બુંદ નહીં, તો સાગર
બુંદ નહીં, તો સાગર
દુર્વા અને મિસરીની આંખોમાંથી આંસુ સૂકાતા ન હતા. મમ્મીનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. અને હવે પપ્પાનું ગઈકાલે અવસાન થયું. પિયરમાં હવે તો ભાઈઓ અને ભાભીઓ બોલાવે તો જ અવાય. માબાપના મૃત્યુ સાથે પિયર જવાનું લગભગ બંધ જ થઈ જશે એવું બંને બહેનો જાણતી હતી. પરંતુ દરેક સ્ત્રી ને કોઈ પણ ઉંમરે પિયરનો મોહ રહેવાનો જ. બંને બહેનો કરોડપતિ કુટુંબમાં પરણી હતી. બંને બહેનો સુખી હતી. એ ધારે ત્યારે ફોરેનની ટુરમાં જઈ શકે અને ભારતમાં પણ દિવસો સુધી ફાઈવસ્ટાર હોટલમાં રહી શકે એટલી સારી સ્થિતિ હતી. પિયરમાં ત્રણ ભાઈઓ હતા. પપ્પાનો ધંધો ઠીક ઠીક ચાલતો હતો. પરંતુ એમના મૃત્યુ બાદ એમને ખબર હતી કે કોઈ પણ દીકરો વ્યવસ્થિત રીતે ધંધો સંભાળી નહીં શકે. એ ચિંતામાં જ એમનો જીવ જતો ન હતો.
બંને બહેનો પિતાની હાલતને કારણે પિયર આવી ગઈ હતી. પપ્પાને ચિંતામાં જોઈ ને કારણ પૂછતાં કારણ ખબર પડી. ત્યારે બંને દીકરીઓએ કહ્યું, "પપ્પા, અમે બંને બહેનો સુખી છીએ અમારે તો મિલકતમાંથી ભાગ પણ નથી જોઈતો એટલે હવે પાંચના બદલે ત્રણ જ ભાગ પડશે. ત્યારબાદ તો એમના છોકરાંઓ પણ કમાતા થઈ જશે. તમે કોઈ પણ જાતની ચિંતા ના કરતાં.
એમના મૃત્યુ બાદ જો બંગલો વેચવા કાઢે તો પણ કરોડ રૂપિયા આવે. જો કે એમને ખાતરી હતી કે દીકરાઓમાં સંપ નથી એટલે બંગલો વેચી જ દેશે. ધંધો સહિયારો હતો પણ દરેક ભાઈને બીજા કરતાં વધારે પૈસા જોઈતાં હોય એટલે હિસાબમાં ગોટાળા થતાં રહેતાં. ઉઘરાણી આવી હોય તો પણ ચોપડે બતાવતાં નહીં. આ વાતથી એમના પિતા સારી રીતે પરિચિત હતાં. એમની ચિંતા જોઈ બંને બહેનો એ કોરા કાગળ પર લખીને આપ્યું કે, "અમારે તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો." લખાણ વાંચ્યા બાદ એમના પપ્પાનો શાંતિથી જીવ ગયો.
પપ્પાના મૃત્યુના અઠવાડિયા બાદ ત્રણેય ભાભીઓ પિયર જતી રહી એવું કહીને કે અમે સાલ્લો બદલવા જઈએ છીએ. તો બે દિવસ રહીને આવીશું. બંને બહેનો છે એટલે તમને તકલીફ નહીં પડે. બંને બહેનો ને એ સામે કંઈ વાંધો પણ ન હતો કારણ કે પપ્પા ઉંમરે ગયા હતા. પરંતુ માબાપ ગમે તે ઉંમરે જાય પણ માબાપ ગુમાવ્યાનું દુઃખ તો રહેજ.
બંને બહેનો તેરમાની વિધિ બાદ એમના ઘેર જતી રહેવાની હતી. પિતાના મૃત્યુ બાદ ભાઈઓ તથા ભાભીઓનું વર્તન બદલાઈ ગયું હતું. સ્પષ્ટપણે તો કહેતાં ન હતાં કે તમે જાવ પરંતુ તેઓ એટલું તો ખરાબ વર્તન કરતાં કે કોઈ પણ સ્વમાની વ્યક્તિ ત્યાં ના રહે. છતાં પણ બંને બહેનો ને હતું કે તેરમાના દિવસે પિયરમાં સાલ્લો બદલીને સાસરે જઈશું.
ભાઈઓ તથા ભાભીઓના વર્તનથી બંને બહેનો એકબીજાને વળગીને રડતી રહેતી હતી. વર્ષોથી સાસરીમાં એમનો પડ્યો બોલ જીલાતો એ તો ઠીક બધા એમના સ્વભાવને કારણે એમને માન આપતાં. જયારે પિયરમાં એમની સ્થિતિ માથે પડેલા મહેમાન જેવી હતી. એ તો ઠીક પણ એક દિવસ ભાઈઓ તથા ભાભીઓ વાત કરી રહ્યા હતા કે આ બે જણીઓ અહીં શા માટે પડી રહી છે ? અમે પિયરથી આવી ગયા પછી જતું જ રહેવું જોઈએ. આપણા પૈસા કંઈ વધારાના નથી કે આપણે સાડીઓ બંનેને લઈ આપીએ. બહુએ પૈસો છે. આપણે કંઈ જ આપવાની જરૂર નથી.
દુર્વા અને મિસરીને થયું કે કોઈ ભાઈ તો આ વાતનો વિરોધ કરશે. પરંતુ બધા ભાઈઓ સહેલાઈથી આ વાતમાં સંમત્ત થઈ ગયા. બંને બહેનોની આંખોમાં આંસુ હતાં અને બંને બહેનો એ નિર્ણય કરી લીધો હતો કે, "અમે ભાગ લઈશું જ."
બીજા જ દિવસે બંને બહેનો સાસરે જવા તૈયાર થઈ ત્યારે કોઈ પણ ભાઈઓ કે ભાભીઓ એ રોકાવાનું કહ્યું નહીં એટલું જ નહીં પરંતુ હાથમાં પૈસા પણ ના મૂકયા. એનું પણ એમને દુઃખ ન હતું પણ પ્રેમથી બે શબ્દો પણ ના બોલ્યા.
બંને બહેનોને આઘાત તો લાગ્યો જ હતો. તેથી બંને જણે નક્કી કરી લીધું કે હવે અમે ભાગ લઈને જ રહીશું. બંને જણના સાસરિયાં ખાનદાન હતાં તેથી ભાગ નહીં લેવા માટે સમજાવતાં રહ્યા. પરંતુ બંને બહેનોએ નક્કી કરેલું કે જે પૈસા આવે એ દાનમાં આપી દઈશું. અમે માત્ર પ્રેમભર્યા વ્યવહારની અપેક્ષા રાખી હતી. સાલ્લો બદલવાના જ્ઞાતિના રિવાજ મુજબ માત્ર સો રૂપિયા જ આપવાના હતાં. અરે, અમે તો આખી મિલકત છોડી દેવાના હતાં. તમે આટલી બધી પપ્પાની મિલકતમાંથી એક બુંદ જેટલું પણ આપવા તૈયાર નથી તો પપ્પાનો કરોડ રૂપિયાનો બંગલો અને વિશાળ રીતે ફેલાયેલા ધંધામાં પણ હવે ભાગ જોઈએ જ.
બધાની સમજાવટની એમની પર કંઈ અસર ના થઈ આખરે બંને બહેનો કોર્ટમાં ગઈ.
જો કે ત્રણેય ભાઈઓને વિશ્વાસ હતો કે બહેનો એ કોરા કાગળ પર લખ્યું છે કે અમારે મિલકત નથી જોઈતી એટલે એમની જીત નિશ્ચિત છે. બધાને અંદરોઅંદર ગમે તેટલો કુસંપ હોય પણ પૈસાની બાબતમાં મજબૂત સંગઠન રચાઈ જાય કારણ એમાં દરેકનો સ્વાર્થ સમાયેલો હોય.
કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો. પૈસા વપરાતા જ ગયા તેથી નજીકના સગાઓ મારફતે સમાધાન કરવા કહેણ મોકલ્યું. પણ બંને બહેનોનો જવાબ એક જ હતો કે અમે પ્રેમના ભૂખ્યા છીએ અને અમે સમાધાન કરી પ્રેમની ભીખ માંગવા નથી માંગતાં. પ્રિત પરાણે ના થાય. અમને પપ્પાની મિલકતમાંથી એક બુંદ પૈસો કે પ્રેમ ના બે શબ્દ બોલવા કે મિલકતમાંથી એક રૂપિયો પણ આપવા તૈયાર ના હોય તો પપ્પાની વિશાળ ફેલાયેલી મિલકતમાંથી ભાગ લઈશું જ. અમારે તો માત્ર અને માત્ર પ્રેમ જ જોઈએ છે. અરે, પ્રેમથી પિયરમાંથી આપેલો રૂપિયો પણ સ્ત્રીને મન કરોડ રૂપિયા સમાન હોય છે.
કોર્ટમાં વકીલે સાબિત કર્યુ કે બંને બહેનો એ પપ્પાની અંતિમ ક્ષણે એમને શાંતિ મળે માટે જ કોરા કાગળ પર લખીને આપેલું. કારણ પપ્પાએ બંને દીકરીઓની લાગણીઓનો દૂરઉપયોગ કરી બળજબરીથી આ લખાણ લખાવ્યું છે. એમાં કોઈ સાક્ષીની સહી પણ નથી. કે રજીસ્ટ્રેશન પર કરાવ્યું નથી. માટે આ કાગળના લખાણની કોઈ કિંમત નથી. વકીલની સચોટ દલીલો સામે તેના ભાઈઓ કેસ હારી ગયા. ત્યારે બંને બહેનો કહી રહી હતી કે બુંદ આપવા તૈયાર ના હોય તો સાગર માંગી લેવો.
