STORYMIRROR

Raman V Desai

Classics Crime

2  

Raman V Desai

Classics Crime

બંસરી ૧૨

બંસરી ૧૨

8 mins
15K


ભેદી મકાન


નિદ્રાને જાગૃતિ-ભવને

નગરીના લોકો ઉજવણે;

રજની નિજ વીંઝણો ઝણકાવે

કંઈ અણદીઠ પગલે

નગરીનાં સમીકરણો આવે.

ન્હાનાલાલ


હું ઊભો થયો. ઝાડને ઓથે રહી કોઈ વ્યક્તિ અદૃશ્ય થઈ ગઈ એ તરફ મારું ધ્યાન દોરાયું. પેલી સ્વપ્નસુંદરી અગર તેના અંગનું કોઈ હોવું જોઈએ એમ મારી ખાતરી થઈ. મારી જિજ્ઞાસા પણ ઉશ્કેરાઈ. થોડી ઊંધ આવવાથી મારો થાક ઊતરી ગયો હતો. એટલે નવીન સાહસને માટે મારામાં જોમ આવ્યું. અજાણ્યા સ્થળે અજાણી સુંદરી આવી મારા સરખા ગુનેગાર મનાયલા રૂપહીન પુરુષને ચૂમી જાય અને અદૃશ્ય થઈ જાય. અને તેની પાછળ કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે ઝાડને ઓથે રહી કાંઈ હીલચાલ કરે, એ સઘળું કુતૂહલ ઉત્પન્ન કરે એવું હતું. મારાથી રહેવાયું નહિ. જે ઝાડને ઓથેથી પણ વ્યક્તિ અદૃશ્ય થયેલી દેખાઈ હતી તે ઝાડ તરફ હું ફર્યો. ઝાડની આસપાસ મેં તપાસ કરી, કોઈ હતું નહિ. ત્યાંથી કોઈ માર્ગ હોય એમ મને દેખાયું નહિ. ઝાડના ઝુંડમાં હું ધીમે ધીમે માર્ગ કરતો આગળ વધ્યો. હું ક્યાં જાઉં છું તેનો મને ખ્યાલ નહોતો; માત્ર કોઈ અજાણી વ્યક્તિ પાછળ હું ખેંચાતો હતો.

થોડી ક્ષણો આથડી હું કંટાળ્યો. શા માટે તકલીફમાં પડવું જોઈએ એમ મને વિચાર આવ્યો. એટલામાં દૂરથી વીજળીની એક ટૉર્ચલાઈટ મારા ઉપર પડી અને પડતાં બરોબર બંધ થઈ ગઈ. કોઈ મનુષ્ય આ ઝાડીની ઘટામાં છુપાયેલું છે ને મારી હીલચાલ ઉપર નજર રાખે છે એટલું તો મને સમજાયું. હું ઝડપથી એ બાજુ તરફ વધ્યો. હિંમતસિંગે મને છૂટો કરતી વખતે મારી રિવોલ્વર પાછી આપી હતી. તેને ભાગ્યે જ ખબર હશે કે એ રિવોલ્વર જ્યોતીન્દ્રની હતી અને હું વગર પરવાને તે ફેરવતો હતો. રિવોલ્વરે મને હિંમત આપી. હું એ બાજુ તરફ વધ્યો છતાં મને એમ તો લાગ્યું જ કે એ વીજળીની બત્તીવાળો માણસ ત્યાંથી ખસી જશે. હું તે સ્થળે અંધારામાં પહોંચી જોવા લાગ્યો; ત્યાં કોઈ હતું જ નહિ. પરંતુ વળી થોડે દૂરથી એ બત્તીનો પ્રકાશ મારા ઉપર પડ્યો; હું તે તરફ ધપ્યો. ત્યાં પહોંચતાં પાછો પ્રકાશ આધે ગયેલો જણાયો. આ માણસ મારાથી નાસે છે કે મને કોઈ જાળમાં ફસાવે છે, એ મને સમજાયું નહિ. કોઈ પણ બાબતમાં જિજ્ઞાસા ઉશ્કેરાય તો પછી તે તૃપ્ત કર્યા વગર મને જરા પણ ચેન પડતું નહિ. આ વ્યક્તિનો ભેદ પારખવા મેં નિશ્ચય કર્યો; પરંતુ આ વખતે આગળ ન વધતાં હું જ્યાં હતો. ત્યાં જ કેટલીક વાર ઊભો રહ્યો. બત્તીવાળા માણસે ધાર્યું હશે કે દીવાથી આકર્ષાઈ હું પાછો આગળ વધીશ. તેણે બત્તી છેવટની જગાએ ફેરવી પરંતુ ત્યાં હું નહોતો, એટલે પ્રથમની જગાએ ઓળંગી હું જ્યાંથી ખસ્યો નહોતો. તે જ સ્થળ ઉપર તેણે બત્તીનો પ્રકાશ લંબાવ્યો. આ પ્રકાશ બંધ ન કરતાં તેણે તે ચાલુ રાખ્યો. મારું આખું શરીર તેને સ્પષ્ટ દેખાયું હશે, અને હું કોણ છું તે પરખી ગયો હશે એવી મારી ખાતરી થઈ ગઈ. વળી પ્રકાશ કોઈ ઊંચા સ્થાનમાંથી આવતો હતો એમ મને લાગ્યું. હવે મને ડર રહ્યો નહોતો. પ્રકાશને જ માર્ગે હું આગળ ચાલ્યો. થોડેક સુધી વધ્યો અને પ્રકાશ બંધ થયો. પરંતુ મેં તો આગળ વધવું ચાલુ રાખ્યું.

