Nayana Charaniya

Abstract Tragedy Inspirational

4.5  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

છેલ્લો પત્ર

છેલ્લો પત્ર

4 mins
610


સાગર સોનપરા

સાગરનું હૃદય

સાગરની આંખોની સામે,

પીન કોડ : ૩૭૦૦૦૭  

 પ્રિય ક્રિષ્ના,

તારા અંતિમ સમયે હું તને મળી પણ ન શક્યો પણ આજ આ પત્ર દ્વારા હું તારા પાસે પહોંચવા માંગુ છું. માત્ર બે ઘડી મને સાંભળને, હા વધુ સમય નહિ લઉં આ છેલ્લી વખત બસ મને સાંભળ… તું જ્યાં પણ છે બસ એક વાર મને મળવા આવી જા નહિ તો મને તારું સરનામું મોકલ હું આવી જાઉં ! ક્રિષ્ના મારા દિલ,દિમાગ અને આત્મમાં હંમેશા તું રહી છો અને તું જ રહીશ. જિંદગી કેટલી છે એ મને પણ નથી ખબર પણ ભરપુર જીવી છે જયારે તને જોઈ છે ! આજ તારા ન હોવા છતાં પણ તું કાયમ મારી આસપાસ રહી છે છતાય એક સવાલ થયા કરે છે મને : ફરી ક્યારે મળીશું આપણે ? હવે જે સમય છે મારા જીવનનો એમાં તારી સાથે વિતાવેલા સમયના સંભારણા સાથે રોજ એક આશા સાથે તને મળી લઉં છું અને તારી સાથે જીવી લઉં છું. તારી આ યાદોના ભણકારા આવે છે ને જાય છે ખબર નહિ ક્યાં તું જ રોકાઈ જાય છે ! લખવું તો મને ગમતું નહિ પણ જો ને તારા ગયા પછી વધુ ગમવા લાગ્યું છે એ મને ! જીવવા લાગ્યો છું એ દરેક શબ્દો સાથે જ્યારે જ્યારે લખાતા ગયા છે આ શબ્દો ત્યારે ત્યારે એમ લાગ્યું છે કે તું મારી સામે બેઠી છો અને હું તને કહી રહ્યો છું ! ખબર છે ક્રિષ્ના ? ક્યારેક ક્યારેક તો તું મને આ મારા દરેક સવાલોના જવાબો પણ આપી જાય છે. ક્યાંક હું પ્રશ્ન કરું ને જવાબ મારા અંદરથી આવ્યો હોય પણ જાણે એ દરેક શબ્દો તારા હોય છે. 

ક્રિષ્ના, તને ખબર છે રાહુલ મારી ખુબ મજાક ઉડાવતો હું જ્યારે પણ કોઈ શાયરી બોલતો ! હવે તો એ પણ મારી શાયરીનો ફેન થઈ ગયો છે. કોઈ જ કારણ વિના જ અનાયાસે હવે લખાય છે. શબ્દો અંદરથી નીકળે છે. તું ઘણી વાર કહેતી ને, ‘રેવાદે તારું કામ નથી,આ સાહિત્યમાં જ્યારે અંદરથી જ શબ્દો સ્ફુરશેને ત્યારે નવીન સર્જન થશે. ત્યાં સુધી તમે ઓપરેશન થિયેટર સંભાળો અને હાથમાં કલમ નહિ કાતર અને બીજા સાધનો પકડો આ કલમમાં પણ ભારે વજન હોય છે, એમ જ ઉપાડી શકાય એ પણ શક્ય નથી !’ હવે મને સમજાયું જ્યારે આ હૃદય પર વજન પડ્યું ત્યારે કલમનું વજન પણ સમજાયું. 

ક્રિષ્ના, ક્યારેક થાય છે કે હું હવે ડોક્ટરનો વ્યવસાય મુકીને બસ લખ્યા જ કરું માત્ર તારા માટે, બસ હવે નથી ગમતું મને આ વ્યવસાય જેમાં હું એક ડોક્ટર હોવા છતાં તને ન તો છેલ્લી ઘડીએ મળી શક્યો કે ન તને બચાવવાના પ્રયાસ કરી શક્યો. આ પત્રનું નામ જ મેં ‘છેલ્લો પત્ર’ રાખ્યું છે એનું કારણ પણ એક જ છે કે હવે આ ડોક્ટરના વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને તારા માટે ઘણું બધુ લખવું છે. હવે કોઈ પણ મને આ વ્યવસાયમાં નહિ જોવે અને હું પણ રોજ મરતા લોકોના શબ જોઈને થાક્યો છું. લોકોના મૃત્યુ પછી એની પાછળનો આક્રંદમાં હું મારું જ અસ્તિત્વ ખોઈ બેસું છું ! હવે તો તું પણ નથી રહી કે મને સંભાળી શકે, સાચવી લે મને....નિઃસાસો પડી જાય છે મને ક્રિષ્ના ! આ મહામારીમાં રોજ મરતા લોકોની લાશોનો ઢગલો આ જીવનની નશ્વરતાનો ખ્યાલ અપાવી જાય છે. વિચારશૂન્ય બની જાઉં છું. હવે હું ઓપરેશન થિયેટરમાં જાઉં એ પહેલા ધ્રુજવા લાગે છે મારા આ હાથ, સાચું કહું તો હવે તારા વિના આ જીવનમાં ક્યાં પણ રસ રહ્યો નથી. રહ્યો છે તો માત્ર હવે આ કલમ અને કાગળમાં જાણે જ છે ને કેમ ? કારણ કે દરેક શબ્દો અને અઢળક પ્રશ્નો હવે અંદરથી નીકળે છે જે તારા સુધી પહોંચી મને જવાબો પણ આપે છે. તને મળવાનો હવે મને સરળ રસ્તો મળી ગયો છે. તને ખુબ જ યાદ કરું છું ક્રિષ્ના બસ તારા પાસે આવવું છે મને... 

 આ પત્ર હું એક ડોક્ટરના પહેરવેશમાં લખવા બેસી ગયો હતો પણ આજ છેલ્લી વખતે આ કપડામાં હવે નહિ ! આજ તારા મમ્મી સાથે વાત થઈ અરે હા, મનથી માની લીધેલા મારા મમ્મી જી સાથે ! ક્રિષ્ના ખુબ દુઃખ થાય છે મમ્મી અને પપ્પા જે સફર હાલ કરી રહ્યા છે ! જાણીને અજાણ બનવું ખુબ મુશ્કિલ છે. એમાં પણ મન પર પથ્થર પડ્યો હોય એટલું દુઃખ હોય ને છતાય ખુશ રહેવાનો દેખાવ કરવો ઘણું જ મુશ્કિલ છે. આ બધું સહેલું નથી ક્રિષ્ના, હું હજીય ઘણી વારે ખુલીને રોઈ પણ લઉં છું પણ મમ્મી પપ્પા એક બીજાને ખોટા દિલાસા આપતા આપતા રોઈ પણ નથી શકતા. ક્રિષ્ના હું પણ તારી જેમ અમર થઈ જવા ઈચ્છું છું,જેમ તું બધાયમાં થોડું થોડું ડૂબીને ચાલી ગઈ પણ તારું અસ્તિત્વ કાયમ રાખી ગઈ સાથે સાથે દરેક સંબંધોની ભીનાશ પણ રાખી ગઈ છો ! ક્રિષ્ના આ પત્રનું સરનામું હું આકાશે મોકલું છું આશા છે ઈશ્વર મારા હૃદયની લાગણીઓ જરૂર તારા સુધી જરૂર પહોચાડશે અને ફરી આપનું મિલન શક્ય બનશે એ ભલે પછી બીજા જન્મનું પણ કેમ ન હોય ? 

 આ જન્મે હું તારા પત્ર અને તારી રાહ જોઉં છું...

લિ. 

તારો અને બસ તારો 

સાગર


Rate this content
Log in

Similar gujarati story from Abstract