mariyam dhupli

Horror Crime Thriller

4  

mariyam dhupli

Horror Crime Thriller

છૂટકારો

છૂટકારો

25 mins
449


ચાની તપેલી પર એની કડક નજર હતી.

" વધુ ઉકળેલી ચા ઘરમાં કોઈને ગમતી નથી અને ઝડપથી ઉતારી લેવાયેલી ચા તરફ કોઈ જોતું નથી."

કાદંબરી દરરોજની જેમ એકલી એકલી બબડાટ કરી રહી હતી. એ જાણતી હતી કે એનો બબડાટ સાંભળવાનો કોઈની પાસે સમય ન હતો. બંને કાન વોશિંગ મશીનનો એલાર્મ ગૂંજી ઉઠવાની રાહ જોઈ રહ્યા હતા.

" ધોવાઈ જાય તો ઝડપથી ધાબે સૂકાવા મૂકી આવ. આ મહેરબાન થયેલો સૂર્ય ખબર નહીં ક્યાં સુધી મારી રાહ જોશે ? જો ફરીથી વાદળોનો મિજાજ બદલાયો તો થઈ રહ્યું. અર્ધા સૂકાયેલા કપડાંઓની દુર્ગંધથી સાચે જ માથું ફાટે છે. "

ગેસ બંધ કરી, ધોવાઈને સ્વચ્છ થઈ રાહ જોઈ રહેલી પ્યાલીઓમાં એણે અનુભવને આધારે એકસરખી માત્રામાં

ચા રેડી મૂકી. એ જ સમયે વોશિંગ મશીનનો એલાર્મ કાનમાં ગૂંજી ઉઠ્યો. થાકવાળો વિચિત્ર હાશકારો કાદંબરીના શરીરના હાવભાવોમાં ડોકાઈ ગયો. વોશિંગ મશીન તરફ ધસી જવાની લ્હાયમાં થોડા ડગલાં એ દિશા તરફ ઉઠ્યા જ કે પાછળ નાસ્તા પછી પ્લેટફોર્મ પર ફેલાયેલી અરાજકતા વચ્ચે મોઢામાંથી વરાળ નીકાળી રહેલી ચાની પ્યાલીઓ જાણે એને ઠપકો આપી રહી હોય એમ એમની તરફ શરીર વાળતા એણે એમની જોડે વાર્તાલાપનો સેતુ રચ્યો.

" અરે, ઠીક છે. પહેલા બધાને ચા આપી આવ. નહીંતર બધા મળીને જીવ લેશે. "

એક થાકેલી નજર પ્લેટફોર્મ પરની અરાજકતા અને દૂર ઉભેલા વોશિંગ મશીન તરફ નાખી મોઢું વાંકુ કરી એણે ચાની ટ્રે હાથમાં ઊંચકી લીધી.

" છ સભ્યોનો પરિવાર. પણ ઘરનું બધું જ કામ એક જ સદસ્યના માથે. હે ભગવાન, શું આ અન્યાય નથી ? "

રસોડાના એક ખૂણામાં સજેલી ઈશ્વરની મૂર્તિ પર એણે નજર કરી. દરરોજ જેમ એના પ્રશ્નનો કોઈ ઉત્તર પરત થયો નહીં. અને ઉત્તરની કોઈ આશા પણ ન હોય એમ પટકાઈ પટકાઈને ઉપડી રહેલા પગ જોડે એ રસોડામાંથી બહાર નીકળી ગઈ.

"ચા તૈયાર ...."

નાનકડા ફ્લેટના થોડા જ ડગલામાં સમાપ્ત થઈ જતા અતિ નાના બેઠકખંડમાં એની નજર ચારે તરફ ઉતાવળમાં ચક્કર કાપી રહી. એક તરફ યુનિફોર્મમાં સજ્જ બે આઠેક વર્ષની નજીકની આયુની છોકરીઓ ટીવી પર પ્રસારિત કાર્ટૂનમાં ધ્યાન પરોવી બેઠી હતી તો બીજી તરફ સમાચાર પત્ર થામી આરામખુરશી પર નિરાંતે લંબાયેલ એક વૃદ્ધ પુરુષ અને એ આરામખુરશીની નજીક ભીંત પર સુશોભિત ઈશ્વરની છબી સામે હાથ જોડી ઉભેલી એક વૃદ્ધ સ્ત્રી. પરિવારનો એક સભ્ય ગાયબ હતો.

થાકથી છુટેલી રીસ જોડે હાથમાંની ચાની ટ્રે ખૂણાના જર્જરિત થવાની તૈયારીમાં હોય એવા જુના લાકડાના ટેબલ પર મૂકી એણે રસોડાની દિશામાં ડોટ મૂકી. એના ભીંસાયેલા દાંતનો અવાજ ખોબા જેવા બેઠકખંડની દરેક દિશામાં ફરી વળ્યો. રસોડાના પ્લેટફોર્મ પર તૈયાર કરી રાખેલ ટિફિનના ડબ્બાને એક જ શ્વાસે ઉઠાવી એણે બેઠકખંડમાંથી વીજળીની વેગે બહાર નીકળી એપાર્ટમેન્ટની દાદરો પર છલાંગ લગાવી. હાંફતા શ્વાસ જોડે નીકળેલી ચીખથી મહોલ્લો ધ્રૂજી ઉઠ્યો.

" કબીર ... ટિફિન ... "

સાધારણ છતાં સ્વચ્છ ઈસ્ત્રી કરેલો શર્ટ અને ઘસાઈને જૂની થયેલી છતાં અનન્ય માવજતથી આબરૂ સચવાઈ ગયેલી પેન્ટ એક સાથે રસ્તા વચ્ચે થંભી ગયા. ટિફિન પર રીતસર તરાપ મારી થોડા જ સમય માટે બસસ્ટોપ પર થોભવાની મહેરબાની કરતી બસની દિશામાં ઉપડેલા ડગલાઓ જાણે આસપાસના વિશ્વથી સંપર્ક ગુમાવી બેઠા હતા. ન આંખોનો સંપર્ક થયો, ન શબ્દોનો, ન હૃદયનો. કોઈ પણ સંપર્ક માટે નફ્ફટ સમયે દરરોજ જેમ અનુમતિ ન આપી. અથાગ મહેનત બાદ ' આભાર ' શબ્દ સાંભળવાની હવે ટેવ રહી ન હતી, ન કોઈ આશ.

બાળકોને ઠૂંસીને ભરવામાં આવેલી રીક્ષા શરીરને ઓવરટેક કરતી આગળ નીકળી ગઈ. હેમખેમ શ્વાસ પરત મેળવી રહેલા શરીરે ફરી એક જ શ્વાસે એપાર્ટમેન્ટની દાદરો તરફ આંધળી ડોટ મૂકી. ફૂલી ગયેલા શ્વાસ જોડે બંને બાળકોના હાથ થામી બે મિનિટમાં ફરી શરીર ગ્રાઉન્ડ ફ્લોર પર હાંફતું આવી પહોંચ્યું.

" બાય, મમ્મી ... "

" બાય "

ઓટોરિક્ષામાંથી બહાર ડોકાઈ રહેલા હાથ તરફ નજર કરતા ગળામાંથી બહાર નીકળેલો ' બાય ' શબ્દ અતિ ભારે શ્વાચ્છોશ્વાસ હેઠળ કચડાઈ ગયો. શ્વાસ થોડો હેઠો બેઠો કે થાકેલા ડગલા ઉર્જા ભેગી કરતા ફરી એપાર્ટમેન્ટની દાદરો તરફ વળ્યાં. એક અછડતી નજર એપાર્ટમેન્ટના પડખેના મકાન પર પડી. શરીરમાં અરેરાટી વ્યાપી ગઈ. થુંક ઓચિંતું ગળા નીચે ઉતરી પડ્યું. ઝડપથી નજર એ દિશામાંથી સંકેલી લઈ એક જ શ્વાસે દાદરો પર ડગલા ધસી ગયા.

બેઠક ખાંડમાં આરામખુરશીમાં લપાયેલો વૃદ્ધ ચહેરો હજી સમાચારપત્રમાં પરોવાયેલો હતો. ઈશ્વરની છબી સામે હજી બે વૃદ્ધ હાથ ચુસ્ત જોડાયેલા હતા. ટ્રેમાં ટાઢી પડી ગયેલી ચાની પ્યાલીઓ જોઈને આંખોમાં રીસની આંધી છૂટી આવી. નિર્જીવ ડગલાઓ આગળ વધ્યા. ટ્રે જડ હાથમાં આવી અને હતાશ શરીર રસોડામાં પહોંચ્યું. પ્લેટફોર્મ પર ટ્રેનું ઘર્ષણ થયું જ કે બેઠક ખંડમાંથી વૃદ્ધ અવાજ ગૂંજયો.

