STORYMIRROR

Mariyam Dhupli

Tragedy Drama

3  

Mariyam Dhupli

Tragedy Drama

દાગીનો

દાગીનો

6 mins
28.3K


હાઇવે ઉપર પૂર ઝડપે દોડી રહેલી ગાડી બજારમાં હમણાં જ પ્રવેશેલી જાણીતી કંપનીની વિશ્વ વિખ્યાત મોડેલ હતી. એની ઝડપ જેટલી ધારદાર હતી કિંમત એટલીજ આભસ્પર્શી ! એનું ચળકતું શરીર એને ધરાવનાર માલિકની આર્થિક સઘ્ધરતા અને અઢળક ધન સંપત્તિનો પુરાવો આપી રહી હતી. માનવીની સાર્થકતા એની ધનસંપત્તિથી આંકનાર સમાજ માટે માલિકના અંતઃ કરણ, ચરિત્ર, જીવન દ્રષ્ટિકોણ, વિચારો મનના ભાવો, વલણ, વર્તન, સ્વભાવ ને પારખવાની કોઈ જરૂર ખરી ? બહારથી રુઆબદાર વટ પાડતી એ ગાડી અંદરથી પણ એટલી જ આલીશાન ને ભવ્ય હતી. આરામદાયી બેઠક, સંગીત માટે અતિઆધુનિક ઉપકરણોની વ્યવસ્થા, નાનકડું ટીવી, જમવા માટેના ડેસ્ક, જયારે પણ તાજી હવા માણવી હોય તો એક જ સ્વિચને સહારે થોડીજ સેકન્ડમાં ગાડીની ઉપરની છત આપોઆપ વળી જાય એવી અતિઆધુનિક યાંત્રિકતાવાળી ! જાણે રસ્તામાં ચાલતું દોડતું નાનકડું ઘર..

સંપૂર્ણ એસીની ઠંડક વચ્ચે પણ માલિકનો ચ્હેરો પરસેવે રેબઝેબ હતો. ગાડી ચલાવતી આંખો વારે ઘડીએ આંખોની તદ્દન સામે ડેસ્ક પર ગોઠવેલ એક નાનકડા ડબ્બા ઉપર મંડાઈ રહી હતી. આધુનિક ગાડીની અંદર એ ડબ્બોજ એકમાત્ર પ્રાચીન સમયની નિશાની રૂપ કોઈ અર્વાચીન સંગ્રહાલયમાં ગોઠવાયેલ ઐતિહાસિક કિંમતી સંગ્રહની છાપ ઉપસાવી રહ્યો હતો. ડબ્બા ઉપરનું કોતરકામ પોતાના સમયની પ્રાચીન કલાત્મક કારીગરીનો નમૂનો દર્શાવી રહ્યું હતું. એની અંદર સચકાયેલા દાગીનાની કિંમત આગળ આ ગાડીની આભસ્પર્શી કિંમત તો નહિવત ! સમાજનું ગણિત પણ કેવું વિચિત્ર માનવી જેટલા આધુનિક એટલી જ એમની કદર કિંમત ઊંચી જયારે એમની મિલ્કત - મકાન, જમીન, દાગીનાઓ, ફર્નિચર જેટલા પ્રાચીન એટલી જ એની કિંમત ને કદર વધતી જાય !

સામે રખાયેલો આ દાગીનો પરંપરાગત પેઢી દર પેઢી વર્ષોના વર્ષ પોતાની કિંમતમાં અનન્ય વધારો કરતો નવી પેઢીઓ તરફ આગળ વધતો અહીં સુધી પહોંચ્યો હતો. એને ધરાવનાર કેટલો ભાગ્યશાળી અંકાય એનાથી માહિતગાર માલિકની આંખોમાં ગર્વ અને ખુશી તો સહજ હતી પણ ચિંતા ઘભરાહટ તણાવ અસુરક્ષાના ભાવો એનાથીયે બમણા...આખરે જેનો ડર હતો એજ થયું... મોબાઈલ રણકવા માંડ્યો.. સામે મોબાઈલ સ્ટેંડ પર ગોઠવેલા મોબાઈલની સ્ક્રીન ઉપર નાના ભાઈની તસ્વીર ઉપસી આવી. અચાનકજ ગાડીની ઝડપ પણ વધી ગઈ. મોબાઈલની સતત વાગી રહેલ રિંગટોનથી જાણે સ્ટિયરિંગ સંભાળતા હાથો વધુ ઝડપે ફરી રહ્યા. કંઈ પણ થઈ જાય મોબાઈલને અડકવાનો જ નથી. કોઈ ઉત્તર કે પ્રતિક્રિયાનો અવકાશ જ નથી. હાઇવે પર સડસડાટ ભાગતી આ ગાડી તો હવે સીધી અન્ય શહેરના પ્રખ્યાત દાગીનાના શો રૂમમાંજ પહોંચી અટકશે. જ્યાં આ દાગીનાનો સોદો કરી એનાથી હાથ લાગનાર એક કલ્પનાને પરે કિંમત પોતાની રાહ જોઈ રહી હતી. પોતાના ધનવાન જીવનને હજી વધુ ધનવાન, આલીશાન, ભવ્ય, રુઆબદાર ને રાજાશાહી બનવામાં થોડા જ કલાકનું અંતર બચ્યું હતું. 

