STORYMIRROR

Raman V Desai

Classics Crime

0  

Raman V Desai

Classics Crime

બંસરીનું ખૂન-૧૭

બંસરીનું ખૂન-૧૭

7 mins
943


ડાળી ઉપરથી હું નીચે પડ્યો એટલું જ માત્ર મને ભાન હતું; ત્યાર પછી શું થયું તેની મને ખબર રહી નહિ. જમીનથી એ ડાળી ઘણી ઊંચી હતી અને મને જ્યોતીન્દ્રની સ્થિતિ માટે એટલો બધો ગભરાટ હતો કે હું ડાળી ઉપરથી પડ્યો ન હોત તોપણ બેભાન થઈ જાત, અને છેવટે તો નીચે પડત જ. આટલી ઊંચાઈએથી કોઈ માણસ પડે અને જીવતો રહે એ માનવા સરખું ન હતું. હું જાગ્યો ત્યારે કોઈ નવી દુનિયામાં ગયો હોઉ એમ લાગ્યું. મૃત્યુ પછી માનવીનો સૂક્ષ્મ દેહ જાણે ભૂતકાળને એક સ્વપ્નની માફક અવલોકતો હોય તેમ મને મારે વિષે લાગ્યું. હું ક્યાં આવ્યો, એની પ્રથમ તો મને સમજ પડી નહિ. પરંતુ ધીમે ધીમે ભૂતકાળ આખો દૃષ્ટિ સમીપ ખડો થઈ ગયો.

એ ભૂતકાળ તરી આવવાનું પ્રથમ કારણ તો વ્રજમંગળાની હાજરી હતી. તેમને જોઈ મને એકદમ જ્યોતીન્દ્ર યાદ આવ્યો. મેં એકદમ પૂછ્યું :

‘મંગળાબહેન ! જ્યોતીન્દ્ર ક્યાં ?'

‘તમે સૂઈ રહો; હમણાં કશો વિચાર કરશો નહિ.’ વ્રજમંગળાએ જવાબ આપ્યો.

‘એની ખબર પહેલી આપો, નહિ તો મારાથી સૂઈ રહેવાશે નહિ.’

‘કહું છું કે હમણાં પહેલાં દવા પી લો.’

‘શાની દવા ? હું તો એને જ્યાં મૂકી આવ્યો છું ત્યાં જાઉં છું.’ એમ કહી મેં બેઠા થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારાથી બેસી શકાયું નહિ. કોઈ અથાગ અશક્તિ મારા અણુ અણુમાં વ્યાપી ગયેલી લાગી. મેં પૂછ્યું :

‘હું ક્યાં છું ?’

‘જ્યાં હું છું ત્યાં તમે છો !’ વ્રજમંગળાએ કહ્યું.

‘તમારા ઘરમાં છું ? ઘર જેવું લાગતું તો નથી.'

'તમને બોલવાની ડૉક્ટરે ના પાડી છે, માટે હમણાં કશું જ પૂછશો નહિ.'

હું શાંત પડ્યો. ખરેખર, મારાથી વધારે બોલાય એમ હતું જ નહિ. હું એક જાતની તંદ્રામાં આંખો મીંચી કેટલીક વાર પડી રહ્યો. થોડી વાર થઈ હશે અને મેં એક પુરુષનો અવાજ સાંભળ્યો. ધીમેથી તે બોલતો હતો :

'હવે કેમ છે ?'

'એક કલાક પહેલાં આાંખ ઉઘાડી થોડીએક વાત કરી.’ વ્રજમંગળાએ કહ્યું.

'વાત કરવા દેશો જ નહિ, એમાં બહુ જોખમ છે.'

'મેં તો તરત વાત બંધ કરાવી હતી.'

'કારણ શરીરના આઘાત કરતાં મન ઉપરનો આઘાત ઘણો ભારે છે. પહેલે દિવસે તો મને જિદગી જ જોખમમાં લાગી હતી.'

'હવે તો બચશે ને ?’ વ્રજમંગળાએ પૂછ્યું.

'માંદગીમાંથી તો બચશે પણ...'

મેં ફરી આંખ ઉઘાડી. યુરોપિયન પોશાકમાં સજજ થયેલા એક હિંદુગૃહસ્થ ઊભા ઊભા વ્રજમંગળા સાથે વાતો કરતા હતા. બંનેની આંખ મારા તરફ જ હતી. મારી આંખો ખૂલતી જોતાં બરોબર બંને જણ મારી પાસે આવ્યાં. મેં પેલા ગૃહસ્થને ઓળખ્યા નહિ, પરંતુ તેમના ખિસ્સામાંની રબરની ભૂંગળી જોઈ મેં ધાર્યું કે એ ડૉક્ટર હશે. તેમણે ડૉક્ટરની ઢબે હસતું મુખ રાખી મારો હાથ પકડ્યો અને નાડ જોવા માંડી; થોડી વાર ધબકારા ગણી પ્રસન્ન મુખ કરી તેઓ બોલ્યા :

‘આજે ઘણું સારું છે. હવે વધારે વિચારમાં પડી જશો નહિ.’

મને એકદમ સમજાયું કે હું કોઈ દવાખાનાના ભાગમાં હોઈશ. મેં પૂછ્યું :

'પણ હું ક્યાં છું ?’

'તમને જણાવવા જેવી તમારી તબિયત થશે એટલે હું જણાવીશ.'

‘અરે મહેરબાન ? હું તો તદ્દન ભાનમાં આવી ગયો છું. મને બધી હકીકત જણાવો, નહિ તો હું ઘેલો થઈ જઈશ.’ મેં કહ્યું.

‘તમે મારા દર્દી છો અને હું કહું તેમ કરવાને તમે બંધાયલા છો.’ ડૉક્ટર સાહેબે મને ધમકાવ્યો. દર્દીઓને ધમકાવવાની જરૂર હશે એ હુ કબૂલ કરું છું, પરંતુ મોટે ભાગે દર્દીઓને ધમકાવવાની ડૉક્ટરોને ટેવ પડી ગયેલી હોય છે. એક, બે અને ત્રણ પ્રશ્નનો ઉત્તર આપતાં તો ડૉક્ટર સાહેબો કંટાળી જાય છે. અને દર્દીના શરીર અને મનની સ્થિતિ દર્દી કરતાં પણ વધારે સારી રીતે સમજી ગયા હોવાના ઘમંડમાં તેઓ એવું ઇચ્છે છે કે દર્દીઓ વાચા બંધ કરી મૂંગાં પ્રાણીઓ બની જાય તો સારું. જ્યારે કોઈ ડૉક્ટરને આ બાબત ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ જાણે પોતાના કોઈ જન્મસિદ્ધ હક્ક ઉપર તરાપ વાગતી હોય એમ ધારી મુંબઈ કે શિકાગોના એકાદ ભારે સર્જનનું નામ આગળ કરી તેનું દૃષ્ટાંત આપે છે કે, ‘ડૉક્ટર જો ગુસ્સે થાય તો દર્દીને છાતી ઉપર મુક્કો લગાવે એટલું જ નહિ, પણ સામે ઊભેલા મદદનીશ ડૉક્ટર અગર નર્સોને ઓજારો પણ છૂટાં મારે છે !’ દર્દીઓની પીડા હરવાનું ધ્યેય રાખી બેઠેલા કોઈ સમર્થન સર્જનને દર્દીઓની છાતી ઉપર મુક્કા લગાવતો અને પોતાના કાર્યમાં સહાય આપતા નાના ડૉક્ટરો તથા નર્સોની ટોળી ઉપર ચારે પાસથી ઓજારો ફેંકી તેમની ફરજોનું તેમને ભાન કરાવતો કલ્પનામાં ખડો કર્યા પછી બીજા સામાન્ય ડૉક્ટર-વૈદની તોછડી વર્તણૂક દરેક દર્દી સહન કરવા બંધાયેલો છે. હું પણ તેવી જ વૃત્તિ ધારણ કરી જરા શાંત રહ્યો.

થોડીઘણી સૂચનાઓ આપ્યા પછી ડૉક્ટર ચાલ્યા ગયા; હું અને વ્રજમંગળા એકલાં પડ્યાં. મારી તેઓ એવી રીતે સારવાર કરતાં હતાં કે મને તેમને માટે આભારની લાગણી હતી તેના કરતાં સો ગણી વધી ગઈ. ડૉક્ટરની સૂચના પ્રમાણે મારે કાંઈ બોલવું નહોતું જોઈતું, છતાં જ્યોતીન્દ્રને માટે મને એટલો બધો ઊંચો જીવ રહ્યા કરતો હતો કે મારાથી વાત કર્યા સિવાય રહેવાયું નહિ.

‘મંગળાબહેન ! હું ફરી પૂછું કે જ્યોતીન્દ્ર ક્યાં છે ?'

‘તમને જરા પણ વાત કરવા દેવાની ડૉક્ટરે મના કરી છે.'

‘મને માત્ર એટલો જવાબ આપો; પછી હું શાંત રહીશ.’

‘એ ક્યાં છે તેની મને ખબર નથી.' જરા ઉદાસ મુખ કરી વ્રજમંગળાએ જવાબ આપ્યો.

‘કેટલા દિવસથી ખબર નથી ?’

‘ત્રણેક દિવસ થયા.’

‘હું અહીં ક્યારે આવ્યો ?’

'ત્રણ દિવસથી.'

‘મને અહીં કોણ લાવ્યું ?’

‘પોલીસના માણસો લાવ્યા. પણ હવે તમે વધારે વાત કરશો નહિ.’

‘તમે વાત કરવાની ના કહો છો. પરંતુ જ્યોતીન્દ્રને મેં છેલ્લો કઈ સ્થિતિમાં જોયો તે ખબર છે?' મેં જરા ઉશ્કેરાઈને કહ્યું.

'ના, મને ખબર નથી. તે રાત્રે તમને ખોળવા તેઓ ગયા હતા એટલું જ હું જાણું છું.'

‘પછી એ ઘેર આવ્યો જ નથી ?’

‘ના.’ વ્રજમંગળાના મુખ ઉપર ચિંતાનાં ચિહ્નો સ્પષ્ટ દેખાયાં. મને મારી ગંભીર સ્થિતિનો ખ્યાલ રહ્યો નહિ. મેં જરા રહીને વાત પછી ચાલુ કરી :

‘તમે તપાસ કરાવી ?’

‘શું કામ ? મને કહી ગયા હતા કે મારે ઊંચો જીવ કરવાનો નથી. એ તો ગમે ત્યાંથી આવશે.'

‘અરે શું ગમે ત્યાંથી આવશે ! તમે પહેલાં કમિશનર સાહેબને ખબર આપો કે જ્યોતીન્દ્રનો પત્તો કાઢે.’

'એવું શું છે?’

મેં તેમને પૂરી હકીકત કહી નહિ, પરંતુ મને કમકમી આવી. જ્યોતીન્દ્ર જરૂર એ યંત્રમય માળની છત સાથે કચરાઈ ખતમ થઈ ગયો હશે, અને તેના શબને ઓળખવાની પણ કોઈનામાં શક્તિ રહેશે નહિ એવી મારી ખાતરી થઈ. ત્રણ દિવસ સુધી તેનો પત્તો લાગ્યો નથી. એ જ મારા ભયને ખરો પાડનાર પ્રસંગ હતો એમ મને લાગ્યું.

અને પેલાં બે સંગીન ? મેં પોલીસની પાસેથી ઝૂંટવી લઈને અંદર ફેંક્યાં હતાં તે ? મેં શું જોઈને એ તેના હાથમાં આપ્યાં ? મોતનું એક સાધન તો માથે ઝઝૂમતું હતું તેમાં મેં બીજા સાધનોનો ઉમેરો કર્યો ! પરંતુ મેં જે કર્યું હતું તે એક રીતે ઠીક જ કર્યું હતું. કર્મયોગીના ભયંકર યંત્રની વચ્ચે કચરાઈ મરતા પહેલાં પોતાને હાથે જ મરવું એ શું વધારે સારું નહોતું ? દુશ્મનની તલવાર માથે ઝઝૂમી જ રહી હોય, એ તલવારનું નિવારણ કરવાનો એક્કે રસ્તો ન હોય, તેવે વખતે એ તલવારથી મરવા કરતાં પોતાને જ હાથે છાતીમાં છરો ભોંકી મરવું વધારે યોગ્ય નથી ? જ્યોતીન્દ્ર જેવા માની પુરુષે કચરાઈ મરતા પહેલા સંગીનથી આપઘાત કર્યો જ હશે !

ત્યારે શું જ્યોતીન્દ્રનો આમ અંત આવ્યો ? અને તે કોને માટે ? મારા સંરક્ષણ અર્થે ફરતાં તેનો જીવ ગયો. અને હું સ્વાર્થી જીવતો રહી તેની અજાણી પત્નીની સારવાર લઉં છું !

આવો વિચાર આવતાં મારા શરીરમાં વેગ ચાલવા માંડ્યો. હું બેઠો થવા ગયો, પરંતુ મારાથી બેસી શકાયું નહિ અને મારું આખું શરીર થરથર ધ્રૂજવા માંડ્યું. મેં બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ મારી જીભ ચોંટી ગઈ હોય એમ મારાથી એક પણ શબ્દ ઉચ્ચારી શકાયો નહિ. આંખો પણ ખેંચાઈ ગઈ હશે, કારણ મારાથી પોપચાં બંધ થતાં નહોતાં એમ પણ મને ભાસ થયો.

વ્રજમંગળાએ એકદમ દોડીને મારી આંખ ઉપર હાથ દબાવી દીધા. મારામાં પૂરેપૂરું ભાન હતું, પરંતુ મારા દેહ ઉપર મારો જરા પણ કાબૂ નહોતો. જબરજસ્ત માનવી આટલો બધો અશક્ત અને પરવશ બની જતો હશે ? કઠણમાં કઠણ પરિસ્થિતિમાં ઝાડની ડાળ ઉપર મુશ્કેલી ભરેલી ઢબે કલાકો સુધી બેસી રહેનાર અને પાંચ છ માણસોને રિવૉલ્વરના ભયથી દૂર કરનાર પણ હું, અને તે પ્રસંગને ત્રીજે જ દિવસે મારા થરથરતા દેહનો એક કંપ પણ અટકાવી ન શકનાર તે પણ હું ! માનવીનું દેહસામર્થ્ય શા હિસાબમાં ? પોલીસ અને ઠગની ટોળી સામે જરા પણ ડર્યા વગર સામનો કરનાર હું આ મૃદુ સ્ત્રીના ઉપચાર વગર ખેંચાઈ ખેંચાઈ બેભાન બની કદાચ મૃત્યુ પણ પામ્યો હોત ! સામર્થ્યનું અભિમાન કોણ કરી શકે ?

એક માતાના વહાલથી વ્રજમંગળાએ મારી આંખો દબાવી અને જરા પણ સંકોચ વગર મારા થરથરતા દેહને પકડી રાખ્યો. થોડી વારે મારો થરથરાટ શાંત પડ્યો, મારી આંખો ખેંચાતી બંધ પડી અને નિયમિત રીતે મારી પાંપણો ઊઘડવા લાગી.

'હવે આંખો મીચી જરા સૂઈ જાઓ.’ વ્રજમંગળાએ કહ્યું. મારાથી બીજું કાંઈ થઈ શકે એમ હતું નહિ. મેં તેમના કહેવા પ્રમાણે આંખો મીચી દીધી, પરંતુ મારું મન નિદ્રા સહી શકતું નહોતું. ઓરડામાં કોઈના પગનો સંચાર થતાં મેં મારી આંખો ઉઘાડી. ખાદીનાં કાળા પટ્ટાવાળાં કપડાં અને ટોપી પહેરેલો એક પુરુષ ઓરડામાં દાખલ થયો હતો અને એક નાના મેજ ઉપર કાંઈ વાસણમાં ઢાંકીને કશી ચીજ મૂકતો હતો. મને નવાઈ લાગી. આવા પોશાકવાળા માણસો તો મેં જોયા છે ! ક્યાં ?

‘જરા દૂધ પીશો ?’ વ્રજમંગળાએ મને પૂછ્યું.

હું બોલવા ગયો પણ મને ઘણી જ અશક્તિ લાગી. આંખના જ ભાવથી મેં દૂધ પીવાની હા કહી. એક બાળકને જેવી કાળજી અને વાત્સલ્યથી માતા ચમચી ચમચી દૂધ પાય તેવી કાળજી અને તેવા જ વાત્સલ્યથી વ્રજમંગળાએ મને ચમચી ભરી દૂધ પાવા માંડ્યું. દૂધ પીધા પછી મને જરા શક્તિ આવતી હોય એમ લાગ્યું. મને વ્રજમંગળા માટે અત્યંત આભારની વૃત્તિ થઈ આવી. ફક્ત એક મિત્રની પત્ની ! શા માટે તેણે મારી આટલી કાળજી રાખવી જોઈએ ?

મેં કહ્યું : ‘તમે ન હોત તો મારી કોણ કાળજી રાખત ? આટલું બોલતાં મારી આંખમાં આંસુ આવ્યાં.'

વ્રજમંગળાએ પોતાના લૂગડાના છેડા વડે આંસુ લૂછ્યાં અને કહ્યું :

‘મને એ કહેતા ગયા હતા કે સુરેશભાઈની પહેલી કાળજી રાખવાની છે. એ ન હોય તોયે મારે તમને ખોળીને સંભાળવાના હતા, સમજ્યા ?’

પેલા ખાદીનાં વિચિત્ર કપડાંવાળા માણસનાં કપડાં ઉપર તાંબાનો એક કકડો મેં જોયો. તેના ઉપર કાંઈ અંક નાખેલો હતો. હું વિચારમાં પડ્યો. કાં તો દવાખાનામાં આવા પોશાક હોય !... અગર કેદખાનામાં !અંક નાખેલો તાંબાનો કકડો તો કેદખાનામાં જ હોઈ શકે ! શું હું કેદખાનામાં હતો ?


Rate this content
Log in

Similar gujarati story from Classics