છબી
છબી
છબી હંમેશા એકદમ શાંત સરળ રીતે બજારમાં શાકભાજીનો ધંધો કરતી હતી. ક્યારેય પણ કોઈ ઘરાક સાથે કે તેની આજુબાજુ ઊભા રહેતાં અન્ય ધંધાર્થીઓ સાથે તે કોઈ દિવસ કંઈ જીભાજોડી કે માથાઝીંક કશુંય પણ ના કરતી. વધતો ઓછો જે પણ ધંધો થાય તેમાં તે ખુશ રહેતી. કોઈક દિવસ કંઈ ધંધો ના થાય તો પણ જરા પણ વિચલિત થયા વગર કહેતી, "આજે મારાં ઠાકોરજીને મને ઓછું નહીં આપવું હોય, એટલે એમણે મને આજે કંઈ ના આપ્યું. કાલે મને વધુ આપી દેશે." તેનાં આવાં શાંત અને સૌમ્ય સ્વભાવનાં કારણે બજારમાં બધાં તેનું માન જાળવતાં.
તે દિવસ પણ છબી પોતાની જગ્યાએ ઊભી રહી પોતાનો શાકભાજીનો ધંધો કરી રહી હતી. તે ઘણાં દિવસોથી જોઈ રહી હતી કે બજારમાં ત્રણેક અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો હતો. બજારમાં ખરીદી કરવાં આવતી બહેન દીકરીઓને કંઈ ને કંઈ રીતે તેઓ હેરાન કરતાં રહેતાં. આવાં લોકો સાથે શું કામ કોઈ માથાઝીંક કરવી એમ માની કોઈ એ અસામાજીક તત્વો સામે અવાજ ના ઉઠાવતાં.
તે દિવસ પણ એવું જ થયું કે એક સુંદર ગભરું યુવતી બજારમાં ખરીદી કરવા આવી હતી. તે યુવતી જ્યાં પણ કંઈ વસ્તુ લેવા ઊભી રહે ત્યાં પેલાં અસામાજીક તત્વો તેનાં વિશે કંઈ ને કંઈ બોલ્યા કરે, પરંતુ તે યુવતી કોઈ વધુ માથાઝીંક ના થાય માટે શાંત રહેતી હતી. આમ જ ખરીદી કરતાં કરતાં તે છબી પાસે શાકભાજી લેવા ઊભી રહી.અસામાજીક તત્વો ત્યાં પણ તેને હેરાન કરવા પહોંચી ગયા. છબીએ તે લોકોને એમ ન કરવાં બે ત્રણ વાર સમજાવ્યા પરંતુ એ લોકો તો છબીની વાત સાંભળી વધારે ઉશ્કેરાયા. હવે તો તે લોકોએ હદ કરી નાખી પેલી યુવતીનો હાથ પકડી તેમાંથી એકે તેનો દુપટ્ટો ખેંચ્યો આ જોતાં જ હંમેશા શાંત રહેતી છબીનાં ચહેરા પર ક્રોધ વ્યાપી ગયો. તેની આંખોમાંથી જાણે અગનગોળાની વર્ષા થઈ, અને પોતાનાં હાથમાં રહેલી શાક કાપવાની મોટી છરી સાથે તે પેલાં દુપટ્ટો ખેંચનાર વ્યક્તિની સામે આવી. એ યુવકની સામે આવતાં જ તે છબીને કંઈ કરે તે પહેલાં તો છબીએ એક ઝાટકે હુમલો કરી તેની પુરૂષમાંથી હંમેશા માટે બાદબાકી કરી નાખી.
છબીનું આ સ્વરૂપ જોઈ બધાં આશ્ચર્યમાં પડી ગયા. છબી લોહીવાળો છરો જોઈ સ્વગત બોલી, " કાશ ! પંદર વર્ષ પહેલાં પણ કોઈ ને આવો ક્રોધ આવ્યો હોત."
