એકાંત ઝરૂખેથી મન ઝરૂખે
એકાંત ઝરૂખેથી મન ઝરૂખે


"ચૈતસી, ઓ ચૈતસી, અલી ક્યાં છો તું ?"
ચૈતસી આ અવાજ સાંભળી પોતાના મનનાં એકાંત ઝરુખાની યાદોથી બહાર નીકળી અને અગાસીનાં દાદર ઉતરી નીચે આવીને જોવે છે તો, પોતાની સહેલી કેતકી કે, જે બે વર્ષથી પરણીને સાસરે ગયેલી એ આજે પિયર આવીને સીધી ચૈતસીને મળવા આવી હતી.
"અરે કેતકી, તું ક્યારે આવી ? કાકીએ કહ્યું તો હતું કે તું આવવાની છે પણ, હજી સવારે તો કાકી સાથે વાત થઈ અને અત્યારે તો તું સીધી મારા ઘરે ?" ચૈતસીએ કેતકીની સાથે મસ્તી કરતા કહ્યું તો કેતકી બોલી, "ચિબાવલી, મારું ચાલે તો સીધી બોરિયા બિસ્તરા સાથે તારા ઘરે જ ઉતારા કરું પણ, આ તારી કાકી, મારી મા મને એમ થોડી અહીં ઉતારા કરવા દે ?" "એ બધું જવા દે તું મને એમ કહે કે, તું હમણાં હમણાં કંઈ દુનિયામાં ખોવાયેલી રહે છે ? મારી મા કહેતી હતી કે, તું હમણાં ઘણાં દિવસથી મારા ઘરે પણ નથી આવી." કેતકીની વાત સાંભળી ચૈતસીએ વાત ટાળતા કહ્યું, "આ જો ને અધીરી ના જોઈ હોય મોટી તેમાં શ્વાસ તો લઈ લે મારી માવડી હજી ક્યાં તું જતી રહેવાની હતી અહીં જ રહેવાની ને હમણાં." અને બંને સહેલીઓ હસવા લાગી.
બંનેને હસતી જોઈને ચૈતસીની મમ્મીને હૈયે ટાઢક વળી કેમકે, ચૈતસીને હસતી જોયે મહીનો થઈ ગયો હતો. ગુમસુમ બસ પોતાના રૂમનાં ઝરૂખે બેસીને એકાંતને વહાલુ કરી લીધેલું.
બે ત્રણ દિવસ પછી કેતકીએ ફરીથી ચૈતસીને પૂછ્યું, "કેમ અલી, તારા મમ્મીને શું કામ દુઃખી કરે છે ? તું જે આ ફિમેલ દેવદાસ બનીને ફરે છે તો તારી મમ્મીને કેટલું દુઃખ થાય છે ખબર છે ? હવે જો સાંભળ, જે ગયો એ પાછો થોડો આવશે ? હું પણ સમજું છું તારું દુઃખ કે, આમ હજી તો પીઠી પણ ચડવાની બાકી હતી ને તને સોળ શણગાર સજીને દુલ્હન બનાવે એ પહેલાં રસેશનું અકસ્માતમાં મૃત્યુ થયું અને સારસ બેલડી લગ્નજીવન
માણો એ પહેલાં જ આમ જોડી ખંડિત થઈ ! પણ, મારી વહાલી હવે એક મહીનો થયો બેના. જે થયું એ વિધાતાનાં લેખ હશે હવે તારા એકાંત ઝરૂખેથી બહાર નીકળીને બધા સાથે હસતી બોલતી થા." આ સાંભળીને ચૈતસી ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને કેતકીને ભેટી પડી અને બોલી, "કેતુ, હું રસેશને કેવી રીતે ભૂલું ? નાનપણથી સાથે મોટા થયા અને એકબીજા સાથે જીવવા મરવાના કોલ દીધા અને રસેશ આમ મને એકલી મૂકીને કેમ ગયો ?" અને કેતકીએ થોડીવાર એને રડવા દીધી અને એની પીઠ પંપાળતી રહી.
કેતકીને સાસરે જવાનો દિવસ પણ આવી ગયો. એ જેટલા દિવસ રોકાણી ચૈતસીને એકલી ના પડવા દીધી અને થોડીઘણી હસતી કરીને કંઈક વિચાર સાથે કેતકી સાસરે આવી. થોડા દિવસ થયા અને કેતકીનાં ભાઈનાં લગ્ન લેવાયા એટલે કેતકી એના પતિ અને દેવર સુધાંશુ સાથે પિયર આવી. લગ્નની તૈયારીઓ ચાલતી હતી જેમાં ચૈતસી પણ થોડી ગુમસુમ અને થોડી મન મારીને હસતી બધા સાથે ભળતી મદદ કરતી. ચૈતસીને સુધાંશુએ જોઈ ત્યારથી એ એને પસંદ કરવા લાગ્યો હતો. અને કેતકીનાં ભાઈનાં લગ્ન પ્રસંગ પુરો થયો અને કેતકી સાસરે આવી. પણ, એણે અનુભવ્યું કે, એના પિયરથી આવ્યાં પછી એનો દેવર સુધાંશુ કંઈક ખોવાયેલો લાગતો હતો. એટલે કેતકીએ એક દિવસ મજાકમાં પૂછી લીધું કે, "દિયરજી, કયાં ખોવાયેલા છો ? સપનાની દુનિયામાં ? તો અમને પણ જરા એ તમારી સપનાની રાણી સાથે મુલાકાત કરાવો." અને સુધાંશુ શરમાઈ ગયો અને એણે કહ્યું, "ભાભી, જ્યારથી ચૈતસીને જોઈ છે ત્યારથી મન હારી બેઠો છું." જો તમે વાત કરો તો મારું સપનું સાકાર થાય અને ચૈતસીને આપણા ઘરની રાણી બનાવું." અને આ સાંભળીને પહેલાં તો કેતકીને થયું કે ચેતી નહીં માને કેમકે, રસેશને મૃત્યુ પામ્યે વધારે સમય નથી થયો પણ, છતાંય પોતાની સહેલીને એના એકાંત ઝરૂખેથી મારા ઘરમાં મારા દિયરનાં મન ઝરૂખે જરૂર લાવીશ.