એક મોટી દીવાલ આવતાં હું અટક્યો. એ દીવાલ ઉપરથી જ છેલ્લી વખતનો પ્રકાશ આવ્યો હશે એમ મને લાગ્યું. દીવાલ ઉપર હાથ ફેરવ્યો; અંધારામાં તેની ઊંચાઈનો અંદાજ કાઢ્યો. કોઈ બંગલાની આગળની મોટી દીવાલ હતી એમ મને ખ્યાલ આવ્યો. આ કોટની અંદર કોઈ મકાન હશે. અને એમાં બત્તીવાળો માણસ ચાલ્યો ગયો હશે એમ મને લાગ્યું. પરંતુ એક મને સમજાઈ નહિ. જો એ મનુષ્ય બંગલામાં રહેતાં મનુષ્યોથી પરિચિત હોય તો આ દીવાલ ઉપર ચડીને અંદર કેમ ગયો હશે ? જો તે પરિચિત ન હોય તો મારા જેવા અજાણ્યા મનુષ્યને દીવાથી ધારી ધારીને કેમ આકર્ષતો હશે ? અહીં પણ હું ગુનેગાર તરીકે જ સર્વના નિરીક્ષણને પાત્ર બનતો હતો કે શું ?

દૂરથી એક ઘંટડીનો અવાજ મારે કાને પડ્યો. નાના દેવમંદિરમાં આરતી પ્રસંગે જેવી નાનકડી ઘંટડી વાગે એવો અવાજ મને લાગ્યો. અહીં દેવમંદિ૨ શાનું ? અને તે આટલી ભાંગી રાતે ખુલ્લું કેમ હોય ? હજી પરોઢિયાને વારે હતી. શું પૂજારી સમય ભૂલ્યો હશે ?

મેં આજુબાજુ હાથ ફેરવ્યા. થોડી ઈંટો નીકળી ગઈ હતી. તેની મદદ વડે ભીંત ઉપર ચડ્યો અને એવી જ ઢબે અંદરના ભાગમાં હું ઊતરી ગયો. ભીંત આ સ્થળે જીર્ણ હતી. એટલે સમજ પડી, નહિ તો આટલી સરળતાથી આવા ઊંચા કોટ ઉપરથી ચઢી ઊતરાય નહિ. જ્યાં ઊતર્યો ત્યાં નાના નાના છોડ હતા અને આગળ ઝાડીમાંથી પાછું એક મકાન દેખાતું હતું. દૂરથી એક કૂતરું સહેજ ભસ્યું. આ કૂતરાના ભસવાનો અવાજ જાણે પહેલી રાત્રે મેં સાંભળ્યો હોય એમ યાદ આવ્યું. પેલા બંગલા પાસેનો વણઝારી કૂતરો તો આ ન હોય ? જેમના છળથી હું પેલા બંગલામાં ફસાઈ પડ્યો હતો. તે જ અગમ્ય મનુષ્યો આ સ્થળમાં હશે કે કેમ ?

ભલે ગમે તે હોય ! હવે હું અજાણ્યો બનીને જતો નથી. કોઈના દોર્યાથી જતો નથી. કયા અજાણ્યા દુશ્મનો સાથે હવે મારે આથડવાનું છે તે નક્કી કરવાનો નિશ્ચય કર્યો, અને એકલે હાથે તે પાર પાડવા હું પ્રવૃત્ત થયો. જોખમ વહોરતો હતો. એ મારી જાણ બહાર નહોતું. પરંતુ આજ ચોવીસ કલાકની અંદરના અનુભવે મને બહુ જ સાહસિક બનાવ્યો. તેમાં બંસરીના ખૂનના આરોપે તો મને મારી જિંદગી માટે તદ્દન બેપરવા બનાવી દીધો !

આખું સ્થળ અને વાતાવરણ શાંત હતું. ઝાડની ઘટાને લીધે વગર દેખાયે આગળ વધવા માટે સારી સગવડ હતી. હું મકાન તરફ આગળ વધ્યો. મકાનના રક્ષણ અર્થે બહાર પહેરેગીરોની હાજરી હોય એમ મને લાગ્યું નહિ. મેં મકાનનો પાછલો ભાગ તપાસ્યો; ત્યાં આગળ તદ્દન શાંતિ હતી. મકાનમાં કોઈ માણસનો વસવાટ જ જાણે ન હોય એમ મને લાગ્યું. માણસો આટલી રાત્રે સૂઈ ગયાં હોય તોપણ શાંતિ તો હોય જ ને, એવો મને પ્રથમ વિચાર આવ્યો; પરંતુ આ સ્થળની શાંતિ એવી અજબ હતી કે મકાન હવડ હોવાનો જ મને ભાસ થયો.

ફરી ઘંટડીનો અવાજ મેં સાંભળ્યો. હવે તે બહુ પાસેથી આવતો લાગ્યો. મકાનના અંદરના ભાગમાંથી તે આવતો હતો. એમ મને ખાતરી થઈ. મકાનની અંદર જવા માટે મારી વૃત્તિ બહુ જ આતુર બની ગઈ. ક્યાં થઈને અંદર જવાય તે માટે મેં રસ્તા જોવા માંડ્યા. આગલી બાજુના દરવાજા સિવાય પ્રવેશનો એક્કે માર્ગ હતો જ નહિ એમ મને લાગ્યું. દરવાજો દરવાન વગરનો અંધકાર ભરેલો હતો. મેં અંદર જવા હિંમત ભીડી. દરવાજો ઓળંગી હું પગથિયાં ચડ્યો, અને પાંચ છ પગથિયાં ચડી રહેતાં એક બાજુ બારણું આવ્યું. જેવો મેં બારણામાં પગ મૂક્યો તેવો જ અંદરથી કોઈએ પ્રશ્ન પૂછ્યો :

‘કોણ છે ?'

આ સ્થળે કોઈ જ નહિ હોય એવી ધારણાથી હું આવ્યો હતો, તેને બદલે મને રોકવા માટે કોઈ તૈયાર છે એમ જાણી હું ખમચાયો. મારાથી જવાબ અપાયો નહિ, પરંતુ મારી જ જોડમાંથી કોઈએ અજાણી ભાષાનો અજાણ્યો ઉદ્ગાર કાઢ્યો. અંધકારમાં મારી પાડોશમાંથી મારી સાથે કોણ નીકળી આવ્યું હશે તેનો હું વિચાર કરું, એટલામાં તો બારણું બંધ થઈ ગયું. માત્ર એ બારણામાંથી એક ડોકાબારી ખૂલી ગઈ અને મારી જોડમાંથી અચાનક નીકળી આવનાર પુરુષ એ ડોકાબારીમાં થઈને અંદર ગયો. ડોકાબારી બંધ થઈ. બારણું ખૂલી ગયું અને હું બારણા પાસે જ અંધકારમાં ઊભો રહ્યો.

