ખુશીની જયોત
ખુશીની જયોત
સવારે ઊઠીને હાથમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું ધ્યાન ધરીને સામે દિવાલ પર ટાંગેલ કેલેન્ડરમાં નજર પડી. દિવાળીને હજુ
દસ દિવસની વાર હતી. છતાં પણ એમ થયું કે ઘરની સફાઈ, નાસ્તા, ખરીદી બધું કયારે થશે?..પતિદેવ સાથે ચા નાસ્તો કરતાં કરતાં ચર્ચા કરી, તો તેમણે કહ્યું "ચિંતા ના કર, આમ પણ હવે કયાં કોઈ દિવાળી કે નવા વર્ષ પર એકબીજાના ઘરે જાય-આવે છે? બધા વર્ષમાં મળતી પાંચ દિવસની રજામાં બહાર ફરવા જવાનું વિચારે છે." મેં પણ મારા પતિની વાત સાંભળી વિચાર્યું કે પુરુષો કેટલા પ્રેકટીકલ હોય છે. તેમને શું ખબર કે જમાનો ગમે તેટલો આગળ વધી જાય પણ એક ગૃહિણી હંમેશા પરંપરાથી જોડાયેલી હોય છે.
એમ ને એમ દિવસ આથમી ગયો. રાત્રે ભોજન સમયે ફરીથી મેં મારા બાળકો અને પતિ સાથે દિવાળી તહેવાર બાબત ચર્ચા કરી તો મારી દિકરી કહે, "મમ્મી ડોન્ટ વરી બધું થઈ જશે." અને મારા બંને બાળકો, દિકરી ૨૦ વર્ષની અને દિકરો ૧૪ વર્ષનો તે બંનેએ જે વાત કહી ખરેખર મને અને મારા પતિને ગર્વ થયો. મારા બાળકોનો પ્લાન કંઈક આવો હતો..
બંને બાળકોએ કહ્યું કે, "પપ્પા-મમ્મી અમે આ વર્ષે દિવાળી માટે અમારા માટે કપડાં નહીં ખરીદીએ." અહીં વાચકોને જણાવું કે દર વર્ષ દિવાળી માટે અમે જે કપડાં ખરીદી કરીએ
તેમાં લગભગ મોઘવારી પ્રમાણે ૮ થી ૧૦,૦૦૦ નો ખર્ચ થાય છે. બીજા બધાં ખર્ચ અલગ!!!. તો મારા બાળકોએ નક્કી કર્યું કે,
દિવાળી માટે અમારે કપડાં નથી લેવા પણ તે પૈસાથી ઝૂપડપટીના ગરીબ બાળકો માટે મિઠાઈ, ફટાકડા અને નાસ્તો વહેંચવો છે. હું અને મારા પતિ ખુશ થયા કે ચલો, આ જમાનામાં પણ અમારા બાળકો આટલા સમજું છે. મારી દિકરી તો આમ પણ દર વર્ષે તેના ફાર્મા ગૃપ સાથે મળીને ઘરડાંઘર અને અનાથાશ્રમમાં મિઠાઈ, કપડાં વહેંચે છે. તો તેણે આ વખતે નક્કી કર્યું કે આપણાં ઘરમાંથી પણ આ પૂણ્યનું કામ થાય અને ખુશી મળે.
પછી શું, મેં પણ ધરમ માટે કોઈ ખોટો ખર્ચ ના કર્યો જે જૂની વસ્તુઓ હતી તેનાંથી કામ ચલાવ્યું. અને હા, દર વર્ષે હું ઘરે આવનાર મહેમાન માટે નાસ્તા બનાવું છું. આ વર્ષે ઉત્સાહથી ગરીબ બાળકો માટે ખુબ નાસ્તો બનાવ્યો અને દિવાળીના આગલા દિવસે મિઠાઈ, ફટાકડાની ખરીદી કરી અને દિવાળીના દિવસે મારા બાળકો અને પતિ સાથે ઝૂપડપટીમાં ગયા અને બધા બાળકોને મારા બાળકોના હાથે મિઠાઈ ફટાકડા, નાસ્તાની વહેચણી કરી. ખરેખર, તે બાળકોના ચહેરા પર જે ખુશી જોઈ તો મનને એક અજીબ સુકુન મળ્યું.
એ દિવસે મેં પહેલીવાર ઘરે આવીને રાત્રે મારા બાળકો સાથે ફટાકડા ફોડયા કેમકે મે મારા જીવનમાં કયારેય ફટાકડાને હાથ પણ નહોતો લગાડયો. કેમકે મને પસંદ જ નથી ફટાકડા ફોડવાનું પણ ખબર નહીં કેમ? પણ તે ગરીબ બાળકોના ચહેરા પર ખુશી જોઈ લાગ્યું કે આજે સાચા અર્થમાં દિવાળી છે. દર વર્ષ કરતાં આ વર્ષ ખરેખર લાગ્યું કે ચારે તરફ ખુશીની જયોત જલે છે.