Dina Vachharajani

Thriller

4.5  

Dina Vachharajani

Thriller

બોજ

બોજ

3 mins
245


લીફ્ટ. લીફ્ટ. મહેશભાઈ એ ઘણીએ બૂમ પાડી. કેટલીય વાર લીફ્ટનું બટન દબાવ્યું પણ ઉપર કોઇએ દરવાજો ખુલ્લો છોડી દીધો હશે તે લીફ્ટ ન જ આવી. હવે ત્રીજા માળના ઘર સુધી ચઢે જ છૂટકો. નક્કી પારૂલે જ લીફ્ટ બરાબર બંધ નહીં કરી હોય. હંમેશની જેમ એનું જ કામ ને ટાંટિયા તોડ મારે કરવાની. એ મહારાણી ને શું?. આજે તો ડબલ શિફ્ટમાં કામ કરી,એક હાથમાં ડબ્બો ને બીજામાં વધારાનાં પૈસા કમાવા કરવા પડતાં એકાઉન્ટસ ના કામનાં ચોપડા પકડી ચઢતાં -ચઢતાં એ મનમાં જ બબડતાં હતાં. ઘર પાસે પહોંચતાં જ એમણે જોયું કે દરવાજા બહાર કેટલાય લોકો ટોળે વળીને ઉભા હતાં. એમને જોતાં જ સૌ શાંત થઇ ગયાં. એમનો જીવ ફફડવા માંડ્યો. એકવાર તો થયું ભાગી જ જાઉં. જે હશે તે-પારુલ જ તો સંભાળશે બધું. ત્યાં એમને ઉદ્દેશી કોઈ બોલ્યું. "અરે! મહેશભાઈ ક્યારનો તમારો ફોન સ્વીચ ઓફ જ આવે છે". હવે તો આગળ વધવું જ રહ્યું. ધીમેથી ઘરમાં પ્રવેશ્યાં. લાલ સાડી ઓઢી કોઇ જમીન પર સૂતેલું ને એના માથા પાસે દીવો જલી રહ્યો હતો. એ ઉંબરામાં જ જડાય ગયાં!! આ કોણ છે? પારુલ? ના. આવો શાંત ચહેરો ને બંધ હોઠ તો સાવ અજાણ્યા જ લાગે છે. રોજ તો પોતે ઘરમાં પ્રવેશે ત્યારે કાં તો કામવાળી પર રોફ જમાવતી-કે પછી એમનાં સોળ વર્ષના દિકરાને બૂમો પાડી શીખામણ આપતી ને પોતે કંઇ બોલવા જાય તો -તમે બાયલાં જેવા ચૂપ જ રહો. કહી પોતાને જ ધમકાવતી, વાવાઝોડા જેવી એ ઘર આખામાં ફરતી હોય. કોણે એમનાં હાથમાંથી સામાન લીધો? કોણે એમનો હાથ પકડી જમીન પર બેસાડી દીધાં? એમને કંઇ સમજ ન પડી. હવે મારે શું કરવું જોઈએ? એ વિચારતાં હતાં. એમનેમ થોડી ક્ષણો વીતી. કોઇએ એમનો ખભો થપથપાવ્યો ને એમને બોલાવ્યાં "મહેશ. મહેશભાઈ. " કોરીધાકોર આંખે એ તાકી રહ્યાં. ત્યાં એમનો સાળો બોલ્યો" હેબતાઈ જ જાયને બિચારા. એમનો આખો સંસાર આ અમારી પારુલબહેન સંભાળતી"વાત તો સાચી હતી. આજે પરણ્યા ને અઢાર વરસ થયાં, ઘરનું રાચરચીલું -ઠાઠમાઠ-સગાસબંધીના વ્યવહાર-નાણા ખર્ચ એજ સંભાળતી. હા!!. એ ખર્ચ ને પહોંચી વળવા આવક સંભાળવાનું કામ ફકત મહેશભાઈ એ સંભાળવું પડતું એ પણ-પાણી વગરનાં -વેતા વગરના-એવા સરપાવ સાંભળતા. એમના એકના એક પુત્ર નો ઉછેર પણ એજ સંભાળતી. સગાવહાલા -આજુબાજુ વાળા સૌ પારૂલ ની આવડતનાં વખાણ કરતાં. અત્યારે પણ કોઈ બોલ્યું -મહેશે પાંચે આંગળીએ દેવ પૂજ્યા હશે!! મહેશભાઈ ને પોતાના ગામનું શિવાલય યાદ આવ્યું. મંદિરના આંગણામાં પોઠીયો ઊભો રહેતો. એમને વિચાર આવ્યો પોતે પણ એક પોઠીયા જ બની ગયાં છે. પેલો સ્થિર ઊભો છે ને પોતે ફરી રહ્યાં છે ગોળ -ગોળ -ગોળ.

કોઇક એમનો હાથ પકડી મૃતદેહને ગોળ -ગોળ ફેરવી પ્રદક્ષિણા ફેરવી રહ્યું હતું. એમના કાને કોઇની ઘૂસપૂસ સંભળાઇ કે મહેશે પાછાં લગ્ન કરવાં હોય તો એને સ્મશાનમાં નહીં લઇ જવાનો. ક્યાંક થી એમના શરીરમાં સ્ફૂર્તિ ઉભરાઇ. મૃતદેહને કાંધ દેવા એ તરત જ ઊભા થઇ ગયાં.

સ્મશાન નો રસ્તો લાંબો હતો. તડકો પણ ચઢી ગયો હતો. આગળ મટકી લઇને ખુલ્લાં પગે ચાલ્યાં જતાં દિકરાને જોઇ એમને દયા આવી. થયું કે એને ચંપલ પહેરવાનું કહે. પણ પછી એક ફડક પેઠી-ક્યાંક પારુલ બેઠી થઇને બધાની વચમાં એમને કહી ન દે--------અક્કલ વગરનાં, બાયલાં તમે તો ચૂપ જ રહો.

અચાનક એમને નનામીનો-પારુલનો બોજ લાગવા માંડ્યો. થયું કે હવે એક ડગલું પણ નહીં ચલાય. પણ મન મક્કમ કર્યું. એક-એક ડગલું ભારે થતું ગયું. આખરે માંડ-માંડ સ્મશાન પહોંચ્યા. નનામી નીચે ઉતારી.. હાશ, મણ મણનો બોજ ઊતર્યો. એમને જોરજોરથી હસવાની ઇચ્છા થઇ પણ ન જાણે કેમ મહેશભાઈ એ પોક મૂકી.. ને કોઇક બોલ્યું "રડવા દો એને. એનો બોજ હલકો થઇ જશે."


Rate this content
Log in

Similar gujarati story from Thriller