Mariyam Dhupli

Romance Thriller

4.8  

Mariyam Dhupli

Romance Thriller

બેવફા

બેવફા

11 mins
1.0K


આખું ઘર દીપાવલીના દિપકોથી ઝળહળી રહ્યું હતું. ઘરના પ્રાંગણમાંથી ફટાકડાંઓની ધૂમ આખા શહેરમાં પ્રસરેલા તહેવારના ઉત્સાહ અને હર્ષનો પુરાવો આપી રહી હતી. અનિતાના ચહેરા ઉપર ખુશી અને તૃપ્તિ હળવી લજ્જા જોડે સંમિશ્રિત દીપી રહી હતી. પડખેના ટેબલ ઉપર પરિવારના સભ્યો વડે અદલાબદલી પામેલી ભેટો શણગારાયેલા રેપર અને રિબન જોડે બેઠક ખંડના શણગાર અને સજાવટને ચાર ચાંદ લગાવી રહી હતી. અનિતાના માતા પિતાના ચહેરા ઉપર આજે બમણો આનંદ ઉભરાઈ રહ્યો હતો.

એક તરફ દીપાલવલીના પાવન તહેવારની ઉજવણીનો હર્ષોલ્લાસ તો બીજી તરફ કાર્તિક જોડે પહેલીવાર પોતાના ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર જમણ લેવાનો લ્હાવો. પોતાના ભાવિ જમાઈ પહેલીવાર ઘરે પધાર્યા હતા. મહેમાનગતિ પણ અત્યંત રાજાશાહી થઇ હતી. પોતાની એકની એક દીકરીના હાથમાં થોડાજ દિવસોમાં મહેંદી સજશે એ વિચારમાત્રથીજ બન્નેના હાવભાવોનો ઉમળકો રોકટોક વિનાજ ચારે દિશામાં ઉભરાઈને વેરાઈ રહ્યો હતો. અનિતા ચોરીછૂપે ક્યારેક કાર્તિકને તો ક્યારેક પોતાના અતિઉત્સાહી માતાપિતાને સંતોષ પૂર્વક તાકી રહી હતી.

જયારે એમને જાણ કરી હતી કે લગ્ન કરવા તૈયાર છે અને યુવક પણ જાતેજ પસંદ કરી લીધો છે ત્યારે બન્ને કેવા ખુશીથી ઉછળી પડ્યા હતા ! નહીંતર કોર્પોરેટ વર્લ્ડની અતિવ્યસ્ત કારકિર્દી પાછળ ઘેલી પોતાની દીકરી કદી લગ્ન કરશે એની પણ આશ નેવે મુકાઈ ગઈ હતી. અનિતાએ પોતે પણ સ્વપ્ને વિચાર્યું ન હતું કે કોર્પોરેટ જગતની અતિસ્પર્ધાત્મ્ક અને હાઈફાઈ પગાર વાળી નોકરી કરતા કરતા પોતાનાજ હરીફ સહકાર્યકર જોડે આમ પ્રેમમાં પડી જવાશે. 

પણ કાર્તિકનો જાદુ હતોજ કંઈક એવો. કાર્તિક સામે હોય ત્યારે અનીતાને તો એમજ લાગતું કે એ અરીસામાં પોતાનુંજ પ્રતિબિંબ નિહાળી રહી હોય. બન્ને વચ્ચે જો વર્કોહોલિક હોવાની હરીફાઈ યોજાય તો એ સો ટકા ડ્રોમાજ પરિણમે. કાર્તિકને પણ કામ સિવાય કશું દેખાતુંજ ક્યાં હતું? આખો દિવસ ફાઈલોની વચ્ચે મોઢું પરોવાયેલું હોય ત્યાં અન્ય ચહેરો જોવાની પણ ફુરસદ ક્યાંથી મળે? મિત્રતા કે પ્રેમ તો ખુબજ દૂરની વાત. એકજ કેબિનમાં એકબીજાના ચહેરા સિવાય કોઈ અન્ય ચહેરાનો વિકલ્પ હતોજ ક્યાં? કોફી જોડે પીવા માટે પણ એકજ વિકલ્પ. અનિતા પાસે કાર્તિક અને કાર્તિક પાસે અનિતા. કોફીની ચુસ્કી માણતા માણતા , એકબીજાના વ્યવસાયિક નિર્ણયો અને કાર્યની આવડતથી પ્રભાવિત થતા થતા, એકબીજામાં પોતાનુંજ પ્રતિબિંબ નિહાળતા નિહાળતા આખરે બે યુવાન હય્યાઓ હૃદયની અદલાબદલી કરીજ બેઠા.

