મારી પીગી બેંક
મારી પીગી બેંક
"આભા, તું કઈ પીગી બેંકની વાત કરે છે? મેં ક્યારે તારી પીગી બેંક છલોછલ ભરી દીધી'તી? આ રૂપા કહે છે કે તે એ જ પીગી બેંકમાથી મારા ઓપરેશનના રૂપિયા ભર્યા છે. મને તો એવી કોઈ પીગી બેંક યાદ નથી આવતી" મયંક એકીશ્વાસે બોલી ગયો.
આભાએ મયંકના મોઢામાં સફરજનની એક ચીરી મૂકી અને વ્હાલથી મયંકનો હાથ પોતાના હાથમાં લીધો..." ભાઈ, તને યાદ છે? સ્કૂલ ની રીસેસમાં તું મારા માટે મને ભાવતી જીરાગોળી ખાસ લઈ આવતો. મારી થોડી ચોપડીઓ તું તારા દફ્તરમાં જ મૂકી દેતો અને સ્કૂલે પહોંચ્યા પછી મારા દફ્તરમાં ગોઠવી આપતો. એકવાર તો મમ્મીને ફ્રેક્ચર થયું ત્યારે વાંકીચૂંકી પાંથીવાળા બે ચોટલા લઈ આપેલા. પપ્પા નવા પેન્સિલ રબર લાવે ત્યારે એ મારા કંપાસમાં મૂકીને પહેલાના પેન્સિલ રબર તું રાખતો. દોસ્તારો સાથે નીચે રમવા જાય અને રંગબેરંગી ગોટીઓ જીતીને તું આવતો 'ને બધી લખોટી મારા ખોળામાં ઢગલો કરતો. હું મને ગમતી ગોટીઓ શોધીને ભેગી કરતી. ધુળેટીમાં તારા પર ફૂગ્ગાનો મારો થતો હોય તો ય તું મારી પીચકારી ભરી આપતો. આવી કેટલીય વ્હાલની ક્ષણોથી તે મારા હૃદયની પીગી બેંક છલોછલ ભરી છે. આજે આટલા વર્ષો સુધી એ પૂંજીમાં વૃદ્ધિ જ થઈ છે. આજે એમાંથી થોડું વ્હાલ હું તારી પીગી બેંકમાં આપું છું. "