" વહુ, હજી ચા નહીં આપી ? "

ક્રોધના જ્વાળામુખી જોડે બધી જ ચાની પ્યાલી ફરીથી પતેલીમાં ખલવાઈ ઉઠી. ચૂલાની જોડે મનમાં પણ અગ્નિ સળવળી ઉઠી. રસોડાની નાનકડી બારીમાંથી તાજી હવા લેવા પ્રયાસ થયો કે બારીમાંથી દેખાઈ રહેલા ઉજ્જડ, વેરાન મકાનના ધાબા ઉપર નજર ગઈ. એક વિચિત્ર ભયની લહેર મનમાં ફરી વળી. બારી પરનો પરદો તરત જ ખેંચાઈ ગયો અને પાછળ નજર ગઈ ત્યારે ચા પતેલીની મર્યાદા ઓળંગી નદી જેમ આખા ચૂલા પર રેલાઈ રહી હતી. બીજી તરફ ઊભું વોશિંગ મશીન અને એમાં રાહ જોઈ રહેલા કપડાઓ પણ એ દ્રશ્ય નિહાળી સ્તબ્ધ હતા.

અગાસી ઉપર કપડાં સુકવી રહેલું શરીર થાકથી નિધાળ દેખાઈ રહ્યું હતું. ચહેરો દિવસની ઊથલપાથલથી ઉતરી ગયો હતો. આંખો નીચેના કાળા વર્તુળ પણ જાણે હાંફી રહ્યા હતા.

" કેટલી વાર કહ્યું કબીરને ? એક કામવાળી રાખી લઈએ. પણ નહીં. એનું ઘર એટલે એની મરજીથી ચલાવે. બચત કરતા કરતા હું ખર્ચાઈ રહી છું. "

કપડાં ઝાટકી રહેલા હાથ વધુ પડતાજ આક્રમક હતા. સૂના ધાબા પર ન કોઈ સાંભળનાર હતું, ન કોઈ આશ્વાસન ધરનાર. માથા પર પડી રહેલી પ્રાણઘાતક ગરમી આખા શરીરને પીગળાવી રહી હતી. બ્લાઉઝની બાય પર પરસેવાએ પાણીના ધબ્બા છોડી મૂક્યા હતા. શરીરમાંથી પરસેવાની અસહ્ય વાસ નીકળી મનને લજ્જિત કરી રહી હતી. નીચે રસોડામાં ગૂંજી રહેલી કૂકરની સિટીની મનોમન અચૂક ગણતરી પણ ચાલી રહી હતી.

મહોલ્લામાં ગાડી પ્રવેશવાનો અવાજ કાન પર પડતાજ બબડાટ ફરી શરૂ થયો.

" આ સમયે ... "

બાલ્દીમાંથી અંતિમ શર્ટ કાઢી દોરી ઉપર નાખી, ખાલી બાલ્દી હાથમાં ઉઠાવી એ ધાબાની પાળી નજીક ગઈ. ગાડીની ડીકીમાંથી સામાન એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યો હતો. પાછળની સીટ તરફના બંને દરવાજા એકસાથે ખુલ્યા અને એક યુગલ ધીમે રહી ગાડીમાંથી બહાર નીકળ્યું.

શુટબુટમાં સજ્જ પુરુષ ફિલ્મના અભિનેતા જેવો શોભી રહ્યો હતો. એને નિહાળતા જ હાથમાંની બાલ્દી ભોંય ભેગી થઈ ગઈ. પુરુષે આંખ પરથી ગોગલ્સ ઉઠાવી માથાના ભરાવદાર વાળમાં ભેરવ્યા. એના હાથમાંની મોંઘી કાંડા ઘડિયાળ જબરો પ્રભાવ ઉપજાવી રહી હતી. જેલથી સેટ થયેલા સુઘડ વાળ જોનાર જોતા જ રહી જાય એટલા સુંદર દીપી રહ્યા હતા.

નજર આગળ ઘડીક ભર માટે સવારે મુકેલી ડોટ, ટીફીનનો ડબ્બો, સાધારણ શર્ટ, જૂની પેન્ટ અને સરકારી બસની ભીડ ડોકાઈ આવી.

ગાડીના બીજા દરવાજામાંથી ઉતરેલી સ્ત્રીના લાંબા વાળ વાંકડિયા સેટ કરાયા હતા. ચહેરા ઉપર મોટા કદના બ્રાન્ડેડ સનગ્લાસિસ હતા. કોટન લાંબો ગાઉન સાદો છતાં રુઆબદાર હતો. એમાંથી ઉપસી આવેલું પેટ લગભગ છ મહિનાના બાળકને ગર્વથી સમાવ્યાની ચાડી ખાઈ રહ્યું હતું. આંગળીની નેઈલપૉલિશથી લઈ પગમાં પહેરાયેલા અતિ આરામદાયક મોંઘા સ્પોર્ટશુઝ પહેરનારના આર્થિક રુતબાનું મૌન દર્શન કરાવી રહ્યા હતા.

" નિષ્ઠા ? "

આંખો પર વિશ્વાસ આવી રહ્યો ન હતો. આટલા વર્ષો પછી પોતાની વિદેશ સ્થાયી થયેલી સખીને નિહાળી મન હેરતમાં ગરકાવ થઈ ગયું હતું. એ હેરત હતી કે શોક હતો ?

"વહુ ..."

ભૂતકાળે મન પર ટકોરા પાડ્યા હતા. પણ વર્તમાન બારણું ખોલવાની પરવાનગી આપી રહ્યો ન હતો. ખાલી બાલ્દી હાથમાં ઊંચકી એ ઝડપથી દાદર ઉતરી મુઠ્ઠીભર કદના ફ્લેટમાં રાહ જોઈ રહેલા વિસ્તૃત કાર્યો તરફ ધપી ગઈ.

રાત્રે આખું ફ્લેટ અંધકારમાં ગરકાવ હતું. આજ પૂરતી બધી દોડધામ શમી ચૂકી હતી. બાળકીઓ બેઠક ખંડમાં રાત્રે પથારીમાં ફેરવાઈ જતા સોફાકમબેડ પર ઘસઘસાટ ઊંઘી રહી હતી. બે વૃદ્ધ શરીરો એક શયનખંડમાં નસકોરા બોલાવી રહ્યા હતા અને બે યુવાન છતાં આધેડ દેખાતા શરીરો બીજા શયનખંડમાં લંબાયા હતા. પડખેના ઓશિકા પર મોઢું ખુલ્લું રાખીને ઘસઘસાટ ઊંઘી રહેલા પતિને નિહાળી કાદંબરીએ એક મૌન નિસાસો નાખ્યો. આંખો મીંચવાનો પ્રયાસ કર્યો કે બપોરે ધાબા પરથી નિહાળેલું દ્રશ્ય આંખો આગળ તાદ્રશ થઈ ઉઠ્યું. પેલું ઊંચું, કદાવર, આકર્ષક વ્યક્તિત્વ આંખો આગળથી ખસવા તૈયાર ન હતું. ને બીજી તરફ જતન અને માવજતનું જીવતું જાગતું ઉદાહરણ મનને ડંખી રહ્યું હતું. એ પથારીમાં બેસી ગઈ. ઊંઘ ઉડી ગઈ હતી. રસોડામાં જઈ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. એક જ ઘૂંટમાં આખી બોટલ ગટગટાવી ગઈ. બારીનો પડદો હવાથી ઝૂલી રહ્યો હતો. એ બારીની નજીક ગઈ. પડખેની વેરાન અગાસી પર એક કાગડો બેઠો હતો. એને ભ્રાંતિ થઈ જાણે કાગડો એને જ નિહાળી રહ્યો હતો. એણે તરત જ બારી વાંસી દીધી. કપાળ પર બાઝેલા પરસેવાના બિંદુઓ હાથ વડે સાફ કરી એ ચોર ડગલે શયનખંડમાં પ્રવેશી. ગરમી બહુ હતી. ખખડી ગયેલા અને રંગ ઉડી ગયેલા પંખા પર એણે એક ઠપકાભરી નજર ફેંકી. અતિ ધીમી ગતિએ ફરી રહેલા પંખાને નિહાળતી એ પથારી પર લંબાઈ ગઈ. પડખે ઊંઘી રહેલો પુરુષ આ બધી ક્રિયા પ્રતિક્રિયાઓથી અજાણ હતો. નસકોરા બોલાવી રહેલું મોઢું હજી પણ ખુલ્લું જ હતું. પંખાની ત્રણ પાંખોના ચક્કરમાં ભૂતકાળનો પંખો ચકરાવે ચઢ્યો.

લગ્નના મંડપમાં એ શણગારસજ્જ ઊભી હતી. હાથમાં મહેંદી, ગળામાં મંગળસૂત્ર, લાલ બંગડીઓનો સેટ થોડા દિવસો પહેલા લેવાયેલા એના લગ્નની નિશાનીઓ બની ચળકી રહ્યા હતા. પડખે ઊભી આધેડ સ્ત્રીએ એના ખભે હાથ ગોઠવ્યો. બંનેની નજર એ ક્ષણે લગ્નમંડપમાં લેવાઈ રહેલા ફેરાઓ પર જડાયેલી હતી. એ જ પુરુષ અને એ જ સ્ત્રી ફેરા લઈ રહ્યા હતા જેમને એણે બપોરે તપતી અગાસીમાંથી નિહાળ્યા હતા.

" આજે એની જગ્યાએ તું ફેરા લઈ રહી હોત. જો તેં લગ્ન માટે હામી પુરાવી દીધી હોત તો આજે તું આ હવેલી જેવા મકાનમાં રાજ કરત. ફક્ત એક ઘરડી મા છે. એ પણ ખબર નહીં કેટલું જીવશે ? આટલો સુંદર રાજકુમાર જેવો યુવાન. એ પણ પરદેશ સ્થાયી. પરદેશમાં પણ મકાન. તારું ભાગ્ય સુધરી જાત. ખબર નહીં, તને કબીર જેવા યુવાનમાં શું દેખાયું ? બેંકમાં ક્લાર્ક છે. એક બાઈક છે એ પણ સેકન્ડ હેન્ડ. માતાપિતાની માંદગીઓ. તારું ભવિષ્ય અંધકારમાં જ ડૂબેલું દેખાઈ છે. તારી સખી નિષ્ઠાના તો ભાગ્ય ખુલી ગયા ... "

આધેડ સ્ત્રીનો નિસાસો કોઈના કાને તો નથી પડ્યો એની ચકાસણી કરવા એની આંખો ઝડપથી ચારે તરફ એક ચક્કર લગાવી રહી.

" બા, શું કરે છે ? ધીરે બોલ. કોઈ સાંભળી ગયું તો ? હું કબીરને પ્રેમ કરું છું. એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. હા, એની આર્થિક પરિસ્થિતિ થોડી સ્થાયી નથી. પણ તું જોજે. થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. આખરે લગ્નમાં માન સન્માન મહત્વના છે. જે એ મને આપે છે. બીજું શું જોઈએ ? "

પંખાની પાંખોમાંથી આવી રહેલો અવાજ જાણે રોજ કરતા વધુ તીવ્ર અનુભવાયો. પડખેથી ગૂંજી રહેલા નસકોરા અસહ્ય થવા લાગ્યા. ઓશીકાથી બળજબરીએ કાન ભીંસી એણે ચહેરા પર ભેગી થયેલી ઘૃણા ધાબળામાં સમેટી લીધી.

*****************************************************************

મહોલ્લાના નાકે ઉભું હવેલી જેવું જાજરમાન મકાન આજે વર્ષો પછી એણે ખુલ્લું નિહાળ્યું. ભવ્ય બેઠકખંડનું કદ આંખોને આંજી રહ્યું હતું. એસીની ઠંડી હવા શરીર જોડે આત્માને પણ તૃપ્ત કરી રહી હતી. એ ટાઢકમાં જાણે વર્ષોનો થાક હળવો થઈ રહ્યો હતો. હવેલીમાં કુલ કેટલા ઓરડા હશે એ ગણતરી કરવા નજર ચારે દિશામાં વર્તુળાકાર ચક્કર કાપી રહી હતી. પરંતુ આકાશમાં કેટલા તારા હોય જેવો જ એ મુશ્કેલ પ્રશ્ન લાગી રહ્યો હતો. ભવ્ય રાચરચીલા અને શણગાર નિહાળી આંખો પહોળી થઈ ગઈ હતી. નોકર દ્વારા સામે ધરવામાં આવેલા નાસ્તાઓની વ્યવસ્થા એટલી સુઘડ હતી કે એને હાથ લગાડી એની સંપૂર્ણતાને વેરવિખેર કરવાની હિંમત થઈ રહી ન હતી.

" કેમ છે કાદંબરી ? "

અંદર તરફથી આવેલું શરીર જાણે કોઈ દેશની મહારાણીનું હતું. ડિઝાઈનર સાડી, હિલ વાળી મોજડી, મોંઘા આભૂષણો, હાથમાં ડાયમંડની રીંગ, લાંબા સુંવાળા વાળ અને ખૂબ જ સુંદર મેકપ.

પોતાના પગમાં પહેરેલી તૂટુ તૂટુ થઈ રહેલી સામાન્ય ચપ્પલ એણે પોતાની સસ્તી સાધારણ સાડીની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો. શાકભાજી સમારીને ખરબચડા થયેલા નખ મુઠ્ઠીની અંદર વાળી લીધા. અસ્તવ્યસ્ત વાળ પર શરમ ઉપજી આવી. એ શરમને શબ્દો વડે ઢાંકવાનો પ્રયાસ કર્યો.

" હું ઠીક છું. તું કેમ છે ? "

વર્ષો પછી પોતાની પ્રિય સખીને નિહાળી વૈભવી આંખોમાં ઝળહળીયા પ્રવેશ્યા કે પાછળ તરફથી એક રુઆબદાર પુરુષે પ્રવેશ કર્યો. એ જ ક્ષણે આખું બેઠકખંડ ઈમ્પોર્ટેડ પરફ્યૂમની હૃદયગમ્ય સુવાસથી મહેકી ઉઠ્યું. નાનકડા ફ્લેટમાં પરિવારના દરેક સભ્ય વડે વપરાતા કોમન જાજરૂની સાફસફાઈ કરતી વખતે હાથ વડે દાબીને બંધ કરેલા નાક છતાં શ્વાસમાં ભળતી દુર્ગંધ અર્ધજાગ્રત મનમાંથી જાગ્રત મગજમાં ઝબકી ઉઠી. અંદર કશુંક ઉબકા જેવી અનુભૂતિ થઈ. પણ ચહેરા પરના ઔપચારિક સ્મિત દ્વારા એ અનુભૂતિને એણે સફળતાપૂર્વક ઢાંકી દીધી.

" વિજેશ, શી ઈઝ માઈ ચાઈલ્ડહુડ ફ્રેન્ડ, કાદંબરી. "

" હેલો "

વિજેશે એને ઓળખી પણ નહીં ? મન દુભાયું. નિષ્ઠા પહેલા વિજેશના લગ્નનો પ્રસ્તાવ પોતાના માટે આવ્યો હતો. પણ ત્યારે કબીરનો પ્રેમ માથે સવાર હતો. બસ પ્રેમથી આખું જીવન ખુશી ખુશી પસાર થઈ જશે એવો મનમાં દ્રઢ વિશ્વાસ હતો. કોઈની એક પણ વાત એણે ક્યાં સાંભળી હતી ? વિજેશ એને કઈ રીતે ઓળખી શકે ? એ જેને જોવા આવ્યો હતો એ તો એક સુંદર, આકર્ષક, સપ્રમાણ દેહ ધરાવનારી યુવતી હતી અને અત્યારે એની સામે ઉંમર કરતા વધુ એક આધેડ જેવી લાગતી મેદસ્વી સ્ત્રી હતી. જેની પાસે અરીસામાં જોવાનો સમય પણ ન હતો.

વિજેશે નિષ્ઠાની નજીક પહોંચી કાનમાં કશુંક કહ્યું. શું એ યુગલ એના વિશે કોઈ વાત કરી રહ્યું હતું ? એક આડકતરી નજર એણે પોતાના શરીર પર ફેરવી. મહેલ જેવા મકાનમાં એ કોઈ સાધારણ કામવાળી જેવી તો લાગી રહી ન હતી ? એની સખીને પોતાના માટે પતિ સામે નીચું તો ન જોવું પડે ? અહીં આવી જ શા માટે ? મનનો અપરાધભાવ જોર પકડે એ પહેલા સામેની દિશામાંથી મીઠો ટહુકો ગૂંજયો.

" એક્ચ્યુલી કાદંબરી,નીકળવાનું છે. બીજી વાર ... "

તરત જ એ બેઠક છોડી ઊભી થઈ ગઈ.

" કોઈ વાંધો નહીં. હું પણ નીકળું છું. બહુ કામ છે. "

" એક મિનિટ. ઊભી રહેજે. "

નિષ્ઠા અંદર તરફ પ્રવેશી. બેઠક ખંડના વિશાળ વિસ્તારમાં એ એકલી હતી અને સામે વિજેશ. પોતાના મોબાઈલમાં કેટલાક આંકડાઓ દબાવી વિજેશ બહાર તરફ નીકળી ગયો. પાછળથી ચોર દ્રષ્ટિએ એણે માથાથી પગ સુધી વિજેશને નિહાળ્યો. અંતરે ઠપકો આપ્યો. એ આજે તારો હોત.

" હિયર યુ આર ... "

નિષ્ઠાના પ્રવેશ જોડે જ એણે તરત જ નજર નિષ્ઠા તરફ વાળી લીધી. નિષ્ઠાએ એક ગિફ્ટ બેગ એની દિશામાં આગળ ધરી.

" આની શી જરૂર ... "

" તારા બાળકો માટે. કેટલા બાળકો છે ? "

" બે દીકરીઓ. "

" વાહ, યુ આર બ્લેસ્ડ ! "

" પહેલું બાળક ? " પ્રશ્ન પૂછતાં એની નજર અનાયાસે નિષ્ઠાના ગર્ભ ઉપર પડી.

નિષ્ઠાએ ધીમેથી ગરદન હામીમાં હલાવી મીઠું સ્મિત વેરી દીધું. બારણે તાકી રહેલી આંખો તરફ ધ્યાન જતા એના શરીરમાં ઉતાવળ છલકાઈ.

" મારું ફ્લેટ ત્રીજા માળે છે. યાદ છે ને તને ? આવ ને. કાલે બપોરે ઘરે કોઈ નથી. બાળકો શાળામાં હશે. બા બાપુજી પૂજામાં જઈ રહ્યા છે. કબીર તો છેક રાત્રે આવશે. બેસીશું. વાતો કરીશું. "

નિષ્ઠાએ એક ઔપચારિક હાસ્ય જોડે ઉત્તર આપ્યો,

" સાચું કહું તો થોડા જ દિવસો માટે આવ્યા છીએ. ઘણા બધા સંબંધીઓને ત્યાં આમંત્રણ પણ છે. હું પ્રયાસ કરીશ. પણ ખબર નહીં ... "

બહાર પ્રાંગણમાં ગાડીનું એંજીન શરૂ થયું અને બંને ઝડપથી બહાર નીકળી આવ્યા. કાદંબરી ધીમા ડગલે એપાર્ટમેન્ટની દિશામાં વધવા લાગી. ઘરે રાહ જોઈ રહેલા કાર્યો તરફ હંમેશા ધસી પડતું એનું શરીર આજે અત્યંત મડદા જેવું ઢીલું હતું. હાથમાંની ગિફ્ટ બેગમાં એણે ધીરે રહી દ્રષ્ટિ નાખી.

કેટલી બધી ઈમ્પોર્ટેડ મોંઘી ચોકલેટ !

એકવાર એની દીકરીએ મૉલમાં એવીજ ચૉકલેટનો ડબ્બો હાથમાં ઉઠાવી લીધો હતો. પૈસા ચૂકવતી વખતે કબીરની નજર એના પર પડી હતી ત્યારે એણે કાઉન્ટર પર બેઠી સ્ત્રીને એ ડબ્બાને કાઢી નાખી એની રકમ ગણતરીમાંથી બાકાત કરી નાખવાની સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. દીકરીનું મોઢું કેવું પડી ગયું હતું ! એવું જ જેવું હમણાં એનું પડી ગયું હતું. ચાલતા ચાલતા એક નજર નિષ્ઠાના મકાનની દિશામાં પાછળ ફેંકી. વિજેશનો હાથ નિષ્ઠાના માથા પર હેતથી ફરી રહ્યો હતો. અનાયાસે નિષ્ઠા જોડે એની આંખો મળી. એક ઔપચારિક હાસ્યએ મનની ભાવનાઓને ઢાંકી લીધી. એણે તરત જ નજર આગળ તરફ લઈ લીધી. એપાર્ટમેન્ટની નજીક પહોંચતા જ એક નજર પડખેના ભેંકાર મકાન પર પડી. એની અર્ધી ઉઘડેલી બારી પર એક કાગડો બેઠો હતો. એને ભ્રાંતિ થઈ કે એ કાગડો સીધો એની આંખોમાં ઝાંખી રહ્યો હતો. એના શરીરના રુંવાડા ઉભા થઈ ગયા. ગિફ્ટ બેગને ચુસ્ત પકડમાં ભેરવી એ એક જ શ્વાસે એપાર્ટમેન્ટની દાદરો ચઢી ગઈ.

**********************************************

સવારથી એણે બધા જ કામ ઝડપથી સમેટી લીધા હતા. નાહીધોઈ તૈયાર થઈ ગઈ હતી. આજે સાંજ સુધી એને ખલેલ પહોંચાડનાર ઘરમાં કોઈ રહેવાનું ન હતું. એનું ગમતું એકાંત આજે લાંબા સમય બાદ હાથ લાગ્યું હતું. નિષ્ઠાએ પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું. જો એ ન આવી તો ? નાસ્તા ડબ્બામાં ભરતા એક ક્ષણ માટે હાથ અટકી ગયો. ડબ્બાનું ઢાંકણું વાંસી એણે બજારથી લાવેલી કોલ્ડ્રીંકની બોટલ ફ્રિજમાં ગોઠવી દીધી. અને જો એ આવે તો ? શું એની જોડે વિજેશ પણ હશે ? એના શરીરમાંથી જાણે વીજળીનો કરંટ પસાર થઈ ગયો. રસોડાના ખૂણામાં લટકી રહેલા અરીસાને એણે થોડો સરખો કર્યો. દિવસોથી ચઢેલી ધૂળને કાપડના કટકાથી સાફ કરી. હજી પણ બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું. કે પછી એ એના બદલાઈ ગયેલા ચહેરાની વાસ્તવિકતા હતી ?

ક્ષણભર માટે મનોમન્થન કરી એ પોતાના શયનખંડમાં ગઈ. અલમારીમાં ગોઠવાયેલી સાડીઓ પર હાથ ફેરવ્યો. મગજમાં નિષ્ઠાની તસ્વીર તાદ્રશ થઈ. એની મોડર્ન ઢબની ડિઝાઈનર સાડી આંખો આગળ ઉડવા લાગી. એણે જોર દઈ અલમારીનો દરવાજો વાંસી દીધો. વ્યાકુળ મનોભાવો જોડે એ પથારી પર લંબાઈ ગઈ. પછી કશું મહત્વનું યાદ આવ્યું હોય એમ સફાળી બેસી ગઈ. ધીમે ડગલે એ પડખેના શયનખંડમાં પ્રવેશી. ભીંત પર શોભી રહેલી ઈશ્વરની છબી પાછળથી એક ચાવી કાઢી. ચાવી હાથમાં આવતા જ થોડા દિવસો પહેલા કબીર જોડે થયેલો વાર્તાલાપ કાનમાં પડઘાવા લાગ્યો.

" નહીં, કોઈ જરૂર નથી. "

" પણ કબીર, ફક્ત એક જ પ્રસંગ માટે. દીદીને ક્યાં ખબર પડવાની ? "\

" પ્રશ્ન ખબર પડવાનો નથી. પ્રશ્ન નૈતિકતાનો છે. કોઈની વસ્તુ કોઈની જાણ બહાર પરવાનગી લીધા વિના ન વાપરી શકાય. એ સાડી અને ઘરેણાં દીદીએ બાને સાચવવા આપ્યા છે. એ એમની અમાનત છે. અમાનતમાં ખયાનત ન કરાય. બાને પૂછવાની વાત તો દૂર. હું જાતે જ કદી એ અંગે પરવાનગી ન આપીશ. એમ પણ જે આપણું હોય એ જ આપણને શોભે અને એ જ આપણી આબરૂ જાળવે. "

એક ઉચ્છવાસ બહાર કાઢી ધીમા ડગલે એ અલમારી પાસે ગઈ. ચાવી ફેરવી. ધીરે રહી એક સાડી અને એક ઘરેણાંનો ડબ્બો બહાર કાઢ્યો. અલમારી વાંસી ચાવી ફરીથી છબી પાછળ ગોઠવી એ ઝડપથી પોતાના ઓરડામાં જતી રહી.

