ જોયું અને વિચારે છે કે, આટલાં વર્ષો પછી પણ રિતેશ એનાથી ગુસ્સે છે. પણ એકવાર તો એની સાથે વાત કરવી જ પડશે. એમ વિચારીને અર્ચના મોકો મળતા જ રિતેશ એકલો કોઈ સાથે ફોન પર વાત કરતો હતો ત્યાં પહોંચી ગઈ. અને રિતેશને પાછળથી કહ્યું "રિતેશ, જરા સાંભળો" અને રિતેશે પાછળ ફરીને જોયું અને ફોન પરની વાત ટૂંકાવીને ફોન બંધ કરીને અર્ચનાને કહ્યું, " ઓહ આપ ! આપને મેં ઓળખ્યા નહીં આપણે ક્યાંય મળ્યા છીએ ? મને યાદ નથી કે હું આપને ઓળખું છું ! " અર્ચના આ સાંભળીને નવાઈ નથી પામતી કેમકે એ જાણે છે કે રિતેશ ગુસ્સામાં વ્યંગમાં આ બધું બોલે છે. એટલે અર્ચના કહે છે, "રિતેશ, પ્લીઝ ગુસ્સો છોડી એકવાર મારી સાથે વાત કરો". આ સાંભળીને રિતેશ આવેશમાં આવીને બોલે છે કે," શું સાંભળું? તે મારું સાંભળ્યુ હતું? તે મારા વિશે વિચાર્યું હતું? કે હું તારા વિના કેવી રીતે જીવીશ. હવે કંઈ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું મિસિસ અર્ચનાજી!! " અર્ચના દુઃખી થઈ ગઈ. એને એ વાતનું પણ દુઃખ થયું કે એણે રિતેશનું મન ખૂબ દુભાવ્યું છે પણ એ વિચારે છે કે કોઈ કોડભરી કન્યાનાં માંડવે પોતે દુલ્હન બનીને બેસી જાત તો એ પોતાની જાતને ક્યારેય માફ ના કરી શકત અને ખુશ ના રહી શકત. તે રિતેશને આ વાત સમજાવવા ઈચ્છે છે પણ રિતેશ કંઈ સાંભળવા તૈયાર નથી. એ રિતેશનાં ગુસ્સાને અવગણીને પૂછે છે, "રિતેશ, તમે તમારા જીવનમાં ખુશ તો છો ને ? " આ સાંભળીને ફરી રિતેશ વ્યંગમાં બોલ્યો "મેડમ, તમારે શું લેવાદેવા જાણીને કે હું ખુશ છું કે દુઃખી ? તમે તો સુખી જ લાગો છો ! " અને આટલું બોલીને ફરી રિતેશ ગુસ્સે થઈને ચાલ્યો ગયો. અર્ચનાની આંખો ભીની થઈ.
એ રાત્રે સંગીત હતું અને અંતાક્ષરીનો પ્રોગ્રામ હતો એક પક્ષમાં રિતેશ અને સામે પક્ષે અર્ચના હતી. ગીતોની રમઝટ જામી હતી. અર્ચનાએ ગીત ગાયું "ખુશ રહે તું સદા યે દુઆ હૈ મેરી... " અને રિતેશે સામે સંભળાવ્યું "અચ્છા સીલા દિયા તુને મેરે પ્યાર કા... " અને અર્ચના વધારે દુઃખી થઈ ગઈ. બીજા દિવસે લગ્ન હતા અને અર્ચનાએ વિચાર્યું કે, રિતેશની પત્ની સાથે એક મુલાકાત કરું. એ રિતેશની પત્ની સુનિધિ પાસે આવી. સુનિધિને હાય કહ્યું તો સામે સુનિધિએ પણ હેલો બોલીને અભિવાદન કર્યું. સુનિધિ બોલી, "તમે અર્ચના છો ને ? તમારી દીદીની વાતો દ્વારા તમને ઓળખું છું." અર્ચનાએ કહ્યું "હા હું અર્ચના" અને બંનેએ ખૂબ વાતો કરીને દિવસ પૂરો થતા તો બંને સહેલી બની ગઈ અને એકબીજાનાં નંબરની આપ લે કરીને છૂટા પડ્યા. રિતેશ તો અર્ચનાથી ગુસ્સે જ રહ્યો.
અર્ચના અને રિતેશ ફરી છૂટા પડ્યા. અને પોતપોતાની ગૃહસ્થીમાં પરોવાઈ ગયા. અર્ચનાને રહીરહીને એક જ વાત સતાવતી હતી કે એણે રિતેશને ખૂબ દુઃખી કર્યો છે. અર્ચના અને સુનિધિ એકબીજા સાથે સોશ્યલ મીડિયા દ્વારા જોડાયેલા રહીને વાતો કરતા પણ અર્ચનાએ ક્યારેય એ વાતોમાં એ બંનેના સંસાર વિશે ઉલ્લેખ ના કરતી. પણ સુનિધિની વાતો પરથી એટલું એ સમજતી કે રિતેશે સુનિધિને અંતરમાં સ્થાન નથી આપ્યું. વાતવાતમાં સુનિધિએ અર્ચનાને એ પણ જણાવ્યું કે, એના દાંમ્પત્ય જીવનમાં ક્યારેય સંતાનસુખને અવકાશ નથી. તો અર્ચનાએ સવાલ કર્યો અને એનો જવાબ સાંભળીને અર્ચનાનાં હૃદયનાં ચૂરા થયા. સુનિધિએ કહ્યું કે, લગ્નની રાત્રે જ રિતેશે કહ્યું હતું કે," સુનિધિ તને પત્ની તરીકે મારા જીવનમાં સ્થાન મળ્યું પણ હું તને મારા અંતરમા નહીં રાખી શકુ અને શારીરિક રીતે હું તને સુખ નહીં આપી શકુ" તો સુનિધિએ પણ ડર્યા વગર કહ્યું જે એના માવતરે લગ્ન સમયે વાત છૂપાવેલી કે સુનિધિ ક્યારેય મા નહીં બની શકે ! " આ સાંભળીને રિતેશને એમ થયું કે દરેક સ્ત્રીએ એની સાથે છલ કર્યુ છે. પણ પછી એણે મન મનાવી લીધું કે એ તન અને મનથી અર્ચનાને વફાદાર રહેશે. આ બધું સાંભળીને અર્ચનાને થયું કે પોતે મનથી તો રિતેશથી રહી શકી પણ તનથી નહીં કેમકે, પુરુષ સામે એક સ્ત્રી ક્યાં સુધી એની મરજી ચલાવી શકે અને એ પણ પોતાના પતિથી
!
એકવાર વાતવાતમાં સુનિધિએ મૃદંગ નામની દીકરીનો ઉલ્લેખ કર્યો તો અર્ચનાએ પૂછ્યું કે આ મૃદંગ કોણ ? તો સુનિધિએ કહ્યું કે, "મે અને રિતેશે એક દીકરી દત્તક લીધી છે એ જ મૃદંગ". અર્ચનાને માન થયું સુનિધિ અને રિતેશ માટે કે એમણે બાળક દત્તક લીધુ એ પણ દીકરી વાહ".
સમય પાણીનાં રેલાની માફક સરગતો ગયો. અર્ચનાનો મોટો દીકરો સારાંશ ભણીગણીને એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે. અને રિતેશ અને સુનિધિની દીકરી મૃદંગ પણ ખૂબ હોશિયાર અને એ પણ સારો અભ્યાસ કરીને એક કંપની સંભાળે છે. એક દિવસ સારાંશ ઓફિસનાં કામ અર્થે ઉદયપુર જાય છે અને એ જ કંપનીમાં જ્યાં મૃદંગ કામ કરે છે. સારાંશ મૃદંગની ઓફિસમાં પ્રવેશ કરે છે અને મૃદંગને જોઈને એનું હૃદય એક ધબકાર ચૂકે છે કેમકે, સારાંશ પણ યુવાનીનાં એ ઉંબરે ઊભો છે જ્યાં પ્રેમ થવો સંભવ છે. એ સૌમ્ય સુંદર મૃદંગને જોવે છે અને એને એ દિલ દઈ બેસે છે. પણ, એ ઓફિસના કામથી આવ્યો છે અને એકદમ અજાણી છોકરીને પોતાના મનની વાત કહેવી યોગ્ય નથી એમ સમજીને પોતાની જાતને સંભાળી અને મૃદંગ સાથે ઓફિશ્યલી વાતો કરી ઊભો થાય છે. છતાં એણે એકવાર હિંમત કરીને મૃદંગને પૂછ્યું કે, "તમે સાંજે મારી સાથે કોફી પીવા