Nilang Rindani

Tragedy Crime Thriller

4  

Nilang Rindani

Tragedy Crime Thriller

ચહેરો

ચહેરો

8 mins
310


કુદરતની કેવી વિચિત્ર કરામત છે કે એક મનુષ્ય અને તેને જોડાયેલા અનેક ચહેરા..એક બાહ્ય ચહેરો અને અસંખ્ય ભીતર ચહેરા. દશાનન (રાવણ) દરેક મનુષ્યમાં સમાયેલો છે...ખેર, આ લેખ ની શરૂઆત થોડી આધ્યાત્મિક રૂપે એટલા માટે કરવી પડી કારણ કે આજ ના લેખમાં જે સ્ત્રીનો ઉલ્લેખ થવાનો છે તે વાસ્તવિક રૂપે ચહેરા સાથે જોડાયેલી છે.

"મોહિની બ્યુટી પાર્લર" ની મુખ્ય કર્તા હર્તા મોહિની પટેલ શહેરમાં એક જાણીતું નામ હતું મેકઅપના વ્યવસાયમાં. કોઈ પણ શુભ પ્રસંગ હોય....તે પછી સગાઈ હોય, લગ્ન હોય, કોઈ જન્મદિવસની પાર્ટી હોય કે પછી કોઈ નાનો મેળાવડો હોય....મોહિનીની માંગ હંમેશા રહેતી, અને કેમ નહીં...દરેક સ્ત્રીને સુંદર દેખાવાના કોડ હોય અને સ્ત્રી સુંદરતાનો પર્યાય પણ તો છે જ ને ? મોહિની આ દરેક સ્ત્રી ની જીજીવિષા પૂર્ણ કરવામાં તેમને મદદ કરતી હતી તેની સૌન્દર્ય કળા થકી. તે સ્ત્રી જ્યારે મેકઅપ કરાવી લેતી પછી તે ખુદ પોતાને ઓળખી ના શકતી તેવો મેકઅપ મોહિની તેને કરતી હતી. ટૂંકમાં ત્યાં આવનાર દરેક સ્ત્રી પોતાની વાસ્તવિકતા અમુક કલાકો પૂરતી ભૂલી ને એક અલગ દુનિયામાં જ પહોંચી જતી. મોહિની ની આ કળા ઉપર જ લોકો મહેરબાન હતા અને એનું તે પૂરતું વળતર પણ લેતી હતી. 

રવિવારની સવારનાં દસ વાગ્યા હશે. લગ્નસરાનો સમય ચાલતો હતો એટલે મોહિની પણ તેનું બ્યુટી પાર્લર રવિવાર હોવા છતાં ચાલુ રાખતી હતી. તેના પાર્લરમાં તેણે ૪-૫ છોકરીઓ પણ પોતાની સહાય માટે રાખી હતી, પરંતુ મહત્વનો મેકઅપ તો મોહિની પોતે જ કરતી. એક આલીશાન ગાડીમાંથી સહેજે ચાલીસી વટાવી ગયેલ એક સ્ત્રી ઉતરી અને સીધી જ પાર્લરમાં પ્રવેશી ગઈ..ત્યાં હાજર રહેલી એક પરિચારિકા એ તેનું અભિવાદન કર્યું અને તેને સોફા ઉપર બેસવાનો આગ્રહ કર્યો. તે સ્ત્રી ઉતાવળમાં હોય તેવું લાગ્યું એટલે લાગલું જ તેણે છટાથી અંગ્રેજીમાં પૂછ્યું..."આઈ એમ મોનીકા દવે એન્ડ વોન્ટ ટુ સી મોહિની. કેન યુ કોલ હર પ્લીઝ ?".... મોહિની પોતાની એક અલાયદી ચેમ્બરમાં બેઠી બેઠી આ બધું જોઈ રહી હતી. તેને લાગ્યું કે આવનાર મહિલા થોડી વધારે ઉતાવળમાં છે તેથી તેણે પોતે જ બહાર જઈ ને પેલી મહિલા સાથે વાતચીત શરૂ કરી...."હાઈ આઈ એમ મોહિની .. વેલકમ ...હાઉ કેન વી હેલ્પ યુ ?" મોહિનીની વાક્છટા પણ તેના વ્યવસાય જેટલી જ આકર્ષક હતી..પ્રત્યુતરમાં પેલી મહિલા એ કહ્યું..."હું મોનિકા છું અને આપનું નામ ઘણું સાંભળ્યું છે...મુંબઈ થી હાલમાં જ અહીં આવ્યા છીએ અને આજે મારે એક પાર્ટીમાં હાજરી આપવાની છે..એક બીઝનેસ પાર્ટી છે એટલે મારો મેકઅપ તેને અનુરૂપ કરશો..એન્ડ આઈ એમ સોરી, આઈ હેવન્ટ ટેકન એની પ્રાયર એપોઈન્ટમેન્ટ, બટ ઈટ્સ અરજન્ટ એન્ડ આઈ હોપ યુ ડોન્ટ માઈન્ડ "... મોહિની એ સંમતિ ભર્યો નિર્દેશ કર્યો અને તેની સહાયિકાઓને જરૂરી સૂચનાઓ આપી અને પેલી મહિલાને એક આરામદાયક ખુરશી ઉપર બેસવાનું કહ્યું. મેકઅપની શરૂઆત થઈ ગઈ....તેવામાં જ પેલી મહિલા નો સેલફોન રણક્યો..થોડી ક્ષણો રોકાવાનો ઈશારો કરી ને પેલી મહિલા એ પોતાનો સેલફોન લીધો....બે મિનિટ પછી..."બટ આઈ ટોલ્ડ યુ ધેટ આઈ એમ ગોઈંગ આઉટ ફોર માય મેક અપ એન્ડ ડોન્ટ શાઉટ પ્લીઝ.." ફરી પાછી એક બે મિનિટ નો વિરામ અને..."જો....મારે તારી સાથે વાદવિવાદ નથી કરવો...આઈ એમ નોટ એટ ઓલ ઈન્ટરેસ્ટડ ઈન ઓલ ધીઝ, ફાલતુ પાર્ટીઝ ઓફ યોર સર્કલ એન્ડ યોર ડ્રિંક્સ.. બીજું હોય છે પણ શું ? મને તો તું એક એન્ટિક પીસ તરીકે જ લઈ જાય છે ને....ચાલ ફોન મૂક...મારે વાત નથી કરવી"....ચહેરો લાલઘુમ થઈ ગયો હતો પેલી મહિલાનો...ક્રોધથી ધીરેથી ગણગણી...."ધીઝ બ્લડી હાપોક્રાઈટ હુસબન્ડઝ.. ખબર નહીં શું સમજે છે તેના મનમાં"...ફરી પાછો મેકઅપ શરૂ કરવાનો નિર્દેશ આપી ને પેલી મહિલા આંખો બંધ કરી ને બેસી રહી. લગભગ દોઢ કલાક જેટલો સમય લાગ્યો હશે મેકઅપ પૂરો કરવામાં અને તે દરમિયાન પેલી મહિલાના સેલફોનની ઘંટડી ૪-૫ વખત વાગી ચૂકી હતી પરંતુ તેણે તે લેવાની દરકાર સુધ્ધા નહોતી કરી. જે સ્થિતિમાં પેલી મહિલા આવી હતી તેના થી તદ્દન વિપરીત સ્થિતિમાં પેલી મહિલા આવી ગઈ..મોહિનીની કળા એ તેનો કસબ દાખવ્યો હતો અને તે કસબના ત્રણ હજાર રૂપિયા ચૂકવીને પેલી મહિલા બ્યુટી પાર્લરની બહાર નીકળી ગઈ. મોહિની ફરી પાછી પોતાની ચેમ્બરમાં આવી ને બેસી ગઈ...દિવસની શરૂઆત સારી થઈ હતી. બપોર પછી બે ત્રણ જણાની એપોઈન્ટમેંટ હતી એટલે થોડી હાલ પૂરતી નવરાશ હતી મોહિની ને..પરંતુ તેનું મગજ તો વિચારો ને ચગડોળે ચડ્યું હતું. પેલી મહિલા તેના મગજ ઉપર સવાર થઈ ચૂકી હતી...તેનો વાર્તાલાપ તેના મગજ ઉપર પડઘમ મચાવી રહ્યો હતો..આવી હતી પેલી મહિલા પોતાનો અસલી ચહેરો છૂપાવવા પરંતુ તેની વાસ્તવિકતા તેનો પીછો નહોતી છોડતી..અને પોતે પણ તો પેલી મહિલા ને તેની વાસ્તવિકતા ભૂલવામાં મદદ કરી રહી હતી ને....ભલે ને અમુક કલાકો પૂરતું પરંતુ તે મહિલા તેના ચહેરા ઉપર થોડા સૌન્દર્ય પ્રસાધનોની મદદથી તેની વાસ્તવિક દુઃખી જિંદગીથી દૂર રહેશે અને તેને આ વાસ્તવિકતાથી દૂર કરવા માટે તેનું ભારેખમ વળતર પણ લીધું જ ને ? થોડી ક્ષણો માટે તો મોહિની ને પોતાની જાત ઉપર ગર્વ થયો કે તે પોતાના પાર્લરમાં આવનાર દરેક મહિલા ને વાસ્તવિકતાથી દૂર એક પરીની દુનિયામાં લઈ જાય છે..પણ..પણ....આ શું ? એક આંતઃનાદ ઉઠ્યો તેના હૃદયમાં..ભીતરની મોહિની તેને ટપારી રહી હતી..."અરે મૂર્ખ....તને શેનો ગર્વ થઈ રહ્યો છે ? તું પણ તારી જાતને મૂર્ખ જ બનાવી રહી છે ને ? તારી સ્થિતિ પેલી મહિલાથી જરાય પણ ઉતરતી નથી..પેલી મહિલા પાસે તો તેં અમુક પૈસા લઈને અમુક કલાકો માટે પરીની દુનિયા જોતી કરી દીધી પણ તારે પરીની દુનિયા જોવા માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી છે ? મોહિની..તારા વ્યવસાયમાં ભલે તું નફો કરતી હોય પરંતુ જીવનના વ્યવસાયમાં તો તે નર્યું નુકસાન જ વેઠ્યું છે"...મોહિની સફાળી ઊભી થઈ ગઈ તેની આરામદાયક ખુરશી ઉપરથી...કદાચ એ ખુરશી આજે તેને કાંટાળી લાગી રહી હતી. આંખમાંથી અશ્રુ દ્વારા તેનો ભૂતકાળ બહાર આવી રહ્યો હતો ધીરે ધીરે.

મોહિની એ એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં..પણ તે લગ્નમાં પ્રેમ નહીંવત અને આકર્ષણ જ મહત્વનો ભાગ ભજવી ગયું....શરૂઆતના બે ત્રણ વર્ષ તો બધું બરાબર ચાલ્યું, પરંતુ તે પછી જ ખરી જિંદગીની શરૂઆત થઈ. આકર્ષણના ભાગ રૂપે મોહિની એ એક બાળકીને પણ જન્મ આપ્યો. તેનો પતિ એક હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. મોહિની પણ એક બ્યુટી પાર્લરમાં સહાયક તરીકે નોકરી કરતી હતી. હોટેલ વ્યવસાયમાં હોવા ને નાતે મોહિની નો પતિ દારૂ અને બીજા ઊંધા રવાડે ચડી ગયો હતો. ઘરમાં રોજ રોજ ઝગડા થવા લાગ્યા...હોટેલમાં પણ એક વાર એક મહેમાન સાથે ગેરવર્તણૂક અને તદુપરાંત દારૂના નશામાં હોવાને કારણે તેના પતિ ને તત્કાળ નોકરીમાંથી પાણીચું આપી દીધું હતું. ઘરની સઘળી જવાબદારી મોહિની માથે આવી પડી..દીકરી પણ મોટી થતી જતી હતી એટલે તેના ખર્ચા પણ ભારે પડી રહ્યા હતા. આ બધાને લીધે ઘરમાં ઝગડા અને મારઝૂડનું પ્રમાણ વધી ગયું....અને એક દિવસ તો હદ જ થઈ ગઈ. મોહિનીનો પતિ સાંજના સમયે દારૂના નશામાં ઘરે આવ્યો. તેની સાથે તેનો એક મિત્ર પણ હતો અને તે પણ દારૂના નશામાં જ હતો. મોહિની માટે આ અસહ્ય હતું. પણ તેમ છતાં મગજ ઉપર કાબૂ રાખી ને સમસમી ને બેસી રહી. મોહિનીનો પતિ તેના મિત્ર સાથે કંઈક વાતચીત કરી રહ્યો હતો જે મોહિની સાંભળી નહોતી શકતી. કુતૂહલવશ બીજા ઓરડામાંથી છૂપાઈ ને તેણે જોયું તો તેના પતિ એ તેના મિત્ર પાસેથી અમુક પૈસા લીધા અને ઘરની બહાર લથડતી ચાલે નીકળી ગયો. પણ તેનો મિત્ર હજી ત્યાં જ બેસી રહ્યો હતો. મોહિની આ બધું નિહાળી રહી હતી. અને મોહિની હેબતાઈ ગઈ જ્યારે તેણે જોયું કે તેના પતિ ના મિત્ર એ ઊભાં થઈને ઘરનો દરવાજો બંધ કર્યો. પળવારમાં જ મોહિની ને પરિસ્થિતિની તાગ મળી ગયો. તરત જ પોતાના ઓરડામાંથી બહાર આવી ને ઘર નો મુખ્ય દરવાજો ખોલી નાંખ્યો અને તેના પતિના મિત્ર ને આડોશી પાડોશી ને બોલાવવાની ધમકી આપી ને ઘરની બહાર કાઢ્યો. એકાદ કલાક પછી જ્યારે મોહિનીનો પતિ પરત આવ્યો ત્યારે મોહિની પોતાનો સામાન ભરી ને બેઠી હતી. તેના પતિએ તેને ગાળો ભાંડવાનું અને મારઝૂડ પણ શરૂ કરી. જેમ તેમ કરી ને મોહિની ત્યાંથી પાડોશીની મધ્યસ્થીની મદદથી ભાગી નીકળી. મોહિનીના મા બાપ તો હતા નહીં એટલે એક નજીકના સગા ને ઘરે જતી રહી. તેણે નિર્ણય કર્યો કે તેના પતિ થી છૂટાછેડા લઈને પોતાની નવી જિંદગી શરૂ કરશે. કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. અમુક સમય પછી કોર્ટનો ચુકાદો પણ આવી ગયો. છૂટાછેડા પણ મળી ગયા પરંતુ તેની દીકરીનો કબ્જો તેના પતિને જ મળ્યો. જિંદગીનો એક મોટો કડવો ઘૂંટડો ગળવો પડ્યો તેની દીકરીના બદલામાં. અતિશય મહેનત કરી ને મોહિની એ પોતાની આગવી ઓળખ ઊભી કરી. સૌ પ્રથમ બેંકમાંથી લોન લઈને એક નાની જગ્યા એ પોતાનું બ્યુટી પાર્લર શરૂ કર્યું અને તે પછી તેણે પાછું વળીને જોયું નથી. અને આજે મોહિની ચાલીસી એ પહોંચેલી એક સફળ સ્ત્રી હતી, પરંતુ આટલા વર્ષોના અથાગ પરિશ્રમ અને માનસિક પરિતાપ ને પરિણામે મોહિનીને બ્રેઈન ટ્યૂમર થઈ ગયું હતું, જે હવે અંતિમ તબક્કામાં પણ હતું. પરંતુ મોહિની એ આ અવસ્થાને તેના મગજ ઉપર કોઈ દિવસ સવાર થવા દીધી નહોતી. તે પણ રોજ પોતાના બ્યુટી પાર્લરમાં પોતાના હાથે જ ઘરે થી મેકઅપ કરી ને નીકળતી....કદાચ તે પણ પોતાનો વાસ્તવિક ચહેરો છૂપાવવા માંગતી હતી.

અને મોહિની ફરી પાછી વાસ્તવિક દુનિયામાં પરત ફરી જ્યારે તેની એક સહાયીકા એ તેની ચેમ્બરનો દરવાજો ખખડાવ્યો. તેને તાકીદ કરવામાં આવી કે એક ક્લાયન્ટ તેની એપોઈન્ટમેંટ પ્રમાણે આવી હતી. પોતાનો થોડો મેકઅપ સરખો કરી ને તે બહાર આવી ને તેના કામે લાગી ગઈ. આમ ને આમ દિવસ પૂરો થયો. રોજની આવકનો હિસાબ કરી ને પોતાનું પાર્લર બંધ કરી ને પોતાની ગાડીમાં પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ.

રોજ કરતા આજે તેને માનસિક થાક વધુ લાગ્યો હતો. કદાચ ઘણા વખત પછી આજે તે તેના ભૂતકાળમાં ધકેલાઈ હતી. માથું પણ અતિશય ભારે લાગતું હતું. અસુખ જેવું લાગતું હતું તેને. કપડાં બદલી ને તેના શયનખંડ ના અરીસા સામે ઊભી રહી. અરીસાની અંદરની મોહિની આજે તેની સમક્ષ મંદ મંદ હાસ્ય વેરી રહી હતી...અત્યારે તે પોતાના અસલી ચહેરા સાથે અરીસાની સમક્ષ ઊભી હતી. અરીસામાં વસેલી મોહિની તેને કંઈક કહી રહી હતી.."જિંદગીની આજ તો મોટી રમત છે, મોહિની....આ એક સાપ સીડીની રમત છે..તું ગમે તેટલી ઉપર જઈશ પરંતુ જિંદગી એ નાંખેલા આંકડા ક્યારે તને પરિસ્થિતિ રૂપી સાપ વાટે ફરી પાછી નીચે ધકેલી દેશે તે નક્કી નથી હોતું..તું આગળ તો ઘણી નીકળી ગઈ છે, પરંતુ તારો ભૂતકાળ એક સાપ છે જે હંમેશા તને નીચે ધકેલશે. જિંદગી આખી તેં લોકોના અને પોતાના અસલી ચહેરા ને છૂપાવવાની કોશિશ કરી પણ તું ભૂલી ગઈ હતી કે વાસ્તવિકતા એ વાસ્તવિકતા જ રહેશે..... તારો અસલી ચહેરો તું દુનિયાથી છૂપાવી શકીશ પરંતુ તારો અક્ષ, એટલે કે મારાથી કેવી રીતે છૂપાવી શકીશ ? હરીફરીને તું સાપ સીડીના પહેલા ખાને જ આવીશ...." અરીસાની બહાર ઊભેલી મોહિની અવાચક હતી..આજે તેની સમક્ષ તે પોતે જ હતી...પોતાની અસલિયત....દુનિયા ને ખુશહાલ ચહેરો દેખાડવા માટે પોતાની સાથે કેવું સમાધાન કરવું પડે છે, તેનું ઘમાસાણ તેના મગજમાં ચાલી રહ્યું હતું....મગજ ઉપર પારાવાર દબાણ હતું....કપાળે પરસેવો બાઝી ગયો હતો....માથું ભમી રહ્યું હતું, અને અચાનક તેના કાનમાંથી રક્ત નીકળવાનું શરૂ થયું....અને મોહિનીની આંખે અંધારા આવી ગયા....ફસડાઈ પડી તે જમીન ઉપર..આંખ ચડવા લાગી....એક અણસાર આવી ગયો મોહિનીને અને અચાનક તેના મોઢાં ઉપર એક મંદ હાસ્ય રમી રહ્યું..મનોમન તે કદાચ પોતાની ભીતરની મોહિનીને કંઈ કહી રહી હતી...."જો...રોજ બહાર નીકળતી વખતે મેકઅપ કરતી હતી....પણ આજે મારે મારા અસલી ચહેરા સાથે નીકળવું છે...આ જ તો છે મારી અસલિયત....આ જ તો છે મારો અસલી ચહેરો...." અને મોહિનીની પાંપણોએ હળવેથી આંખોને બીડી દીધી....!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy