Niky Malay

Abstract

4.7  

Niky Malay

Abstract

બગદાણા ધામ

બગદાણા ધામ

13 mins
366


“સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ધામ,

બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.”

આપણો ભારત દેશ જેમાં અનેક સંતો, મહાસંતો અનેક એવા અવતારી પુરુષોએ જન્મ લીધેલા છે.જેના ચમત્કારોનો ઈતિહાસ ખૂણે ખૂણે પ્રસરેલો છે. આમ અનેક ચમત્કારોથી આપણને ઘાર્મિક વરસો આપતા ગયા છે. પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની પવિત્ર ભૂમિ એવા બગદાણા ધામની કે જે એ ચમત્કારી નગરી છે. ભાવનગરના મહુવા તાલુકામાં આવેલ બગદાણા ગામ એ કોઈ ચમત્કારથી કમ નથી. અહી સનાતન ધર્મની જ્યોત હજી પણ જળહળે છે. તો ચાલો બાપા સીતારામના નાદ સાથે બજરંગદાસ બાપના ઈતિહાસની વાર્તા અને તેના ચમત્કારોની ભક્તિમાં ડૂબી જઈએ આપણું જીવન પવિત્ર કરીએ.

ગોહિલવાડની શેરીએ કે ગામડે ગામડે ફરો ને તો સંત શિરોમણી બજરંગદાસ બાપાની મઢુલી ચોક્કસ જોવા મળે છે. ત્યાંથી પસાર થાવ ને, તો બાપા સીતારામનો નાદ પણ સંભળાય છે . બાપા સીતારામ એવું નામ સાંભળતાની સાથે જ આપણું મન રોમે આનંદ અનુભવે છે. અને સામેથી આપણને પણ જવાબ આપવાનું મન થઇ જાય છે “ એ બાપા સીતારામ ભાઈ . “

અને આ મઢુલી એમજ ઉભી નથી થઇ તેની પાછળનો ઈતિહાસ ખોળવા જઈએ તો “ બજરંગદાસ બાપનું નામ અને તેના ચમત્કારોની કેટલીય ગાથા વણાયેલી છે.

બજરંગદાસ બાપના ઈતિહાસને આજે આપણે લોકવાયકામાં થયેલા ચમત્કારોના માધ્યમથી સાંભળીયે.

બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે આપણે ઊંડાણમાં જાણીએ તો એક રાજસ્થાનના મેવાસા નામનું ગામ હતું. ત્યાં આરતીદાસ બાપુ રહેતા હતા. અને તેનો સંઘ પણ રહેતો હતો. આરતીદાસ બાપુ હનુમાન ભક્ત હતા. પણ એ સમયે મુસ્લિમોનું શાસન અમલમાં આવેલું, અને ખાસ કરીને ઔરંગઝેબ એટલો ક્રૂર અને ઘાતકી રાજા હતો, કે તે લોકોને મારી નાખતો. બહેનો દીકરીઓની આબરૂ લૂંટી લેતો. ધર્મ પરીવર્તનનો લોકોમાં ભય પ્રસરેલો હતો. જીવન મુશ્કેલ બની ગયુ હતું. ત્યારે આરતીદાસ બાપુ અને તેના સંઘના સાધુઓ પોતાનો સનાતન ધર્મ બચાવવા માટે નિર્ણય કર્યો. કે” ભાઈ હવે આ ઔરંગઝેબને કારણે કદાચ આપણે કેદ થઈ જાય અને આપણાને ધર્મ પરિવર્તન કરાવી નાખે એના કરતાં આપણે મેવાસા છોડી અને બીજે ચાલ્યા જઈએ.” એમ નક્કી કરી આરતીદાસ બાપુ તેને પત્ની અને સંઘ ત્યાંથી ચાલતા ચાલતા ગુજરાતમાં વળા નામના નગરમાં આવે છે. વળા નામનું નગર એટલે આજનું વલભીપુર. ત્યાં ગામના સજ્જનોને મળે છે અને ઔરંગઝેબની બીકને કારણે અહી સુધી આવ્યાનું કારણ જણાવે છે . ત્યારે તે ગામના આહીર લોકો દ્વારા તેને આવકાર મળે છે. અને આહીર ગામના આગેવાનો આરતીદાસ બાપુને એક આયરચોરો નામે એક જગ્યા જે વલભીપુરમાં આવેલી છે. ત્યાં હનુમાનજી મંદિર બનાવી આપે છે. અને ત્યાં આરતીદાસ બાપુ અને તેની પત્ની અને સંઘના થોડા લોકો રહેવા લાગે છે. જયારે વલભીપુર ગામમાં ક્યારેક મુલાકાત લેવાનું થાય ત્યારે આ મંદિરની મુલાકાત લેવાની ના ભૂલશો. આ જગ્યા પણ ઇતિહાસને ખાળે તેવી છે. આરતીબાપુ અહી આઠ થી દસ વર્ષ રહે છે. અને હનુમાન મંદિરની પૂજા કરતા હતા. આ સમયે તેમને એક દીકરો થાય છે. તેનું નામ હોય છે “રામદાસ”.