નાના ભાઈ જોડે જે વાત કરવી હતી એતો થઈ ચૂકી. માતા પિતાના અવસાન પછી બધીજ સંપત્તિ બે સરખે ભાગે વહેંચાય ગઈ હતી. મકાનો, હોટેલ, બંગલા, બિઝનેસ, જમીનો ...બધું જ....એક આ દાગીનો હજી પણ બે ભાઈઓ વચ્ચે દીવાલ બની ઉભો બોલી રહ્યો હતો :

"આ વીંટી બાપુજીએ મને ભેટમાં આપી દીધી હતી."

"તો એ માટે કોઈ પુરાવા, કાગળિયા કંઈ તો હશે આપની પાસે ?"

"એક પિતા પુત્રને ભેટ આપવા માટે પુરાવા ન બનાવે !"

"બાપુજીની માંદગીનો લાભ લઇ આવી સ્વાર્થ યુક્ત ને હીન પ્રયુક્તિઓ યોજવી એક પુત્ર ને ન શોભે...."

"મોટાભાઈની મિલ્કત ઉપર સ્વાર્થ ને લાલચભરી નજર માંડવી નાના ભાઈને શોભે ??"

"મોટાભાઈનું માન જાળવ્યું છે એટલે જ અહીં ઉભો છું. નહિતર મારો વકીલ આપની જોડે વાત કરી રહ્યો હોત..."

"તું મને અદાલતની ધમકી આપી રહ્યો છે ? પોતાના મોટા ભાઈ સામે ઉભો થશે એક દાગીના માટે ?"

"એક દાગીના માટે જો મોટોભાઈ ગમે તેવા ગેરકાનૂની વલણ દ્વારા નાનાભાઈ નો હક મારતા ન શરમાય તો નાનાભાઈને વળી કેવી શરમ ?"

"તો સાંભળી લે આ દાગીનો મને ભેટમાં મળ્યો છે. હું એને વેચવા જઈ રહ્યો છું. જોઉં છું તું મારુ શું બગાડી લઈશ ?"

"ને હું પણ જોઉં તમે આ દાગીનો કઈ રીતે વેચશો ? એના ઉપર મારો પણ એટલો જ અધિકાર છે. હું પણ આ પરિવારનો વારસદાર છું. મારો હક હું મેળવીનેજ રહીશ. સીધા રસ્તે નહિતર...."

"નહિતર શું?"

મોબાઈલની એક ધારી રિંગટોન અને નાના ભાઈની મોબાઈલ સ્ક્રીન પર ઉપસી આવેલ તસ્વીર જાણે એકસરખો પડઘો પાડી રહી : " નહિતર, નહિતર, નહિતર..."

ચ્હેરા પરનો પરસેવો સાફ કરવા ટીશ્યુ પેપર કાઢવા હાથ ઊઠયો જ કે પાછળથી એક પ્રચંડ ટ્રકની ઠોકરથી આખી કાર ઉછળીને પલટાઈ ગઈ. ગાડીના કાચ ચૂરેચૂરા થઈ ગયા. ગાડી અનેક પલટીઓ ખાતી એક વૃક્ષ સાથે જઈ ઠોકાઈ. સ્ટિયરિંગ પાસેથી ઉછળીને પટકાયેલું માનવશરીર કાંચથી વીંધાઈ લોહીલુહાણ મૃત લટકી રહ્યું. રાત્રિના અંધકારમાં અકસ્માતનો શિકાર થયેલી ગાડી પાસે પુલીસની ટુકડી આવી પહોંચે એ પહેલા જ ટ્રકના ડરાઇવરને એ મૃત શરીરના નાના ભાઈ તરફથી મળેલ આદેશ અનુસાર એણે આખી ગાડીને આસપાસનો વિસ્તાર ઝીણવટથી તપાસી નાખ્યો. પણ એને આપવમાં આવેલી માહિતીને વર્ણન અનુસાર કોઈ નાનકડો ડબ્બો હાથે ન ચઢ્યો. પુલીસનું સાઇરેન સાંભળતાજ એ ટ્રક લઇ ભાગી નીકળ્યો. 

સૂર્યોદયની સાથે પુલીસ કાર્યવાહી સમેટાઈ ગઈ. અકસ્માતનો કેસ નોંધાઈ ગયો. મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવાયો. ટ્રક ડરાઇવરની શોધ આરંભાઈ ગઈ અને એ રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે મોકળો કરી દેવાયો. જાણે એ રસ્તામાં કોઈ બનાવ જ ન બન્યો હોય ! વહેલી સવારે રસ્તા પર કચરો વીણી રહેલા બે નાનકડા ગરીબ હાથો પોતાનાથી પણ ઊંચા કદના થેલાને ખેંચતા ત્યાં આવી પહોંચ્યા. પેટ ભરવા માટે થેલો ભરવો અનિવાર્ય હતો. નકામી વસ્તુઓ વચ્ચેથી ઉપયોગી વસ્તુઓ વર્ગીકૃત કરવા ટેવાયેલા એ બાળ હાથો પોતાની 'માઇક્રોસ્કોપ' આંખોની મદદ વડે રસ્તાના આસપાસની નાનામાં નાની ફેંકાયેલી વસ્તુઓનું અવલોકન કરતી આગળ વધી રહી હતી. થોડે દૂર કંટક વાળી ઝાડીમાં ફસાયેલાં એક વિચિત્ર ડબ્બા પર એની નજર મંડાઈ. આમ આવી રીતે રસ્તાથી દૂર ખૂણામાં ઉગી નીકળેલ ઘાંસમાં એ ડબ્બો કઈ રીતે આવી પડ્યો હશે ? એની અંદર શું હશે ? સાવચેતીથી ડબ્બો ખોલી રહેલ એ ગરીબ બાળ આંખોની વિહ્વળતાને વેધતો એક ચમકતો દાગીનો ડબ્બામાં ઝળહળી રહ્યો. એનો ચળકતો પ્રકાશ ઉદ્દગારચિન્હ સમા એ બાળ ચ્હેરાને પણ ચમકાવી રહ્યો. પોતાના થેલાને ત્યાંજ પટકતો છોડી એ ડબ્બો લઇ ડોટ મૂકી રહ્યો. એ ડબ્બાને ક્યાં લઇ જવો એ સારી પેઠે જાણતો હતો. હાંફતી અને ફૂલેલા શ્વાસો જોડે એ બજારમાં આવી પહોંચ્યો. જુના સામાનની ખરીદી વેચાણની દુકાનનો માલીક એના આવવાની ઝડપથી જ કળી ગયો કે આજે ફરીથી કંઈક કામની ચીજ હાથ લાગી છે ! કોઈની નજરે ન ચઢાય એ રીતે કાઉન્ટરની નીચેથીજ એણે શીખવ્યા પ્રમાણે શેઠને ચોરી છુપે ડબ્બો થમાવ્યો. ડબ્બો ખોલતાંજ શેઠની દ્રષ્ટિ પહોળી થઇ. સામે ઉભેલા નાનકડા હાંફતા શરીરને બસો રૂપિયા થમાવી આંખોના ઈશારાથીજ જતા રહેવાનો આદેશ છોડી શેઠે એ અતિમૂલ્યવાન કિંમતી પ્રાચીન દાગીનાને ગજવામાં ચોરીછૂપે સરાવી દીધો.

૨૦૦ રૂપિયા હાથ લાગતાં જ એ નાનકડું શરીર ફરીથી ડોટ મૂકી રહ્યું. બજારમાં આવેલ એક નાનકડી હોટેલના કાઉન્ટર પર ૨૦૦ રૂપિયા આપી એમાંથી જેટલું જમણ આવરી લેવાય એના પડીકાઓ બઁધાવી એક જ શ્વાસે ખુશીથી ઉછળતું ભાગ્યું. થોડીજ મિનિટોમાં પોતાના ઝુપડપટ્ટી વિસ્તારની ગંદકીને દુર્ગન્ધની વચોવચ આવી થોભ્યું. આમતેમ દોડી રહેલા પૂર્ણ નગ્નને અર્ધ નગ્ન બાળકો વચ્ચેથી એક ચ્હેરાને શોધી પોતાની જોડે હાથ તેડી લઇ ગયું. થોડે દૂર જઈ એકાંતમાં કોઈ જોઈ ન લે એ રીતે બધા પડીકા ખોલી પોતાના નાના ભાઈને ગોદમાં લઇ એક પછી એક કોળિયા મોઢામાં ઉતાવળે મુકવા લાગ્યું. પોતાની ૨૦૦ રૂપિયાની મોટી કમાણીમાંથી બે અનાથ ગરીબ બાળકો ખુશી ખુશી પોતાનું પેટ ભરી રહ્યા. નાના ભાઈના ચ્હેરા પરનું સ્મિત જોઈ મોટાભાઈની છાતી ગર્વથી ફૂલી રહી. આ સ્મિત જ તો એનું જીવન, પોતાનો ભાઈ જ તો પોતાના જીવનનો કિંમતી દાગીનો...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy