ચહેકતો ફેંસલો
ચહેકતો ફેંસલો
"પ્રાચીબેન, ચહેકને તમે આગળ ભણાવવાના છો ?".
"જી".
"તમને લાગે છે કે તમારી આ નોકરીના આધારે તમે ચહેકના ભણતરની આર્થિક જવાબદારી નિભાવી શકશો ?"
"થોડી તકલીફ પડશે.. પણ હું અને ચહેક મેનેજ કરી લઈશું."
"તમે ચહેકની જરુરિયાતો અને સ્વપ્નો પ્રત્યે અન્યાય કરી રહ્યા છો એવું નથી લાગતું તમને ? "
" ઓબ્જેક્શન માય લોર્ડ! "
" ઓબ્જેક્શન સસ્ટેઈન્ડ "
" પ્રાચીબેન, છેલ્લા સાત વર્ષથી તમે એકલા હાથે ચહેકનો ઉછેર કરી રહ્યા છો. ડીવોર્સ પછી તમે મીસ્ટર સુકેતુ પાસેથી એલીમની પણ લેતાં નથી. તમને નથી લાગતું કે એક ટીનેજર દીકરીની આકાંક્ષાઓ પૂરી કરવા તમારે ચહેકની જવાબદારી એના પિતાને સોંપી દેવી જોઈએ ? "
" હું મારી ચહેકને વધુ સારી રીતે સાચવીશ એવું હું માનું છું છતાં કોર્ટનો ફેંસલો અને ચહેકની મરજી જે હશે તે માનવા હું તૈયાર છું. "
બીજા દિવસે...
" ચહેકના કહેવા મુજબ છેલ્લા સાત વર્ષમાં એને બીજા બાળકોના પપ્પા જોઈને પપ્પાની ખોટ સાલતી. પરંતુ, એના બા
ળપણના આઠ વર્ષ સુધીની ઘણી વાતો ચહેકના બાલ મન પર અંકિત થઈ ગઈ હતી. દાદાના મૃત્યુ પહેલાની માંદગી સમયે પપ્પાની આંખોમાં દાદા પ્રત્યે અસંતોષ, ક્રોધ અને અણગમો એ ભૂલી નહોતી શકી. વ્યસ્ત પપ્પાના મમ્મી સાથે અવારનવાર થતા અપમાનજનક વર્તનની એ સાક્ષી હતી. પપ્પાને ડ્રાઇવર અને લીફ્ટમેન સાથે તોછડાઈથી વાત કરતાં સાંભળ્યા હતા.... મમ્મીનું વ્હાલ માણવાની સાથે સાથે મમ્મીની મહેનત, મક્કમતા પણ એણે જાણ્યા. મમ્મીને સમયાનુસાર ખેલદિલી અને સમ્માનપૂર્વક જીવતા જોઈ મમ્મી સાથે વધુ નિકટતા, નિખાલસતા ખિલી. ચહેકને મમ્મી પપ્પા કરતાં વિશેષ જવાબદાર વ્યક્તિ લાગે છે. આવનારા વર્ષોમાં સ્નેહસભર જિંદગી માટે હમ ઉમ્ર સખીસમ મમ્મી એકમાત્ર એવી યોગ્ય વ્યક્તિ લાગે છે. ચહેકને એની મમ્મી માટે પ્રેમ જ નહીં માન છે ! એક ન્યાયાધીશ તરીકે આજનો નિર્ણય આપતાં હું અવર્ણનીય આનંદ અને ગર્વ અનુભવી રહ્યો છું. એનું કારણ છે ચહેક, એટલે કે આજની પેઢીની યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ફરક પરખવાની સમજદારી. ચહેકનો નિર્ણય એ જ કોર્ટનો ફેંસલો !"