કાર્તિકનું અણધાર્યું પ્રપોઝલ, એ પણ બિઝનેસ પ્રેઝન્ટેશન સમાપ્ત થતાંજ પ્રોજેક્ટરની વિશાળ સ્ક્રીન ઉપર, તમામ સ્ટાફ અને બોસની સામે. કાર્તિકનો એ એડ્વેન્ચરથી ભરપૂર સ્વભાવ આખરે અનીતાને હા કહેવડાવી જ જંપ્યો. અનિતાના માતાપિતાને તો જાણે લોટરી લાગવાનો અનુભવ થયો. કાર્તિકના પિતાતો બાળપણમાંજ દુનિયા છોડી ગયા હતા. મા જોડેના અતિ સંઘર્ષમય જીવને કાર્તિકને સખત લોખંડ જેવો બનાવી નાખ્યો હતો. જીવનની હાડમારીથી ઘસાઈ ઘસાઈ બનેલો સાચો હીરો જાણે અનિતાના ભાવિ પતિ તરીકે હાથ લાગ્યો હતો. માના અવસાન બાદ ફક્ત કોર્પોરેટ જગત જોડેજ ભાવનાના તાંતણે બઁધાયેલ આ યુવકજ એમની કોર્પોરેટ કારકિર્દી ઘેલી દીકરીને, એની જીવનજરૂરિયાતો અને અગ્રતાક્રમોને જાણી, સમજી, યોગ્ય માન આપી શકશે. આ વિચારજ લગ્નની સંમતિ માટે પૂરતો હતો.  માતાપિતાના ચહેરા ઉપરની ખુશી જોવામાં પરોવાયેલી અનિતાની નજર અનાયાસે બેઠકખંડના તદ્દન કેન્દ્રમાં ગોઠવાયેલી વિશાળ એન્ટિક ઘડિયાળ ઉપર આવી સરી.

સાડા નવ થઇ ગયા!  અનીતાનું હ્ય્યું વલોવાયું. એક અજાણયો ડર કાળજાને ધીરે ધીરે કંપાવી રહ્યો. ઘડિયાળના કાંટાએ દર્શાવેલ એ સમયે એકજ ક્ષણમાં પ્રેમ અને વિશ્વાસભર્યા વાતાવરણને ભષ્મ કરી મૂક્યું. ઘડિયાળના એ નિર્દયી કાંટા સંબંધને શકની સોય વડે ભોંકી અનિશ્ચિત ભવિષ્ય તરફનો માર્ગ દર્શાવી રહ્યા. 

સાડા નવ વાગી ગયા?

અનિતાએ બીજી વાર એજ પ્રશ્ન મનમાં પુનરાવર્તિત કર્યો. હવે જે કઈ થવાનું હતું એ જાણતી હતી. બધુજ ક્રમબદ્ધ અનુસરાશે. એણે મનને ટકોર કરી. આ પહેલીવાર ક્યાં હતું ? અનેકવાર નજરે નિહાળ્યું હતું અને હય્યાએ વિંધાયું હતું. 

એજ સાડા નવનું રહસ્ય.... 

હવે કાર્તિક બધુંજ પડતું મૂકી ઉભો થઇ જશે. 

અનિતાના વિચાર જોડે તાલમેલ સાધતો કાર્તિક કમાનમાંથી છૂટેલા તીર જેમ ઉભો થઇ ગયો.  અનિતા એને અચરજ ભરી દ્રષ્ટિથી નિહાળતી, વિચારનો તંતુ આગળ જોડતી, પોતાની આંગળી વડે સાડીનો પાલવ ગોળ ગોળ ફેરવતી જાણે કોઈ ગાઢ રહસ્યાત્મક ગુફા સામે બેઠી હોવાનો આભાસ જન્માવી રહી. હવે કાર્તિક જતો રહેશે. કોઈ કાંઈ પણ કહે, કેટલું પણ મનાવે, એ રોકાશેજ નહીં. 

સાડા નવ થઇ ગયા છે. જવું અનિવાર્ય છે. પણ ક્યાં ? 

