માનસીનો ઝરૂખો
માનસીનો ઝરૂખો
"માનસી, હમણાં વર્ષાઋતુ છે એટલે આપણે એક કવિતા ગાઈશું."
"અરે વાહ! મને કવિતા બહુ ગમે, ટીચર."
"સરસ... પહેલા હું એક પંક્તિ કહીશ પછી તું... શરુ કરું છું...
''ના રહે ધાબું કોરું કે કોરાંકટાક આ નળિયા
કાળું ઘેરાતું આભ ચહે ભીનાં ભીનાં આ ફળિયા,
ચાલ્યા ચાલ્યા અમે તો ભાઈ
ચાલ્યા વરસાદને મળવા.
માનસી ટીચરની પાછળ પાછળ એક એક પંક્તિ આંખો બંધ રાખીને ગાતી હતી. માનસીના ચહેરા પર કંઈક કેટલાય ભાવ રમતાં રમતાં સરી રહ્યા હતા.
વિભા, માનસીની મમ્મી, માનસીને આ રીતે ગાતા જોઈ આનંદ અને સંતોષની લાગણી અનુભવી રહી હતી. માનસી ચાર વર્ષની હતી ત્યારે તેનાથી ત્રણ વર્ષ મોટા શ્રેયને ઘરના ઝરૂખામાંથી ઊડીને આવેલા એક ઝેરી જંતુના કરડી જવાથી ખોયો હતો.
ત્યારથી વિભા અને એનો પતિ માનસીની વધારે પડતી કાળજી રાખતા હતા. છેલ્લા પાંચ વર્ષથી માનસીને ચિત્રકલા, ગાયન, શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિઓ ઘરે જ કરાવતાં. માનસીને મન થાય ત્યારે એની ઉંમરના ઓળખીતા ચાર-પાંચ બાળકોને પણ સુખસુવિધાથી સજ્જ એમના વિશાળ બંગલે ઘણીવાર રમવા બોલાવતાં. મહિનામાં એકાદ બે વાર સવારથી સાંજ ફરવા લઈ જતાં. ફરવા લઈ જાય ત્યારે ગાડીના કાચ બંધ રહેતાં. ઘરે માનસીના વિશાળ રૂમનો ઝીણી જાળીના વેન્ટિલેટરવાળો મોટો દરવાજો અને ખૂબ કલાત્મક એવો ઝરૂખો પણ બંધ રહેતો..
. રખેને પેલું ઝેરી જંતુ ફરી પીડા આપી જાય !
માનસી ખુશમિજાજી હતી. મિત્રો રમવા આવે ત્યારે પોતે ગાડીમાં ફરવા ગઈ ત્યારે શું જોયું ? એ બધાં આખો દિવસ શું કરે છે ?... એવી અલકમલકની વાતો કરતાં. ટીચર જ્યારે વાર્તા કે કવિતા સંભળાવે ત્યારે પોતાની આંખો બંધ કરીને કલ્પનાસૃષ્ટિમાં પેલી અલકમલકની વાતોના રંગ ભરતી. ક્યારેક ડ્રોઇંગ બુકમાં પણ ઉતારતી. આજની વરસાદની કવિતા ગાતી વખતે પણ એ આવી જ કલ્પનાસૃષ્ટિમાં રાચી રહી હતી.
કવિતા પૂરી થતાં ટીચરને પૂછી બેઠી... "ટીચર, આ પતંગિયામાં કેટલા અને કયા કયા રંગ હોય ?"
"એ તો જાતજાતના અને ભાતભાતના હોય. એક પતંગિયામાં ઘેરી, હલકી એવી એકજ રંગની છટાઓ કે છાંટ હોય તો ક્યારેક અલગ અલગ રંગની છટા અને છાંટ પણ હોય."
"ટીચર, આ ભીની માટીની સોડમ કેવી હોય ?"...
ખડખડ... ખડખડ... અવાજ સાથે ઝરૂખાને મારેલી સાંકળ સરી પડી 'ને ઝરૂખો ખુલી ગયો. ભીની માટીની સોડમ લઈને હવાની આલ્હાદક લહેરખી માનસીના ગાલને, નાકને, કાનને, હાથને... રોમેરોમને સ્પર્શી ગઈ. માનસી મંત્રમુગ્ધ અવસ્થામાં ઝરૂખા પાસે પહોંચી. મુશળધાર વરસાદમાં થોડે દૂર સસલા પાછળ દોડતા, માટીમાં કૂદમકૂદ કરતા મિત્રોને જોયા. ટીચર કે ઝડપથી આવતી વિભા ઝરૂખો બંધ કરે એ પહેલાં "ચાલ્યા ચાલ્યા અમે તો ભાઈ ચાલ્યા વરસાદને મળવા..." ગાતાં ગાતાં માનસી ઝરૂખો ટપીને સામે સર્જાયેલા દૃશ્યમાં ભળી ગઈ !