"સંગીત" એક અક્સીર ઈલાજ
"સંગીત" એક અક્સીર ઈલાજ


કહેવાય છે કે, સંગીતમાં લોકોના ઘણા રોગો અને દુઃખોને દૂર કરવાની એક અમોઘ શક્તિ સમાયેલી છે. જ્યાં સુધી આપણે જાત અનુભવ ના કરીએ ત્યાં સુધી આપણા માટે કોઈ પણ કહેવત એક માત્ર માન્યતા જ રહે છે. તો ચાલો વાચકમિત્રો, હું તમને સંગીતના માધ્યમથી મેં કેવી રીતે મારી માનસિક તાણ, થાક અને શારીરિક સ્વાસ્થ્ય પર થોડી વિપરીત અસર થયેલી તેને જડમૂળથી દૂર કરી અને મેં સંગીત અને ધ્યાન દ્વારા જે ઊર્જા મેળવી તેના વિશે મારા આ લેખમાં જણાવીશ.
સૌથી પહેલાં તો હું વાત કરીશ કે મને માનસિક તાણ, થાક અને લોહીના ઊંચા દબાણની અસર કેમ થઈ. તો મિત્રો મેં એક વર્ષ પહેલાં સોશિયલ મિડિયા દ્વારા ફેસબુક અને વોટ્સએપ પર ઓનલાઈન વર્ક ચાલુ કર્યું. રસોઈના પેજમાં જોડાઈને મેં મારો ખાલી સમય પ્રવૃત્તિમયથી ભરવાનો ચાલુ કર્યો. હું મારા જીવનમાં થયેલા કડવાં અનુભવોને આ પ્રવૃતિ થકી ભૂલીને આગળ વધવા લાગી. ખૂબ સારો અનુભવ સાથે આનંદ પણ થયો. ત્યારબાદ મને લખવાનો શોખ પૂરો કરવાનું માધ્યમ મળ્યું. જેના દ્વારા મારી ઓળખ મેળવી. પણ છેલ્લા એક વર્ષથી મોબાઈલનો ઉપયોગ પણ ખૂબજ વધી ગયો. જેવું ઘરનું કાર્ય પુરુ થાય એટલે તરત મોબાઈલ હાથમાં લઈ મારી પ્રવૃત્તિમાં પરોવાઈ જાતી. એવું નથી કે મેં ક્યારેય પણ ઘરનું, પરિવારના સભ્યોની જરૂરિયાતનું કોઈ કામ અટકાવી આ પ્રવૃત્તિ કરી. પણ એક એવી માનસિક ધૂન લાગી કે આ કાર્યથી મને ઘણું શીખવા મળે છે. અને સફળતા પણ મેળવી મેં.
પણ કહેવાય છે ને કે "ઘણીવાર કંઈક મેળવીને આપણે કંઈક ગુમાવી રહ્યા હોઈએ છીએ". તો મારા મોબાઈલ ના વધુ પડતા ઉપયોગને કારણે મને આખમાં બળતરા, ખંજવાળ, અને નંબર વધી જવા, માથું દુઃખવું, સ્વભાવમાં થોડું ચિડિયાપણુ, હાથમાં ખાલી ચડવી, અને જમવાનું પણ અનિયમિત થઈ ગયું હતું મારું. મને એમ થયું કે મારું લખવાનું આટલું કામ થઈ જાય પછી જમુ અને ક્યારે 3 કલાક થઈ જાય ખબર જ ના પડે. એટલે શરીરમાં પણ અશક્તિ, થાક અને જેના કારણે લોહીમાં દબાણ પણ વધ્યું. બસ પછી શું ? ડોક્ટરે કહ્યું કે, માનસિક તાણના કારણે તબિયત બગડી છે. ત્યારબાદ મેં મનથી મક્કમ થઈ અને વિચાર્યું કે હવે મોબાઈલ હાથમાં લેવાનો જ નહીં. આજે ચાર દિવસ પછી મારા સ્વાસ્થ્યમાં જે ફેરફાર થયા તે લખવા બેઠી.
ફેસબુક, વોટ્સએપ બિલકુલ બંધ કરી દીધું. અને મેડિટેશન ચાલુ કર્યું. એક સહેલી કે જે રાજકોટમાં યોગા અને મેડિટેશનના કલાસિસ ચલાવે છે તેનો સંપર્ક કરીને પૂછ્યું કે, "મને સવારે ટાઈમ નથી મળતો તો ક્યારે મેડિટેશન કરાય ?" તો તેણે જણાવ્યું કે બપોરનો સમય છોડીને તમે સાજે અને રાત્રે મેડિટેશન કરી શકો. તેણે જણાવ્યું કે યુટ્યુબ પર મેડિટેશન માટેના ઘણાં મ્યુઝિક જોવા મળશે. ૧૫ મિનિટથી ચાલુ કરવું.
બસ મેં ફેસબુક વોટ્સએપ છોડયું. હા, પહેલાં દિવસે થોડી તકલીફ પડી કેમકે દિવસ દરમિયાન એમ થયું કે લાવને થોડું વોટ્સએપ કરું કે ફેસબુક. પણ પછી મન પર કાબૂ મેળવી અને જવો સોશિયલ મિડિયાનો વિચાર આવે કે તરત જ મોબાઈલમાં એફ એમ રેડિયો ચાલુ કરી કાનમાં ઈયરફોન લગાવી જૂના ગીતો સાંભળું અને ફેસબુક, વોટ્સએપનો દૂર દૂર સુધી વિચાર પણ ના આવે, સંગીત સાથે જોડાઈને. અને ત્યારબાદ પુસ્તક વાચુ, સમાચાર પત્રની પૂર્તિ વાંચું. અને સંધ્યાકાળે મેડિટેશન... ચાર જ દિવસમાં શારીરિક, માનસિક થાક, તણાવ ક્યાં ગાયબ થઈ ગયાં ખબર જ ના પડી. બસ, હમણાં તો મારી મારા જાત સાથેની આ પ્રવૃતિથી ખુશ છું. ડાયરીમાં અનુભવો, વાર્તાઓ લખવાનું ચાલુ છે. એવું નથી કહેતી કે, મોબાઈલનો ઉપયોગ ના કરો પણ હા એટલું જરૂર કહીશ કે, જેમ બને તેમ ઓછો કરો. હા વર્ક રિલેટેડ કરવો પણ પડે. પણ સાથે સાથે સંગીત દ્વારા, મેડિટેશન દ્વારા તમારી જાતને અપડેટ કરતાં રહો.. તો મિત્રો આ હતો મારો પોતાનો અનુભવ. સંગીત એક અકસીર ઈલાજ.