આવશો? ". આ સાંભળીને મૃદંગે પણ હા કહી કેમકે જે પ્રેમની લાગણી સારાંશનાં મનમાં જન્મી એ જ લાગણી મૃદંગનાં મનમાં પણ ઊંચો, સુદ્રઢ સારાંશને જોતા જન્મી. અને બે યુવાન હૈયાઓને પહેલી નજરમાં જ પ્રેમ થયો. સાંજે બંને કોફી પીધી અને સાથે સાથે એકબીજાનો પરિચય મેળવીને એકબીજાને હૈયાની સાથે કોન્ટેક્ટ નંબર આપીને ફરી મળવાનું વચન આપી છૂટા પડ્યા. સારાંશ પરત ફર્યો પણ એ એનું હૈયું ઉદયપુર છોડીને આવ્યો હતો. એટલે એ ખોવાયેલો રહેતો વિચારોમાં અને ક્યારેક એકલો એકલો હસતો ગીત ગણગણતો. આ પરિવર્તનની અર્ચનાએ નોંધ લીધી અને એણે પોતાના પતિને કહ્યું "આપણો સારાંશ ઉદયપુરથી આવ્યા પછી બદલાયેલો લાગે છે. તમે જરા એનું મન જાણો". અર્ચના આ પરિવર્તનમાંથી પસાર થયેલી છે એટલે એ પોતાના દીકરાનાં બદલાવને સમજી જ શકે ને ! અર્ચનાનાં પતિએ કહ્યું "સારું હું વાત કરીશ સારાંશ સાથે".
અર્ચનાનાં પતિએ એક દિવસ મોકો જોઈને સારાંશને પૂછ્યું," બેટા, શું વાત છે? હમણાંથી થોડો વિચારોમાં ખોવાયેલો લાગે છે? કંઈ મનમાં હોય તો બેજીજક કહે દીકરા". અને સારાંશે પોતાના પપ્પાને મનની વાત કરી. મૃદંગ વિશે જણાવ્યું કે, એ અને મૃદંગ બે મહિનાથી એકબીજાને સારી રીતે ઓળખી ગયા છીએ અને અમને બંનેને એકબીજા સાથે મનમેળ છે. જો તમે મંજૂરી આપો તો હું મૃદંગને મારી જીવનસાથી બનાવવા ઇચ્છું છું". આ સાંભળીને વિવેક અર્ચનાનો પતિ ખુશ થઈ જાય છે અને દીકરાને આશીર્વાદ આપીને કહે છે કે, "હું અને તારી મમ્મી મૃદંગનાં માતાપિતાને મળીને તમારા બંનેનું સગપણ નક્કી કરીશું". આ બાજુ જ્યારે વિવેક અર્ચનાને મૃદંગ વિશે વાત કરે છે, તો છોકરીનું નામ સાંભળીને અર્ચના વિચારે છે કે આ મૃદંગ એટલે રિતેશ અને સુનિધિની દીકરી તો નહીં?!! અને સારાંશ પાસેથી પોતાના મનનાં વિચારની ખરાઈ કરીને ખુશ થઈ જાય છે. પણ, એ ફરી રિતેશનાં ગુસ્સા વિશે યાદ કરીને ડરી જાય છે કે, કયાંક રિતેશ જાણશે કે સારાંશ મારો દીકરો છે તો એ આ સંબંધ માટે ક્યારેય હા નહીં પાડે. પણ મન મક્કમ કરીને એ સુનિધિ સાથે ફોન પર સારાંશ અને મૃદંગ વિશે વાત કરે છે. અને સુનિધિ પણ કહે છે કે, "હા મૃદંગે સારાંશ વિશે આજે જ જણાવ્યુ અને હું ખૂબ ખુશ છું કે, આપણી મિત્રતા સંબંધમાં પરિવર્તિત થશે". પણ અર્ચના સુનિધિને કહે છે કે, "મૃદંગનાં પપ્પાને આ વાત કરી? " તો સુનિધિએ કહ્યું કે, "આજે જ રાત્રે મૃદંગ એના પપ્પાને કહેશે અને રિતેશ ક્યારેય પોતાની દીકરીને કોઈ બાબતની ના નથી કહેતા કેમકે, મૃદંગ એમના કાળજાનો કટકો છે". આ સાંભળીને અર્ચનાને થોડી ધરપત થઈ અને એણે સુનિધિને કહ્યું કે વાત કરીને અમને જણાવજો એટલે જલ્દી ગોળધાણા ખાઈએ.