પહેરેલી સાધારણ સાડી ઉતારીને પડખેના ઓરડાની અલમારીમાંથી સાથે લઈ આવેલ મોંઘી ડિઝાઈનર સાડી એણે શરીર પર વીંટાળી લીધી. પથારી પર ગોઠવેલ ઘરેણાં એક પછી એક શરીરને શણગારતા ગયા. કાનમાં ડિઝાઈનર લટકણિયાં, મોતી અને સોનાથી મઢાયેલ હાર, મોતી અને સોનાના તારોમાં પરોવાયેલી બંગડીઓ અને ખૂબ જ મોંઘા દાગીના ધરાવતી વીંટી. બધા જ ઘરેણાંઓ શરીર પર બંધબેસતા હતા. એકમાત્ર વીંટી સિવાય. એની આંગળી માટે એ વીંટી તૈયાર થઈ ન હતી. કોઈ અન્ય આંગળીના કદ પ્રમાણે એને ખાસ તૈયાર કરવામાં આવી હતી. આંગળીમાં ઢીલી ફરી રહેલી વીંટીને બંધબેસતી કરવા એ રસોડામાં જઈ ઈમર્જન્સી કીટમાંથી રૂનું પૂમડું લઈ આવી. રૂને એણે વીંટીના અંદર તરફના ભાગ પર એ રીતે ગોઠવ્યું કે વીંટી એની આંગળીમાં માફક આવી રહે અને જોનારને રૂની હાજરીની જાણ પણ ન થાય.

ફરીથી રસોડામાં પહોંચી એણે અરીસામાં નજર કરી. અપેક્ષિત વૈભવી ભવ્યતા એના શરીરને દીપાવી રહી હતી. આજે એ પણ કોઈ મહારાણીથી ઓછી લાગી રહી ન હતી.

ફ્લેટની ડોરબેલ રણકી. આત્મસ્લાગામાંથી બહાર નીકળી એ તરત જ બારણા તરફ ધસી ગઈ. ડોરહોલમાંથી નજર કરી ચકાસણી કરી લીધી. નિષ્ઠા બારણે ઊભી હતી. એને નિહાળતા જ ચહેરા પર સ્મિત ઘેરાઈ આવ્યું. વસ્ત્રો અને ઘરેણા તરફ અંતિમ દ્રષ્ટિ કરી એણે ગર્વભર્યા હાવભાવો જોડે બારણુ ખોલ્યું.

" હાય "

" આવ, આવ. હું જાણતી જ હતી. તું જરૂર આવીશ. અંદર આવતી રહે. "

નિષ્ઠા ઘરમાં પ્રવેશી. ફ્લેટનો દરવાજો થોડી ક્ષણો સુધી એણે હજી ઉઘાડો રાખ્યો હતો. દાદર તરફ એકીટશે જડાયેલી નજર આખરે હારી ગઈ. નિષ્ઠા એકલી જ આવી હતી. મનમાં ક્ષણિક ઉદાસી વ્યાપી ગઈ. પણ એ ઉદાસી નિષ્ઠા કળી ન શકે એ રીતે ચહેરા પર સ્મિત ફરકાવતા એણે બારણુ વાંસી દીધું. 

નિષ્ઠાની નજર નાનકડા ફ્લેટમાં ચારે તરફ ફરી રહી હતી. કાદંબરીની નજર એની નજર પર જડબેસલાક હતી. નિષ્ઠાના હવેલી જેવા મકાનની સરખામણીમાં શું આ ફ્લેટ એને કોઈ જેલ જેવું લાગી રહ્યું હશે ? બેઠક ખંડમાં ગોઠવેલી લાકડાની ફ્રેમ નિષ્ઠાએ હાથમાં ઉઠાવી. કાદંબરી એની પાછળ જઈ ઊભી રહી ગઈ. તસ્વીરમાં એ હતી, કબીર હતો, એની બે બાળકીઓ અને કબીરના માતાપિતા પણ હતા. નિષ્ઠાની નજર આટલા ઊંડાણમાં શા માટે ઉતરી હતી ? તસવીરની અંદર પોતાના સ્મિતમાં પોતાનો એક વાંકો દાંત અને માથાના ઉપસેલા વાળ આજે એણે પહેલીવાર સૂક્ષ્મતાથી નિહાળ્યા. દાઝ છૂટી આવી. શું નિષ્ઠાનું ધ્યાન પણ ત્યાં જ કેન્દ્રિત હતું ? આખરે નિષ્ઠાએ ફ્રેમ ફરી ટેબલ પર ગોઠવી કે કાદંબરીના મનમાં ઊંડો હાશકારો થયો.

" નાઈસ પિક્ચર. પરફેક્ટ ફેમિલી. "

" થેન્ક યુ. " નિષ્ઠાના પ્રત્યાઘાત માટે આભાર વ્યક્ત કરતા કાદંબરીનું મન વિહ્વળ થઈ ઉઠ્યું. પરફેક્ટ ફેમિલી ?

નિષ્ઠાને રસોડા તરફ દોરવા કાદંબરીએ ડગલા આગળ વધાર્યા.

" બહુ ગરમી છે. કોલ્ડ્રીંક લઈશ ? "

કાદંબરીએ રેફ્રિજરેટર ખોલ્યું અને કોલ્ડ્રીંક માટે ગ્લાસ તૈયાર કર્યા. નિષ્ઠા રસોડાની બારીમાંથી બહાર તરફનું દ્રશ્ય તાકવા લાગી.

" આ પડખેનું મકાન ખાલી છે ? એનો સોદો થઈ ગયો છે કે હજી ..."

કોલ્ડ્રીંકનો ગ્લાસ હાથમાં લઈ કાદંબરી નિષ્ઠા નજીક પહોંચી . નિષ્ઠાએ ગ્લાસ હાથમાં લીધો અને નજીકના ટેબલ પર ગ્લાસ ગોઠવી કુરશી પર બેઠક જમાવી

બારીમાંથી પડખેનું મકાન નિહાળી રહેલી કાદંબરીની આંખોમાં અજીબ ભયના હાવભાવો છવાઈ ગયા. નિષ્ક્રિય મગજની પ્રતિક્રિયાથી દોરવાતી કાદંબરીએ હાથમાંની વીંટી જોડે રમત કરવા લાગી. એનું સંપૂર્ણ ધ્યાન મકાનની અગાશી પર હતું. અગાશીની પાલી ઉપર બેઠો કાગડો જાણે દૂરથી એની આંખોમાં તાકી રહ્યો હોય એવી ભ્રાંતિ એને થઈ આવી. મનમાં અનોખી વ્યાકુળતા ફરી વળી. હૃદયના ધબકાર તેજ થઈ ગયા. શરીરના રુંવાડા ઉભા થઈ ગયા. ગળામાં ભેગું થયેલું થુંક નીચે ઉતારી એણે મકાન અંગે નિષ્ઠાને માહિતી આપી.

" અહીં આ મકાનમાં ગામથી કોઈ ભાડુત રહેવા આવ્યા હતા. પતિને શરાબની લત હતી. વારેઘડીએ નશામાં ધુત્ત ઘરે પહોંચી એ પત્ની જોડે મારઝૂડ કરતો. આખી રાત્રી પત્નીનો રડવાનો અવાજ શહેરીમાં ગૂંજતો. ઘણીવાર લોકોએ પુલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પુલીસની ધમકીઓની પણ કોઈ અસર થઈ નહીં. એ જ મારધાડનું ચક્ર ચાલતું રહ્યું. એક રાત્રીએ પત્નીએ અસહ્ય શોષણથી કંટાળી પંખે લટકાઈ આત્મહત્યા કરી લીધી. પતિને પુલીસે અંદર કર્યો. પણ થોડાજ દિવસોમાં એ બહાર નીકળી આવ્યો. ત્યાર બાદ લગભગ બે અઠવાડિયા પછી ઘરમાંથી પતિની લાશ મળી આવી. એ કેવી રીતે મર્યો એ કોઈ સમજી શક્યું નહીં. પોસ્ટમોર્ટમમાં પણ કશું પુરવાર થયું નહીં. ત્યાર બાદ મકાનમાલિકે સાફસફાઈ માટે મોકલેલા કાર્યકરોમાંથી એક કાર્યકરની લાશ અગાશીમાંથી મળી આવી. આ વખતે પણ મૃત્યુનું કારણ કોઈ સમજી શક્યું નહીં. પુલીસની પૂછપરછમાં એટલું સ્પષ્ટ થયું કે એ માણસ પણ દારૂનો વ્યસની હતો અને પત્ની જોડે ખૂબજ મારઝૂડ કરતો હતો. થોડા દિવસો બાદ રાત્રે કોઈ રસ્તે રખડતો માણસ ખાલી મકાનમાં રાત્રી પસાર કરવા અંદર ગયો. સવારે એની પણ લાશ મળી આવી. ફરીથી એજ રહસ્યમય સંજોગો. મૃત્યુ કઈ રીતે થયું એ કોઈ કળી શક્યું નહીં. પુલીસની તપાસમાં ચોંકવનારો ખુલાસો થયો. એ માણસની પત્નીએ એના શારીરિક, માનસિક અત્યાચારોથી થાકી થોડા વર્ષો પહેલા નદીમાં ઝંપલાવી દીધું હતું. ત્યારથી આ મકાન ખાલી છે. કોઈ અહીં રહેવા આવવાની કે અંદર પ્રવેશવાની પણ હિંમત કરતું નથી. લોકો કહે છે કે આત્મહત્યા કરનાર પત્નીની આત્મા હજી પણ આ મકાનમાં છે. જે પોતાનો બદલો લઈ રહી છે. એ દરેક પુરુષ જોડે જે સ્ત્રી પર અત્યાચાર કરે છે. "

પાછળ ટેબલ પરથી નિષ્ઠાનો ખડખડાટ હસવાનો અવાજ ગૂંજયો.

" ઈટ્સ 2022. આઈ કાન્ટ બીલીવ ધીઝ. ભારતમાં આજે પણ લોકો ભૂતપ્રેતમાં વિશ્વાસ કરે છે ? ઈટઝ જસ્ટ એ કોઈન્સિડેન્સ. નથીંગ એલ્સ. "

કાદંબરીની આંખો હજી પણ મકાનની ઉજ્જડ અગાશી પર જડાયેલી હતી. હાથમાંની વીંટીમાં ઠૂંસેલું રૂનું પુમડું નિષ્ક્રિય મગજની રમત જોડે ક્યારે ભોંય ભેગું થઈ ગયું હતું એનું એને ભાન પણ ન હતું. અચાનક અગાશીની પાલી પરથી કાગડાએ શોર મચાવવાનું શરૂ કર્યું. કાદંબરી નખશીખ ધ્રૂજી ઉઠી. આંગળીમાંની વીંટી આંગળીમાંથી સરી નીકળી. પરિસ્થિતિ સમજાય એ પહેલા વીંટી પડખેના મકાનની વેરાન અગાશી પર જઈ પડી.

કાદંબરી સ્તબ્ધ થઈ ગઈ. એનું શરીર બરફ સમું ટાઢું પડી ગયું. થોડી ક્ષણો સુધી એ સૂન્ન થઈ ગઈ. કશી સૂઝબૂઝ રહી નહીં. બારીનો સળીયો પકડી એ અગાશીને તાકતી રહી. જયારે પરિસ્થિતિનું ભાન થયું ત્યારે મોઢામાંથી રીતસર ચીસ નીકળી આવી.

" મારી વીંટી. હવે શું કરીશ ? હે ભગવાન ! હવે શું કરીશ ? "

ચિંતા અને તાણમાં ફફડી રહેલી કાદંબરીને સંભાળવા અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા નિષ્ઠા કાદંબરીની પડખે આવી ઊભી રહી ગઈ.

" શું થયું ? ડૉન્ટ બી પેનિક. રિલેક્સ. "

" રિલેક્સ ? નિષ્ઠા, મારી વીંટી પડખેના મકાનની અગાશી પર પડી ગઈ. "

" તો શું થયું ? તારા પતિને કહેજે લઈ આવશે. આમ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. "

" કોઈને કશું કહેવાનું નથી, પ્લીઝ. જો કબીરને જાણ થઈ તો ... " કાદંબરી ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડી.

" અરે, એમાં આટલું બધું શું ડરે છે ? એક વીંટી જ હતી ને. પત્ની કરતા વધારે તો નથી ને ? બીજી પણ ખરીદી લેવાય. "

જાણે બળતામાં ઘી હોમાયું હોય એમ કાદંબરી કુરશી પર ફસડાઈ પડી.

" પહેલી જ નથી ખરીદી શક્યા. બીજી ક્યાંથી ખરીદશે ? "

નિષ્ઠા કશું સમજી શકી નહીં. એની પહોળી કીકીઓ એ વાતનો સ્પષ્ટ નિર્દેશ કરી રહી હતી. કાદંબરીએ એક નજર નિષ્ઠા તરફ નાખી. આંખોમાં આંસુઓની સુનામી ઉઠી.

" આ સાડી, આ ઘરેણાં મારા નથી. આ બધું જ કબીરની મોટી બહેનનું છે. એમણે કબીરની બાને સાચવવા આપ્યું હતું. કબીરે મને ચેતવી હતી. કોઈની અમાનતમાં ખયાનત કરવાની સ્પષ્ટ ના પાડી હતી. તને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ..."

એ જ સમયે ફ્લેટની ડોરબેલ ગૂંજી. કાદંબરી થરથરી ઉઠી. નિષ્ઠાએ પોતાનો હાથ કાદંબરીના ખભે મૂક્યો.

" ડોન્ટ વરી. હું જોવ છું. "

કાદંબરીના કામપી રહેલા ડગલા નિષ્ઠાને અનુસર્યા.

નિષ્ઠાએ ડોરહોલમાં નજર કરી.

" વિજેશ "

પોતાના પરિવારનું કોઈ સભ્ય ન હતું એ જાણી કાદંબરીના જીવમાં જીવ આવ્યો. હજી સુધી કોઈની અમાનત એના શરીર પર વીંટળાઈ હતી. જાણે ઘરેણાંનો વજન અચાનક વધી ગયો હોય એમ કાદંબરીનો જીવ ભારે થઈ થઈ બેઠો હતો. બેઠકખંડના ટેબલ પર પડેલા બાળકોના પુસ્તકના પાછળના ભાગ પર નિષ્ઠાએ ઝડપથી પોતાનો મોબાઈલ નંબર લખી નાખ્યો. અત્યંત મંદ સ્વરમાં એણે સૂચના આપી.

" મારો નંબર છે. મિસકોલ આપજે. હું તારો નંબર સેવ કરી લઈશ. રાત્રે ફોન કરીશ. ચિંતા ન કર. સૌ ઠીક થઈ જશે. "

ફ્લેટની ડોરબેલ ફરી ગૂંજી. નિષ્ઠાએ તરત જ બારણું ખોલ્યું.

" હેલો "

કાદંબરીના શ્વસન ઈન્દ્રિયને ફરીથી ઈમ્પોર્ટેડ બ્રાન્ડેડ પરફ્યૂમની મહેક સ્પર્શી. અફરાતફરી મગજ સમજી શકે. મન તો જ્યાં આકર્ષાવા ઈચ્છે ત્યાં ખેંચાઈ જાય. વિજેશે નિષ્ઠાને ધીમેથી કાન નજીક આવી કોઈ વ્યક્તિગત માહિતી આપી.

" હેવ ટુ લિવ, કાદંબરી. સોરી. ગુડ બાય. "

દાદર ઉતરી રહેલા યુગલને કાદંબરી તાકતી રહી ગઈ. વિજેશનો એક હાથ સ્નેહથી નિષ્ઠાના વાળમાં રમી રહ્યો હતો. બીજો હાથ નિષ્ઠાની કેડને ચુસ્ત પકડમાં લઈ રહ્યો હતો. એક વાર કબીર ચોરડગલે રસોડામાં આવ્યો હતો. કામમાં વ્યસ્ત એની કેડને પાછળથી બંને હાથના ઘેરામાં લઈ લીધી હતી. એ ચોંકી ગઈ હતી. પણ એને ગમ્યું હતું. હજી કબીર આગળ કઈ કરે એ પહેલા કબીરની બાએ પાછળથી ખોંખારા ખાતા રસોડામાં પ્રવેશ કર્યો હતો. કબીર તરત જ ત્યાંથી જતો રહ્યો હતો. એ સાંજે કોઈ જરૂરી વાત કરવા કબીરની બાએ કબીરને પોતાના શયનખંડમાં બોલાવ્યો હતો. એ બંધ બારણા પાછળનો વાર્તાલાપ એણે સાંભળ્યો ન હતો. ન કબીરે એ અંગે કોઈ વાત કરી હતી. પણ એ દિવસ બાદ કબીરે એવા કોઈ રોમાન્ટિક સરપ્રાઈઝ આપવાની હિંમત કરી ન હતી. દાદર પરનું યુગલ આંખોમાંથી ઓઝલ થયું. દુઃખતી નસ જાણે કોઈ દાબી ગયું. ભૂતકાળની યાદોએ જખ્મ પર મરચું ભભરાવ્યું. મૌન ડૂસકું ગળામાં રૂંધાયું અને ફ્લેટનું બારણું બંધ થઈ ગયું.

નિર્જીવ ડગલે શયનખંડમાં જઈ એણે સાડી બદલી. સાડી અને ઘરેણાંઓ ફરીથી એના નિયત સ્થળે ગોઠવી, અલમારી વાંસી, ચાવી ફરીથી ઈશ્વરની છબી પાછળ ગોઠવી દીધી.

પોતાના સાચા અવતારમાં પથારી પર પડી એ માથા પર ફરી રહેલા ધીમા પંખાની ત્રણ પાંખોને અવિરત તાકતી રહી. આંખોના બંને ખૂણામાંથી ઉષ્ણ પાણી વહેતુ રહ્યું.

******************************************

મોડી રાત્રે આખું ફ્લેટ શાંત હતું. આખા દિવસની હાડમારી બાદ પરિવારના સભ્યો ઘોડા વેચી ઊંઘી રહ્યા હતા. કાદંબરીની આંખો હજી પણ ધીમી ગતિએ ચક્કર કાપી રહેલ પંખાની ત્રણ પાંખો પર જડ ચોંટેલી હતી. પડખેની અગાશી , અગાશીની પાલી પરનો કાગડો, મોંઘા નંગ મઢેલી વીંટી ...વારંવાર નજર સામે ઝબકારો છોડી રહ્યા હતા. ઉષ્ણ પાણીની ધાર સૂકાઈ ચૂકી હતી. પણ કાળા વર્તુળ ધરાવતી આંખો પર હજી પોતાના નિશાન દેખાડી રહી હતી. અચાનક તકિયા નીચે રાખેલો મોબાઈલ વાઈબ્રેટ થયો. નિષ્ઠાનો સેવ કરેલો નવો નંબર હતો. પડખે ઊંઘી રહેલા કબીરનું મોઢું ખુલ્લું હતું. નસકોરાનો અવાજ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાની ખાતરી આપી રહ્યો હતો. એ ખાતરી પર વિશ્વાસ રાખી મોબાઈલ જોડે લઈ કાદંબરી તરત જ ચોર ડગલે શયનખંડની બહાર નીકળી આવી. રસોડા પાસેના કોમન જાજરૂમાં પ્રવેશી એણે અંદરની કડી ભેરવી દીધી. શીઘ્ર કોલ ઉપાડ્યો. નિષ્ઠાનો અવાજ ખૂબજ મંદ છતાં સ્પષ્ટ હતો.

" લિસન કેરફૂલી. મેં વિજેશને વાત કરી. હી ઈઝ ગોઈંગ ટુ હેલ્પ. કોઈને કશી જાણ થશે નહીં. તું ચિંતા ન કર. એ ગયા છે તારી રીંગ લઈ આવવા માટે. અર્ધી રાત્રીએ કોઈને કાનોકાન ખબર ન થશે. સવારે તું ઘરે આવજે અને તારી અમાનત લઈ જજે. ઠીક છે ત્યારે. કાલે મળીએ ... "

કાદંબરી એક શબ્દ પણ ઉચ્ચારી શકે એ પહેલા જ કોલ કપાઈ ગયો. એ જ ક્ષણે જાજરૂનો દરવાજો ધીમે રહી ખટકાયો. કાદંબરીએ મોબાઈલ ઝડપથી નાઈટીના ખિસ્સામાં સરકાવી દીધો. કબીરના પિતા પોતાના વારા માટે રાહ જોઈ રહ્યા હતા. ડાયાબિટીસને કારણે રાત્રે એમને વારંવાર જાજરૂનો ઉપયોગ કરવો પડતો. જાજરૂનો દરવાજો અંદરથી બંધ થયો. કાદંબરીની નજર રસોડાની બારી તરફ આકર્ષાઈ. પાછળ તરફથી જાજરૂમાં પાણીનો અવાજ પડઘાયો. પરિસ્થિતિ સામે હથિયાર નાખી કાદંબરી આખરે શયનખંડમાં પ્રવેશી ગઈ. માથા પર એ જ પંખો, પડખે એ જ નસકોરા અને નજર સામે એ જ વેરાન, ભૂતીયું મકાન , અગાશી પરનો કાગડો અને મોંઘા દાગીના વાળી વીંટી ...

બીજે દિવસે કાદંબરી નિષ્ઠાના હવેલી જેવા મકાનના બેઠકખંડમાં બેઠી હતી. પણ આ વખતે એ બેઠકખંડ જુદું જ લાગી રહ્યું હતું. ભેગા મળેલા બધા જ લોકોએ સફેદ રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. વિજેશની વિશાળ તસ્વીર પર ફૂલોની હારમાળા ચઢી હતી. નિષ્ઠા ડોકું ઝુકાવી તસ્વીર સામે બેઠી હતી. એની આંખો પર મોટી ફ્રેમવાળા કાળા સનગ્લાસ હતા. સફેદ ડિઝાઈનર સાડી જોડે એ વિરોધાભાસ દર્શાવી રહ્યા હતા. સામે તરફની હરોળમાં બેઠી કાદંબરીનો ચહેરો શોકથી ઝંઝોડાયેલો હતો. એક મહિલા પુલીસ હવલદારે નિષ્ઠાના કાનમાં કશું કહ્યું. આંખ પરના સનગ્લાસિસ વ્યવસ્થિત કરતી એ ધીમે રહી પ્રાંગણમાં રાહ જોઈ રહેલા પુલીસ અધિકારી પાસે પહોંચી. એની પાછળ મકાનના બારણાં પાછળ આવી ઊભી રહી ગયેલી કાદંબરીએ કાન સરવા કર્યા.

" મેડમ, પોસ્ટમાર્ટમ દ્વારા પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. એ મકાનમાં આ પહેલા પણ એવી જ વિચિત્ર હાલતમાં લાશો મળી આવી હતી. આપનું નિવેદન અમારી પાસે છે. અર્ધી રાત્રીએ એ ત્યાં કઈ રીતે પહોંચ્યા એ સમજાતું નથી. ઍનીવેઝ આપની આ શારીરિક પરિસ્થિતિમાં આપ જેમ બને એમ જલ્દી વિદેશ પરત થઈ જાઓ એ જ હિતાવહ છે. મેડિકલ સર્ટિફિકેટ આપ સબમિટ કરી આપશો. થેંક્યુ એન્ડ સોરી ફોર યોર લોસ્ટ ..."

નિષ્ઠા ફરીથી મકાનની અંદર પ્રવેશી. એક ક્ષણ બારણા પાસે અટકી. કાદંબરી તરફ એક નજર નાખી ફરીથી પૂજાના સ્થળ પર જઈ ગોઠવાઈ ગઈ. કાદંબરી એક ક્ષણ માટે શરીરનું સંતોલન ગુમાવી બેઠી અને એનું શરીર મકાનની ભીંત જોડે અફળાઈ ગયું.

*********************************************************

અર્ધી રાત્રીએ કાદંબરી ભૂતિયા મકાનની બહાર ઊભી હતી. એની જોડે કબીર પણ હતો. એક ધ્યેયબઘ્ધ નજર મકાન તરફ નાખી વાળેલી મુઠ્ઠી જોડે કબીર મકાનના પ્રવેશ દ્વાર તરફ આગળ વધી ગયો. કાદંબરીએ ડૂસકે ભરાયેલા દબાયેલા અવાજ જોડે એનો હાથ ઝાલવા પ્રયાસ કર્યો.

" પ્લીઝ, અંદર ન જાવ. "

મોઢા પર આંગળી રાખી કબીરે કાદંબરીને મૌન રહેવાનો સંકેત કર્યો. કોઈ સાંભળી ન શકે એ રીતે એણે કાદંબરીના કાનમાં દબાયેલા અવાજે કહ્યું,

" તારે જે કરવું હતું એ તું કરી ચૂકી. હવે મારે જે કરવાનું છે એ હું કરીશ. એ કોઈની અમાનત છે, કાદંબરી. એની જોડે ખયાનત ન થવા દઈશ. "

એક ઝાટકે હાથ છોડાવી કબીર એ વેરાન મકાનમાં પ્રવેશી ગયો.

