Prashant Subhashchandra Salunke

Abstract Horror Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Abstract Horror Fantasy

ચરરર... ચરરર...

ચરરર... ચરરર...

4 mins
436


“ચરરર... ચરરર...”

“ચરરર... ચરરર...”

“ચરરર... ચરરર...”

ઓરડાના અંધકારમાં “ચરરર... ચરરર...”ના અવાજ વચ્ચે અવિનાશનો પસ્તાવાભર્યો સ્વર સંભળાયો, “ઉફ ! આ હું શું કરી બેઠો ?”

ફાનસની લપકઝપક થતી જ્યોત સ્થિર થતાં ઓરડામાં ઝાંખું અજવાળું થયું. બહાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે સવારથીજ વીજળી ગુલ થઈ હતી. જે મોડી સાંજ થઈ હોવા છતાંયે હજુ પાછી આવી નહોતી.

પવનના જોરદાર સૂસવાટાને કારણે ઓરડાની બારીઓ દીવાલ સાથે ભટકાઈ રહી હતી. પડદાઓ પણ મસ્તીએ ચઢ્યા હોય તેમ હવાની લહેરખીના તાલે લહેરાઈ રહ્યા હતા. આ માહોલમાં “ચરરર... ચરરર...”નો અજુગતો અવાજ ઓરડામાં અવરિતપણે ગુંજી રહ્યો હતો.

ઓરડામાં ઊભેલ અવિનાશની નજર ભટકાતી બારીઓ અને લહેરાઈ રહેલા પડદાઓ પર ગઈ. બારીને બંધ કરવાના ઈરાદે આગળ વધેલા અવિનાશના પગ અચાનક થંભી ગયા. કંઈક વિચારી તેણે પોતાની હથેળીઓ પર નજર ફેરવી અને બારી પાસેથી બે ડગલા પાછળ ખસી ગયો. આમ કરવા જતા તેણે પાછળ વળીને જોયું અને તેની નજર ભોંય પર પડેલી ખુરશી પર ગઈ. અવિનાશ ખુરશીને ઉઠાવવા સહેજ નમ્યો જ હતો ત્યાં અટકી ગયો. અને ખુરશીને જોતાજોતા ઓરડામાં આવેલી બીજી ખુરશી પર જઈને બેઠો.

“ઉફ ! આ હું શું કરી બેઠો ?” લમણે હાથ મુકતા અવિનાશ બબડ્યો.

“ચરરર... ચરરર...”નો અવાજ ઓરડામાં નિરંતર ગુંજી રહ્યો હતો. અચાનક આસમાનમાં વીજળી ઝબૂકી અને તેના પ્રકાશમાં અવિનાશના ચહેરાની તંગ રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ.

અવિનાશ સ્વગત બબડ્યો, “થોડોક વરસાદ પડે કે વીજળી ગુલ ! આ તો સારું થયું કે મેં પહેલેથી ફાનસ પ્રગટાવી રાખ્યું હતું. નહીંતર !”

“ચરરર... ચરરર...”નો અવાજ કાને પડતા અવિનાશે બેચેનીથી ખુરશી પર પડખું બદલ્યું. બહાર વરસાદે તોફાન મચાવ્યું હતું અને અહીં વિચારોના વમળોએ અવિનાશના મસ્તિષ્કમાં ! શાંતિ મેળવવાના ઈરાદે અવિનાશે આંખ મીંચી જ હતી ત્યાં પૂર્વે કહેલું તેની પત્નીનું વાક્ય તેના માનસપટ પર ગુંજી ઊઠ્યું, “અવિનાશ, તમારે અમારા બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવી જ પડશે. એક મ્યાનમાં હવે બે તલવાર રહી શકશે નહીં.”

અવિનાશે વિહવળ બની આંખો ખોલી અને ઓરડામાં ચોમેર નજર ફેરવી જોઈ.

“મન થાય છે કે તમારી માતાનું ગળું દબાવી હંમેશ માટે તેમનાથી છુટકારો મેળવી લઉં. સાંભળો છો ? તમે કશું કરવાના છો કે પછી મારે જ કશું કરવું પડશે ?”

જૂની યાદો નાસૂર બની અવિનાશને તડપાવી રહી હતી. ઓરડામાંનો “ચરરર... ચરરર...” અવાજ તેને બેચેન બનાવી રહ્યો હતો. કાન પર જોશથી હાથ દબાવી અવિનાશે મસ્તિષ્કમાં ઉદભવી રહેલા સંવાદોના તોફાન પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ સઘળું વ્યર્થ ! હવે તેના માનસપટ પર માતાનો સ્વર ગુંજ્યો.

“બેટા, ઘરમાં ચાલતી આ રોજ રોજની કચકચથી હું ત્રાસી ગઈ છું. તું તારી પત્નીને છૂટાછેડા કેમ આપી દેતો નથી ?"

તેજ હવાને કારણે બારીના પડદા જોરથી ફફડ્યા. “ચરરર... ચરરર...”ના અવાજની તીવ્રતા વધી. અવિનાશે કાન પર જોશથી હાથ દબાવી શાંતિ મેળવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ અવાજો તેનો પીછો છોડવા જ માંગતા નહોતા.

“ચરરર... ચરરર...”

અવિનાશને પત્નીના વેણ યાદ આવ્યા.

“હવે મારાથી સહન થતું નથી. મને આ ડોસલીથી છુટકારો જોઈએ.”

“ચરરર... ચરરર...”

માતાના શબ્દો અવિનાશના અંતરમનમાં ગુંજી ઊઠ્યા.

“બેટા, હવે બહુ થયું. તું છૂટાછેડા આપી દે તો એ કમજાતથી આપણા સહુનો છુટકારો થાય.”

“ચરરર... ચરરર...”

“તમારી માતાએ આજે શું કર્યું ખબર છે ?”

“ચરરર... ચરરર...”

“બેટા, આજે તારી બૈરી ફરીથી મારી સાથે ઝઘડી પડી.”

“ચરરર... ચરરર...”

“અવિનાશ, હું તો તારી માતાથી ત્રાસી ગઈ છું.”

“ચરરર... ચરરર...”

“બેટા, હું તો તારી બૈરીથી કંટાળી ગઈ છું.”

“ચરરર... ચરરર...”

“અવિનાશ, તમે કશું કરતા કેમ નથી ?”

“ચરરર... ચરરર...”

“બેટા, તું કશું કરતો કેમ નથી ?”

“ચરરર... ચરરર...”

અવિનાશ કાનને જોશથી દબાવવાના પ્રયાસમાં ભોંય પર ફસડાઈ પડ્યો. “ચરરર... ચરરર...”નો અવાજ તેને ઘેરા પશ્ચાતાપની લાગણીમાં સેરવી રહ્યો.

“ઉફ ! આ મેં શું કર્યું ? પરંતુ હું પણ શું કરું ? હું લાચાર હતો. મારી પાસે આના સિવાય બીજો કોઈ માર્ગ પણ બચ્યો નહોતો.” અવિનાશ સ્વગત બબડી ઊઠ્યો. પારાવાર વેદનાથી તેનો ચહેરો તંગ થઈ રહ્યો હતો.

“હે ઈશ્વર ! મને માફ કર. ન હું પત્નીને છોડી શકતો હતો. ન માતાને તરછોડી શકતો હતો. મારી પાસે આના સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. સૂડી વચ્ચે સોપારી જેવી હાલતથી હું તંગ આવી ગયો હતો. અને નછુટકે...”

આંખમાં આવેલ અશ્રુને લૂછતાં લૂછતાં અવિનાશે નજર ઊઠાવી ઉપર તરફ જોયું.

ઓચિંતી આસમાનમાં વીજળી ચમકી. તેના ઝબકારમાં બેડશીટના ફાંસા વડે પંખા પર “ચરરર... ચરરર...”ના અવાજ સાથે ઝૂલી રહેલો અવિનાશનો મૃતદેહ દ્રષ્ટિગોચર થયો.

અશ્રુભીની આંખે પોતાના મૃતદેહને જોતાજોતા જ અવિનાશનો આત્મા ધીમેધીમે ઓઝલ થવા લાગ્યો, “નછુટકે દુનિયાથી વિદાય લઈ મેં સઘળી સમસ્યાઓથી સદાય માટે મેળવી લીધો છુટકારો.”

પવનની તેજ લહેરખીમાં ફંદા પર લટકી રહેલ અવિનાશનો મૃતદેહ હાલક ડોલક થઈ રહ્યો. ફાનસનું તેલ ખલાસ થવાને કારણે તેની જ્યોત લપકઝપક થઈ બુઝાઈ ગઈ. બહાર લપક ઝપક થતી વીજળીમાં ઓરડાના અંધકારમાં માત્ર ગુંજી રહ્યો હતો અવાજ.

“ચરરર... ચરરર...”

“ચરરર... ચરરર...”

 “ચરરર... ચરરર...”


Rate this content
Log in

Similar gujarati story from Abstract