રાત્રે મૃદંગે પોતાના પપ્પાને સારાંશ અને પોતાના સંબંધ વિશે જણાવ્યું અને રિતેશને ખુશી તો થઈ કે એની દીકરીએ યોગ્ય પાત્ર પસંદ કર્યું છે પણ, જયારે સુનિધિએ સારાંશનાં મમ્મી પપ્પા વિશે પરિચય આપ્યો તો રિતેશ ઉદાસ થઈ વિચારવા લાગ્યો કે, અર્ચનાનો દીકરો સારાંશ ! શું અર્ચના મારી દીકરીને વહુ તરીકે પસંદ કરશે ? મેં આટલા વર્ષો સુધી અર્ચના પર ગુસ્સો કરીને એને દુઃખી કરી છે શું એ બધું ભૂલીને આ સંબંધ અપનાવે ?. પછી રિતેશે પોતાની દીકરીની ખુશી માટે પોતાનો વર્ષો જુનો ગુસ્સો ભૂલીને અર્ચનાને ફોન લગાવ્યો. ફોનની રીંગ વાગી અર્ચનાએ ફોન ઉપાડ્યો અને હેલ્લો કહ્યું તો સામે છેડેથી એકદમ ધીમો કરુણાથી ભરેલો અવાજ સંભળાયો "અર્ચના..." અને અર્ચના એ અવાજને કેમ ના ઓળખે ? એણે રિતેશનો અવાજ ઓળખી લીધો અને બોલી, " રિતેશ ! " અને થોડીવાર બંને છેડે ચુપકીદી છવાયેલી રહી જાણે વર્ષોથી કોઈ પહાડોનાં સુનકારમાં પડઘો પડ્યો. પછી રિતેશે સ્વસ્થ થતાં અર્ચનાને કહ્યું," અર્ચના, તું કેમ છે ? " અર્ચનાએ કહ્યું "હું તો ઠીક છું પણ તમે ઠીક નહતા આટલા વર્ષોથી. કોઈ પોતાની પ્રિય વ્યક્તિથી આટલા વર્ષો સુધી ગુસ્સે રહે ? કહો જોઇએ ? ".અને રિતેશ આ સાંભળીને રડી પડ્યો અને અર્ચનાને કહ્યું "મને માફ કરીશ અર્ચના ? મેં તને ખૂબ દૂભવી છે. એ માટે મને માફ કરજે. તું તો સમજદાર હતી પણ હું જ ના સમજી શક્યો કે, ઘણીવાર જે દિલમાં હોય છે એ આપણા જીવનમાં કે નસીબમાં નથી હોતું " અને અર્ચનાએ કહ્યું,"રિતેશ હું તો તમારાથી ક્યારેય ગુસ્સે હતી જ નહીં, અને તમારી ગુનેગાર હું છું, તો તમે મને માફ કરજો. પણ એ સમયે મારે એ નિર્ણય લેવો જરૂરી હતો કેમકે, ઘણીવાર આપણે જે ઈચ્છા કરીએ એ શક્ય ના હોય તો સમય અને સંજોગોને વશ થઈને આપણે નાછૂટકે એવા નિર્ણય લેવા પડે છે." ચાલો, હવે જે થયું એ પણ આપણા બાળકોનાં સંબંધ વિશે તમે શું વિચાર્યું રિતેશ ? " અને રિતેશે કહ્યું કે, "મને કોઈ વાંધો નથી પણ, આપણો ભૂતકાળ આપણા બાળકોના ભવિષ્યને તો નહીં બગાડે ને ?" આ સાંભળીને અર્ચનાએ કહ્યું," રિતેશ એ બાબતે તમે ચિંતા ના કરશો જો કોઈ અજાણી છોકરી માટે હું મારા પ્રેમનું બલિદાન આપી શકું તો મારા દીકરાનાં પ્રેમ માટે આપણા ભૂતકાળને ભંડારી દઈશ." અને અર્ચના અને રિતેશ પોતાના બાળકોના પ્રેમ નદીનો બાંધ બનીને કિનારા ખરા પણ વહેતા રહ્યાં સાથે.