"ઓકે ત્યારે હું નીકળું."કાર્તિકે આખરે અનિતાના મનોમંથનને સાર્થક ઠેરવતા જવાની જીદ પકડી. 

"અરે પણ હજી મીઠાઈ ક્યાં લીધી ? લાડું લો. આ ઘુઘરા. તમારી ગમતી રસમલાઈ પણ છે. અનિતાએ કહ્યું તમને રસમલાઈ બહુ ભાવે છે એટલે....." અનિતાની માતા એ મીઠાઈને બહાને ભાવિ જમાઈને વધુ સમય માટે રોકી મહેમાનગતિની તક ઉપાડવા માતૃત્વ ભર્યો પ્રયાસ કરી જોયો. 

"એક્ચ્યુલી આંટી, બહુ જમી લીધું. પેટમાં જગ્યાજ નથી ને હવે મોડું પણ થાય છે, નેક્શ્ટ ટાઈમ..... "

અનિતાની ત્રાંસી નજર કાર્તિકને શકના ઘેરામાં લેતી જાણે મૌન બબડી ઉઠી. છોડને મમ્મી. એ ન રોકાય. સાડા નવ થઇ ગયા છે. એને જવુજ પડશે. 

"અરે ઉતાવળ શેની ? તમારુંજ ઘર છે. તહેવારની રાત છે. મોડે સુધી મહેફિલ જમાવીએ હું તો કહું છું આજે અહીંજ રોકાઈ જાવ . " 

અનિતાના પિતાના ઉમળકા ઉપર ટાઢું પાણી રેડતો કાર્તિક કારની ચાવી અને મોબાઈલ હાથમાં ઉઠાવતો ઝડપભેર મુખ્ય દ્વાર તરફ ડગલાં પાડી રહ્યો. 

"સાચું કહું તો થાકી ગયો છું. આ તો મારુંજ ઘર છે. નો ફોર્માલિટીસ. પણ આ વખતે મને પરવાનગી આપો પ્લીઝ." 

"અરે અનિતા ... "પિતાના શબ્દો આગળ વધે એ પહેલાજ અનિતાએ એમનો હાથ થામી લીધો . 

" હેવા દો, પપ્પા. ડોન્ટ ફોર્સ હિમ. "

અનિતાએ આપેલ સાથ-સમજ માટે ઈશારા વડેજ એનો આભાર વ્યક્ત કરતો કાર્તિક પાર્કિંગ યાર્ડમાં ઘસતા પગલે પહોંચી ગયો. 

"બાય કાર્તિક . "

અનિતાની ઠપકા ભરી આંખો અને સ્વરથી અજાણ કાર્તિકની ગાડી ટાયરની ચિચકારીયો જોડે જાણે હવામાં ઊડતી પાર્કિંગ એરિયામાંથી અદ્રશ્ય થઇ ગઈ. 

અનિતાનું મનોમંથન ચરમસીમાએ પહોંચ્યું.  આવી ઉતાવળ ? આ હદે બેચેની? ક્યાં જવું છે કાર્તિક તને, સાડા નવને ટકોરે ?  પોતાના કારની ચાવી જોડે અનિતા પાર્કિંગ એરિયામાં રીતસર દોડી કારમાં ગોઠવાય અને એક મોંઘી ઘાટ ગાડી અન્ય બ્રાન્ડેડ ગાડીનો પીછો કરવા શહેરના રસ્તા તરફ ઉડી. 

"હું આવ છું..." મૂંઝવણભર્યા માતાપિતા કાંઈ સમજી શકે એ પહેલા અન્ય ગાડી પણ પાર્કિંગ એરિયામાંથી અદ્રશ્ય થઇ ગઈ. 

કાર્તિકની નજરે ન ચઢાય એની સંપૂર્ણ તકેદારી સેવતી અનિતા અત્યંત સાવચેતી પૂર્વક સ્ટિયરિંગ સંભાળી રહી હતી. આજે એણે સાડા નવ વાગ્યાના રહસ્ય ઉપરથી પરદો ઉઠાવવાની જાણે પ્રતિજ્ઞા લઇ લીધી હતી. 

