STORYMIRROR

Raman V Desai

Classics Crime

2  

Raman V Desai

Classics Crime

બંસરી 21

બંસરી 21

7 mins
15K


કેસના ખબર


ગઈ ૠતુ વસંત, પ્રાવૃષ વળી જશે પરવરી

કિશોર વય ગૈ વહી, ભરી જુવાની ચાલી વળી,

બળવંતરાય


‘કુંજલતા ! કુંજલતા ! તું આ શું કરે છે?' મેં પૂછ્યું. મુખ ઢાંકી કુંજલતા જ મારી પાસે આવી હતી.

‘તમે શા માટે મને ઓળખી ?' તેણે કહ્યું.

'તને જ્યાં સુધી ઓળખું નહિ ત્યાં સુધી તારું કહેવું શી રીતે માનું ?’

‘ત્યારે હવે માનશો ? મારાં કપડાં પહેરી બહાર જતા રહેશો ?’

'તને કેદખાનામાં એકલી છોડું અને હું ચાલ્યો જાઉં એ મને શોભે. ખરું?'

'તમારે જીવન અને મૃત્યુનો સવાલ છે; હું તો ગમે તે જવાબ આપી છૂટી જઈશ.’

‘કુંજલતા ! બંસરીનું ખૂન મેં કર્યું નથી. છતાં આખી દુનિયાને મારા ઉપર શક છે. એટલે તારાં માબાપને પણ શક હોય જ. હવે તને હું અહીં છોડી જાઉં તો મને બધાં શું કહેશે ?'

‘બધાંને જે ફાવશે તે કહેશે. પણ તમે કૃપા કરી ચાલ્યા જાઓ. હું તમને પગે લાગું છું.' કુંજલતાના કંઠમાં અને આંખમાં અદ્દભુત આર્જવ હતું. આ રમતિયાળ અણસમજુ છોકરી શા માટે આમ કરતી હશે ? મેં નિશ્ચય કર્યો હતો કે હવે નાસવાનો કે બચવાનો કશો જ પ્રયત્ન કરવો નથી. પરંતુ માનવીની જિજ્ઞાસા કદી ઓછી થતી નથી. મેં કુંજલતાને કર્મયોગીના મકાનમાં તે રાત્રે જોઈ હતી. એટલે તેને મેં પૂછ્યું :

‘કુંજલતા ! તું કર્મયોગીને ઓળખે છે, ખરું ?’

‘હા, હા. પણ મને એ વિષે કશું જ પૂછશો નહિ.’ કુંજલતાને જાણે ભય લાગતો હોય તેમ કર્મયોગી વિષેની વાત ન પૂછવા તેણે જણાવ્યું.

'તને ભય લાગે છે, ખરું ?’

ચારે બાજુએ જાણે તે કોઈની હાજરી અનુભવતી હોય એમ આખા ઓરડામાં તેણે નજર નાખી અને બોલી :

'એનો ભય બધાને છે. તમને પણ એનો જ ભય છે !’

‘મારે અને એને શું છે ? મેં એનું શું બગાડ્યું છે ?’

'બંસરી તમને... ના, ના, મને કશું જ પૂછશો નહિ.’

'અહીં કોઈ કશું સાંભળતું નથી.’

'તમને ખબર નથી. કર્મયોગી ધારે ત્યાં જઈ શકે છે, અને ધારે તે સાંભળી શકે છે.'

'એ અહીં પણ હશે ?'

'હોય પણ ખરો.'

ઓરડાના બારણા આગળ એક પડછાયો ફરતો મેં જોયો. હું ચમક્યો. કુંજલતાએ પણ એ બાજુએ જોયું. તેના મુખ ઉપરથી લોહી ઊડી ગયું. તે એકદમ ઊભી થઈ અને બોલી :

'બસ ! થયું, તમે માન્યું નહિ. હવે શું થશે ?'

આટલું કહી તેણે મુખ ઢાંકી દીધું અને તત્કાળ ઓરડાની બહાર તે ચાલી ગઈ.

કર્મયોગીનો આટલો બધો ભય તેને કેમ લાગવો જોઈએ ? તેને અને મારે શો સંબંધ હતો ? બંસરીનું નામ દેતાં તે શા માટે અટકી ગઈ ? અને માત્ર પડછાયો નિહાળી. તે શા માટે એકાએક ચાલી ગઈ ? મારે તેને ઘણું પૂછવાનું હતું.

વળી મને એક વિચાર આવ્યો. હું નાસી છૂટ્યો હોત તો કાંઈ પણ પ્રયત્ન કરી આ ભેદી પ્રસંગ ઉપર વધારે અજવાળું પાડી શક્યો હોત; જ્યોતિન્દ્ર સંબંધી ચોક્કસ માહિતી મેળવી હું મારું મિત્રઋણ ફેડી શક્યો હોત.

આ વિચારો હું કરતો હતો. એવામાં સહેજ દૂરથી એક ઝીણી ચીસ સંભળાઈ. જાણે કોઈ અસહ્ય દુ:ખ ન વેઠાયાથી ન છૂટકે કોઈ સ્ત્રીથી ચીસ પડાઈ જાય અને પોતાના હાથ મુખ ઉપર દાબી દઈ ચીસ કોઈ ન સાંભળે એવો પ્રયત્ન કરવો પડતો હોય એવો મને ભાસ થયો.

‘શું કુંજલતાને કોઈએ મારી નાખી કે શું ?’

મને કમકમી આવી. મારી આસપાસ આ મૃત્યુની ભયાનક રમતો શા માટે ચાલી રહી હતી ? મારું તુચ્છ જીવન શા માટે આવું મહત્ત્વ ધારી રહ્યું છે ?

હું ઊઠ્યો અને બારણા તરફ ધસ્યો. મારાથી બને તો એ ચીસ પાડનારનો હું બચાવ કરું એવી લાગણીને વશ થઈ મારી અશક્તિનો ખ્યાલ કર્યા વગર જ હું ઘસ્યો. બારણા આગળ આવતાં જ મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું અને હું ઠરી ગયો. અંધકારભર્યા ખૂણામાંથી અંધકાર હાલતો હોય એમ મને લાગ્યું. અંધકાર હાલે ખરો ? પ્રકાશ આધોપાછો થતાં, અગર ઓછો વધારે થતાં પડછાયામાં હલનચલનનો ભાસ થાય છે, પરંતુ આ અંધકાર તો મારા તરફ ચાલ્યો આવતો લાગ્યો. મને ભ્રમ તો નથી થતો એવો ખ્યાલ અાવતાં. મેં આંખ ઉપર હાથ ફેરવ્યો. આછા પ્રકાશમાં એક અંધકારનો ટુકડો મારી સામે આવીને ઊભેલો મેં જોયો. મારું હૃદય ધડકવા લાગ્યું. અગમ્ય સત્તામાં હું માનતો નહિ. છતાં મને લાગ્યું કે કોઈ માનવ શક્તિ પર રહેલા સત્ત્વની સામે હું ઊભો છું, પેલી ચીસનો ખ્યાલ હું વીસરી ગયો, અને અંધકારની સામે સ્થિર બની ઊભો રહ્યો.

અંધકાર વચમાંથી ઊકલી જતો લાગ્યો. તેમાંથી એક સુંદર મુખ. બહાર નીકળી આવ્યું. મુખની આસપાસ તો ન સમજાય એવી કાળાશ જ હતી. મેં ઝડપથી વિચાર કર્યો કે આવો અંધકારપિછેડો ઓઢીને કોઈ પહેરેગીર મારી ઓરડી તરફ આવતો હશે. પરંતુ પહેરેગીરના મુખમાં આવું આકર્ષક સૌંદર્ય હોવાનું અશક્ય લાગ્યું. મેં ધારીને જોયું તો એ મુખ. સુંદર છતાં અતિશય સખત અને કડકાઈ ભર્યું હતું. હું ઓળખતો હોઉં એવો કેમ ભાસ થયો ? તેની આંખો વીજળી જેવા પ્રકાશથી ચમકતી હતી. અરુચિ ઉત્પન્ન થાય એવું સૌંદર્ય હશે ખરું ? એમ કોઈ પ્રશ્ન કરે તો તેને મારી સામે સ્થિર રહેલું મુખ દેખાડી શકાય એમ મને લાગ્યું. તેની આંખોના પ્રકાશથી હું ઝંખવાઈ ગયો, અને મારી આંખો તેની સામેથી મેં ખસેડી લીધી.

‘સુરેશ !' અંધકારથી વીંટાયેલું એ મુખ બોલ્યું.

મેં તેની સામે જોયું; તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સમજી જઈને તેણે મુખ હસતું હોય એમ તિરસ્કારથી બોલ્યું :

‘મને ઓળખવાની તારે જરૂર નથી, બોલ તારે જીવવું છે ?’

‘મને જીવવાની જરા પણ પરવા નથી.' મેં એકદમ કહ્યું.

'ત્યારે તારે મરવું છે ?’

મને પેલું સ્વપ્ન યાદ આવ્યું. મારે મરવું હોય તો મારે બીજાની સહાય કે સલાહ લેવાની જરૂર જ નહોતી. મરવાની ખરેખર ઇચ્છા હોય તો આપઘાત એ સરળમાં સરળ રસ્તો છે. કર્મયોગીએ મને સ્વપ્નમાં એ જ કહ્યું હતું. મને એકદમ લાગ્યું કે કર્મયોગી જ મારી સામે ઊભો છે. તિરસ્કારથી મારું અંગે અંગ ધ્રૂજી ઊઠ્યું. મેં જવાબ આપ્યો : ‘મરવાજીવવાની સલાહ હું બીજાઓ પાસેથી માગતો નથી.’

‘ઠીક.' અત્યંત સ્થિરતાથી એ મુખમાંથી ઉચ્ચાર નીકળ્યો : ‘એનો અર્થ જ કે તને મરવું ગમતું નથી. એ જ સ્વાભાવિક છે.'

‘મારી જિંદગી વિષે પંચાત કરવાનું તારે શું કારણ ?’ મેં તેની સ્થિરતાથી ઉશ્કેરાઈ પૂછ્યું.

‘એનું કારણ એટલું જ કે તારી જિંદગી મારા હાથમાં છે.’

'તો પછી તને ફાવે તે કર. મને પૂછે છે શા માટે ?’

'હું જેને તેને પૂછીને જ મારું છું અગર જિવાડું છું. હું પીઠ પાછળ ઘા કરતો નથી.'

‘આવો ઉદાર તું કોણ છો ?’

‘હું કર્મયોગી છું; તેં મને ઓળખ્યો છે.’

‘મારે જીવવું છે એમ હું કહું તેથી તું મને કેવી રીતે જિવાડશે ?’

‘એ પૂછવાની તારે જરૂર નથી. તારે જીવવું હોય તો આ કાગળ ઉપર વગરવાંચ્યે સહી કરી આપ. મારો - યોગીનો કૉલ છે કે તું જીવીશ.’

'બંસરી ક્યાં છે?' મેં એકાએક પૂછ્યું.

‘એ પૂછવાનું તું અત્યારથી મૂકી જ દે. એનું તો ખૂન થયું છે.’

'મેં એ ખૂન કર્યું નથી.’

'આ કાગળ ઉપર સહી કર એટલે ખૂન તે કર્યું નથી એવું સાબિત થશે.'

'અને સહી ન કરું તો ?'

'તારે માથે આરોપ છે તે પુરવાર થશે.'

'બંસરીનું ખૂન કોણે કર્યું ?’

'આ કાગળ ઉપર સહી કરે તો તેં નહિ.’

‘લાવો કાગળ.' મેં કહ્યું.

કાળા ટુકડામાંથી એક ઊજળો હાથ બહાર નીકળ્યો. હાથમાં એક ગોળ ભૂંગળા જેવો વાળેલો કાગળ હતો. તેણે મારા હાથમાં કાગળ મૂક્યો. તેણે બીજી વખત હાથ આગળ ધરી મને એક પેન આપી પરંતુ મારે કાંઈ લખવાનો વિચાર હતો જ નહિ એટલું જ નહિ, પણ કાગળ એક વખત મારા હાથમાં આવે તે પછી તેને પાછો આપવાનો પણ વિચાર નહોતો.

મેં આછા પ્રકાશમાં કાગળ વાંચવાની શરૂઆત કરી. તરત કર્મયોગીએ કાગળ પકડ્યો અને મને જણાવ્યું :

‘વાંચ્યા વગર જ સહી કરવાની છે, કાગળ વાંચવો હોય તો પાછો લાવ.'

બીજે હાથે બળ કરી મેં તેનો હાથ કાગળ ઉપરથી છોડાવી નાખ્યો અને હું બૂમ મારી ઊઠ્યો :

'હરામખોર ! ખોટી સહી લઈ જવી છે અને બીજાઓને ડરાવવા છે, કેમ ? કાગળ નહિ મળે.'

કર્મયોગી હસ્યો અને જરા પાછો ખરો. જરા રહીને તે બોલ્યો :

‘બેવકૂફ ! તારું આવી બન્યું છે; તું બચવાનો નથી.’

હું ઘણા જ ક્રોધમાં આવી ગયો. નિર્બળ શરીર છતાં હું આગળ ધસ્યો અને કર્મયોગીને પકડવા મેં હાથ લંબાવ્યો. ખાલી અંધકારમાં મારો હાથ નિરર્થક પડ્યો. અંધકારનો ટુકડો પાસેના એક અંધકારમાં સમાઈ ગયો. હું પાછળ પડ્યો, પરંતુ અંધકારમાં બાથોડિયા માર્યા સિવાય હું કાંઈ જ કરી શક્યો નહિ. હું પાછો ફરતો હતો, અને કાગળ મારા હાથમાં રહ્યો હતો કે નહિ તેની ખાતરી કરતો હતો. કાગળ મારા હાથમાં જ હતો. હું ખુશ થયો. કર્મયોગીએ લુચ્ચાઈ કરી મને ભય આપી ગમે તે કાગળ ઉપર સહી કરવા લલચાવવાનો પ્રયત્ન કર્યો એ નિષ્ફળ ગયો, અને તેને આ કાગળ દ્વારા હું ખુલ્લો પાડી શકીશ એ વિચારે મારા મુખને જરા હસતું બનાવ્યું. હું મારા ઓરડામાં દાખલ થવા ગયો એટલામાં કર્મયોગીને હસતો સાંભળ્યો. હું ઊભો રહ્યો અને ચારે પાસ જોવા લાગ્યો. કોઈ હતું નહિ, છતાં એક અવાજ આવ્યો :

‘એ જ કાગળ તને મારશે.'

આશ્ચર્યથી મેં ફરીને ચારે બાજુએ જોયું. કર્મયોગી અગર બીજું કોઈ દેખાયું નહિ. પરંતુ ચાર-પાંચ સિપાઈઓ દોડતા આવતા અંધારામાં દેખાયા.

‘પકડો ! પકડો !’ એવી બૂમ તેમાંથી એક જણે પાડી.

કોને પકડવા માટે આ બૂમ પડી તેનો હું વિચાર કરતો હતો. કર્મયોગી પકડાય તો ઘણું સારું એવો વિચાર કરી તેના વિષે પૂરી બાતમી આપવા હું બારણા આગળ ઊભો રહ્યો. પરંતુ સિપાઈઓ મારા તરફ ધસી આવ્યા અને મને ઝાલી લીધો.

‘કેમ ? ક્યાં નાસતા હતા ?’

‘હું તો કાંઈ નાસતો ન હતો, મારા બારણા આગળ જ ઊભો છું.' મેં જવાબ આપ્યો.

‘દૂરથી અમને જોઈ તમે અંદર ચાલ્યા આવ્યા. બાકી તમે તો આગળ વધી જ ગયા હતા. શા માટે ખોટું બોલો છો ?'

'હું ખોટું બોલતો જ નથી. હું કદી નાઠો જ નથી.'

'તમારા હાથમાં શું છે?'

'કાગળ છે. તમને આપવાનો છે.'

'નહિ આપો તો જશો ક્યાં ?’ સિપાઈએ જણાવ્યું. ‘અમને બાતમી મળી કે તમારા મળતિયા સાથે તમે કાંઈ દસ્તાવેજ લઈ નાસી જાઓ છો, એટલે આ ખરી રીતે અમારે દોડતા આવવું પડ્યું.’

મારી પાસેથી તેણે કાગળ લઈ લીધો. કાગળમાં શું હતું તે પણ મને વાંચવા મળ્યું નહિ.

'હવે આવા કેદીઓનો જલદી નિકાલ થાય તો સારું.' મને અંદર દાખલ કરી એક સિપાઈ બોલ્યો.

'આવા ભણેલા કેદીઓ જ ભારે પડે છે. ભીલકોળી બહુ સારા!' બીજાએ કહ્યું.

'હવે કાલથી કેસ ચાલશે એટલે નિરાંત.' ત્રીજાએ જણાવ્યું.

એટલે હવે મારા વિરુદ્ધ કેસ ચાલશે એવા ખબર સાથે હું આડો પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics