ચલ મળીયે
ચલ મળીયે
રવિવારનો દિવસ હતો. સવારના ચા-પાણી થઈ ગયા હતા. હું ઘરની ગેલેરીમાં હીંચકે બેઠા બેઠા ઝૂલતા એક બુક વાંચી રહ્યો હતો "કંઈક અધૂરું". બુક વાંચતા વાંચતા તેના કોઈ એક પાને નામ આવ્યું "સ્વરા". બસ જ્યાં જ્યાં સ્વરાંનું નામ હું જોઉં ત્યારે ત્યારે મારા દિલમાં આ જૂની ગુંચવાયેલી યાદોનો છેડો છૂટી જતો હતો. એનું નામ જોઈને જ મારા મનમાં એ ખોવાયેલી પ્રેમની લાગણીઓ પાંગરી ઉઠતી હતી. એવો પ્રેમ કે જે બન્ને બાજુથી થયો જ નહીં બસ એક તરફનો રહી ગયો.
એટલે મારી તરફથી બધું જ હતું પણ તેના તરફથી કાઈ નહોતુ. તેને કદાચ લાગણી હોઈ પણ શકે પણ તેને ક્યારેય આ લાગણીને નથી સ્વીકારી કે નથી મને જણાવી અને તે મારી લાગણીને સમજતી હતી કે નહીં હવે આ પણ સ્વરાને જ ખબર. કદાચ મારી પ્રેમની લાગણીને એનો સ્વીકાર નહોતો એટલે મને એવું લાગતું હશે કે તેને કંઈ જ નથી.
આજે તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા. આ 3 વર્ષમાં અમે સોશ્યિલ મીડિયા મારફતે જ વાત કરીએ અને મળીયે છીએ. થોડીવાર એકબીજાના હાલ હવાલ પુછાય અને થોડીવાર ખામોશી છવાય જાય અને આમ જ અમારી આ વાતનો અંત આવી જાય. પછી વળી એ જ યાદોને વાગોળીને મારે તેની સાથે વાતો કરવી પડતી હોય છે. સાચે જ કંઈક અધૂરું હતું અને એ અધૂરું બીજું કાંઈ નહિ પણ સ્વરા મારી ઝીંદગીમાં નહોતી એ જ. સ્વરાને ડર હતો સમાજના લોકોનો, પરિસ્થિતિનો કે તે આ બધાનો સામનો કરી શકશે કે નહીં અને આ ડર ના લીધે જ આ હારી ગયી અને બધું જ અધૂરું રહી ગયું.
મનમાં ઘણીવાર એવું થાય છે કે ચલને તેને ફોન કરીને વાત કરી લઉં તેની જોડે. વાત કરીને કહું કે એકવાર તો મળવા આવ મને. મારે મળવું છે તને પણ બીજી જ પળમાં એવો વિચાર પણ આવે કે એની જોડે વાત કરીને હું
શુંં કરીશ?, ચાલ તે મળવા માટે પણ માની જશે પણ મળીને હું કરીશ શુંં?
શું કરીશ હું તેને મળીને? હું મળવા આવીશ તેને પણ એ જ નહીં આવે તો? ચલ તે મળવા આવશે મને અને વળી એને જોઈને મને તેની સાથે પ્રેમ થઈ જશે અને તેને વળી પાછો પ્રેમ નહીં થાય મારી સાથે. કેટલુંય કહેવું છે મારે મારી સ્વરાંને કે જે મેં વર્ષો સુધી આ દિલમાં દબાવીને રાખ્યું છે પણ હું તેને જોઈને બધું જ ભૂલી જઈશ, એક પણ શબ્દ નહીં નીકળી શકે. એક ચુપ્પી એક ખામોશી છવાય જશે અને તે વળી પાછી મારી ખામોશીને નહીં સમજી શકે, અને એ શબ્દો બોલાયેલા વિના જ રહી જશે.
ખૂબ રડવું છે મારે તેને મળીને પણ મળશુંં ત્યારે એક આંસુ પણ નહીં પડે. મને એ ડર છે કે મારાં આંસુડાં જોઇને આ વળી પાછી તૂટી જશે. કેટલીય બધી વાતો કરવી છે મારે તેને મળીને પણ હું તેને જોઈને કઈ જ નહીં બોલી શકું. બસ આ દિલમાં રહેલી વાત દિલમાં રહી જશે અને પછી બંને પોતપોતાના રસ્તે. સ્વરા પોતાના રસ્તે પોતાના લગ્નજીવનમાં ખોવાય જશે અને મારી શબ્દો સાથેની લડત ચાલુ થઈ જશે.
મનમાં આવા કેટલાય સવાલો અને વિચારોના વમળ છવાઈ ગયા અને ફોન કરવા માટે હાથમાં લીધેલો ફોન પાછો ટેબલ પર મૂકી દીધો. તરત જ ફોનમાં રિંગ વાગી અને સ્ક્રીન પર નામ હતું સ્વરા. મારુ દિલ ધબકારો ચુકી ગયું, ધડકનો વધી ગયી, આંખ ભીની થઈ ગઈ અને હૃદય ભારે થઈ ગયું અને ભારે હૈયે એનો ફોન મેં રિસીવ કર્યો.
હું કઈ પણ બોલું એ પહેલાં જ સ્વરા બોલવા માંડી,"ચલને મળીયે ફરી કોઈ જ કારણ વિના, કોઈ જ આશા નહીં રાખીયે એકબીજા પર પ્રેમની, બસ દિલમાં દબાવેલી વાતોને એકબીજાને દિલ ખોલીને કહી દેશું,પ્રેમ થશે ફરીથી તો કરી લઈશુંં, ચલ મળીયે ફરીથી !"