Nayana Charaniya

Tragedy Classics

4.5  

Nayana Charaniya

Tragedy Classics

કૃષ્ણનું સ્મિત

કૃષ્ણનું સ્મિત

3 mins
279


ગરમ લોહીની ધારા પગનાં અંગૂઠામાંથી વહી રહ્યું હતું. ઝાડની નીચે નિઃસહાય માનવ થઈને જીવેલા શ્રી કૃષ્ણ ભગવાન આજ ભગવાન ન હતા પણ એક સામાન્ય માણસની જેમ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. આ સમયે પણ એ એની નજીકની બે વ્યક્તિ રાધા અને સખી પાંચાલીની રજા મંજુર કરવાની રાહ જાણે જોઈ રહ્યા હતા. તીર મારીને ભૂલ કરી બેઠેલ પારધી પ્રાયશ્ચિત કરી રહ્યો હતો પણ એને નહોતી ખબર કે આતો એને આ માનવ જીવનમાંથી મુક્તિ અપાવી છે. 

હિંચકા પર બેઠેલ રાધાને જાણે પવન સાથે સંદેશો મળ્યો ને દડદડ કરતા આંસુ નીકળી પડ્યા. ગોપીઓની રાસ લેતા એ શ્યામની મૂર્તિ એની સામે ખડી થઈ ગઈ જ્યાં શ્રી કૃષ્ણની અધર પર રહેલી વાંસળી, માથા પર મોરપંખ અને કપાળે ચંદનનું તિલક એના તેજસ્વી સ્વરૂપને વધારે તેજસ્વી બનાવી રહ્યું હતું. એની બંધ આંખોમાં જાણે ખોવાઈ જવાનું અને મન મૂકીને રાસ લેતા ગોપીઓને જોઈ રહી હતી. અચાનક પોતાના હાથ પર પડેલ આંસુના ટીપાં એ એને ભાનમાં લાવી અને હવે આ આંખો કાયમ બંધ થવાની છે એ જાણી એ વ્યાકુળ બની ગઈ. એવી જ વ્યાકુળ જ્યારે વાંસળીના સૂર સાંભળીને ગોપીઓ પોતાના બાળકોને રડતા મૂકી દેતી, તાવડી પર ચડેલ રોટલા એમ જ મૂકી આવતી, માથે ઓઢવાનું મૂકી વહુઓ દોડી જતી અને રાધા ? એ તો બાવરી થઈને દોટ મૂકતી. આજ રાધા દોટ તો ન મૂકી શકી પણ એની વ્યાકુળતા જાણે અધીરી બની ગઈ હતી. 

બીજી બાજુ પ્રિય સખા શ્રી કૃષ્ણની આંગળી પર બાંધેલ ઓઢણીનું વચન પાડીને ભરી સભામાં લાજ રાખી એવા સખા શ્રી કૃષ્ણને આજ અંગૂઠા પર પટ્ટી ન બાંધી શકી એનું અંતરમાં વેદના વણસી રહી હતી એવી પાંચાલી પણ જાણે વ્યાકુળ થઈ ગઈ હતી.  કૃષ્ણ મનોમન બન્નેને હવે આ માનવદેહ છોડી મુક્તિ માટે રજા માંગે છે પણ જેમ ગોકુળ છોડી કાન પાછા જ ન આવ્યા એમ આજ તો આ દેહ છોડી મુક્તિ માંગે એ કેમ સહ્ય થાય ! ત્યાં કૃષ્ણ મનોમન સમજાવટ કરે છે,

હે પ્રિય, હું માનવ થઈને જીવ્યો છું તો હવે માનવ થઈને મૃત્યુ પામવું છે. મા કોને કહેવાય ? એનો પ્રેમ મે પામ્યો છે તો સખાની મિત્રતાનું ઉદાહરણ પણ મને આપવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું છે. સ્ત્રી પુરુષ વચ્ચે પણ એક અલગ પ્રકારની મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું સખી પાંચાલી સાથે મે ઉત્તમ રીતે નિભાવ્યું છે. તો મહાભારતમાં સાચો ન્યાય પણ મે અપાવ્યો છે. મારા જ કુળનું આજે મે વિનાશ મારી આંખોએ જોયું છે. આ બધું જ હું ધારું તો રોકી શક્યો હોત ! પણ હું માનવ છું બસ એક માનવ થઈને જીવ્યો છું. હવે મને મુક્તિ આપો આ માનવ દેહ માંથી જેથી આ નિમિત્ત બનેલ પારધી પણ આ દુઃખથી દૂર થાય.

   પારધી પ્રાયશ્ચિત રૂપે માફી માંગી રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં જોયું તો કૃષ્ણની આંખો પણ હવે બંધ થઈ ચૂકી હતી. એજ ચહેરા પરનું તેજ અને બંધ આંખો છતાં એજ હાસ્ય હતું જેમાં માથા પર મોરપંખ શોભી રહ્યું હતું તો અધર પર વાંસળી કલ્પી શકાય એવું સ્મિત જાણે ચિર નિદ્રામાં પોઢી રહ્યું હતુ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy