Raman V Desai

Classics Crime

2  

Raman V Desai

Classics Crime

બંસરી ૨૬

બંસરી ૨૬

8 mins
7.3K


મારો બચાવ


આકાશથી વર્ષાવતા છો

ખંજરો દુશ્મન બધા !

યાદો બનીને ઢાલ

ખેંચાય રહી છે આપની.

કલાપી


જ્યોતીન્દ્ર, વ્રજમંગળા અને બંસરીએ ન્યાયમંદિરના અમારા ઓરડામાં પ્રવેશ કર્યો. લોકોનો ગરબડાટ ઘણો જ વધી ગયો હતો. પરંતુ મને કશું જ સંભળાતું ન હતું. મારી દૃષ્ટિ એ ત્રણે વ્યક્તિઓ ઉપર જ ચોંટી ગઈ હતી. લોકો ઊભા થઈને એ ત્રણે જણને જોતા હતા, પરંતુ તે મારા ધ્યાનમાં ન હતું.

જ્યોતીન્દ્ર બધાની વચમાં થઈને ઝડપથી મારી પાસે આવ્યો. હું એકદમ ઊભો થઈ ગયો. મિત્રોને પરસ્પર ભેટવાનો ચાલ સુધરેલી વીસમી સદીમાં નાબૂદ થઈ ગયો છે, છતાં મેં તેના હાથ પકડી લીધા અને જ્યોતીન્દ્ર મને ભેટી પડ્યો.

હું તેનો કેટલો ઉપકાર માનું ? મને ફાંસીએ ચડતો તેણે બચાવ્યો. એટલું જ નહિ, પણ તે બંસરીને જીવતી પાછી લાવ્યો.

મારી દૃષ્ટિ બંસરી તરફ વળી. એક અક્ષર પણ તે બોલી શકી નહિ, માત્ર તેની આંખમાંથી સ્નેહનું અમી ફૂટતું મેં નિહાળ્યું. એ સમયની સ્નેહજ્યોત નિહાળવા માટે આવી. સેંકડો આફતો આવી પડે તે ખુશીથી સહન કરવા યોગ્ય મને લાગી. મારું હૃદય તેને ચાહતું હતું - અતિશય ચાહતું હતું. આ ક્ષણે પ્રેમનો પારાવાર મારા હૃદયમાં ફેલાઈ ગયો. મારું આખું જીવન બંસરીમય બની ગયું. તે સુંદર હતી; પરંતુ તેનું સૌંદય અત્યારે મને આકર્ષતું ન હતું. કોઈ અજબ કુરબાનીનો ભાવ, કોઈ અકથ્ય પૂજ્યભાવ મને તેની તરફ ખેંચી રહ્યો હતો.

થોડી વાર આવાં હૃદયમંથનો ચાલ્યાં. ન્યાયાધીશે તેમાં વિક્ષેપ ન નાખ્યો. કાયદાનો કડક અમલ કરી ન્યાયાધીશનું હૃદય કડક અને જડ બની ગયું હશે એમ મને ઘણી વખત લાગતું. તથાપિ આખા કેસમાં તેમ જ ખાસ કરી આ ક્ષણે તેમણે જે મહાનુભાવપણું દર્શાવ્યું તે ઉપરથી મારી ખાતરી થઈ ગઈ કે ન્યાયાધીશ મનુષ્ય તો છે જ - પથ્થરની ન્યાયપ્રતિમા, ન્યાયમૂર્તિ જ માત્ર નથી. તેઓ આખી સભાના પ્રમુખ અને શાસક હતા. તથાપિ પ્રેક્ષકોના જેટલી જ લાગણીથી તેઓ આ નવીન સ્થિતિ વિષે આકર્ષાયા હતા એમ મને લાગ્યું.

દિવ્યકાન્તના શબ્દો સાંભળતાં હું મારા વિચારસ્વપ્નમાંથી જાગ્રત થયો. ચારે પાસનો ઘોંઘાટ એકદમ શમી ગયો, અને વિજયી યોદ્ધાના સરખા સ્પષ્ટ અને શ્વાભાવિક સરળ શબ્દો વડે મારા વકીલે સહુનું ધ્યાન ખેંચ્યું. તેઓ બોલ્યા :

‘નામદાર ! ઘણી વખત કલ્પના કરતાં પણ સત્ય વધારે વિસ્મયભર્યું નીવડે છે. આજે તેનું દૃષ્ટાંત આપની સમક્ષ રજૂ થાય છે. આગળ હવે શું કરવું તે મારે જણાવવાની જરૂર નથી. મારા અસીલ તદ્દન નિર્દોષ છે એ વિષેના પુરાવામાં હું બંસરીને જ રજૂ કરું છું. તેમના જ ખૂન માટે મારા અસીલ જેવા એક વિદ્વાન, ચારિત્ર્યશાળી સજ્જનને ગુનેગાર ઠરાવવા પ્રયત્ન ચાલી રહ્યો હતો. એ બહેનની હાજરીથી સદર આરોપ આપોઆપ નાબૂદ થઈ જાય છે. સામા પક્ષ તરફથી મહાપ્રયાસે ઊભી કરેલી સંભાવના હવે અસત્ય ઠરે છે. જોકે માનવંત જ્યૂરીએ મારા અસીલને ગુનેગાર કહ્યા છે, નવીન સંજોગોમાં તેઓ પોતાની ભૂલ જોશે અને અભિપ્રાય ફેરવશે.'

સામા પક્ષ તરફથી નવીનચંદ્રે વચમાંથી ઊભા થઈને જવાબ આપ્યો:

‘નામદાર ! મારા મિત્ર તરફથી ભૂલભરેલી રીતે હકીકત રજૂ થાય છે. બચાવ પક્ષનો પુરાવો પૂરો થઈ તેમની ઇચ્છા પ્રમાણે તે બંધ કરવામાં આવ્યો હતો. હવે નવીન પુરાવો આપવા માટે બચાવ પક્ષને અધિકાર નથી. વળી બંને પક્ષની તકરાર થઈ ગઈ છે. જ્યૂરીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. હવે વચ્ચે કોઈનાથી દરમિયાનગીરી થઈ શકે નહિ એમ મારું માનવું છે.'

આખી મેદનીમાંથી નવીનચન્દ્ર પ્રત્યે નારાજી અને ગુસ્સાના ઉદ્ગારો નીકળ્યા. એ અનુભવી વકીલે ધારી લીધું હશે કે એમ બનશે જ. છતાં પોતાના પક્ષ માટે આવી રીતે લડત ચલાવતા એ વૃદ્ધ વકીલને જોતાં મને કોઈ વૃદ્ધ રાજપૂત વીરનો ખ્યાલ આવ્યો.

ન્યાયાધીશ સહજ હસ્યા અને બોલ્યા :

‘હું, તમે અને સઘળા પક્ષકારો બંસરીને જોઈ શકીએ છીએ. છતાં તમારું એમ માનવું થાય છે કે તેમના ખૂનને માટે મારે આરોપીને સજા ફરમાવવી ?’

‘બેશક ! કોર્ટને હવે ફરી પુરાવો લેવા અધિકાર નથી.’

‘શા ઉપરથી કહો છો ?' નવીનચંદ્રે ત્રણ ચાર મોટાં પુસ્તકો ન્યાયાધીશની સામે મૂકી દીધાં. અને વિજયની આશા નહિ. છતાં સરસ લઢનાર તરીકેની શાબાશી મેળવવા વકીલ મંડળ સામે દૃષ્ટિ કરી.

ન્યાયાધીશે પુસ્તકો ઊથલાવી વાંચ્યાં. વાંચતે વાંચતે એકબે વખત જાણે તેઓ ના કહેતા હોય તેમ તેમણે ડોકું હલાવ્યું. છેવટે તેમણે કહ્યું :

‘આ ઠરાવો ચાલુ કામને લાગુ પડતા નથી. પરંતુ ધારો કે તે લાગુ પડે છે, છતાં જે ખૂન થયું જ નથી તેને માટે કહેવાતા ખૂનીને સજા થાય એવો કોઈ પણ કાયદાનો હેતુ નથી.’

‘હું તો માત્ર કાયદેસર શું છે તે જ બતાવું છું. ગેરકાયદે પુરાવો લેવાની તજવીજ થશે તો પ્રીવી કાઉન્સિલનાં દ્વારો કાંઈ બંધ થઈ ગયાં નથી.'

વકીલનું આ કથન સાંભળી ન્યાયાધીશ ખૂબ હસ્યા અને બોલ્યા :

‘નવીનચંદ્ર ! જીવતા માણસને મરેલું કલ્પી તમે કોઈને સજા કરાવવા પ્રીવી કાઉન્સીલ સુધી જશો તો ન્યાયની તવારીખમાં તમારું નામ અમર થઈ જશે !'

બધા વકીલો હસી પડ્યા. ઘવાયેલા યોદ્ધા માફક નવીનચન્દ્રનું મુખ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું. તેમના અત્યંત અનુભવી મગજે એક છેલ્લો મહાન પ્રયત્ન કરી જોયો. તેઓ જરા કડક શબ્દોમાં બોલ્યા : ‘મી. લૉર્ડ ! ન્યાય એ ગંભીર વસ્તુ છે. ગાંભીર્યને અને હાસ્યને બનતું નથી. છતાં આપ નામદાર તેમ જ મારા વકીલ બંધુઓ હસી રહે તો હું એક મહત્ત્વનો મુદ્દો રજૂ કરવા માગું છું.’

ન્યાયાધીશની હાસ્યવૃત્તિ આજે વધારે ખીલી નીકળી. તેમણે વકીલોને પૂછ્યું :

‘તમે બધાએ હસવું પૂરું કર્યું છે ?'

વકીલો ફરી હસી પડ્યા પછી ન્યાયાધીશે નવીનચંદ્રને તેમનો મહત્વનો મુદ્દો રજૂ કરવા ફરમાવ્યું. નવીનચંદ્ર બોલ્યા :

‘જ્યોતીન્દ્ર બે સ્ત્રીઓની સાથે આવ્યા છે એટલી વાતને કેમ આટલું બધું મહત્ત્વ અપાય છે તે હું સમજી શકતો નથી. બેમાંથી એક બાઈ બંસરી છે ! એમ મારા વિદ્વાન મિત્ર દિવ્યકાન્તનું ધારવું છે. પરંત એ ધારણા ખરી છે ? એ બાઈ ખરેખર બંસરી છે કે કેમ તેનો કશો પુરાવો થયો છે? હું પૂછવા માગું છું.’

એકાએક બંસરી ઊભી થઈ અને બોલી ઊઠી :

‘કોર્ટ સમક્ષ પ્રતિજ્ઞા ઉપર હું જાહેર કરું છું કે હું બંસરી છું.’

નવીનચંદ્ર આટલાથી ડરે એમ લાગ્યું નહિ. તેમણે તુરત ઉત્તર આપ્યો:

‘એ બાઈને એ પ્રમાણે કહેવા માટે જ લાવવામાં આવી છે. પરંતુ એ કહે છે તે ખરું છે એવી તો કોર્ટ ખાતરી કરશે જ ને ? આ જમાનામાં મુખપલટાની કળા એટલી બધી વધી ગઈ છે કે ગમે તે માણસ બીજા માણસનું આબેહૂબ રૂપધારણ કરી શકે.'

ન્યાયાધીશે મુખ ઉપર કંટાળો દર્શાવ્યો અને કોર્ટ બરખાસ્ત કરી. તેમણે જણાવ્યું કે મહત્ત્વની વિગતો આવી છે, એટલે તેઓ પોતાનો ઠરાવ આજે આપશે નહિ.

હવે કોર્ટની લાંબી વિગતો આપી હું કોઈને કંટાળો ઉપજાવીશ નહિ. બંસરી બંસરી જ હતી એમ સાબિત કરવામાં જરા પણ મુશ્કેલી નડી નહિ. ન્યાયાધીશે મને નિદોર્ષ ઠરાવી છોડી દીધો અને મને અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપી. સામા પક્ષના વકીલ નવીનચંદ્રે પછીથી લાંબી તકરાર કરવી મૂકી દીધી; અને જે દિવસે મને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યો તે દિવસે નવીનચંદ્રે ખાસ મારી સાથે હાથ મેળવ્યા, મને અભિનંદન આપ્યું અને જોકે પોતે સામા પક્ષમાં હતા. છતાં આ ઠરાવથી પોતે ઘણા જ ખુશી થયા છે એમ પણ મને જણાવ્યું. તેમની આ લાગણી મને ખરા મનની લાગી. વકીલોનું પણ છેવટ માનવઘડતર તો છે જ ને ?

મારા કેસનો ચુકાદો આવ્યો. તે રાત્રે જ મને બંસરીના કાકાએ ખાસ આમંત્રણ આપી જમવા બોલાવ્યો. મને નવાઈ લાગી કે આટલી ઝડપથી તેમની નારાજી કેમ ઓછી થઈ ગઈ હશે ? તેમનો વધારે અનુભવ થતાં મારી ખાતરી થઈ કે તબિયતની અતિશય સંભાળ રાખતા, જીવનની ઝીણામાં ઝીણી બાબતોથી કંટાળી જતા આ વૃદ્ધને મારા તરફ અંગત દ્વેષ હતો જ નહિ. મારા વિરુદ્ધ ઊભા થયેલા કાવતરામાં તેમનો સહજ પણ હાથ નહોતો. તેમને બંસરી જોઈતી હતી. તે મળી અને તેનું ખૂન મેં કર્યું જ નથી એમ તેમની ખાતરી થઈ, એટલે તેઓ રાજી થયા.

બંસરી જીવતી પાછી આવ્યાની ખુશાલીમાં સહુએ તેને એટલી બધી ઘેરી લીધી હતી કે મારાથી તેને મળવાનું અશક્ય બની ગયું. મારી અને તેની નજર ઘડી ઘડી મળતી; પરંતુ નજર મેળવી બેસી રહેવું એ વિકળતા વધારવા જેવું છે. એકાએક કુંજલતા ધીમેથી આવી મને બોલાવી ગઈ.

‘ક્યાં જવું છે?' મેં પૂછ્યું.

‘તમે ચાલો તો ખરા !’ કુંજલતાએ કહ્યું.

કુંજલતાને હું સમજી શક્યો નથી. એ અજબ છોકરીને મારા તરફ ઘણો જ સદ્ભાવ હતો એ હું ડગલે ને પગલે જોઈ શક્યો હતો. છતાં કર્મયોગીના મંદિરમાં તેણે લીધેલું વિચિત્ર વલણ મને સમજાયું નહોતું. હું તેથી જરા ખમચ્યો.

‘બીશો નહિ. હવે તમને પિસ્તોલ મારવાની નથી.' તેણે સમજીને કહ્યું.

‘બીવાનું તો હવે હું ભૂલી ગયો છું.' મેં હસીને કહ્યું.

‘એમ ત્યારે હું બિવડાવું ? જુઓ, આ ઓરડામાં બેસો, અને હું બારણું બંધ કરુ છું.’

ખરે, મને ઓરડામાં બેસાડી કુંજલતા ચાલી ગઈ. અને જતે જતે એક પાસનું બારણું તેણે બંધ કર્યું. આ મશ્કરીનો તેનો શો હેતુ હશે તે હું વિચારતો હતો એવામાં જ બીજી પાસનું બારણું ઊઘડ્યું, અને દીપકના ઝાંખા પ્રકાશમાં મેં બંસરીને તે બારણામાં ઊભેલી જોઈ.

અમે પરસ્પર વાતો કરેલી હતી; અમે એકબીજાને કાગળો લખતાં હતાં; છતાં અત્યારે બંસરીને એકલી ઊભેલી જોતાં મારું હૃદય કેમ આટલું બધું ધડકી ઊઠ્યું હશે ? દસેક ક્ષણ અમારામાંથી કોઈની જ વાચા કેમ ઊઘડી નહિ હોય ?

'આવું કે ?' છેવટે કોયલ ટહુકી. બંસરીને કેટલે દિવસે મેં એકલી બોલતાં સાંભળી !

‘તમારા ઘરમાં એ પ્રશ્ન હોય ?' મેં જવાબ આપ્યો.

એનો જવાબ બંસરીએ આપ્યો નહિ. તે ધીમે પગલે મારી નજીક આવી અને પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગઈ. જાણે ચંદ્ર ચાલી આવી સોડમાં બેઠો ન હોય, એવો મને ક્ષોભ થયો.

તેણે થોડી ક્ષણો બાદ પૂછ્યું :

‘તમારે ઘેર બોલાવો તો હું તમારા ઘરમાં પણ એ પ્રશ્ન પૂછીશ.’

‘મારે ઘેર ? હા, જરૂર પધારો.’

‘પધારવાનું નહિ, મારે રહેવાનું જ છે.’

‘મારા ઘરમાં ? હું શી સગવડ આપી શકીશ ?’

બંસરીને હસવું આવ્યું. હસતાં હસતાં તે બોલી :

‘આ જીદમાં તો આટલું થયું તોયે હજી સગવડની વાત કરવાની ? હવે તો તમે ના કહેશો તોયે હું તમારે ઘેર આવીશ, અને ઘર મારું બનાવી દઈશ.'

આ પછીના પ્રસંગની વિગતમાં મારે ઊતરવું નથી. એ વિગત અતિશય અંગત છે. છતાં આટલું તો કહીશ કે અત્યારે બંસરી સાથે મેં જે અડધો કલાક ગાળ્યો તે મારા જીવનનો મધુરમાં મધુર પ્રસંગ હતો. મેં અનેક દલીલો કરી. પણ મારી ખરાબ આર્થિક સ્થિતિનો, મારા અનિશ્ચિત ભાવિનો, કેસને અંગે મારે માટે ઉપસ્થિત થયેલી અનેક ચર્ચાઓ અને ચર્ચાઓનો કશો પણ વિચાર તેણે કર્યો નહિ, અને મારી સાથે મારી પત્ની તરીકે જીવન ગાળવાનો તેણે છેવટનો અડગ નિશ્વય કર્યો.

મેં અતિશય વિનવણી કરી તેને નિશ્ચય ફેરવવા આગ્રહ કર્યો. પરંતુ સ્ત્રીને કોઈ જીતી શક્યું છે ? મારા કરતાં તેનો આગ્રહ વધારે અડગ હતો. મારી ગરીબીથી તેને ભય થયો નહિ. મારાં અનિશ્ચિત ભવિષ્યે તેને વધારે ઉત્સુક બનાવી; અને મારી અપકીર્તિએ તેનામાં કોઈ અજબ વાત્સલ્યની ઊર્મિ ઉપજાવી. તેણે મારી નાને હામાં ફેરવી નાખી. મેં છેવટનો પ્રયત્ન કરી જોયો અને કહ્યું :

બંસરી ! તારા ખૂનનો આરોપ તો ખોટો પડ્યો છે. પરંતુ જો તું મારી સાથે લગ્ન કરશે તો હું ખરે ખૂની ગણાઈશ. મારા મનથી તો હું મને ખૂની માનીશ જ.'

એનો જવાબ જે મળ્યો. તે શબ્દોમાં વ્યક્ત થાય એમ નથી. મારા અને તેના હોઠ જ એ જવાબ ઓળખી શક્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics