ચોરીનું પ્રાયશ્ચિત
ચોરીનું પ્રાયશ્ચિત
ત્રણ દાયકા પહેલાં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા અંબાલાલ વતનની વાટે જઈ રહ્યો છે. તે બાર વર્ષનો હશે તે સમયે ઘરે આવેલા મહેમાનના પેન્ટના ખિસ્સામાં એક રૂપિયાની કડકડતી નોટ નજરે પડતાની સાથેજ ઘરની બાજુમાં દુકાને મળતી પીપરમીન્ટની ગોળીએ તેને લલચાવ્યો હતો.
'એક રૂપિયાનું મૂલ્ય આજના સમયે...' વિચારતા તેણે વ્યાજ સહિત તેમજ પશ્ચાતની મૂડી સાથે એક બંધ કવર તૈયાર કરી દીધું.
ગાડી એક નાની ઝૂંપડી પાસે આવીને ઊભી રહી. શહેરમાંથી આવેલી ગાડીની આજુબાજુ ટોળું ભેગું થયું.
'અહીં નાનુ ક્યાં રહે છે ?!
'કોણ ?! ટોળું અંબાલાલ તફર જોઈ રહ્યું.
'નાનુ ખાલપા...' બધા એક બીજા સામે જોઈ રહ્યા.
ટોળામાંથી એક વૃદ્ધ આગળ આવી બોલ્યો;'હા...હા.. નાનીયો ! અંબાલાલને આશા જાગી.. 'હા...હા..'
'એરે તેને મર્યાને તો વરસો થયા મારાભાઈ. તે પછી તો કંકુડી પણ મરી ગઈ બિચારી. હવે તો તેનું અહીં કોઈ નથી !
'હેં…??! અંબાલાલને આંચકો લાગ્યો તે પળવાર માટે હાથમાં રહેલું પેલું કવર જોઈ રહ્યો. 'હવે...આ..?!
શહેરથી જે આશા સાથે નીકળ્યો હતો તે આશા ઠગારી નીવડી. તે નિરાશ થઈ ફરી પાછો શહેર તરફ રવાના થયો.
'કોણ હશે ?' ટોળું અંદર અંદર ગણગણી રહ્યું !
