બુદ્ધ
બુદ્ધ
રાજકુમાર સિદ્ધાર્થે માત્ર ઓગણત્રીસ વર્ષે રોગી, વૃદ્ધ, મૃતદેહ અને આનંદી સાધુ જોયાં અને તે સ્વયં નીકળી પડયા; જીવનનું સત્વ અને સમાધાન શોધવા માટે.
આવતી કાલે વૈશાખી પૂનમ છે. તે બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. કારણ કે જ્યારે શાક્ય વંશના ગૌતમ કુળના રાજકુમાર સિદ્ધાર્થ પર સંબોધી ઉતરી અને તેઓ તથાગત બુદ્ધ બન્યા ત્યારે તે પળની સાક્ષી આ વૈશાખી પુનમ જ હતી. ખગોળીય ભૌતિકશાસ્ત્ર પ્રમાણે આપણો ચંદ્ર ૪.૫ બીલીઅન વર્ષનો થયો. જ્યારે તથાગતને તો માત્ર અઢી હજાર વર્ષ થયા. જેણે તથાગતને જોયેલાં તે પુનમ આપણે પણ જોવાના છીએ. ચાંદને મન સાથે ઊંચો સંબંધ છે. આદિમ કાળથી તે માનવ જાતિના ચિત્તનું કેન્દ્ર ગણાય છે. આકાશમાં એકમથી પૂનમની ચંદ્ર કળાઓ સમાંતરે આપણાં અંતર આકાશમાં પણ રૂપાંતરણો થાય છે. પૂનમના દિવસે ચિત્ત શિખરો આંબે છે, તે અત્યંત સંવેદનશીલ છે. આપણા આવેશો, લાગણીઓ, વિચાર તરંગોનો તે સાક્ષી છે - પ્રભાવક છે. તેનામાં સ્ત્રેણ ઊર્જા છે જેમ સૂર્યમાં પૌરુષ ઊર્જા છે.
રાજકુમાર સિદ્ધાર્થે માત્ર ૨૯ વર્ષે રોગી, વૃદ્ધ, મૃતદેહ અને આનંદી સાધુ જોયાં અને તે સ્વયં નીકળી પડયા; જીવનનું સત્વ અને સમાધાન શોધવા માટે. તેમણે અનેક સાધનાઓ અને તપ કર્યા. છ વર્ષે ખ્યાલ આવ્યો કે ભોગવિલાસ હોય કે દેહ કષ્ટ બંને દેહના જ અંતિમો છે અને કોઈ અંતિમોમાં સત્ય નથી. આખરે, તેઓ જ્યારે પાંત્રીસ વર્ષના થયા. તેઓ એક વખત ઊરુવેલા ગામ પાસે થાકીને ફાલ્ગુ કે નિરંજના નદીના કાંઠે આવેલ એક બોધિવૃક્ષ (પીપળો) નીચે બેઠાં, ભૂખ નિવારવા સુજાતાની ખીર પણ પીધી. ધીમે ધીમે મનની આક્રમકતા, અવાસ્તવિક્તા, અસ્થિરતા, અધિરતા, અસહજતા ઓસરી ગઈ. તેનામાં રહેલો ખોજી ઓસરી ગયો, તેનામાં રહેલો કર્તા ઓગળી ગયો.
અને પરિણામે : સવાલ-જવાબ કરતું મન નથી, સાધન-સાધ્ય સમજાવતો તર્ક નથી, સત્ય શોધતી બુદ્ધિ નથી, સાધ્ય કે સિદ્ધિ નથી, સ્થળ કે કાળ નથી, ઓળખ કે અસ્મિતા નથી, નામ કે કામ નથી. આયાસનો અવરોધ ગયો, પ્રયોગનો પ્રયાસ ગયો, વ્યાખ્યાનો વિસ્તાર ડૂબ્યા, શબ્દોની વિરાસત ડૂબી, મનોજગત સકળ ડૂબ્યું, દ્રષ્ટા અને દ્રશ્ય પણ ખોવાયા.
આખરે આ પળે ચૈતન્યની સહજ વિશ્રામપૂર્ણ અવસ્થા આવી, ક્ષણો આછરી શાશ્વતી દેખાઈ, સ્થળ ઓસર્યા આનંત્ય પ્રગટયું, જાણે ચૈતન્યના નિષ્કંપ સરોવરમાં પુનમનું પ્રતિબિંબ ઝીલાય છે. ચૈતન્ય પંખી આકાશમાં લીસોટા પાડયા વિના જ ઊડે છે.
આ હતી મુક્તિ.આમ વૈશાખી પૂનમની રાત્રીએ પ્રથમની અંતિમ પ્રહર વચ્ચે આમ બન્યું. આ સંબોધીની પળ. આજે ૨૬૦૦ વર્ષો પછી પણ પ્રગાઢ લાગે છે - પ્રચંડ લાગે છે. જાણે કે તથાગતના ધ્યાન અને મૌનનો વિસ્તાર છે. બિહારના બોધગયાના મહાબોધિ મંદિરમાં તે ઉજાસ આજે પણ અનુભવાય છે. મૂળ વૃક્ષની પાંચમી પેઢીનું બોધિવૃક્ષ આજે પણ ત્યાં છે. તથાગત કહેતા... 'એહિ પસ્કિકો' - આવો અને જુઓ. તેઓ આપણને કહે છે, તારો દીવો તું થા.