આ ઘટના આજે પહેલીવાર થોડી ઘટી હતી ? ફ્રેન્ડ સર્કલ વચ્ચેથી પબમાંથી પણ એ આમજ છટક્યો હતો. શાર્પ સાડા નવ વાગ્યે. અને પછી હોલીડે ઇનના બિઝનેઝ ડિનર વચ્ચેથી પણ સાડા નવ વાગ્યેજ ઉભો થઇ ગયો હતો. એટલુંજ નહીં, વેલેન્ટાઈન ડેના કેન્ડલલાઈટ ડિનરને પણ એણે સાડા નવ વાગ્યેજ સમેટી લીધું હતું. 

કાર્તિકનું આ પુનરાવર્તિત વર્તન અનિતા ના હૃદયમાં આશ્ચર્યની જોડે શંકા ઉપજાવવાનું તાર્કિક કારણ બની ચૂક્યું હતું. એણે એ અંગે કાર્તિકને પૂછ્યું પણ હતું. પણ કાર્તિક તરફથી ફક્ત ટૂંકી ચોખવટ થઇ હતી. 

" આઈ જસ્ટ લાઈક ટુ સ્ટિક ટુ માઇ રૂટિન ટાઈમ" 

ના, કાર્તિક એ વાતને જેટલી સહજ સ્વરૂપે દર્શાવવા ઈચ્છતો હતો એટલી સહજતા જોડે એ વાત અનિતાને સ્વીકારવા લાયક લાગતી ન હતી. જો એ શંકા કહેવાય તો ભલે. કાર્તિક જોડે આખું જીવન પસાર કરવાનો નિર્ણય લીધો હતો. થોડાજ દિવસોમાં એની જોડે પ્રભુતામાં પગલાં માંડવાના હતા. એ પવિત્ર સંબંધ આરંભવા પહેલા અનિતાને કાર્તિકના જીવનની દરેક બાબત, દરેક રહસ્ય જાણવાનો પુરેપુરો અધિકાર હતો. પોતાના એ અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરતા એ ગાડીને હાંકતી ઠેઠ શહેરના રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ.

કાર્તિકની ગાડીની ઝડપ અત્યંત નહીંવત થઇ.

ધીમે રહી ગાડી એણે રેલવે સ્ટેશન સામેના પાર્કિંગમાં પાર્ક કરી દીધી. અનિતાને એ પાર્કિંગથી થોડે દૂર એક સુમસાન ગલીમાંજ ગાડી ઉભી કરવાનું યોગ્ય લાગ્યું. કાર્તિકનો પીછો કરતી એ ટ્રાફિકથી અત્યંત વ્યસ્ત રસ્તો હેમખેમ પસાર કરી સ્ટેશનની સામે તરફના રસ્તા ઉપર પહોંચી.

કાર્તિક ક્યાં ગયો ?

ભીડની વચ્ચે કાર્તિક ખોવાય જશે તો એની બધીજ મહેનત ઉપર પાણી ફરી વળશે, એ વિચારથીજ એના હાવભાવોમાં તાણ વ્યાપી. આમથી તેમ ચારે તરફ એની ગરદન શક્ય એટલી ઝડપે ફેરવતી એ કાર્તિકની એક ઝલક પામવા અધીરી બની રહી.

"એક વડા પાઉં " 

આ તો કાર્તિકનો જ અવાજ.  લારીની પાછળથી જ અનિતાએ એક લાબું ડોકિયું કર્યું અને એની આંખો ડગાયને પહોળી થઇ ગઈ. સૂટબૂટ પહેરેલ કાર્તિકને વડાપાઉંની એકદમ ડાઉન ક્લાસ લારી ઉપરની સાંકડી બેન્ચ ઉપર બેઠો એ જોઈ રહી હતી ? કે એ આંખોની દગાબાજી હતી ? પોતાની દ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ બેસાડવા અનિતાએ પુનઃ ચકાસણી કરવા ફરીથી એજ દ્રશ્યને અતિ ધ્યાન પૂર્વક નિહાળ્યું. હા, એ કાર્તિક જ હતો.

પણ એ આમ આવા ગંદગી ભર્યા વિસ્તારની સાવ આવી ચીલાચાલુ વડાપાઉંની લારી ઉપર શું કરી રહ્યો હતો ? હમણાંજ તો ઘરેથી એ જમીને નીકળ્યો. અનિતાની માતાએ ઘરની સ્વચ્છ, હોમમેડ મીઠાઈ ઓફર કરી ત્યારે તો એણે.... ઇઝ હી આઉટ ઓફ હીસ માઈન્ડ ? ઓર વોટ ? કોઈ એને અહીં આમ જોઈ ગયું તો ? અને મને પણ ? કદચ એણે મને જોઈ તો ન લીધી હોય અને મારુ ધ્યાન હટાવવા.. 

હવે અનિતાનું માથું ભમરાવા લાગ્યું. વિચારોના ભારથી એને ચક્કર ચઢવા લાગ્યા. જે માણસ જોડે એ થોડા દિવસોમાં લગ્ન કરવા જઈ રહી હતી, એ આમ અહીં આવા ડાઉન માર્કેટ વિસ્તારમાં સાચેજ વડાપાઉં ખાવા આવ્યો હતો કે પછી...

વિચારોનો જ્વાળામુખી આખરે ફૂટ્યો અને અગનજ્વાળા જેવા ચહેરા જોડે એ હાઈ સ્ટેટ્સ સોસાયટીની કોર્પોરેટ યુવતી વડાપાઉંની લારીની એ ગંદી બેન્ચ ઉપર આવી બેઠી.

"અનિતા,વોટ આર યુ ડુઇંગ હિયર ?" કાર્તિકના હાથમાંનું વડાપાઉં પડતા પડતા બચ્યું.

"એજ પ્રશ્ન તને પૂછવા અહીં આવી છું."

અનિતાની આંખોમાં શકની લાલિમા નિહાળતાંજ કાર્તિક વિસ્મયમાં પડ્યો.

"આર યુ ફોલોઇંગ મી ? તું મારી ઉપર..."

"યસ કાર્તિક. એન્ડ આઈ હેવ ઓલ રિઝન્સ ફોર ડુઇંગ ધીઝ. મને જાણવાનો અધિકાર છે. મારો ભાવિ પતિ રાત્રે સાડા નવ વાગ્યે કોને નિયમિત મળવા જાય છે ? એ પણ આવા વિસ્તારમાં ?" અનિતાની આંખોમાં અણગમાનો ઉભરો આવ્યો.

કાર્તિકે એક ઊંડો નિસાસો લીધો. હાથમાંનું વડા પાઉં મોઢામાં નાખ્યું. પાસેની કચરાપેટીમાં કાગળ ફેંક્યું. ગજવામાંથી ટીસ્યુ નીકાળી હાથ સાફ કર્યા અને એક નિરાંતનો દમ ભરી આખરે અનિતાના પ્રશ્નનો ઉત્તર આપ્યો.

"હું આવુજ રિએક્શન એપ્સ્પેકટ કરતો હતો.તેથી જ તને આજ સુધી કઈ ન કહ્યું. પણ યુ આર રાઇટ. લગ્ન પહેલાંજ બધી ચોખવટ કરી લેવી જોઈએ." અનિતા એકીટશે કાર્તિકનો ઘ્યેયબદ્ધ ચહેરો નિહાળી રહી. એ ચહેરાની મક્કમતા પાછળ કોઈ લઇ લીધેલા નિર્ણયની આહટ અનિતાને સ્પષ્ટ અનુભવાઈ અને એનું હૃદય જાણે એક ધબકાર છોડી ગયું. 

કાર્તિકની મક્કમતા એના કન્ફેશનના શબ્દે શબ્દમાં પારદર્શિતાનો પરચો આપી રહી. 

"તું જાણે છે. મારુ બાળપળ અને મારો તેમજ મમ્મીનો સંઘર્ષ. ઘણીવાર સરખું જમવા જેટલા પૈસા પણ ન હોય. ત્યારે આ વડાપાઉં એ જ મારો સાથ આપ્યો હતો. કેટલી રાતો આ વડાપાઉંને સહારે વિતાવી છે. એ મારા સંઘર્ષનો સાથી હતું. આજે જયારે જીવને બધુજ આપ્યું છે ત્યારે હું ફક્ત ફાઈવ સ્ટાર હોટેલના જમણને જ સાથ આપું તો બેવફા બનું. આ વડાપાઉં મને મારા મૂળથી બાંધી રાખે છે. એ મને હમેશા યાદ અપાવતું રહે છે કે હું કોણ છું ? મારી વાસ્તવિકતા શું છે ? મને સફળતાનાં વિશ્વમાં અભિમાની બની રાચવા ન દેતા, મારા પગ જમીનથી બાંધી રાખે છે. સફળતાનાં શિખરો સર કરતા કરતા હું મારી જાતને ખોવી ન જ શકું. એટલે રોજ અહીં આવી મારી વાસ્તિવિક જાતને મળી લઉં છું. રાત્રે દસ વાગ્યે આ સ્ટોલ બંધ થઇ જાય છે એટલે દરરોજ સાડા નવ વાગ્યે હું અચૂક અહીં પહોંચી જાઊં છું."

નીચી નજરે બધું સાંભળી રહેલી અનિતાની નજર હેરત જોડે કાર્તિક પર આવી પડી.

"એટલે તું લગ્ન પછી પણ અહીં..? "

કાર્તિકે અર્ધ પ્રશ્ન વચ્ચેજ અનિતાની નજરનો સંપર્ક સાધ્યો અને એની આંખોના ઊંડાણમાં અનીતાને પોતાનો ઉત્તર મળી ગયો.

અનિતા કેટલી સ્ટેટ્સ કોન્સિયસ હતી એ કાર્તિક સારી રીતથી જાણતો હતો. એને પણ એક અંતિમ નિર્ણય લક્ષી પ્રશ્ન આજે પુછીજ લેવો હતો.

કાર્તિક પોતાનો પ્રશ્ન ઉચ્ચારે એ પહેલાજ અનિતાનો મોબાઈલ રણકી ઉઠ્યો.

"યસ ડેડ. હું પહોંચું જ છું. ડોન્ટ વરી."

કોલ કાપી અનિતા પોતાની ગાડીની દિશામાં આગળ વધી ગઈ.

"આઈ નીડ ટુ ગો..."

કાર્તિક પ્રશ્ન પૂછ્યા વિનાજ જવાબ કળી ગયો અને આ સંબંધનું ભવિષ્ય પણ..

અનિતા જતી રહી અને થોડા સમયમાં વડાપાઉંની લારી ઉપર પણ અંધકાર છવાઈ ગયો.

ઉદાસ ચિત્તે કાર્તિક ઘર પરત થયો. આજ આ સંબંધની નિયતિ હતી. આખી રાત એણે પોતાના મનને મનાવ્યું. જાગતો રહ્યો. વિચારતો રહ્યો. કઈ ખોટું તો નથી કરી રહ્યો ને? પણ મનમાંથી એકજ જવાબ પરત થતો રહ્યો:જે જાતને વફાદાર નહીં એ કોઈની જોડે વફા કરીજ ન શકે. ના, એને બેવફા થવું મંજુર ન હતું .

આખી રાતના ઉજાગરા જોડે આંખો લાલચોળ હતી. મોબાઈલની રિંગટોન થી બેડરૂમ મોડી સવારે ગુંજી ઉઠ્યું. અનિતાનું નામ વાંચતાજ એણે અત્યંત ઝડપે કોલ રિસીવ કર્યો.

" વી નીડ ટુ ટોક. ઇટ્સ અરજન્ટ." 

અનિતાના અવાજમાં ઉતાવળનો રણકો અનિતાએ લઇ લીધેલ કોઈ સ્પષ્ટ નિર્ણયની પૂર્વ આગાહી કરી રહ્યો હતો. કાર્તિક એ નિર્ણય જાણતો હતો છતાં અનિતાના મોઢે એ સાંભળવા એનું હૃદય જરાયે તૈયાર થઇ રહ્યું ન હતું . પણ વાસ્તવિકતા તો સ્વીકારવીજ રહી. યુ હેવ ટુ ફેસ ઘી ટ્રુથ. પોતાની જાતને એ મનોમન સશક્ત કરી રહ્યો. 

"ક્યાં મળીએ ?"

"વી આર મોલ" 

અનિતાએ નક્કી કરેલ મળવાનું સ્થળ એના સ્ટેટ્સ કોન્સિયસ વ્યક્તીત્વ જોડે તદ્દન બંધબેસતું હતું. મનની ટકોર સાચીજ તો હતી. 

"ઓકે સીયુ ઈન વન અવર." 

એક કલાક પછી શહેરના સૌથી પ્રખ્યાત શોપિંગ સ્થળના પાર્કિંગ વિસ્તારમાં કાર્તિકની કાર આવી પહોંચી . ભારે ડગલે એ મોલની અંદર પ્રવેશ્યો. એસીની ઠંડી હવામા એની નજર ચારે દિશામાં અનિતાને શોધી રહી. બ્રાન્ડેડ દુકાનોથી ઉભરાતા એ વિશાળ પાંચ માળ ધરાવતા શોપિંગ મોલની કઈ દુકાનમાં એનું શોપિંગ થઇ રહ્યું હશે, એ જાણવું સહેલું ન હતું. 

કાર્તિકે મોબાઈલમાં અનિતાનું નામ શોધ્યું. કોલ જોડાયોજ કે અનિતાનો પ્રશ્ન કાને પડ્યો. 

" વેર આર યુ?"

"હું ઓલરેડી મોલની અંદરજ છું"

" પણ હું મોલમાં નથી."

" તો ?"

" મોલની સામે તરફના રસ્તા ઉપર."

કાર્તિક કંઈક આગળ પૂછે એ પહેલાજ કોલ કપાઈ ગયો. કાર્તિકને નવાઈ લાગી. આમ તડકામાં ઉભી અનિતા રસ્તા ઉપર શું કરી રહી છે?

મોલની બહાર નીકળી કાર્તિક એક લાંબો રસ્તો ઓળંગી સામે તરફ પહોંચ્યો. આંખો સામેના એ દ્રશ્ય ઉપર વિશ્વાસ કરવો શક્ય ન હતું. એ અનિતાને ફાટી આંખે તાકતોજ રહી ગયો. રસ્તા ઉપરની એક લારી ઉપર બે રગડા પેટિસનો ઓર્ડર આપી એ લારી પાસેના એક સાંકડા બાંકડા ઉપર ગોઠવાય ગઈ. 

"આમ શું જુએ છે. હા, જાણું છું આમ રસ્તા ઉપર તે મને કદી રગડા પેટીસ ખાતા જોઈ નથી. રાઈટ? "

કાર્તિકની જાણે બોલતીજ બંધ થઇ ગઈ. 

"પણ એક સમયે હું ખાતી હતી. અહીં,આ લારી ઉપર. દરરોજ. કોલેજથી આવતાજતા. આ રગડા પેટીસ મારી મોસ્ટ ફેવરિટ હતી. પણ એ સમયે તો હું એક મધ્યમવર્ગીય માતાપિતાની દીકરી હતી ને! પણ જયારે એક ટોપ કોર્પોરેટ જગતની ઊંચા આંકડા કમાનારી, બ્રાન્ડેડ ગાડી અને મોટા મકાનની માલકીન થઇ ગઈ ત્યારથી આ જગ્યાથી નાનમ અનુભવવા લાગી. અચાનક આ સ્થળ નિમ્ન કક્ષાનું લાગવા માંડ્યું કોઈ અહીં જોઈ જાય તો મારી શું આબરૂ રહે? એ ડરથી અહીં આવવાનુંજ બંધ કરી દીધું. મારા બેન્ક બેલેન્સની જોડે મારુ મગજ પણ ઘણું ભરાઈ ગયું અને હું મારા ભૂતકાળને ભૂલી ગઈ. મારા અહમના ભાર તળે હું મારી જાતનેજ વિસરી ગઈ. પરંતુ ગઈ કાલે કોઈએ મને સમજાવ્યું કે સંઘર્ષમાં જે સાથે હોય એને સફળતા વખતે કદી ન ભૂલવું અને જે સંઘર્ષમાં સાથ આપનારને સાથે રાખે છે એનાથી ન સફળતા દૂર જઈ શકે ન સંબંધો. "

હળવા ફૂલ જેવા થઇ ગયેલા હૃદય જોડે કાર્તિક બાંકડા ઉપર આવી ગોઠવાયો જ કે ગરમાગરમ રગડા પેટિસની સુગઁધથી વાતાવરણ મહેકી ઉઠ્યું. 

લોકો શું વિચારશે એનો વિચાર છોડી બે કોર્પોરેટ જગતના ટોપના સ્ટાફ સભ્યો નિરાંત ચિત્તે રસ્તાના એક બાંકડા ઉપર ગરમાગરમ રગડા પેટીસ જમતા જમતા એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા.... 


Rate this content
Log in

Similar gujarati story from Romance