સમય જતા આરતીદાસ બાપુ અને તેમની પત્ની દેવ થઇ જાય છે. પણ રામદાસ મોટા થાય છે ત્યારે તે એક ભાલ પથકમાં આવેલા લાખણકા ગામમાં રહેવા જતા રહે છે. સમય જતા તેમના ઘરે આત્મારામ હીરાદાસ અને નારણદાસ નામના ત્રણ સંતાનો થાય છે. એમાં

હવે સમય જતા રામદાસ વલભીપુર છોડી અને લાખણકા આવી અને ત્યાં પોતાના સંતાનો સાથે રહે છે. પણ ધીમે ધીમે સમય જતા હીરાદાસ જે તેમના બીજા નંબરનું સંતાન હોય છે. તે ઘોઘા તાલુકાનું માલપર ગામના શિવકુંવરબા સાથે લગ્ન થાય છે. આમ રામનંદી સાધુના સંસ્કારને કારણે હીરાદાસ અને શિવકુંવરબા ખૂબ જ ભક્તિમય હોય છે. બંને પતિ-પત્નીને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હોય છે.

એક સમયની વાત છે. પોતાના નાના ભાઈના લગ્ન થતા હોય છે પણ શિવકુંવરબા નવ માસ ગર્ભ હોવાથી ત્યાં જતા નથી. અને તેમના ભાઈને સંદેશો પહોચાડે છે, કે પોતે લગ્નમાં નહિ આવી શકે. ત્યારે નાના ભાઈ એક હઠ કરે છે કે શિવકુંવરબા બેન આવશે તો જ હું ફેરા ફરીશ. ત્યારે ઘોઘા તાલુકાના માલપર ગામથી શિવકુંવરબાનો મોટો ભાઈ શિવકુંવરબાને ગાડું લઇ તેડવા આવે છે. ભાઈની હઠને કારણે શિવકુંવરબા ગાડામાં બેસે છે. અને કહેવાય છે કે ભાવનગરથી સાત કિલોમીટર દૂર આવેલા અધેવાડા ગામમાં ઝાંઝરીયા હનુમાનજી મંદિર આવેલું છે. ત્યાં બે પાંચ મિનિટ વિહામો ખાવા શિવકુંવરબા ગાડું ઊભું રાખે છે. પ્રસવ પીડાને કારણે ત્યાં આસપાસ કામ કરતી બહેનો ભેગી થઇ જાય છે. એક કણબી ડોસી હતા .એ ડોશીનું નામ હતું દુધીમાં. તેમના હાથે આ એક ચમત્કારીક આત્માનો જન્મ થાય છે. આમ પછી ભાઈને ખબર પહોચાડે છે કે ભાણીયાનો જન્મ થયો છે. ઘરે દીકરાનો જન્મ થયો છે. રામાનંદી સાધુ ને વળી ઝાંઝરીયા હનુમાન મંદિરમાં જન્મ થયો તેથી તેનું નામ ભક્તિરામ રાખે છે.

