ચમત્કાર
ચમત્કાર
મંદિરમાં જઈ બંને નતમસ્તકે 'જય જગન્નાથ... જય જગન્નાથ... ' બોલી આશીર્વાદ લેતા. આ તેમનો નિત્યક્રમ રહ્યો. પણ તે પછી શહેરની પોળમાંથી નીકળી પોશ એરિયામાં દીકરા સાથે રહેવા જતા આ પોળનાં લોકોને તેમજ મંદિર છોડવાનું તેમને પારાવાર દુઃખ થયું હતું.
શરૂ શરૂમાં અવારનવાર મંદિરે આવી બંને દુઃખ હળવું કરતા. શરૂઆતના દિવસોમાં દીકરો મંદિરે દર્શન કરાવવા લઈ આવતો. તે પછી તે તેની પળોજણમાં વ્યસ્ત થતા બંને એકબીજાને સહારે આવી દર્શન કરી વડલાની છાયામાં બેસી જૂનાં સંસ્મરણોને વાગોળતા!
પોળમાં પસાર થયેલા દિવસો એક પછી એક ચલચિત્રોની જેમ દેખાતા... જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવતી અથવા તો સવિતા મુંજાતી એટલે દિલીપ ખડખડાટ હસી હસીને મુંઝવણ દૂર કરતો.
દિલીપનો ભૂલકણો સ્વભાવ છે જ્યારે સવિતાનો ચીવટવાળો અને કોઈ પણ વાત બારીકીથી જોવાવાળો સ્વભાવ તે કારણે હંમેશા નાની નાની વાતે ચિંતા કરવા બેસી જતી. ત્યારે દિલીપ વાત હળવી કરતા ખડખડાટ હસી પડતો.
એકવાર બંને જગન્નાથ મંદિરની સામેની દુકાનેથી પૂજાની સામગ્રી લઈ રહ્યા હતા. બધો સામાન પેક થયો ત્યાં સવિતા બોલી;' બિલ ચૂકવી દો..'
'હું ક્યાંથી ચૂકવું... બધા પૈસા તો તમારી પાસે છે. બોલતા દિલીપ ખડખડાટ હસી પડ્યો.
'કેમ ભૂલી ગયા... ઘરેથી નીકળતા મારું પાકીટ મેં તમને સાચવવા આપ્યું હતું?!
દિલીપે બંડીમાં હાથ નાખી પાકીટ કાઢ્યું ને ફરીથી એ જ અદામાં ખડખડાટ હસી પડ્યો.
બિલ ચૂકવી મંદિર તરફ આગળ વધ્યા. ત્યાં સવિતા ગંભીર સ્વરે આંખો ભીની કરતા બોલી;'આ તમારો ભૂલકણો સ્વભાવ ક્યારેક મને ન ભૂલી જાય તો સારું?! ફરી વાત ને હળવી કરવા મથતો હોય તેમ દિલીપ ખડખડાટ હસતો રહ્યો.
જોત જોતામાં આઠ દાયકા થયા. આ દરમિયાન કંઈ કેટકેટલાય ખેલનો સાક્ષી મંદિરનો વડલો રહ્યો.
દીકરો તેની અનુકૂળતા ન રહેતા બંને માટે અવારનવાર પ્રવાસ ગોઠવતો રહેતો અને બંને એકબીજાના સહારે ફરી આવતા.
અને આજ રીતે એકવાર સાથે નીકળેલા બંને... પાછા ફર્યા ફર્યા ત્યારે... સવિતા એકલી રહી!
વડલા ઉપરથી એક પાન સવિતાના ખોળે પડયું.
તેણે ઉપર જોયું જગન્નાથ ભગવાનને શરણે આવ્યા ને એક દાયકો પૂરો થવા આવ્યો હશે!
હવે તેણે આશા છોડી દીધી હતી પણ જગન્નાથ ઉપર શ્રદ્ધા હતી અને આ શ્રદ્ધાને સહારે તે જીવી રહી છે. દીકરો-વહુ મંદિરમાં દર્શન કરવા ગયા છે. તે વડલા નીચે વિહિલચેર ઊપર બેસી એકલી એકલી બબડતી રહી!
'ક્યાં હશે મારો આ ભૂલકણ? જીવતો... હશે કે...?! તે આગળ વિચારી ન શકી.
તે સાથે વડ ઊપરથી ખોળામાં પડેલા પાનને હાથમાં લઈ પસવારી રહી છે...
ત્યાં જ જાણે કોઈ "ચમત્કાર" થયો હોય તેમ દૂરથી એજ ખડખડાટ હાસ્ય સંભળાયું...
તે વિહ્વળ થઈ આશા ભરી નજરે તે તરફ જોઈ રહી..!