Raman V Desai

Classics Crime

2  

Raman V Desai

Classics Crime

બંસરી ૯

બંસરી ૯

8 mins
7.5K


અણધાર્યો અકસ્માત


છતાં શીળા અગ્નિ ઉપર ચાલવું રે લોલ,

ફૂલ ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.

ન્હાનાલાલ


એ ગૃહસ્થ મારી સાથે આવીને ક્યારે બેસી ગયા તે મને યાદ નથી. હું વર્તમાનપત્ર વાંચવામાં ઘણો જ મશગૂલ હતો. મને જરા આશ્વર્ય લાગ્યું. હું તેમને ઓળખાતો નહોતો. તેમણે મારું નામ કેમ જાણ્યું ? મેં તેમને જવાબ આપ્યો :

'હા જી, મારું નામ સુરેશ.’

એ ગૃહસ્થ બહુ ભલા દેખાતા હતા. તેમને જોઈને આપણને તત્કાળ વિશ્વાસ રાખવાનું મન થાય. તેમની ઉમર લગભગ પિસ્તાળીશ વર્ષની લાગતી હતી. તેમણે જણાવ્યું :

'હું તમને જ શોધતો હતો; તમારા પિતાની સાથે મારે ઘણી મિત્રાચારી હતી.'

મારા પિતા મારી બહુ નાની વયમાં ગુજરી ગયા હતા, અને ભણવામાં તેમ જ વ્યાપારમાં જીવન ગુજારેલું હોવાથી પિતાના મિત્રોનું મને કદી ઓળખાણ થયું નથી, અને તેવું ઓળખાણ કરવાની મેં પરવા પણ રાખી નહોતી. એટલે આ અજાણ્યા ગૃહસ્થ મારા પિતાના મિત્ર હોય તો તેમાં નવાઈ નહોતી. પિતાના મૃત્યુ પછી કેટલેક વર્ષે મારી માતા પણ ગુજરી ગઈ. પિતાએ અમારું સર્વનું સારી રીતે ગુજરાન થાય એટલી સંપત્તિ મૂકી હતી.

મિત્રો કે સગાંસંબંધીઓની સહાય બહુ લેવી પડે એમ નહોતું. મારી મોટી બહેન મારી તેમ જ મારી મિલકતની મારો અભ્યાસ પૂરો થતાં સુધી કાળજી રાખતી, અને પછી તો હું જ ભારે વેપાર ખેડી બેઠો એટલે માતા-પિતાનાં ભૂતકાળનાં સ્મરણ અને મોટી બહેનના ઉપકાર સિવાય બીજું કાંઈ સાંભરતું નહિ.

'નવીનચન્દ્ર વકીલ પણ મારા જૂના મિત્ર છે. તેમને ઘેર ઊતર્યો છું. ત્યાં તમારા વિષે વાત ચાલતી હતી. નવીનને તમારા તરફથી તમારા એક મિત્રે રોકી લીધા તે ઉપરથી તમારી હાલની સ્થિતિ વિષે ખબર પડી.'

‘પરંતુ આપે મને શી રીતે ઓળખ્યો ?' મેં પૂછ્યું.

‘તમે છાપું વાંચતા હતા, અને જે ઢબે તમે તે ફેંકી દીધું તે ઢબ ઉપરથી ગમે તે કોઈ કહી શકે કે તમે આ કાર્ય સાથે સંબંધ ધરાવનાર સુરેશ જ છો.’ પછી અમે કેટલીક વાતચીત કરી. મારા પિતા તથા માતા સંબંધી કેટલીક વાતો તેમણે કહી જે અંગત પરિચયવાળો માણસ જ જાણી શકે. નવીનચંદ્રને વકીલ તરીકે રોક્યો એ ઘણું જ ડહાપણભર્યું કામ કર્યું હતું એ તેમણે જણાવ્યું. મારું વર્તન આ સંજોગોમાં મારે કેવું રાખવું તે વિષે તેમણે સલાહ આપી. જરૂર પડ્યે પોતાના તરફથી જે કંઈ સહાય માગવામાં આવશે તે આપવા તેઓ તત્પર રહેશે એમ કહી મારા પિતાએ તેમના ઉપર જે કાંઈ ઉપકારો કર્યા હતા તેનું આભારદર્શક વર્ણન પણ તેમણે કર્યું.

મેં તેમનું નામ પૂછ્યું. તેમનું નામ શિવનાથ હતું. મને ઝાંખી ઝાંખી સ્મૃતિ આવા જ એક નામની થઈ આવી અને મારા આ નવીન શુભેચ્છક માટે મારી લાગણી વધી ગઈ.

'આપ અહીં શા માટે આવ્યા છો ? મને તો અલબત્ત તેથી લાભ જ થયો છે.' મેં પૂછ્યું.

‘મારી તબિયત સારી રહેતી નથી; હું હવાફેર માટે આવ્યો છું. વકીલાતના ધંધામાં મગજ ઉપર ઘણું જ ભારણ રહે છે. નવીનચંદ્રે મને અહીં બોલાવ્યો એટલે એકાદ માસ રહીશ.' તેમણે કહ્યું.

જાણીતા વકીલ અને દેશસેવક શિવનાથ તે આ તો નહિ હોય ? તેમને પૂછતાં મારી ખાતરી થઈ કે તેઓ જ શિવનાથ નામે ઓળખાતા વકીલ દેશસેવક હતા. મને એક પ્રકારનો આનંદ થયો. આવા ભારે વકીલ મારી સહાયે ઊભા રહેશે તો મારે માથે આવેલા જૂઠા આરોપોનું નિવારણ થઈ જશે એમ લાગ્યું. મેં કહ્યું :

‘મારું સદ્દભાગ્ય કે આપનો આવા સંજોગોમાં મને પરિચય થયો. આપને તકલીફ આપવી પડશે.'

‘શાની તકલીફ ?’ તેમણે પૂછ્યું.

‘મારા કેસ સંબંધમાં.’

‘અંહ ! એનો ઊંચો જીવ કરશો જ નહિ. નવીનચંદ્ર મને પૂછ્યા વગર કશું પગલું ભરશે જ નહિ.’

‘આપને નવીનચંદ્રે કંઈ વાત તો કરી હશે.' મને લાભ લાગતાં આ પ્રખ્યાત વકીલના કેસ વિષે વધારે અભિપ્રાય મેળવવાનું મેં મન કર્યું.

'સાધારણ પેપરોમાં જે હકીકત આવી. તે કરતાં વધારે હકીકત અમે બંનેમાંથી કોઈ જાણતા નથી. પરંતુ તમે તથા તમારા એક મિત્ર અત્યારે નવીનચંદ્રને ત્યાં જ આવો છો ને ? તે વખતે હું પાસે જ હોઈશ.’

મને આ સહૃદય વકીલ અને મારા પિતાના જૂના મિત્ર સાથે વાત લંબાવવાની ઘણી ઇચ્છા થઈ. વળી વળીને હું કેસની વિગત તરફ તેમને દોરતો. પરંતુ તેમનો એ વિષે એક જ જવાબ હતો :

‘નવીનચંદ્રની સાથે મળી એ વિષે ચોક્કસ કરીશું.' વકીલો તથા ડૉક્ટરોમાં આવો ભારે શિષ્ટાચાર હોય છે. એકને સોંપેલા કેસમાં બીજો કોઈ તેની ગેરહાજરીમાં માથું મારતો નથી, તેમ અભિપ્રાય આપવાની પણ ઉતાવળ કરતો નથી.

રાત પડવા આવી હતી. એક મોટર આવી અમારી બેઠક નજીકના પર ઊભી રહી. તેમાંથી શૉફરે નીકળી શિવનાથની પાસે આવી સલામ કરી.

‘ચાલો, હું તૈયાર છું. તમને જગા જડતાં વાર ન થઈ ?' શિવનાથે કહ્યું.

‘વકીલ સાહેબ રોજ અહીં જ ફરવા આવે છે.' શૉફરે જણાવ્યું.

'ત્યારે સુરેશભાઈ ! તમે તો નવીનચંદ્રને ત્યાં જ મળશો ને ? હું આ મોટર આવી છે એટલે જાઉં છું.' ઊઠતે ઊઠતે શિવનાથે મને ઉદ્દેશીને કહ્યું.

'હા જી.'

'કલાકેક થશે, ખરું?'

'ના, ના. હું પાછળ જ આવું છું. કોઈ વાહન્ મળશે તો તે લઈશ અને તરત જ્ વકીલ્ સાહેબને ત્યાં જ આવીશ.' મેં કહ્યું.

‘કેમ ? તમારા મિત્રની સાથે તમે આવવાના છો ને ?’ શિવનાથે પૂછ્યું.

'આપ ક્યાંથી જાણો ?’

‘કેમ, સુધાકર કરીને તમારા કોઈ મિત્રે ટેલિફોનથી વકીલને ખબર આપી હતી.'

'પણ પછી નવીનચન્દ્રને ત્યાં જ ભેગા થવાનો વિચાર રાખ્યો છે. નવ વાગ્યા છે; અડધા કલાકમાં હું ત્યાં આવી પહોંચું છું.' મેં કહ્યું.

‘તો પછી મારી સાથે જ ચાલો ને ? આટલા શરમાળ ક્યાંથી ?’

‘આપને શા માટે તકલીફ આપું ?’

'ભલા માણસ ! એમાં તકલીફ શાની ? મોટર ભારે મરી નહિ જાય ! ચાલો.'

શિવનાથના વહાલભર્યા આગ્રહને વશ થઈ હું મોટરમાં બેઠો. પગે ચાલવાથી હું ખરેખર કંટાળી ગયો હતો. અને મારા મનમાં ઈચ્છા હતી કે જ્યારે વકીલને ત્યાં જ જવું છે અને તેમના મહેમાનને માટે મોટર આવી છે. તો તેનો ઉપયોગ કરવામાં હરકત નથી.

મોટરમાં પણ અમે વાતો કરતા બેઠા. ખરું જોતાં નવીનચંદ્રને ત્યાં પહોંચવા માટે દસ મિનિટ કરતાં વધારે વખત જાય એમ હતું જ નહિ, છતાં વીસ પચીસ મિનિટ વાતોમાં નીકળી ગઈ તે જણાયું પણ નહિ. મોટર અટકી, એમને લાગ્યું કે વકીલના ઘર કરતાં જુદી જગ્યાએ અમે આવ્યા છીએ. શિવનાથે ઘડિયાળ તરફ જોયું અને મોટર અટકતાં જ પૂછ્યું :

‘શૉફર અહીં કેમ ગાડી લાવ્યો ?’

‘વકીલ સાહેબે આપને આ બંગલો અત્યારે બતાવી દેવાનું કહ્યું છે.’

‘અત્યારે હું કાંઈ જોતો નથી; ચલાવો.'

'દીવાની ગોઠવણી વિષે આપ સાહેબનો વાંધો હતો. તે ઘરના માલિકે દૂર કર્યો છે. ટેલિફોનથી વકીલ સાહેબને ખબર મળી એટલે આપને આ બાજુએ થઈને લાવવા જણાવ્યું છે. માલિકને પણ આપ આવશો એની સાહેબે ખબર આપી દીધી છે. તેઓ રાહ જોતા જ ઊભા છે. પછી આપની મરજી.'

‘કેવા અવ્યવસ્થિત લોકો છે ? સુરેશ ! દસેક મિનિટ અહીં રોકાઈએ તો તમને હરકત છે ?’ શિવનાથે પૂછ્યું.

મેં કહ્યું : ‘મને કશી હરકત નથી. માત્ર વકીલ સાહેબને આપેલો વખત વીતી ન જાય એટલું જ મારે જોવાનું છે.’

‘સાડા નવે પહોંચવું છે ને ? પાંચેક મિનિટની વાર થશે. અહીં ટેલિફોન છે. હું ખબર કહેવડાવું છું કે અમે પાંચ મિનિટ મોડા પડીશું. તમારા મિત્ર આવશે તો તેમને બેસાડશે.'

એટલું કહી શિવનાથ નીચે ઊતર્યો. હું પણ તેમની પાછળ ઊતર્યો. શિવનાથે આ બંગલા વિશે મને વાત કહી. તેઓ અઠવાડિયાથી નવીનચંદ્રને ત્યાં આવેલા હતા, પરંતુ વકીલના બહોળા કુટુંબમાં તેમજ ધંધાદારી ઘરમાં જોઈએ તેવી શાંતિ તેમને મળતી નહોતી. તેમણે નવીનચંદ્રને પ્રથમથી જ એક જુદું એકાંતમાં આવેલું મકાન પોતાને માટે ભાડે રાખવા જણાવ્યું હતું, પરંતુ નવીનચંદ્રના આગ્રહથી તેઓ તેમને ઘેર ઊતર્યા હતા. હવે તેઓ નવા મકાનમાં જવા માટે ઈંતેજાર હતા. તેમને દરેક રીતે શાંતિ જોઈતી હતી. વળી તેમને એક પુસ્તક શાંતિના સમયમાં તૈયાર કરવાનું હતું. હિંદુ વારસાઈ પદ્ધતિ, અને દુનિયાની બીજી વારસાઈ પદ્ધતિઓ સાથે તેની સરખામણી’ એ નામનું ટીકા સાથેનું એક પુસ્તક તેઓ તૈયાર કરતા હતા. વર્ષે બે વર્ષે જ્યારે તેઓ એકબે માસની શાંતિ લેતા ત્યારે તેઓ આવાં આવાં અભ્યાસનાં પુસ્તકો લખી પ્રગટ કરતા. શિવનાથની ટીકાવાળાં કાયદાનાં પુસ્તકો એલ. એલ. બી. અમે પણ વાંચ્યાં હતાં એવું મને યાદ આવ્યું. એટલે જુદા મકાન પસંદ કરી ગયા હતા, પરંતુ દીવાબત્તી માટેની અમુક જ યોજના તેમને જોઈતી હતી. ઘરધણીએ તેવા ફેરફાર કરવાનું કહ્યું હતું, એટલે નવા ઘરમાં જતાં એકબે દિવસની વાર હતી. તેણે શિવનાથની મરજી પ્રમાણે કરેલી યોજના પસંદ કરવા માટે શિવનાથને બોલાવ્યા હતા. શિવનાથ તે વખતે બહાર નીકળી ગયા હતા. તેથી તેમને ખબર નહોતી એટલે નવીનચંદ્રે શૉફરને ઘરે દેખાડાવી આવવા જણાવ્યું હતું.

બંગલો વિશાળ અને મોટો બગીચો તથા ચોગાનવાળો હતો. બગીચામાં વીજળીના આછાઆછા દીવા દૂર દૂર મૂકેલા જણાતા હતા. મકાનની અંદર પણ સારું અજવાળું હોય એમ લાગ્યું. શૉફર બહાર ઊભો રહ્યો; હું તથા શિવનાથ બંગલાના દરવાજામાં બેઠા. એક કૂતરું ભસ્યું. ‘હાં બસ !' દરવાને બૂમ મારી અને કૂતરું શાંત રહ્યું.

'વણજારી કૂતરો લાગે છે.’ શિવનાથે દરવાનને પૂછ્યું.

'અહીંનો કૂતરો નથી, સાહેબ !’ દરવાને જવાબ આપ્યો.

'આપને કૂતરાનો શોખ લાગે છે.' મેં જણાવ્યું.

'ઘણો જ.'

બંગલાના આગલા ખંડમાં એક મજબૂત અને સભ્ય દેખાવનો પુરુષ હતો. તેણે શિવનાથને સલામ કરી અને અમને બંનેને એક સૉફા ઉપર બેસાડ્યા, તથા આગળ એક નાનું ટેબલ મૂકી શરબતના બે પ્યાલા મૂક્યા. ધીમે ધીમે અમે શરબત પીધો. પેલા માણસે જુદા જુદા દીવા સળગાવી તેમ જ હોલવી નાખી કરેલા ફેરફારો બતાવ્યા. શિવનાથે ફેરફારો પસંદ કર્યા, માત્ર એકબે દીવા ઉપર જુદા રંગના ગ્લોબ મૂકવા સૂચના કરી; પેલા માણસે હા પાડી. પછી બીજા ખંડમાં અમને પેલો માણસ લઈ ગયો. એ ખંડમાં એક દીવો હતો. ત્યાં પણ એક સૉફા ઉપર અમને બેસાડ્યા, અને બહારથી દીવાની ચાવી ઉઘાડવા તે ગયો.

ચાવી ઊઘડી; બધા દીવા પ્રગટવાને બદલે એક દીવો હતો તે પણ ગુલ થઈ ગયો. ઓરડામાં અંધકાર ફેલાઈ ગયો. શિવનાથ હસ્યા અને બોલ્યાઃ

‘આવી જ વ્યવસ્થા રાખે છે કે ?’

પેલો માણસ બહારથી ચાવી ફેરવ્યા કરતો હતો. તેણે કહ્યું :

‘સાહેબ ! તાર બળી ગયા લાગે છે. હું ફાનસ લાવી ઠીક કરું છું.’ એટલું બોલી તે માણસ ચાલ્યો ગયો. તેનાં પગલાં પણ મેં સાંભળ્યાં. શિવનાથે કહ્યું :

‘આમ અંધારામાં કેમ બેસી રહેવાય ! ચાલો, બહારના ખંડમાં થઈને ચાલ્યા જઈએ.'

‘તાર બળી ગયા હશે એટલે બહાર પણ અંધારું હશે.' મેં કહ્યું.

‘પેલો માણસ કોણ જાણે ક્યારે આવશે !’ કહી શિવનાથ ઊઠ્યા અને આમતેમ ફરવા લાગ્યા. મારાથી તેમની આકૃતિ દેખાતી નહોતી. પરંતુ તેમના પગનું હલનચલન સમજાતું. હું પણ ઊઠ્યો અને અંધારામાં આમતેમ ફરવા લાગ્યો. પાંચેક મિનિટ થઈ હશે એટલે ઓરડાને બીજે છેડેથી શિવનાથનો અવાજ આવ્યો :

‘કંઈ ફસાયા તો નથી ? અંધારું અજબ લાગે છે.’

મને પણ એવો જ ભય લાગવો શરૂ થયો હતો, તે શિવનાથના આ ઉદ્ગારથી તીવ્ર થયો. આ કાવતરું મારી વિરુદ્ધ કે શિવનાથની વિરુદ્ધ છે તેની મને સમજ પડી નહિ. શિવનાથે દૂરથી મને પૂછ્યું :

‘તમારી પાસે કાંઈ હથિયાર છે કે ?'

‘હા, એક પિસ્તોલ છે.' જ્યોતીન્દ્રે આજ સવારે આપેલી પિસ્તોલ યાદ આવી.

‘મારી પાસે હજારેકની નોટો છે. તમે પાસે રાખી શકશો ?’ શિવનાથના પ્રશ્નનો મેં હામાં જવાબ આપતાં તેમણે મને પાસે બોલાવ્યો. હું પિસ્તોલ તૈયાર રાખી જેવો આગળ વધ્યો કે તરત જ મારા પગ કોઈએ ઝાલ્યા અને ખેંચ્યા; હું ભારે અવાજ સાથે જમીન ઉપર પટકાયો. મારા માથા ઉપરથી એક સનસનાટ કરતી ગોળી ચાલી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics