બ્રેકઅપ
બ્રેકઅપ
મેં ફરીથી એને જોયું અને દર વખતની જેમજ હું ફરીથી ડરી ઊઠી. મારુ શરીર હળવેથી ધ્રુજવા માંડ્યું. મારા હાથ કામ્પ્વા લાગ્યા.
તદ્દન આવુજ પુનરાવર્તિત થતું નિયમિત. એના આંખોની સામે આવતાજ હું, હું ન રહેતી. એ ક્ષણમાં મારો બધોજ આત્મવિશ્વાસ કણ કણ પીગળી જતો. ભેગી કરેલી બધીજ હિંમત જવાબ આપી દેતી.
એની ટેવ પણ કેવી ખરાબ ! કોઈ પણ સમયે, જયારે મન ફાવે ત્યારે આંખો આગળ આવી ઊભા થઈ જવું. મારી પીડા અને દુઃખની ઘડીઓમાં તો એ સામેથી હટવાનું નામે ય ન લે અને ક્યારેક કોઈ ખુશીનો પ્રસંગ હોય, મન પ્રસન્ન હોય, બધુજ ગમતું હોય અને જીવન જોડે પ્રેમમાં પડવાનુંજ હોય કે નફ્ફટ બની આગળ આવી જાય. એનું દર્શન આપી મને ચેતવે, ડરાવે.
ઈર્ષયાળું તો કેવો ! મારી ખુશી એનાથી જોવાતી નહીં. મારુ હાસ્ય એનાથી પચાવાતું નહીં. એ તો એમજ ઈચ્છે કે ચોવીસ કલાક હું ફક્ત એના વિચારોમાં ઘેરાયેલી રહું. એ સિવાય હું કશું જ ન કરું. એવુજ તો થતું હતું. હું હમેશા એના જ વિચારોમાં તો ઘેરાયેલી રહેતી અને એનું પરિણામ મારા મન અને શરીર બંને એ પરાકાષ્ઠાએ ભોગવ્યું હતું.
હું ઇન્સોમ્નિયા, ઊંઘ ન આવી શકવાની માંદગીથી પીડાવા લાગી હતી. રાત્રે પથારીમાં પડતાજ એના વિચારો મને વ્યાકુળ બનાવી મૂકતા. હું એક પડખેથી બીજે પડખે કરવટ બદલ્યા કરતી. તકિયાઓ અશ્રુઓથી ભીંજવતી રહેતી અને સવારે ઊઠી એજ ઊંઘ વિનાના થાકેલા, હારેલા શરીર જોડે રોજિંદા કાર્યો, નોકરી બધુજ સંભાળવાનું પ્રયાસ કરતી. પરંતુ એ ઉજાગરા મને હાનિકારક સ્વરૂપે નડતા. હું મારા કાર્યો ઉપર યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરી શકતી નહીં. ઝીરો ફોક્સ. વાતેવાતે ઉત્તેજિત થઈ ઊઠતી. ચીઢ, ગુસ્સો, અકળામણ એજ મારા વ્યક્તિત્વની ઓળખાણ બની ચૂક્યા હતાં.
એવું નથી કે એનાથી ભાગી છૂટવા મેં કોઈ પ્રયાસો ન કર્યા. એક નહીં અનેક કર્યા. વારંવાર કર્યા. એનાથી દૂર ભાગી છૂટીશ તો બધુંજ ઠીક થઈ જશે. મારા મનને દ્રઢ વિશ્વાસ હતો. તેથીજ એક વાર રજાઓ ગાળવાને બહાને હું હિમાલયની પહાડીઓમાં ભાગી છૂટી હતી. થોડા દિવસો હું એને ભૂલી ગઈ. પ્રકૃત્તિના ગોદમાં નિરાંતે હળવી થઈ ઉઠી. મારો ખોવાયેલો આત્મવિશ્વાસ ધીરે - ધીરે ફરી મને મળી રહ્યો હતો જ કે એ ત્યાં પણ.... મેં એને જોતાજ ફરી....
ક્યારેક થતું હું એને નિહાળી ન શકું એ માટે કોઈ પ્રવ્રત્તિમાં મારી ઊર્જાનું રોકાણ કરું. ઘણી પ્રવૃત્તિઓ હું અજમાવતી રહી. કયારેક વાંચન, ક્યારેક પેન્ટિંગ, ક્યારેક યોગા તો ક્યારેક કાન ઉપર હેડફોન ચઢાવી હાઈ વોલ્યુમ સંગીત દ્વારા હું એને ભૂલવાનો પ્રયાસ કરતી. ભૂલી પણ જતી. પણ જ્યાં સુધી એ પ્રવૃત્તિ કાર્યરત હોય ત્યાં સુધીજ. પુસ્તક બન્ધ કરું, યોગા સમાપ્ત કરું, પેન્ટિંગ પૂર્ણ કરું કે હેડફોન માથા અને કાનથી દૂર કરું એ ફરી આંખોની સામે. હું સમજી ગઈ. એસ્કેપિંગ ઈઝ નોટ પર્મનન્ટ સોલ્યુશન.
સોલ્યુશન મળ્યું નહીં અને પરિસ્થિતિ વધુ વણસતી ગઈ. હું ઊંઘની ટીકડીઓ લેવા લાગી. શરૂઆતમાં આરામ મેળવવા માટે લીધેલી એ ટીકડીઓ ધીરે - ધીરે એક વ્યસન બની ગયું. હવે એ ટીકડીઓ વિના શરીર ઊંઘવા તૈયારજ ન થતું. હું હાઈ બ્લડ પ્રેશરની દર્દી બની ગઈ. હું સાયકિયાટ્રીસ્ટ પાસે સીટિંગ પણ લેવા લાગી.
એ સમય દરમિયાન મારી મુલાકાત કોઈની જોડે થઈ. પહેલાતો હું એને ઓળખીજ ન શકી. મારી ડર, તાણ, ચિંતા, અવિશ્વાસની વચ્ચે ઘેરાયેલી જાત એને અપરિચિત સમજી બેઠી.
"મને ઓળખતી નથી ?"
એણે મને ઢંઢોળીને પૂછ્યું ને હું અવાક બની એને તાકતી રહી. બાળપણથી હું એને જાણતી હતી. બાળપણથી શું? જન્મથી જ તો વળી. એક યાદશક્તિ ગુમાવી દેનાર વ્યક્તિની યાદશક્તિ અચાનક, ધીરે- ધીરે પરત થવા લાગે એ જ રીતે મારી યાદોના જગતમાં એની જોડે માણેલી જીવનની દરેક ક્ષણ એક પછી એક તસ્વીર જેમ ઊભી થવા લાગી. એની જોડે વિતાવેલો સુવર્ણ સમય હું કઈ રીતે ભૂલી ગઈ ?
કેટલી ખુશ હતી હું એની જોડે ! નાની- નાની વાતોમાં મને હાસ્ય મળી જતું અને નાની - નાની વસ્તુઓમાં સંતોષ. ચિંતા શું કહેવાય, તાણ કેવો હોય એની એણે મને જાણ પણ થવા દીધી ન હતી. એની જોડે રહેતી ત્યારે પથારી ઉપર પડતાજ આંખો આપોઆપ મીંચાઈ જતી. કેવી રાહત ભરી એ ઊંઘ હતી ! એનો સાથ ચહેરા ઉપર આનંદ અને હાસ્ય કિલ્લોલ સ્વરૂપે હાજર રહેતો.
દુનિયાદારીમાં ઊંડે ઉતરતા - ઉતરતા, ઉંમર જોડે પરિપક્વતાની દાદરો ચઢતા - ચઢતા એનો હાથ મારા હાથમાંથી ક્યારે સરી પડ્યો એની મને જાણ પણ ન થઈ ? એની સાદગી અને પ્રમાણિકતાથી કઈ રીતે દૂર જતી રહી ?
એ પણ એની પાસે જેણે મને ભ્રમણાઓના એક એવા જગતમાં ફેંકી દીધી જ્યાં હું મારી જાતનેજ વિસરી ગઈ. હસવું, ખુશ રહેવું, મનની શાંતિ, સંતોષ, આનંદ... મારા બધાજ અધિકારો નિષ્ઠુર બની એ છીનવયા કરે અને હું નિરાધાર લાચાર બની એની જાળમાં ફસાતી રહી ?
પણ જયારે મારા જીવનના એ સાચા પ્રમાણિક અંશ જોડે વર્ષો પછી મારી મુલાકાત થઈ ( અને વક્રતા તો જુઓ ! એ પણ ભૂતકાળની યાદો દ્વારા...) ત્યારે મને મારો હસતો ચહેરો, મારુ સુખ, મનની શાંતિ, આનંદ, સંતોષ.... બધાજ અધિકાર પરત મળી ગયા.
સાઈકિયાટ્રિસ્ટને હળવેથી પૂછી જોયું,
"હું એની જોડે રહેવા ઈચ્છું છું..."
ત્યારે એમણે હાસ્યસભર ચહેરે કહ્યું,
"કેમ નહીં? એ તારોજ તો છે...."
અને બસ હું એને સાથે લઈ આવી. ત્યાર બાદ મને કદી સાઇકિયાટ્રિસ્ટનું અપોઈન્ટમેન્ટ લેવું ન પડ્યું. ઊંઘની ટીકડીઓની જરૂરજ ન પડી. બ્લડપ્રેશર નોર્મલ રહેવા લાગ્યું. હું એના જોડે ફરીથી સાચા અર્થમાં જીવન માણવા લાગી. દરેક ક્ષણ જીવવા લાગી.
પણ પેલા ઈર્ષ્યાળુ, અહંકારીથી એ સહેવાયું નહીં. અને એ ફરી આંખો આગળ આવી પહોંચ્યો. હા, હું થોડા સમય માટે ડરી ગઈ. થોડી ધ્રુજી. પણ પછી મક્કમ હૈયા જોડે મારા જીવનના સાચા, પ્રમાણિક અંશનો હાથ ખેંચી એને આગળ લઈ આવી. એને જોતાજ એ મક્કાર ડરી ગયો. એના ચહેરા ઉપર પરસેવો બાઝી ગયો. મેં એના કોલર પકડી કહી દીધું,
"તારો ખેલ ખતમ. તું એક ભ્રમણા છે. તે મને ઘણી છેતરી. પણ હવે નહીં. બહુ થયું. હું તારા જોડે નહીં આની જોડે રહીશ. ઇટ્સ ટાઈમ ફોર બ્રેકઅપ !"
પ્રમાણિકતાની આંચ સહન ન થતા એ ક્રૂર, ભ્રમણાની જાળ ડરીને પાછળ હટ્યો.
"કોણ છે આ ?" ભાગવાની તૈયારી કરતા એણે ધ્રુજતા હોઠે અંતિમ પ્રશ્ન પૂછ્યો.
" વર્તમાન "
મારો જવાબ સાંભળી એ દૂમ દબાવી ભાગી નીકળ્યો. વર્તમાને મારો હાથ પ્રેમપૂર્વક થામી લીધો. ને અમે બંને વિશ્વાસભરી નજરે 'ભવિષ્ય' ને ભાગી છૂટતા નિહાળી રહ્યા.