 ભક્તિરામ પોતાનું જીવન માતા શિવકુવરબા અને હીરાદાસ પિતા સાથે અધેવાડા રહીને ગુજારતા હોય છે.

એ પછી સમય જતા હીરાદાસ અને પુત્ર ભક્તિરામ અને શિવકુવરબા સુરતમાં રહેવા જતા રહે છે. તેઓ સુરતમાં સાબરીયા શેરીમાં લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી તરીકે રહેતા હોય છે. એ દરમિયાન અયોધ્યાથી એક સાધુ સંતોનો અખાડો અહી આવે છે . તેમાં એક સીતારામ બાપુ આવેલા હોય છે. તે અગિયાર વર્ષના ભક્તીરામને જોઇને કહે છે કે આ ઓઈ નાનો સુનો આત્મો નથી લાગતો. તે ભક્તિ રામને પોતાની પાસે બોલાવે છે. ત્યારે ભક્તિરામ કહે છે હું તો તમારા હાથે કંઠી પહેરવા માંગું છું. તમે મારા ગુરુ બનો ને મને કંઠી પહેરવો .

માતા-પિતાને ખબર પડે છે કે ભક્તિરામ કંઠી પહેરીને સાધુ થવા માંગે છે. ત્યારે માતા કહે છે કે “ બાપુ અમેં તો જન્મથી જ રામાનંદી છીએ અમારે ભક્તીરામને ભગવા કપડા નથી પહેરાવવા. તે અમરો એક નો એક દીકરો છે. પણ શિવપુરથી આવેલ સીતારામ બાપુ કહે છે કે “તમારું આ બાળક એ દુનિયાનો ઉધાર કરવા માટે જન્મેલુ છે.” આ તો જુગ જુગ નો ઓલિયો છે. ભક્તિરામને સીતારામ બાપુ સાથે જવાની પરવાનગી આપે છે.

સીતારામ બાપુ તેમને અયોધ્યા લઇ આવે છે. ભક્તિરામ પણ સીતારામ બાપુની ખુબ જ સેવા કરતો હતો.

એક વખત એવું બનાવ બને છે, કે સીતારામ બાપુ ભક્તિરામને એમ કહે છે કે” તારા પરસેવાનું તું દૂધ લઈને આવ” હવે જો જો મિત્રો આ તે કેવો ગુઢાર્થ ભાવ કહેવાય. સંત ભક્તિરામ પરસેવાનો દૂધ શોધવા માટે થઈને ખેતરે ખેતરે ફરે છે . એક ખેતરમાં જાય છે ત્યાં ચાર પાંચ માણસો ખેતરમાં કંઇક કામ કરતા હોય છે. એક મશીન બધા સાથે મળીને ઊંચું કરતા હોય છે. પણ એનાથી એ મશીન ઊંચું થઈ શકતું નથી. ભક્તિરામ ત્યાં જઈને ઉભો રહે છે,” કહે છે બાપા સીતારામ” એટલે પેલા ખેતરના મજૂરો કહે છે. “ સીતારામ ભાઈ” અને પેલા લોકો કહે છે “ બાપુ આ મશીન અમારાથી ઉચકતું નથી.”

ત્યારે ભક્તિરામ કહે “ભાઈ આ મશીન ક્યાં રાખવાનું છે. મને કહો ફક્ત એક વાર જ ઉચકાશે પછી નહિ ઉચકાય”. એમ કહી મશીન ઉચકીને બીજી જગ્યાએ રાખી દીધું. પેલા ચારપાંચ મજુરો તો જોતા જ રહી ગયા. આમ પેલા ખેતરના મજુરોને ભક્તિરામ કહે છે “મને મારા ગુરુ સદગુરુએ પરસેવાનું દૂધ લઈને આવા કહ્યું છે.” એટલે હવે તમે આજુબાજુ કોઈ ગાય હોય તો મને કહો અને આ દૂધનો કટરો હું ભરી અને મારા સદગુરુ પાસે લઈ જાઉ .” એ દૂધનો કટોરો લઈ પોતાના સદગુરુ પાસે આવે છે. પણ ગુરુ તો જ્ઞાની હતા. સીતારામ બાપુ બધું સમજી જાય છે. અને કહે છે કે” ભક્તિરામ તારામાં હનુમાનજી મહારાજ જેવી શક્તિ છે. તારામાં કોઈ ચમત્કારી આત્મા છે. જે જગતનો ઉદ્ધાર કરવા જન્મેલો છે. આજથી હું તને બજરંગી કહીશ . અને સમય જતા તું બજરંગદાસ બાપુ તરીકે પ્રખ્યાત થઈશ. કહેવાય છે કે સીતારામ બાપુના આવા આશીર્વાદથી તેઓને આખી દુનિયા બજરંગદાસ બાપા તરીકે ઓળખે છે.

બસ પછી તો સમય જતો હતો. બજરંગદાસ બાપા અખાડાના સંઘ સાથે એક વખત કાશીના નાસિકના કુંભ મેળામાં જાય છે. ત્યારે એ સંઘમાં સૌથી છેલ્લા ચાલતા હોય છે.લાલદાસ બાપુ એવા જોગી હતા કે તે કોઈપણ રૂપ ધારણ કરી શકે એટલે તેણે સિંહનું રૂપ ધારણ કરી અને અખાડાના સાધુના સંઘ સામે આવીને ઊભા રહી જાય છે. બધા સાધુ ડરે છે. સીતારામ બાપુ કહે છે કે શું થયું ? કેમ ઊભા રહી ગયા છો ત્યારે બધા? સાધુ કહે છે કે બાપુ આગળ તો સિંહ ઉભો છે. હવે એની આગળ કેમ જાવું. સીતારામ બાપુ કહે છે કે “ સંઘ પાછો ન વળે. એ તો નાશિકના કુંભ મેળામાં નાહવા જશે જ” એટલે તે સૌથી છેલ્લે ચાલતા બજરંગદાસ બાપુને કહે છે કે બાપુ આગળ જાવ અને આ સિંહને રોકો ત્યારે બજરંગદાસ બાપુ આગળ જાય છે અને સિંહનો કાન મરડે છે. અને કહે છે “લાલદાસ બાપુ આપ તમારા અસલ સ્વરૂપમાં આવો તો હું તમારા દર્શન કરું” . પછી લાલદાસ બાપુ પોતાના સ્વરૂપમાં આવે છે. અને બજરંગદાસ બાપા અને લાલદાસ બાપુનું મિલન થાય છે . નાસિકના કુંભ મેળામાં સ્નાન કરી સંઘ ત્યાંથી આગળ ચાલતો ચાલતો મુંબઈ આવે છે . અને કહેવાય છે કે મુંબઈમાં એવી જગ્યાએ આવીને ઊભા રહી જાય છે ત્યાં પાણી નથી હોતું ત્યારે બજરંગદાસ બાપા મુંબઈના દરિયા કિનારે એક વિરડો ગાળે છે. અને બધા સાધુ સંતોને મીઠું પાણી પીવડાવે છે.

વળી સંઘ બધોય અયોધ્યા પાછો જાય છે . ત્યારે સીતારામ બાપુ બજરંગદાસ બાપાને કહે છે. કે “ તે મારી ખૂબ જ ભક્તિ કરી છે , બજરંગ હવે તારે જગત ભ્રમણ કરવાની જરૂર છે. તો જગત ભ્રમણ કરી અનુભવ મેળવો. હવે તારે એક સંત બનવાનું છે.” તેથી બજરંગદાસ બાપા ત્યાંથી ગુરુના આશીર્વાદ લઈને જગત ભ્રમણ કરવા નીકળે છે.

આમ ભ્રમણ કરતા કરતા તે એક વખત પાકિસ્તાનની સરહદી આવે છે. અને પાકિસ્તાનની સરહદમાં હિંગળાજ માતાનું મંદિર હોય છે. ત્યાં હિંગળાજ માતાના દર્શન કરે છે. તેની સાથે એક બળદેવદાસ બાપુ હોય છે. બળદેવદાસ બાપુને ભોજન જોઈતું હોય છે. બળદેવદાસ બાપુ બહુ ભૂખ થયા હોય છે બાપુ બજરંગદાસ બાપુને ક્યાંક જમવાની વ્યવસ્થા કરવા કહે છે. ત્યારે બજરંગદાસ બાપુ પાકિસ્તાનના બાદશાહ નવાબ પાસે જઈને ભોજન વ્યવસ્થાની માંગણી કરે છે . બાદશાહ તો નમાજ માટે કબર પાસે ગયા હોય છે. ઘણો સમય થઈ ગયો બાદશાહ આવતો નથી .બજરંગદાસ બાપાને થયું ચાલ હું જરાક સ્મશાનમાં જાવ આ બાદશાહને મળવા. બાદશાહને જઈ અને બજરંગદાસ બાપા કહે છે. ” હું બે કલાકથી તારી રાહ જોઉં છું. મારી માટે ક્યાંક જમવાની વ્યવસ્થા કરી દે.” આ તો ફકડ ગીરીધારી ને ચીપીયો ખખડાવ્યો . ત્યારે નવાબ એનું સાંભળતો નથી. ત્યારે બજરંગદાસ બાપા એમની બધી કબરો ને ચીપિયા મારી મારી નદી કાંઠે પહોંચાડી દે છે. જ્યાં બળદેવદાસ બાપા બેઠા છે. તેની પાસે બધી કબર આવી જાય છે. 

નવાબને ખબર પડે છે કે આ તો કોઈ અવલૌકિક આત્મા છે. માટે નવાબ બજરંગદાસ બાપુને વિનંતી કરે છે. કે હું તમને ઓળખી શક્યો નથી મને માફ કરજો. આ અમારી બધી કબરો ને ફરી હતી ત્યાંને ત્યાં મૂકી દો. આજ પછી હિંગલાજ માતાના દર્શને આવનાર લોકો માટે જમવાની વ્યવસ્થા કાયમ માટે અમે કરી દેશું.

આમ એકવાર ભ્રમણ કરતા કરતા કર્મોદળ ગામમાં બજરંગદાસ બાપા પહોચે છે. નાથુભાઈ પંચાલ નામનો એક મજૂર રહેતો હતો. જે મસ્તરામ બાપા શેઠની ગાડી હાંકતો હતો. હવે બન્યું એવું કે બજરંગદાસ બાપા નાથુભાઈ પંચાલ ને કીધું કે મારે સપ્તાહ બેસાડવી છે. તું મને દસ હજાર રૂપિયા આપ. હવે બિચારો નાથું ક્યાંથી પૈસા કાઢે. બાપાને ના પણ કેમ પાડવી તેવી દ્વિધામાં હતો. બહુ વિચારે છે કે હવે શું કરવું ? તે મસ્તરામ શેઠની ગાડી જે પોતે ચલાવતો હતો, તે ગીરવે મૂકીને દસ હજાર રૂપિયા લઇ આવે છે, ને બજરંગદાસ બાપાને સપ્તાહ માટે દસ હજાર રૂપિયા આપી દીધા . વિચારે કે આગળ જે થશે તે જોયું જશે. બે –ત્રણ દિવસ થઇ ગયા મસ્તરામ શેઠને થયું કે નાથુ કેમ નહી આવતો હોય ? બીજા માણસ દ્વારા તેને ખબર પડી કે ગાડી ગીરવે મુકીને દસ હજાર રૂપિયા લીધા છે. શેઠને થયું કે લાવ ને જરા કર્મોદળ જઈને જોવ તો ખરા ! એવી તે શું પૈસાની જરૂર પડી કે મારી ગાડી તેને ગીરવે મુકવી પડી? શેઠ એક માણસ ને લઈને કર્મોદળ ગામ આવે છે. શેઠને આવતા જોઈ નાથુ ને થયું કે ભારે કરી શેઠ તો અહી આવી પહોચ્યા. હમણા મારી આબરૂ જશે ને મને ગાળો દેશે કે મારશે તો ! હે બજરંગદાસબાપા હવે તમે જ મારી આબરૂ સાચવજો. બાપા પણ નાથુ સાથે આવે છે. બાપા શેઠને પૂછે છે કેમ અહી આવ્યા છો? વિચાર તો કરો દોસ્તો બધી ખબર હોવા છતાં પણ આ ફકીર અજાણ્યો થઇ જાય છે. વળી મસ્તરામ શેઠ ને પૂછે છે કેમ અહી સપ્તાહ સાંભળવા આવ્યા લાગો છો. શેઠ ના પડે છે. શેઠ સાથે જે માણસ હતો, તે બોલ્યો આ નાથુ એ અમારા શેઠની ગાડી ગીરવે મુકીને દસ હજાર રૂપિયા ખાઈ ગયો છે. બજરંગદાસ બાપા નાથુરામને ગાલ બે થપ્પડ મારી ને કહ્યું “તારા બાપાની ગાડી હતી તો ગીરવે મૂકી “. આજુબાજુ ઉભેલા લોકોને એવું લાગ્યું કે બે થપ્પડ સાથે નાથુને બે ગાડી ભેટ મળી હોય. બાપા કહે છે જા મારા ખિસ્સામાંથી દસ હજાર લઇ આવ ને શેઠને આપી દે. પછી મસ્તરામ શેઠ તો આ બજરંગદાસ બાપા ને ઓળખી જાય છે. ઓહ ! આ તો કોઈ જુગ જુગનો ઓલિયો છે. શેઠ ઔલોકિક આત્માને ઓળખી ગયા. ને બજરંગદાસ બાપાના પગમાં પડી ગયા

વિક્રમ સવંત 2001 ની વાત છે. કારતક વદ અમાસનો દિવસ હતો. બજરંગદાસબાપા કર્મોદળ ગામ છોડી ને સાંજના સમયે બગદાણા આવે છે. “સાંજનો સમય હતો છતાં જાણે બગદાણાની ધરતી ઉપર નવો સૂરજ ઉગવાનો હતો કંઇક એવી સંધ્યા ખીલેલી હતી.” બગદાણા ગામમાં બાપા રહી જાય છે. કઈક અનેક નાના મોટા પરચાઓ કરી દુઃખીયોના બેલી બની જાય છે. 

એના પરચાઓની ચર્ચા જગત આખામાં થવા લાગે છે. અને એમાં વલભીપુર ગામમાં એક કાનપર નામનું એક ગામડું હતું. એ ગામમાં કાળુદાસ મહારાજ નામનો એક ખૂબ જ ભક્તિશાળી માણસ રહેતો હતો. તે રામજી મંદિરનો પૂજારી હતો. એટલે ત્યાં એક ગોવિંદ ભગત નામનો એક વ્યક્તિ આવી કાળુદાસ મહારાજને પૂછે છે. “હે મહારાજ તમે આ રામજી મંદિરમાં આ દરરોજ આ કયા સંતની પૂજા કરો છો?” ત્યારે એ એમના પૂર્વજો અને બજરંગદાસ બાપા વિશે બધી વાત કરે છે. વાત સાંભળ્યા પછીં ગોવિંદજી ખેડૂતને મનમાં થઈ જાય છે, કે નક્કી આ તો કોઈ મહાન સંત છે. મારે એના દર્શન કરવા છે. પછી કાળુદાસ મહારાજને કહે છે કે, “જો તમે બગદાણા જાવ ને તો એક વખત મને બજરંગદાસ બાપના દર્શન કરવા સાથે લઇ જજો . કાળુદાસ મહારાજ ગોવિંદજી ભગત ને એક વખત બગદાણા દર્શન કરવા લઈ જાય છે પછી બગદાણાના દર્શન કરી એક નિયમ લઈ લે છે જ્યાં સુધી બજરંગદાસ બાપા મારા ઘરે નહીં પધારે. ત્યાં સુધી હું હાથમાં જમીશ અને પગમાં ચપ્પલ નહીં પહેરુ. એવી અકરી ટેક લઈ લે છે. પોતે ખેડૂત હોય છે. પણ પોતાના માથે ખુબ બધું લેણું હોય છે. ધાર્યું અનાજ ખેતરમાં પાકતું ન હોવાથી લેણું વધતું જાય છે. એક વખત એવું બને છે કે, અનાજની ઉપજથી એને આઠહજાર રૂપિયા મળે છે. ત્યારે ગોવિંદજી મનમાં વિચારે છે કે મારી માથે એંશી હજારથી વધારે લેણું થઇ ગયું છે. તો આઠ હજારમાંથી હું કોને કોને ચૂકવીશ . પછી વિચારે છે કે એકવાર બાપના દર્શન કરી બગદાણામાં આ પૈસા ધરીને, ઘરે આવીને કાયમ માટે સુઈ જવું છે.

આમ બગદાણા જઈને બાપના દર્શન કરે છે, અને આઠ હજાર રૂપિયા બાપના ચરણોમાં મુકે છે. ત્યારે બાપા કહે છે “ ગોવિંદ તું એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો. “

ગોવિંદ “ બાપા મારી માથે એંશી હજારથી વધારે કરજ છે, તો આઠ હજારમાંથી હું કોને કોને ચૂકવું તેના કરતા તમારા ચરણોમાં હું ધારી દઉં છું. આપ જ ન્યાય કરો. એમ બોલી ઘરે જતો રહે છે. અને સાંજે ઘરે આવીને ઝેર પી લે છે. ગામમાં વાત થવા લાગે છે કે ગોવિંદ લેણાથી કંટાળી ઝેર પી ગયો . પણ રાત નો સમય હતો એટલે નનામી પહેલાના સમયમાં કાઢતા નહિ. સવાર પડી નનામી કાઢવાની તૈયારી હતી. બજરંગદાસ બાપા ગાડીમાં બેસીને આવે છે. ગોવિંદના ઘરમાં જાય છે. અને બોલે છે “ અરે! તમે બધા આ માણસને નિરાતે સુવા પણ નથી દેતા.” એમ બોલી કહે છે કે “ ગોવિંદ ઉભો થા. હાલ ચા બનાવ .” બસ પછી તો એવો ચમત્કાર થયો કે ગોવિંદ આળસ મરડીને ઉભો થયો ને બાપને પગમાં પડી ગયો. પોતાની ટેક પણ પૂરી થઇ. વળી બાપા બોલ્યા “ અલ્યા ગોવિંદ કાલે સવારે તારા બધા લેણિયાત ને બોલાવી રાખજે હું બરવાળા જઈને આવું છું. ને બીજે દિવસે બજરંગદાસ બાપાએ પોતાની બંડીમાંથી એટલા રૂપિયા કાઢ્યા કે ગામલોકો જોતા જ રહી ગયા.

એક એવો જ ઓરંગાબાદનો કિસ્સો હતો. કે ઓરંગાબાદમાં એક બહુ માળી મંજીલ ઉપરથી એક છોકરો નીચે પડી જાય છે. ત્યારે માં મનમાં બોલી ઉઠે છે હે બાપા મારા છોકરાને બચાવજો. એમ કરી પોતાના દીકરા માટે થઈને હડપ દઈને બિલ્ડીંગના પગથિયાં નીચે ઉતરે છે. પણ એનો છોકરો તેને સામે મળે છે. અરે ! બેટા તું એટલી બધી ઊંચેથી પડ્યો છતાં તને કંઈ વાગ્યું નથી ? ને તો દીકરો કહે છે કે “ ના માં મને તો કોઈક બંડીધારી બાપુ આવી અને તેડી લીધો અને હું અહીંયા તારી સામે આવી ગયો છું.” આ બનાવથી બગદાણા બાપને મળવા જવાનું નક્કી કરે છે. ત્રણેય જણા ઓરંગાબાદથી છેક બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા આવે છે. અને બજરંગદાસ બાપાને મળે છે કે બાપજી આ મારા છોકરાને તમે જીવ બચાવ્યું છે. ત્યારે બજરંગ બાપા કહે છે કે અરે હું તો અહીંયા છું અને ક્યાં તારું ઔરંગાબાદ. હું ત્યાં કઈ રીતે આવી શકું. પણ પેલો નાનો 11 વર્ષનો છોકરો હતો બોલ્યો “બાપા તમે જ આવીને મને તેડી લીધો હતો ને મારો જીવ બચાવેલો છે.” આવા તો કેટલાય કિસ્સા છે બાપના પરચના તમને જોવા મળશે. જયારે જયારે ભારત પર બીજા દેશોએ લડાઈ કરી ત્યારે પણ બજરંગદાસએ લશ્કરની મદદ કરેલી એવો પણ એક ઈતિહાસ કોતરાયેલો છે.

આમ બજરંગદાસ બાપા પોષ વદ ચોથના દિવસે એવી વિદાય લઇ ગયા કે લોકોની સાથે સાથે આ ગામની પ્રકૃતિ, પશુ પંખીઓને પણ ચોધાર આંસુએ રડાવી ગયા. અત્યારે બાપા આપણી વચ્ચે ફક્ત માનવ સ્વરૂપે નથી પણ એક સંત શિરોમણી સ્વરૂપે સદાય બિરાજતા રહેશે.

બગદાણા ગામની ધરતી પણ એવી જ પવિત્ર ભૂમિ છે. આ ગામમાં બગદાલ ઋષિ થઇ ગયા. એવું માનવામાં આવે છે કે જેણે ૭૮ રામાવતાર સુધી તપ કરેલું આ ઋષિ ક્યારેય ઝુંપડામાં રહ્યા નથી. છાંયડા માટે ફક્ત માથે ખજૂરના ઘાસનો ઝૂલતો પૂળો રાખતા.સમય જતા આ ઋષિ એવા તપમાં લીન થઇ જાય છે કે તેની માથાની જટાઓમાં પક્ષીઓ માળા બાંધવા લાગે છે. અને પોતાના શરીર પર ધૂળનો રાફડો થઇ જાય છે. એક સમયે રામ વનવાસ નીકળે છે ત્યારે અહીંથી પસાર થાય છે. અને આ બગદાલ ઋષિનો ઉદ્ધાર કરે છે.

આમ અહી નીકળેલી બગડ નદી અને આ નદી કાંઠે બગડેશ્વર મહાદેવ મંદિર તથા બગદાલ ઋષિની પવિત્ર જગ્યાના દર્શન માત્રથી આપણા આત્માને શાંતિ મળે છે. અહી બડગ નદીમાં ત્રણ નદીનો ત્રિવેણી સંગમ પણ છે.

બગદાણા ધામ, બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગદાલ ઋષિ ને બજરંગદાસ બાપાની તપોભૂમિ એટલે બગદાણા. માનવતાની જ્યોત, સેવાર્થીઓનો સહવાસ, ને બાપા સીતારામનો નાદ અહી જોવા મળે છે. “અમીનો ઓડકાર એટલે કોઈ પણ ભેદભાવ વગર અહી છેલ્લા પચાસ વર્ષથી પણ વધારે સમયથી અવિરત ચાલતું અન્નક્ષેત્ર.”

જો તમે પણ બગદાણા આવીને માથું ટેકશો તો તમારા જીવનમાં પણ બાપના પરચા ચોક્કસ થશે. એવું હું નહિ પણ બગદાણા ધામ કહે છે. “ પ્રેમસે બોલો બાપા સીતારામની જય “

અસ્તુ :


Rate this content
Log in

Similar gujarati story from Abstract