એ જ સમયે પ્લેનની સીટ પર ગોઠવાયેલી નિષ્ઠાએ પોતાના ગર્ભ પર હાથ ફેરવ્યો. આંખ પરના સનગ્લાસિસ માથા પર ચઢાવ્યા. સૂઝેલી આંખોમાં થીજેલું લોહી હજી લીલા રંગના આવરણમાં મઢાયેલું હતું.

નિષ્ઠાના કાનમાં એક પછી એક જુદા જુદા સંવાદો વિખરાયેલા ક્રમમાં ફાસ્ટ ફોર્વડ થઈ આંખો આગળ તરી રહેલા ફ્લેશબેકના જુદા જુદા સ્થળના દ્રશ્યો જોડે ગૂંજવા લાગ્યા.

અમેરિકા -" વિજેશ, ઈટઝ એ ગર્લ." , " ઓહ નો, જસ્ટ અબોર્ટ ઈટ. "

અમેરિકા - " વિજેશ, ઈટ્સ એ બોય ધીઝ ટાઈમ ", " ઓહ, ફાઈનલી "

અમેરિકા - " વેર વર યુ, નિષ્ઠા ? ", "તમે ઓફિસ ગયા હતા. તો થયું મોલમાં એક આંટો મારી આવ. " , " મારા વિના ?", 'થપ્પડની ગુંજ '

અમેરિકા - " કોણ હતું ? ", " આપણા નેઈબર, જ્હોન્સન. આમંત્રણ આપવા આવ્યા હતા. એમના ઘરે પાર્ટી છે. " , " તો હવે તું મારી ગેરહાજરીમાં અન્ય પુરુષો જોડે મિત્રતા કરીશ ? ", " તમને પણ આમંત્રણ છે, વિજેશ ..." , ' થપ્પડની ગૂંજ '

અમેરિકા - " મને ડિવોર્સ જોઈએ છે, વિજેશ.", ' થપ્પડની ગૂંજ ' ," જોવ છું કેમ થાય છે તુ મુકત ? જે દિવસે કોઈની પણ સામે મોઢું ખોલ્યું એ દિવસે તારો આખરી દિવસ."

ભારત - કાદંબરીની સામે, બેઠકખંડમાં, કાનની અંદર, " ગાઈનીકનું એપોઈન્ટમેન્ટ છે. જસ્ટ ટુ હેવ સેકન્ડ ઓપિનિયન. "

ભારત - કાદંબરી ચોકલેટની ગીફ્ટબૅગ જોડે પાછળ ફરી. ગાડીમાં નિષ્ઠાનું શાબ્દિક અપમાન કરી રહેલ વિજેશની નજર એ તરફ ગઈ અને પોતાનો હાથ એણે નિષ્ઠાના માથે ફેરવવા માંડ્યો, " ગીવ હર એ સ્માઈલ. ધેટ્સ લાઈક માય ગર્લ. "

ભારત - કાદંબરીની ફ્લેટની બહાર, કાનની અંદર, " મારી પરવાનગી વિના બહાર નીકળવાની હિંમત કેમ થઈ તારી ? હું ગાઈનીક પાસે ગયો હતો. ઘર ચાલ. તારી જોડે વાત કરવી છે. "

કાદંબરીએ ફ્લેટનો દરવાજો વાંસી દીધો. ત્યાર બાદ એપાર્ટમેન્ટની દાદરો પર એકાંતમાં, ' થપ્પડની ગૂંજ ' , " યુ લાઈડ ટુ મી. બે વખતની જેમ આ વખતે પણ ..ઈટ્સ એ ગર્લ ... વી નીડ ટુ અબોર્ટ ધીઝ ...","પણ વિજેશ, છ મહિના થઈ ગયા છે. " , " હુ કેર્સ ? "

ભારત - અર્ધી રાત્રીએ પથારીમાંથી ઉઠી ચોરડગલે નિષ્ઠાએ પોતાની ડાયમંડ રીંગ અલમારીમાં છુપાવી દીધી. પથારી પર પરત થઈ ડરતા ડરતા વિજેશને ઊંઘમાંથી હચમચાવયો. મિત્રો જોડે અર્ધો શરાબમાં લથપથ પરત થયેલ વિજેશ લાલ આંખો ચોળતો જાગ્યો.

" વિજેશ, આમ સોરી. હું કહેવાનું ભૂલી ગઈ. આઈ લોસ્ટ યોર ડાયમંડ રીંગ. બપોરે કાદંબરીના ફ્લેટની બારીમાંથી એ પડખેના મકાનની અગાશીમાં પડી ગઈ. "

ક્રોધમાં ભાન ભૂલેલા વિજેશે ટેવગત મારઝૂડ શરૂ કરી. નિષ્ઠાની આંખ પર એક અંતિમ મુક્કો મારી એ પોતાની ડાયમંડ રીંગ શોધવા વેરાન, ભૂતિયા મકાન તરફ નીકળી ગયો. નિષ્ઠાએ તરત જ કાદંબરીને કોલ લગાવી એની વીંટી અંગે આશ્વાસન આપ્યું.

કોલ કાપી એણે કાદંબરીએ કહેલી વાત ફરી મગજને યાદ કરાવી.

" લોકો કહે છે કે આત્મહત્યા કરનાર પત્નીની આત્મા હજી પણ એ મકાનમાં છે. જે પોતાનો બદલો લઈ રહી છે. એ દરેક પુરુષ જોડે જે સ્ત્રી પર અત્યાચાર કરે છે. "

આંખોમાંથી નીકળી રહેલું ઉષ્ણ પાણી કોઈ પારખી જાય એ પહેલા નિષ્ઠાએ ફરીથી પ્લેનની સીટ પર આરામથી ગોઠવાઈ સનગ્લાસ આંખો પર ચઢાવી લીધા. ગર્ભ પર હેતપૂર્વક ફરી રહેલ હાથની આંગળીમાં ડાયમંડ રીંગ ચળકી રહી હતી.

એ જ સમયે કબીર સુરક્ષિત ભૂતિયા મકાનમાંથી બહાર નીકળી આવ્યો. એના હાથમાં મોંઘા નંગવાળી કોઈની અમાનત ચળકી રહી હતી. એને બહાર નીકળતો નિહાળી કાદંબરી શીઘ્ર એની તરફ ધસી ગઈ અને એની છાતી પર લપાઈ ગઈ.

" આઈ લવ યુ, કબીર. આમ સોરી. "

કબીરે હેત ભરેલો હાથ એના માથા પર ફેરવ્યો અને આપી દીધેલી માફીની નિશાની સ્વરૂપે એનું કપાળ માનપૂર્વક ચૂમી લીધું.

ચોરડગલે બંને ફ્લેટમાં પરત થયા. અંધકારમાં લપાયેલા બેઠકખંડમાં ફ્રેમમાં મઢાયેલી તસ્વીર એ દ્રશ્યની એક માત્ર સાક્ષી હતી. હા, એ જ તસ્વીર જે ફ્લેટની મુલાકાત દરમ્યાન નિષ્ઠાએ હાથમાં ઉઠાવી હતી. જેમાં કબીર પોતાની બંને દીકરીઓને અત્યંત માન અને સ્નેહ પૂર્વક પોતાની ગોદમાં બેસાડી ગર્વપૂર્વક નિહાળી રહ્યો હતો.

રસોડામાં પાણી પીવા ગયેલી કાદંબરી ધીમે રહી બારી નજીક ગઈ. પડખેના મકાનની અગાશી પર બેઠો કાગડો એને જ નિહાળી રહ્યો હોય એવી એને ભ્રાંતિ થઈ. પણ આ વખતે એના શરીરમાં અરેરાટી વ્યાપી નહીં. શરીરના રુંવાડા ઊભાં થયા નહીં. શાંત જીવે એણે બારી પર પડદો ખેંચી કાઢ્યો. શયનખંડમાં પથારી પર કબીરનું મોઢું ખુલ્લું હતું. એણે ધીમે રહી સ્મિત જોડે એને વાંસી દીધું. નિયત નસકોરાઓની ગૂંજ વચ્ચે એણે કબીરના સશક્ત બાવડા પર પોતાનું માથું ગોઠવ્યું અને નિરાંતે ઊંઘી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Horror