તાલીમ
તાલીમ


નીલાબેન અને મનોજભાઈ જમવા બેઠા. આજે સવારે ઉતાવળમાં કવિતા દાળમાં ગોળ નાખવાનું ભૂલી ગઇ હતી. નીલાબેન અને મનોજભાઈએ એકબીજાની સામે જોયું. સ્મિત કર્યું. રોજની જેમ શાંતિથી જમી લીધું. ન કોઈ ટીકા ટીપ્પણી, ન કોઈ સરખામણી, ન મેણા ટોણા.
બપોરે તારાબાઈ વાસણ ધોતી વખતે એના ઘરવાળા બાબત કંઈક કંઈક બોલતી'તી. નીલાબેને ઊભા થઇ ડબ્બામાંથી ગોળપાપડીનો ટૂકડો તારાબાઈને ખાવા આપ્યો. તારાબાઈએ ભાવતી ગોળપાપડીનો ટૂકડો સીધો મોં માં મૂકી દીધો.
સાંજે નીલાબેન મંદિર દર્શન કરી પાછા આવતા હતાં ત્યારે તેમણે જોયું કે એક સ્ત્રી મેલાઘેલા ફાટેલા કપડામાં એના બીમાર બાળકને ઉચકીને ભીખ માંગતી હતી. બાળકના શરીર પર લાલ લાલ ફોડલીઓ થઈ હતી. મા અને નાના બાળકની હાલત જોવાય એવી નહોતી. નીલાબેને નજીકની દુકાનમાંથી નાના બાળક માટે એક જોડી કપડા, થોડા પૈસા અને પ્રસાદ આપી બાળકના માથે હાથ મૂકીને સારું થઇ જશે એમ કહ્યું.
નીલાબેનનો આજનો દિવસ સફળ રહ્યો. એમણે પોતાની ઈન્દ્રિયોથી ખરાબ બોલવા, સાંભળવા અને જોવાના બદલે તેનો ઉપયોગ સંવેદનશીલ માનવી બની રહેવા કર્યો.