Jasmeen Shah

Children Stories

4.4  

Jasmeen Shah

Children Stories

અણમોલ

અણમોલ

2 mins
12.2K


 દાદી ધવલને હીંચકા નાખતા જાય અને શ્લોક બોલાવતા જાય. સવારના પહોરમાં નજીકના બગીચામાં અઠ્ઠાવન વર્ષના દાદી સાથે આઠ વર્ષનો ધવલ આનંદ લૂંટી રહ્યો હતો. દાદી એને રંગબેરંગી ફૂલો, મોતીની માળા જેવા તૃણ પર ગોઠવાયેલા ઝાકળની સેર બતાવતાં. બીજી જ ઘડીએ પંખીઓનો કલરવ સાંભળવા ધ્યાન દોરતાં. વળી પાછા પતંગિયું ઉડી જાય એ પહેલાં એની પાંખોના ફરફરાટ વચ્ચે ખિલતો રંગીન જાદુ બતાવતાં ! 

      ચહેરા પર ગોઠવાયેલા સ્મિત સાથે બાજુના મકાનમાં રહેતા ધ્રુવ અંકલ ટી શર્ટ, હાફ પેંટ અને જોગીંગ શૂઝ પહેરીને બગીચામાં દાખલ થયા. દાદીને 'ગુડ મોર્નિંગ' અને ધવલના ગાલ પર હાથ ફેરવી 'હૅલો યંગ બોય' કહીને આગળ વધ્યા. દાદી હવે સૂર્યનો કૂણો તડકો માણવા નજીકના બાંકડા પર બેસી ગયા. થોડા ડગલાં ચાલીને ધ્રુવ અંકલે જોગીંગ શરૂ કર્યું. એ તો કાનમાં ઇઅર ફોનમાં સંભળાતા સંગીતની ધૂન પ્રમાણે ક્યારેક ધીમું તો ક્યારેક ઝડપથી દોડતા. વીસેક મિનિટ થઈ હશે, જવાનો સમય થઈ ગયો હોય એમ ધ્રુવ અંકલ ઝડપથી તૃણ પરથી દોડી જતા રહ્યા. ધવલે જોયું તો તૃણ કચડાઈ ગયા હતા અને ઝાકળનું વિશ્વ તો તૃણ પર જ ટકેલું... એ પણ ઝૂરીને વિખરાઈ ગયા ! અચાનક એક નાનકડું સસલું દોડતું ત્યાં આવ્યું..જાણે કચડાયેલા તૃણનું દુ:ખ વ્હેંચવા ન આવ્યું હોય! ધવલ ધીમે ધીમે સસલાની સમીપ ગયો. જોયું તો એના કોમળ પોચા પગમાં કંઈ ફાંસ જેવું ભરાઈ ગયું હતું. એણે ખૂબ પ્રેમથી સસલાને ઉપાડ્યું, એની પર લાગણીથી હાથ ફેરવ્યો. 

     સસલાને લઈને ધવલ દાદી પાસે ગયો અને ફાંસ બતાવી. દાદીએ હળવેથી ફાંસ કાઢી ત્યારે ધવલ સસલાને વ્હાલ કરતો રહ્યો. ધવલે દાદીને પૂછ્યું, " દાદી, ધ્રુવ અંકલ મેહુલકાકાના મિત્ર, દીપ મારો મિત્ર... આ સસલાનો મિત્ર કોણ?" દાદી હસીને કહે છે, "જો દીપને તાવ આવ્યો ત્યારે તું એને મળવા ગયો 'તો ને? એવી જ રીતે તૃણ કચડાઈ ગયા 'ને ઝાકળ વિખરાઈ ગયા તો સસલું દોડી આવ્યું એટલે એ ત્રણેય મિત્રો કહેવાય કે નહીં? જ્યારે સસલાને ફાંસ વાગેલી જોઈ ત્યારે તને પણ એના દુઃખનો અહેસાસ થયો અને તું એની તકલીફમાં મદદરૂપ થયો... એની પીડા દૂર કરી. એટલે હવે તું, સસલું, તૃણ અને ઝાકળ બધા સારા મિત્રો કહેવાઓ. " " દાદી તમે પણ ..! "ધ્રુવ નો લાડવા જેવો ચહેરો વધુ મીઠો થઈ ગયો.


Rate this content
Log in