સમયની કરામત
સમયની કરામત
છેલ્લા એક વરસથી શંકર એના 'જમુરા' (વાંદરો) સાથે અવનવા ખેલ કરતબ કરી જીવી રહ્યો હતો. ખેલ માટે એમની મનપસંદ જગ્યા એટલે બજાર જવાના રસ્તે આવતા મંદિરની સામે આવેલા ઘટાદાર વૃક્ષની નીચેની ખુલ્લી જગ્યા.
શંકર ઝાડના ટેકે ધ્રૂજતો ધ્રૂજતો બેઠો હતો. એની નજીક જ એનો ' જમુરો ' એકલો એકલો ખેલ કરી રહ્યો હતો. ક્યારેક લાકડીની ઉપરથી કૂદતો તો ક્યારેક એક પગમાં ઝાંઝર અને હાથમાં ડમરુ વગાડતાં વગાડતાં ઠુમકા મારતો. ક્યારેક વળી બંડી પહેરીને રુઆબથી ચાલતો. પંદર - વીસ મિનિટ ખેલ કર્યા પછી થોડે દૂર જઈ એ વચ્ચોવચ્ચ રૂમાલ પાથરી એની ઉપર ટોપી મૂકી આવે છે. શંકર સાજો હોત તો કરામત કરી ટોપીમાંથી કેળુ કાઢી બતાવત.. જમુરાની સાથે સાથે જોનારા પણ તાળીઓ વગાડત. પણ આજે...
જમુરો જઈને તપાસતો હોય એમ શંકરના કપાળે હાથ મૂકે છે. બ
ાળક જેમ મોઢું લટકાવીને બાજુમાં પડેલા મોટા પથરા પર બેસી જાય છે. અવારનવાર શંકર અને જમુરાની કરામત જોતી 'મીઠી', મંદિરના પૂજારીની દીકરી, દોડતી મંદિરમાં જાય છે."તમારી શાળ આપોને.." પિતા પાસેથી તેમણે ઓઢેલી શાળ લઈને શંકરને આપે છે. 'મા ' ને ચઢાવેલા ફળ, મીઠાઈ અને પૈસા લઈ જઈ જમુરાની ટોપીમાં મૂકે છે. જમુરો મીઠીની ફરતે નાચવા લાગે છે. પૂજારી અને શંકરની નજર મળી.. બંનેની આંખોમાં મલકાતા ઝળઝળિયાં ચમકતા હતા !
રસ્તા પરથી પસાર થતો સાધુ જેવો લાગતો માણસ એકતારા સંગ ગાતો જાય છે.
"વાનરમાંથી થયો માનવ તોય થઈ ક્યાં પ્રગતિ
માણસ તો બસ કર્યા કરે ખુદને જ પ્રીતિ...
સમય કરાવ્યા કરશે માણસને પ્રતીતિ,
મોકલી ક્યારેક 'જમુરા'ને કદી દીકરી 'મીઠી'