Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Jasmeen Shah

Drama Thriller


4.5  

Jasmeen Shah

Drama Thriller


ડૉક્ટર નેહા

ડૉક્ટર નેહા

3 mins 23.2K 3 mins 23.2K

શાનોને તપાસીને હાથ ધોતાં ધોતાં ડૉક્ટર નેહા બોલી, "કેટલી વખત કહ્યું છે તમારી બીજલી મૅડમને કે આ દવાઓ તમને છોકરીઓને વારંવાર ન આપે. શરીર જલ્દી લથડી જશે આનાથી. 'ને ક્યાં ગયો તારો પેલો આશિક મોહન? તારી આગળ પ્રેમની વાંસળી વગાડે રાખે છે તો બીજલી મૅડમ પાસે એની સીટ્ટી પીટ્ટી ગુમ થઈ જાય છે કે શું?" શાનોના ચહેરા પર એક સ્મિત પરાણે રમી ગયું. એટલામાં તો નેહાના કાને કોઈ સ્ત્રીના કણસવાનો અને ધીમી ખાંસીનો અવાજ આવ્યો." ગુલાબો મા, આપું છું તમને પાણી, ખમો જરી" શાનોએ જરા મોટા અવાજે કહ્યું. નેહા તરત જ ઊભી થઈ ગઈ. એણે શાનોને ઈશારાથી પડ્યા રહેવાનું કહ્યું. ખૂણામાં પડેલા પ્યાલામાં પાણી ભરીને અવાજ આવ્યો હતો એ દિશામાં આગળ વધી. 

    ખૂણામાં ઠૂંઠિયુ વાળીને લગભગ ૬૦ વર્ષની ઉંમરની ગુલાબો પડી હતી. નેહાએ વાંકા વળીને પાણીનો ગ્લાસ આપ્યો. ગુલાબોને જોતાં જ કોઈ પણ કહી શકે કે યુવાનીમાં એને જોઈને વસંત ઋતુ પણ હરખાતી હશે! ગુલાબોએ માંડ માંડ પાણી પીધું. નેહાએ ત્યાં સુધીમાં તો ગુલાબોના ડાબા પગ પર દાઝેલાના આછા નિશાન જોઈ લીધા હતા. નેહાના ચહેરા પર પીડાના ભાવ તરવરી ઉઠ્યા. એ જોતાં ગુલાબો મંદ મંદ સ્મિત સાથે બોલી, "ડૉક્ટર દીકરી, આ તો બહુ જૂનો ડામનો ડાઘ છે. યુવાનીમાં આ બીજલીની મા આવા કંઈક ઘરેણાં આપ્યા કરતી જેથી એની ધાક કાયમ રહે." નેહા પ્રયત્ન પૂર્વક આંસુ રોકી ત્યાંથી પરત ફરી. બીજલી આવીને શાનો સાથે વાતચીત કરતી હતી. નેહા ત્યાં આવતા એની ફી આપવા રૂપિયા ધર્યા. નેહાએ કહ્યું," આ વખતે ફી તરીકે તમને વાંધો ન હોય તો ગુલાબો મા ને કાયમ માટે મારી સાથે લઇ જવા છે. "બીજલી એકાદ મિનિટ નેહા સામે જોઈને વિચાર કરવા લાગી... શું કામ આ ડૉક્ટર આવી માંદી ખખડી ગયેલી આધેડ વયની સ્ત્રીને લઈ જવા માંગતી હશે? પરંતુ પછી તો ટાઢે પાણીએ ખસ જતી હોય તો શેની રાહ જોવી... તરત જ છૂટકારો મળે... બીજલીએ હા પાડી.

     નેહા ફરી ગુલાબો પાસે ગઇ. એનો હાથ હાથમાં લઈને પૂછ્યું, "મારી સાથે ઘરે આવીશ?" ગુલાબો આશ્ચર્યથી નેહાને જોતી રહી. એના મોઢામાંથી એકેય શબ્દ ન નીકળ્યો. નેહા ગુલાબોને લઈને દરવાજા તરફ ચાલવા લાગી. શાનોને પોતાના આંખ, કાન પર વિશ્વાસ નહોતો આવતો. આટલું બદનામ જીવન જીવેલી સ્ત્રીને અને તે પણ છેક વૃધ્ધાવસ્થામાં કોઈ એને ઘરે લઈ જાય! શાનોની આંખો અનોખા આનંદની અનુભૂતિથી છલકાઈ ગઈ. તે હાથ જોડીને નેહાને અપલક નજરે છેક સુધી જોતી રહી.

      નેહા ગુલાબોને લઈને ઘરે આવી. ખૂબ પ્રેમથી એને સુંદર સાડી પહેરાવી, કેશ ગુંથ્યા. ભોજનની થાળી લઈ એના મોંમાં કોળિયો મૂકવા હાથ આગળ કર્યો... ક્યારની વિસ્મયથી ઘેરાયેલી ગુલાબોના મનનો બાંધ તૂટી ગયો. એ બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નેહાએ ગુલાબોને ભેટીને તેના આંસુ લૂછ્યા. "જેને ગર્ભવતી સ્થિતિમાં તમારી બદનામ ગલીમાં લાવવામાં આવી હતી અને તે જીવના જોખમે એને સહીસલામત ભાગી છૂટવામાં મદદ કરી હતી, એ માલતીની હું દીકરી છું. ગયા વર્ષે એના મૃત્યુ વખતે મેં એને વચન આપ્યું હતું કે હું તને શોધીને મારા ઘરે લાવીશ. હવે તો તું મારી મા બનીશને ગુલાબો મા? "ગુલાબો ડૉક્ટર દીકરીને ભેટી પડી.


Rate this content
Log in

More gujarati story from Jasmeen Shah

Similar gujarati story from Drama