મને ‘કોણ છે'ના જવાબમાં અપાયેલો સંકેત શબ્દ આવડતો નહોતો. એટલે ફરી વાર બારણામાં પગ મૂકવાની મેં હિંમત કરી નહિ. એટલી તો મારી ખાતરી થઈ કે સંકેત શબ્દનો ઉચ્ચાર કરનાર પુરુષ મને ભાળી ગયો છે. એનું પરિણામ ભયંકર આવશે જ એમ મેં ધાર્યું. આ ભેદભર્યાં મકાનમાં ભેદી માણસોનો વસવાટ હતો. એમાં કાંઈ શક રહ્યો નહિ. હું ધારતો હતો. તે પ્રમાણે આ સ્થળ ઉજ્જડ અને રક્ષકો વગરનું નહોતું. મને ખબર પણ ન પડે એવી રીતે મારી જોડે માણસો ફરી શકે છે અને મારા ઉપર પહેરો રાખે છે એ મને સમજાયું. હું પગથિયાં નીચે ઊતરી પાછો ફર્યો અને મકાન ચારે પાસથી નિહાળવા લાગ્યો. અંધારામાં તેમ જ ઝાડની ઘટાને લીધે સ્પષ્ટ કશું સમજાતું નહોતું, તથાપિ એક નાની જાળીમાંથી દીવાનો પ્રકાશ અંદર હોય એમ ભાસ થયો. આ જાળી એક માળ જેટલી ઊંચી હતી.

જાળી ઉપર ચઢીને કાંઈ જોવાય તો કેવું ! એવો મને વિચાર આવ્યો. વિચારની પાછળ કાર્ય ચાલ્યું આવે છે. મેં જાળી ઉપર ચડવા માટે આમતેમ બાથોડિયાં માર્યાં, પરંતુ ઉપર ચઢવા માટે કાંઈ પણ સાધન જણાયું નહિ. એ જાળીથી થોડે દૂર વૃક્ષની એક ડાળી ઝૂકતી હતી. તે મારી નજરે પડી. એ ડાળી ઉપર ચઢવા મેં મથન કર્યું. ઝાડ ઉપર ચઢવાની ટેવ બહુ વર્ષોથી વિસરાઈ ગઈ હતી. પરંતુ કામની તીવ્રતામાં જૂની આવડત સચેત થઈ ગઈ. થડ ખોળી કાઢી હું ઝાડ ઉપર ચડ્યો. કોણ જાણે કેમ મારી હાલચાલથી જરા પણ અવાજ થયો નહિ. જાળી પાસે ઝૂકતી ડાળી તરફ હું ઊતર્યો. ડાળ મજબૂત હતી અને ધીમે ધીમે હું તેના છેડા સુધી જઈ શક્યો. છેડા ઉપર બેસી મેં ધીમે રહી જાળીમાં નજર નાખી.

આછા ભૂરા પ્રકાશથી એ ઓરડો ભરેલો હતો. સાદી પણ સુશોભિત રીતે ઓરડો શણગારેલો હતો. ત્રણ ચાર માણસો એ ઓરડામાં સ્થિર બેઠેલાં હતાં. વધારે ધ્યાનપૂર્વક જોતાં તેમાં એક સ્ત્રી પણ મને બેઠેલી દેખાઈ. સ્ત્રીની પીઠ મારા તરફ હતી એટલે તેનું મુખ હું જોઈ શક્યો નહિ, પરંતુ તેના લાંબા વાળ છેક જમીન સુધી ફેલાયલા મને લાગ્યા. ખુલ્લું માથું, છૂટા વાળ, ટટાર દેહ, સુશોભિત વસ્ત્ર અને ભૂરો પ્રકાશ - એ સઘળાને લઈને કોઈ અદ્દભુત સૌંદર્યનો મને ભાસ થયો. પરંતુ એ સ્ત્રીની આસપાસના સુંદર વાતાવરણમાં મને કંઈ વિચિત્ર ભયંકરતા પણ દેખાઈ. તે સ્ત્રી જરા પણ હાલતી ચાલતી નહોતી, પૂતળામાં અને તેનામાં મને જરા પણ ફેર લાગ્યો નહિ.

તેની બરાબર સામે તેનાથી દૂર એક સુંદર મુખાકૃતિવાળો યુવાન એટલી જ સ્થિરતાથી બેસી રહ્યો હતો. તેનું મુખ મારા તરફ ફરેલું હતું એટલે તેને હું બરાબર નિહાળી શક્યો. તેની આંખો તદ્દન ઉઘાડી પરંતુ સ્થિર હતી. તેની આંખોના મિચકારા પ્રથમ તો મને દેખાયા જ નહિ, પરંતુ બહુ ધારીધારીને જોયા પછી મને લાગ્યું કે કવચિત્ તેનાં પોપચાં બિડાતાં હતાં, પણ તે બહુ જ વારે; સામાન્ય મનુષ્યો જેવી ઝડપથી એ આંખમાં મિચકાર થતા નહિ. એ પુરુષ પેલી સ્ત્રીના સામું જોયા કરતો હતો. એટલી મારી ખાતરી થઈ.

આવી એકાગ્રતાથી કોઈ સ્ત્રીના સામે જોવાનું કારણ શું ? શું કોઈ પ્રેમી પોતાની પ્રિયતમાના પૂતળાને આમ એકીટસે નિહાળી સાંનિધ્યનો આનંદ મેળવતો હતો ?

પુરુષ અલબત્ત સુંદર હતો, તથાપિ તેના ચહેરા ઉપર સખ્તીથી જબરજસ્ત છાપ પડેલી મને દેખાઈ. પ્રિયતમાની સામે નજર પડતાં મુખ આટલું કરડું કદી બની જાય નહિ. તેના મોટા વાળ ખભા સુધી પથરાયલા હતા અને વચમાં સેંથી પડેલી હોવાથી એ વાળ ટાપટીપથી સમારવામાં આવ્યા હતા એટલું તો લાગ્યું. ત્યાંના ભૂરા પ્રકાશને લીધે તેણે કેવા રંગનાં વસ્ત્ર પહેર્યા હતાં તે સમજાયું નહિ, પરંતુ મને લાગ્યું કે તેણે સફેદ ધોતિયું અને લાંબો અંચળા જેવો રેશમી ઝભ્ભો પહેરેલાં હતાં.

સ્ત્રી અને પુરુષ બંને મૃગચર્મ ઉપર બેઠેલાં હતાં. બંનેની વચમાં કશું જ નહોતું. ઓરડામાં દૂર બીજા પુરુષો કાંઈ પણ બોલ્યા વગર બેસી રહ્યા હતા.

‘આજે તારું મન કેમ વ્યગ્ર છે ?' થોડી વાર રહીને પેલો પુરુષ બોલ્યો. શાંત વાતાવરણમાં આ પુરુષના બોલાયલા બોલ કડક અને અસ્થાને લાગ્યા - જોકે પુરુષના કંઠમાં કઠોરતા હતી કે કેમ તે હું તે વખતે પારખી શક્યો નહિ.

‘કાંઈ નહિ, અમસ્તુ જ.’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યો.

મારી હવે ખાતરી થઈ કે આ પૂતળું નહિ પણ જીવતી જાગતી સ્ત્રી જ છે. તેનો અવાજ મીઠો રણકારભર્યો લાગ્યો.

ફરી પા કલાક આવી ને આવી શાંતિ જળવાઈ રહી; પુરુષ અને સ્ત્રી બંને સ્થિર બેસી રહ્યાં. પુરુષનું મુખ વધારે કડક બનતું જતું હતું. એકાએક પેલી સ્ત્રીએ ચીસ પાડી અને હાથ ઊંચા કરી આંખ આગળ લઈ જઈ તેણે પોતાની આંખો દાબી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Classics