STORYMIRROR

Raman V Desai

Classics Crime

2  

Raman V Desai

Classics Crime

બંસરી ૩૩

બંસરી ૩૩

3 mins
15K


પહેલી રાત


આ રાત પહેલી વરલની

માશુકના ઈન્કારની.

કલાપી


આ અમારી જ કથની હતી; અમે ન છૂટકે એમાં પાત્રો બન્યાં હતાં; છતાં તેના વાચનથી જાણે કોઈ ભયાનક સ્વપ્ન અમે જોતાં હોઈએ એવો ભય લાગ્યો. મારું હૃદય વેગથી ધડકતું હતું. બંસરી તો ક્યારની વ્રજમંગળાનો હાથ મજબૂત પકડીને બેઠી હતી. હું નોંધ વાંચી રહ્યો એટલે તેણે પોતાની આંખ ઉપર હાથ મૂકી દીધો. વ્રજમંગળાએ તેને ઝાલી રાખી ન હોત તો તે કદાચ મૂર્છાવશ પણ થઈ જાત.

જ્યોતીન્દ્ર અત્યાર સુધી ખુરશી ઉપર બેસી રહ્યો હતો. તે ઊઠીને અમારી પાસે આવ્યો. તેણે કહ્યું :

‘બંસરીબહેન ! પ્રત્યક્ષ અનુભવ કરતાં અનુભવનું વાચન વધારે ભયાનક લાગે છે, ખરું ?'

જ્યોતીન્દ્રનો અવાજ સાંભળી બહુ નિર્ભયતાં અનુભવવા લાગ્યાં. હું પણ ક્રિટીકલ- વિવેચક દૃષ્ટિવાળો બન્યો. મેં પૂછ્યું :

‘જ્યોતીન્દ્ર ! આ નોંધ પૂરતી નથી.’

'મારે માટે બસ છે.’

'પણ મને હજી ઘણી બાબતો સમજાતી નથી.'

'દાખલા તરીકે ?’ કર્મયોગી કોણ ? શા માટે એણે બંસરી પ્રત્યે આવું વર્તન રાખ્યું ? કુંજલતા અને સુધાકર એમાં કેવી રીતે દાખલ થયાં ? એ કશું મને સમજાતું નથી.

'એ સમજવાની તારે શી જરૂર છે ?’

'એ વગર મને ચેન પડશે નહિ.’

'કર્મયોગી કોણ તે મેં અત્યારે જ ચોક્કસ કર્યું. તું નોંધ વાંચતો હતો. ત્યારે. કુંજલતા એ કરુણરસમાં પર્યવસાન પામતા પ્રેમનું પ્રતિબિંબ છે.

બંસરીબહેન સાથે લગ્ન કરવાની તે ના પાડી એમાં કુંજલતાએ પોતાના ગુપ્ત રાખેલા પ્રેમને સફળ કરવાની તક જોઈ. જીવન આપણે ધારીએ એ કરતાં વધારે વિચિત્ર અને ગહન છે.'

‘એટલે ?' મને વારંવાર આવો સંશય ઉત્પન્ન થયો હતો. તેનું જ્યોતીન્દ્ર સમર્થન કરતો લાગ્યો.

‘એટલે એમ કે બંસરીબહેનનું લગ્ન તારી સાથે ન થાય તો કુંજલતા તારા સરખા બબૂચકને પરણી શકે એટલું સમજતો નથી ?’

‘બિચારી !' બંસરીના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો.

‘એ વસ્તુસ્થિતિ ઉત્પન્ન કરવાની શક્તિ એણે કર્મયોગીમાં નિહાળી, અને એ કર્મયોગીને વશ થઈ. બંસરીબહેનને પણ તેણે એ જ લાલચે એમાં ભેળવ્યાં પરંતુ પરિણામ જોતાં તે ગભરાઈ ઊઠી અને તારો બચાવ કરવા લાગી.

‘કુંજલતા એવી ખરાબ ન હોય !’ બંસરીએ કહ્યું.

‘હું ક્યાં કહું છું કે એ ખરાબ છે? અને તમે વધારે દયા ખાશો તો હજી પણ એ સુરેશને પરણી તમારી જોડે રહેશે.' જ્યોતીન્દ્રે હસતાં હસતાં કહ્યું.

‘હાસ્તો ! હવે એમ સ્ત્રીઓ સોંઘી નથી પડી. આ તો વીસમી સદી છે. બે સ્ત્રીઓ પરણવી હવે તો ભારે પડશે !’ વ્રજમંગળાએ મશ્કરીનો જવાબ વાળ્યો.

‘તો તો હું કબૂલ કરું છું. એક સ્ત્રી જ પરણવી ભારે પડે છે તો બેની તો વાત જ શી ? સુરેશ ! સ્ત્રીઓ કેવી અદેખી હોય છે ?’ જ્યોતીન્દ્ર બોલ્યો.

‘હા, પણ સુધાકરે શા માટે મને તે રાતે પેલા હવડ બંગલામાં મોકલ્યો ?’

'તે તારો દુશ્મન હજી મટ્યો નથી એ માટે.'

'પણ એનો કર્મયોગી સાથે શો સંબંધ ?’

‘એ મને હમણાં જ સમજાયું. તારો અને સુધાકરનો એક વૈજ્ઞાનિક મિત્ર હતો. નહિ ?’

‘એ જ કર્મયોગી ?' મને કર્મયોગીના મુખમાં ક્વચિત્ ઓળખીતી દેખાતી રેષાઓ યાદ આવતાં હું બૂમ પાડી ઊઠ્યો.

‘હા, ભૌતિકવિજ્ઞાનથી આગળ વધી એ માનસિકવિજ્ઞાનમાં ઊતર્યો. વિજયની આકાંક્ષા બ્રાહ્મણને પણ બ્રહ્મરાક્ષસ બનાવે છે.'

'હવે એની વાત જ ન કરશો. મારી બીક હજી મટતી નથી.' બંસરી બોલી ઊઠી.

‘હજી એ જીવતો છે એટલે હું એ વાત તને પુરવાર કરી આપીશ. અત્યારે મોડી રાત થઈ છે એટલે બધાં પોતપોતાને સ્થળે સૂઈ જઈએ.’

મેં ઘેર જવા તૈયારી કરી. વ્રજમંગળાએ કહ્યું :

‘આજની રાત અહીં રહેવાનું છે.'

પરણેલાં - અને તેમાંયે તત્કાળનાં પરણેલાં - યુગલોને યુગલોને આમ આગ્રહ કરી પારકે ઘેરે રાખવામાં શો અર્થ હશે એ હું સમજી શક્યો નહિ. અતિશય મહેમાનગીરી એ ક્રૂરતા બને છે એ વાત સહુએ સમજવી જોઈએ.

પરંતુ આમ ધારવામાં મારી ભૂલ થતી હતી. મારે માટે રાખેલા ઓરડામાં બળજબરીથી બંસરીને દાખલ કરાતી મેં જોઈ. અને મેં નિદ્રાવશ હોવાનો ઢોંગ કર્યો.

બંસરી મારી પાસે આવીને બેઠી, અને મેં નેત્રો ઉઘાડ્યાં.

‘જાગો છો ?' તેણે બહુ ધીમેથી પૂછ્યું.

‘હા. તારી મૂર્તિની કલ્પના કર્યા કરું છું.’

‘મારી મૂર્તિમાં તે એવું શું છે ?’

'તે જ હું જોઉં છું. આટલી આફતો ઊભી કરનાર એ રૂપ છેક પાસેથી કેવું લાગતું હશે !’

‘એમ જોયા ન કરો... મારી સામે. ટગર ટગર...'

‘કેમ ?'

'મને બીક લાગે છે.'

‘બીક લાગે છે ? મારી બંસરી ! તને આમ મારી સાથે જ જડી દઉં તો?'

મેં બંસરીને બાથમાં લીધી. આખી રાત બંસરીને અને મને કોનાં સ્વપ્ન આવ્યાં કર્યાં તે હજુ સુધી અમે કોઈને કહ્યું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Classics