બળેલી ખીચડી
બળેલી ખીચડી
"અરુ, એક વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દેજે." બોલીને ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. સોસાયટીનાં નાકે ઊભેલી શાકભાજીની લારીમાંથી શાક લઈને ઘરમાં પ્રવેશી.
ખીચડી બળવાની ગંધ આવતાં જ દોડીને ગેસ બંધ કર્યો. ઝડપથી ગેસ પરથી કુકર ઉતારીને પાણી રેડતાં છમકારો થયો. થોડીક જ વારમાં પાણી વરાળ બનીને ઉડી ગયું. જ્યાં સુધી કુકર ઠંડુ ના પડ્યું ત્યાં સુધી પાણી રેડતી રહી. કુકર ખોલીને ઉપર-ઉપરથી સાચવીને ખીચડી કાઢી લીધી. "વધારે નથી બળી" બોલીને કુકરનાં તળિયે, ખીચડી સુધી ભાતિયાને પહોંચાડ્યુ. સાધારણ પોપડી હશે. એવી પોપડી માટે તો અમે ભાઈ-બહેન કેટલું લડતાં. અમને બધાંને એ બહુ ભાવતી. ભાતિયાને સહેજ તળિયે ઘસીને ખીચડી બહાર કાઢી. બીજી ખીચડી ઉપર મૂકતાં જ ભાતિયા પર ચોંટેલી બળેલી-કાળી ખીચડી જોતાં જ ચમકી. નાક સાથે આંખોએ પણ આવી ખીચડી માટે જાકારો આપતાં, બધી ખીચડીમાં બળેલાંની વાસ ના ભરાઈ જાય એ હેતુથી ઝડપથી બળેલી ખીચડી બહાર કાઢી નાંખી. "આમાં બ
ળેલાંની વાસ આવશે તો યશેસ ખાશે જ નહિ." તે બબડી.
"ઉપર-ઉપરથી જ લઈ લેવી હતી ને પોપડાં ઉખાડવાની શી જરુર હતી? પાછળ ઊભેલી અરુ બોલી."
વાક્ય સાંભળતાં જ ચમકી. ગઈકાલે રાત્રે એને સુયશને પોતાની જૂની વાતો વાગોળતી વખતે પોતાનાં જૂનાં પ્રેમ વિશે પણ કહી દીધું. તે વખતે તો સુયશ કંઈ ના બોલ્યો, પણ આજે સવારે "બહુ ઉતાવળમાં છું. ચા-નાસ્તો બહાર જ કરી લઈશ." બોલીને એની સામે નજર મેળવ્યાં વગર જ ઘરની બહાર નીકળી ગયો હતો.
"અરુ બેટા, પપ્પાને ફોન કરતો જમવા આવે છે કે ટિફીન મોકલી આપું."
"મમ્મી, પપ્પા કહે છે, મીટીંગમાં છે, એટલે આજે જમવાનો સમય નહિ મળે. મીટીંગમાં બધાં સાથે નાસ્તો કરી લેશે. કામ વધારે છે, તેથી સાંજે પણ કદાચ આવતાં મોડું થશે. એમનું જમવાનું ઢાકી દેજે, ને તું સૂઈ જજે, રાહ ના જોતી."
"પોપડાં ઉખાડવાની શી જરૂર હતી ?" થોડીક વાર પહેલાં કહેલું અરુનું વાક્ય યાદ આવ્યું ને ધબ્બ કરતી સોફા પર પટકાઈ.