Jasmeen Shah

Children Stories Inspirational

4.1  

Jasmeen Shah

Children Stories Inspirational

મનગમતું

મનગમતું

2 mins
11.5K


  મેધા અને સંધ્યાના સૂરોની જુગલબંધીથી આખું સભાગૃહ ઝૂમી ઉઠ્યું. તાળીઓના ગડગડાટ સાથે અભિનંદનની વર્ષાથી બંનેની આંખે ઝાકળના તોરણ બંધાઈ ગયા. તેમના મુખ પરની ચમક તેમ જ સ્મિત સુંદરતાની વ્યાખ્યા દર્શાવતા હતા. "મેધા! મેધા! ઉઠ હવે..." દાદીના હાથનો સ્પર્શ પોતાના માથા પર અનુભવી મેધા લાગલી ઊભી થઈ ગઈ... "ઓહ દાદી, કેવું મનગમતું સ્વપ્ન હતું". દાદી બોલી ઉઠ્યા, "પ્રભાત નું સ્વપ્ન છે, પૂરું જરૂર થશે." મેધા ખુશખુશાલ થઈ ને તૈયાર થવા માંડી.

     મેધા ચાલીવાળા મકાનમાં રહેતી હતી. માતા પિતા નું અકાળે અવસાન થવાથી મેધાની મોટી બહેન સંધ્યા એ ઘર ચલાવવાની જવાબદારી ફક્ત પંદર વર્ષની ઉંમરે ઉપાડી લીધી હતી. સંધ્યા ટિફિન બનાવવાનું કામ કરતી. કામ કરતાં કરતાં તે શાળાની કવિતાઓ, દાદીના ભજન કે મનગમતા ગીતો મધુર સ્વરે ગણગણતી. મા સરસ્વતીની જાણે એના પર અમીદૃષ્ટિ હતી. મેધા નટખટ હતી પણ સંધ્યા કરતા ગાયનમાં જરાય પાછી પડે એમ નહોતી. સંધ્યાએ બનાવેલા ટિફિન નિશાળે જતાં જતાં સાયકલને જાણે પાંખો ફૂટી હોય એમ પૂરપાટ દોડાવી ટિફિન પહોંચાડી દેતી. એ સાયકલ એને ખુબ પ્રિય હતી... વાર્ષિક પરીક્ષામાં તે અવ્વલ આવી ત્યારે, જીવનના દરેક પથ પર આ સાયકલની જેમ જ તું પવનવેગે આગળ વધે એ, શુભકામના સાથે સંધ્યાએ બચાવેલા પૈસામાંથી ભેટ આપી હતી.

      મેધા નિશાળે પહોંચી. પ્રાર્થના પછી શિક્ષકે મેધાને બોલાવી ત્રણ દિવસ બાદ થનારી સંગીત સ્પર્ધા માટે તેની પસંદગી થઈ હતી તે જણાવ્યું. તે ઈચ્છે તો સ્પર્ધામાં જુગલબંધી માટે જોડીદારને લઇ જઇ શકે છે. મેધાનો આનંદ ઝાલ્યો ઝલાય એમ નહોતો... પ્રભાતનું મનગમતું સ્વપ્ન હકીકત થશે એમ લાગવા માંડ્યું. ત્રીજે દિવસે સવારે તે જલ્દી તૈયાર થઈ ગઈ અને સંધ્યાને પણ તૈયાર થવાનું કહી ફટાફટ મારતી સાયકલે ટિફિન આપી આવી. ઘરે આવી દાદીના કાનમાં કહ્યું કે દાદી સ્વપ્ન સાકાર કરવા સંધ્યાને લઇ જઉં છું. સંધ્યાને પાછળ ની સીટ પર બેસાડી ડબલ સવારી ઉપડી. સ્પર્ધા નો સમય લગભગ થઈ જવા આવ્યો હતો એટલે મેધાની સાયકલ ખાડાટેકરા આવવા છતાં હવા સાથે વાતો કરતી હતી. અંતે તે બંને સમયસર પહોંચી ગયા. મેધાનું નામ બોલાતા એ આગળ વધી અને જોડીદાર તરીકે સંધ્યાનું નામ બોલાયું. મેધાએ સંધ્યાને ઈશારાથી આગળ આવવા કહ્યું. મેધાએ બંને બહેનોનું ગમતું દાદીનું ભજન ગાવાનું શરૂ કર્યું. એટલામાં તો પાડોશી સાથે દાદી પણ ત્યાં પહોંચી ગયા. થોડીવારમાં તો સંધ્યા અને મેધાની જુગલબંધીથી આખું વાતાવરણ મધુર સૂરોથી મહેકી ઉઠ્યું. લોકો આ બંને દીકરીઓનાં સ્વરનાં જાદુથી આનંદવિભોર થઈ ગયા ......   

   તાળીઓના ગડગડાટ સાથે અભિનંદનની વર્ષા!.... આંખે ઝાકળના તોરણ !! પાંખો સાયકલને... પ્રભાતના સ્વપ્નો ને !


Rate this content
Log in