Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Inspirational

બારના ટકોરા

બારના ટકોરા

6 mins
670


ઇતિહાસમાં ઈ.સ. ૨૦૨૦ની સાલ કોરોના મહામારીને લીધે સહુને યાદ રહેશે. કોરોનાને લીધે કંઇ કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ એવા પણ કેટલાય મૃત્યુ છે જેમનું મૂળ કોરોના રોગ ન હોય પરંતુ કારણ ચોક્કસપણે એ જ છે. કહેવાય છે કે અંત ભલા તો સબ ભલા પરંતુ અહીં શરૂઆત જ બુરી હોય ત્યારે અંતની કલ્પના કેવી કરવી ?

*****

૨૫ માર્ચ ૨૦૨૦ના રોજની સવારે ૮.૦૦ વાગે મારો મોબાઈલ રણકી ઉઠ્યો. મોબાઈલની ઝળહળી રહેલ સ્ક્રીન તરફ મેં તીરછી નજરે જોયું “ભોંસલે કાકા” નામ હતું. મારા મુંબઈમાં રહેતા જ્યોતિ માસીના પતિદેવ અરૂણ ભોંસલે કાકા સ્વભાવે એકદમ સરળ અને ઉદાર માણસ. તેઓ રીટાયર્ડ પણ યુવાનને પણ હંફાવી દે તેવો તેમનો અથાગ ઉત્સાહ. તેમની હાજરીમાં દુઃખી માણસ પણ ખિલખિલાટ હસવા લાગે. નાનાથી લઈને મોટેરા સહુ તેમના મિત્ર. અરે ! દુશ્મન પણ મિત્ર બની જાય એવો તેમનો મિલનસાર સ્વભાવ. બધા કામ પડતા મૂકી મેં ઝડપથી ફોન ઉપાડ્યો.

સામે છેડેથી ભારેખમ અવાજ સંભળાયો, “જય શ્રીરામ.”

મેં પણ હસતામુખે કહ્યું, “જય શ્રીરામ.”

“તો તમારે ત્યાં લોકડાઉન કેવું ચાલી રહ્યું છે ? ખબર છે ને પ્રધાનમંત્રીએ કાલથી સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.” ભોંસલે કાકા એકીશ્વાસે બોલી ગયા.

“હા કાકા, અમે કશે બહાર જતા નથી.” મેં શાંતિથી કહ્યું

“માસ્ક પહેરો છો ?”

“હા કાકા.”

“સાબુથી બરાબર હાથ ધુવો છો ?”

“હા કાકા.”

“સોશ્યલ ડિસ્ટન્સનું બરોબર પાલન કરો, સમય બહુ ખરાબ છે.”

“હા કાકા.”

“બેટા, આજે દેશને આપણા સહકારની તાતી જરૂરિયાત છે અને એ માટે આપણે કશું કરવાનું નથી બસ ઘરે રહી કોરોના વાયરસની ચેન તોડવાની છે.”

થોડુંક રોકાઇને કાકાએ પૂછ્યું, “નાની ઢીંગલી શું કરે છે?”

“વેદશ્રી મજામાં છે.”

“તે બધા નિયમોનું પાલન કરે છે ને ? જો આપણી વેદા નાની છે અને સ્વભાવે રમતિયાળ છે. તેનું બરાબર ધ્યાન રાખજે. ક્યાંય તેને બહાર નીકળવા દેતો નહીં. તેને વારંવાર સાબુથી બરાબર ઘસી ઘસીને હાથ ધોવડાવજે. બહાર રમવા જવાની જિદ કરે તો પણ જવા દેતો નહીં. તેને કહેજે કે સ્કૂલોમાં રજા તમને ઘરે બેસી નિયમોનું પાલન કરવા આપી છે. આ કંઈ વેકેશન નથી પડ્યું. અરે હા, મેં વોટ્સએપ પર તને એક વિડીયો મોકલ્યો છે. તે જોઇ લે અને બધાને એ રીતે જ સાબુથી હાથ ધોવાની સલાહ આપજે.”

“ચોક્કસ. જ્યોતિમાસી કેમ છે?”

“ફર્સ્ટક્લાસ.” કંઇક વિચારી કાકા આગળ બોલ્યા, “૨૨ માર્ચના રોજ સહુએ જો જનતા કર્ફ્યુંનું ચુસ્તપણે પાલન કર્યું હોત તો આ ૧૪ એપ્રિલ સુધી ઘરે બેસી રહેવાનો વારો ન આવ્યો હોત. લોકો જો આમજ મનફાવે તેમ વર્તતા રહેશે તો જોજે આ લોકડાઉન લાંબુ ચાલશે.” કાકા રોષભેર બોલ્યા

“સાચી વાત છે.” મેં હોકારો આપ્યો.

“સાંભળ આ ૨૦૨૦ની સાલ ખૂબ ખતરનાક છે. દર ૮૦૦ વર્ષે આવો અપશુકનિયાળ યોગાનુયોગ આવે છે જે સમગ્ર સૃષ્ટિનો વિનાશ નોંતરે છે. આ કપરી ઘડીમાં આપણે એકબીજાને સાચવવાના છે. આપણે સહુએ આ ૨૦૨૦ની સાલ ગમે તે રીતે પસાર કરી ૨૦૨૧ની સાલમાં સાથે જ પ્રવેશવાનું છે.” કાકા લાગણીથી બોલી ગયા.

“સાચી વાત છે કાકા.”

“ચાલ ફોન મૂકું છું. બધાને મારી યાદ આપજે.”

ફોન કટ થયો.

અમારા ભોંસલે કાકાને સહુની ચિંતા. દર બે દિવસના અંતરે અમને ફોન કરી તેઓ અમારા ખબર અંતર પૂછી લેતા. જો કો’ક દિવસ તેમનો ફોન ન આવ્યો હોય તો અમે ફોન કરી તેમની અને જ્યોતિ માસીની ખબર અંતર પૂછી લેતા.

૧૫ એપ્રિલે વળી પાછો તેમનો ફોન આવ્યો. “જોયું? હું કહેતો હતો ને કે લોકો નહીં સુધરે તો લોકડાઉન લાંબુ ચાલશે. હવે બેસી રહો બીજા ૧૯ દિવસ ઘરમાં.”

કાકાનો રોષ વ્યાજબી હતો. તેઓ નિયમ અને અનુશાસનમાં રહેવાવાળા વ્યક્તિ હતા. રોજ સવાર–સાંજ અર્ધો કલાક ચાલવાનું એટલે ચાલવાનું. ખાવાના પણ જબરા શોખીન. નિત્ય અવનવી વાનગી જાતે બનાવી પોતે ખાય અને બીજાને પણ ખવડાવે. મહેમાનગતિમાં ક્યારેય તેમણે પાછીપાની કરી નથી.

“શું વિચારે છે?” તેમનો ભારેખમ અવાજ સાંભળી મારી વિચારોની શ્રુંખલા તૂટી.

મેં કહ્યું “કંઈ નહીં.”

કાકાએ આદેશભર્યા સ્વરે કહ્યું, “જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજે. શાકભાજી ના હોય તો ઘરમાં ચણાનો લોટ હશે તેનું બેસન બનાવીને ખાજો. પણ વગરકારણે બહાર નીકળશો નહીં. યાદ રાખ કોરોનાનો વાયરસ જાતે ઘરમાં આવતો નથી પરંતુ આપણે જ તેને બહારથી ઘરમાં લઈ આવતા હોઈએ છીએ.”

“સાચી વાત છે કાકા.”

આ ફોન પછી કાકાનો ૪ મે, ૧૮ મે અને ૧ જુનના રોજ અચૂકપણે ફોન આવ્યો હતો. દરેક વખતે વાતની શરૂઆત તેમણે “મેં કહ્યું હતું ને કે લોકો કાળજી નહીં લે તો લોકડાઉન હજુ લંબાશે.” આ વાક્યથી જ શરૂઆત કરી હતી. ત્યારબાદ હંમેશની જેમ વારંવાર સાબુથી હાથ ઘસી ઘસીને ધોવાની અને ઘરમાંથી જરૂર હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ. અંતે સહુની પુછપરછ કરી ફોન કટ. આ તેમનો જાણે નિયમ જ બની ગયો હતો. જોકે ભોંસલે કાકા ફક્ત મને ફોન કરી શાંત બેસી રહે તેવા નહોતા. ઘરમાં બધા જ કાળજી લે તે આશયથી તેઓ અમારા ઘરના બધા સદસ્યોને ફોન કરી સલાહ સૂચનો આપતા રહેતા. તેમના આવા કાળજીપૂર્ણ સ્વભાવને લીધે જ તો તેઓ સહુને ગમતા. આખરે પુરા ૬૮ દિવસ બાદ સહુની પ્રતિક્ષાનો અંત આવ્યો અને ૧ જુનથી લોકડાઉનના તબક્કાવાર અનલોકની જાહેરાત થઇ. ત્યારે કાકાનો ફરી ફોન આવ્યો. “જોજે બેટા, લોક ડાઉન હટ્યું છે પરંતુ કોરોના વાયરસ નહીં. આ તો લોકોના રોજગાર ચાલતા રહે એટલે નછુટકે સરકારને અનલોકની જાહેરાત કરવી પડી. પરંતુ તું કાળજી લેજે. કામ હોય તો જ ઘરની બહાર નીકળજે.” આગળ તેઓ કહેતા ગયા અને હું ચુપચાપ સાંભળતો રહ્યો. ખરેખર તેમની દરેક વાતો સાચી હતી. ક્યારેક મને કામ વગર બહાર આંટો મારવાનું મન થાય ત્યારે મારા માનસપટલ પર કાકાનો ભારેખમ અવાજ પડઘાતો, “જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજે.” અને બહાર જતા મારા પગ આપમેળે અટકી જતા. મારી પત્ની દીપાને ક્યારેક ડુંગળી કે લસણ ખૂટે તો એ મને કહેતાં કહેતાં રોકાઈ જતી. કાકાની સલાહ તેને પણ યાદ આવતી અને જે હોય તેમાં ચલાવી લેતી. હું પણ મને જે પીરસવામાં આવતું તે ખાઈ લેતો. આમ અમે અનલોકના દિવસો પસાર કર્યા અને આખરે ૨૦૨૦નો અંત નજીક આવ્યો. ૩૧મી ડીસેમ્બરના રોજ જાણે કોઈ શત્રુનો અંત નજીક આવ્યો હોય તેવો અનેરો ઉત્સાહ મારા મનમાં હતો. સવારે જ મેં ઉત્સાહભેર કાકાને ફોન લગાવ્યો. પરંતુ કાકાએ ફોન ઉપાડ્યો નહીં. મને ચિંતા થઇ થોડીવાર બાદ મેં ફરી ફોન લગાવ્યો પરંતુ આ વખતે પણ કાકાએ ફોન ઉપાડ્યો નહીં. “પહેલી રીંગમાં જ ફોન ઉપાડતા મારા કાકા આજે ફોન કેમ ઉપાડતા નથી?” આ પ્રશ્ન મારા મનને મુંઝવી રહ્યો. અસંખ્ય વિચારો મારા મનમાં ઉમટી પડ્યા. ત્યાં ઓચિંતો મારો ફોન રણકી ઉઠ્યો. “ભોંસલે કાકા” આ નામ જોતા જ મેં હાશકારો અનુભવ્યો. મેં ઝડપથી કોલ રિસીવ કરી મોબાઈલ કાને લગાડ્યો, “કાકા, ફોન કેમ નહોતા ઉપાડતા?”

“હું પૂજા કરતો હતો અને ફોન સાયલન્ટ મોડ પર મુક્યો હતો. પૂજાપાઠ પરવારી ઉઠ્યો તો મોબાઈલમાં તારા બે મિસ કોલ જોયા એટલે ફોન કર્યો. ઘરમાં બધું બરાબર ચાલે છે ને?”

તેમનો સ્વસ્થ અવાજ સાંભળી મને રાહત થઇ, “હા કાકા.”

હું આગળ બોલું એ પહેલા જ કાકા ખડખડાટ હસતા બોલ્યા, “આખરે, આપણે સહુ આજે એક સાથે ૨૦૨૧ની સાલમાં મંગળ પ્રવેશ કરીશું.” તેમના અવાજમાં ખુશાલી છલકાતી હતી.

“હા કાકા” ત્યારબાદ અલકમલકની વાતો કરી અમે ફોન બંધ કર્યો.

રાત્રિના બરાબર ૧૨ના ટકોરે અમે કાકાને “હેપ્પી ન્યુ યર” કહેવાનું નક્કી કર્યું હતું. ૧૨ વાગવામાં થોડો જ સમય હતો ત્યાં મારો ફોન રણકી ઉઠ્યો. ફોન મુંબઇના અમારા એક પરિચિતનો હતો. મેં અસમંજસમાં ફોન ઉપાડી કહ્યું, “હલ્લો.”

સામે છેડેથી ગંભીર અવાજ સંભળાયો, “સમચાર મળ્યા?”

“શાના ?” મેં ગભરાટમાં પૂછ્યું.

“આપણા ભોંસલે કાકા હવે આ દુનિયામાં નથી રહ્યા.”

મારું મગજ એકદમ સુન્ન થઇ ગયું. થોથવાતા સ્વરે મેં પૂછ્યું, “હેં? અચાનક તેમને શું થઇ ગયું?”

“હાર્ટ એટેક.”

“હાર્ટ એટેક! પણ કેવી રીતે? તેઓ તો સવાર-સાંજ નિયમિત ચાલવા જતા હતા.”

“બેટા, આ કોરોનાના માહોલમાં ક્યાં કોઈના કોઈ નિયમો સચવાયા છે.”

“મતલબ?”

“બેટા, કોરોનાના કારણે તેમનું ઘરમાંથી નીકળવાનું તદ્દન બંધ થઇ ગયું હતું. રીટાયર માણસ એટલે બીજું કશું કામ પણ નહીં. બસ આખો દિવસ ફોન પર વાતો કરતા રહેતા. આ બધાની માઠી અસર તેમના સ્વાસ્થ્ય પર પડી અને તેઓ.”

મારા હાથમાંથી મોબાઈલ ફોન છટકી ગયો. કંઈક અમંગળ બન્યાનો અંદેશો આવતા મારા પિતાજીએ ચિંતિત સ્વરે પૂછ્યું, “શું થયું? કોનો ફોન છે?”

હું શૂન્યમનસ્કપણે બોલ્યો, “આપણા સહુની ચિંતા કરવામાં ભોંસલે કાકાએ ખુદની કાળજી લીધી નહીં. આજે તેમના કારણે આપણે સહુ ૨૦૨૧ની સાલમાં પ્રવેશ કરીશું પરંતુ આગળની સફરમાં તેઓ આપણી સાથે નહીં હોય.” આગળ હું બોલી શક્યો નહીં. મારો સ્વર રૂંધાઇ ગયો. અમે સહુ ચોધાર અશ્રુએ રડી પડ્યા.

“આપણે સહુએ આ ૨૦૨૦ની સાલ ગમે તે રીતે પસાર કરી ૨૦૨૧ની સાલમાં સાથે જ પ્રવેશવાનું છે.” ભોંસલે કાકાએ કહેલું આ વાક્ય મારા મનમસ્તિષ્કને ઝંઝોળી રહ્યું. એવામાં શૂળની જેમ મને ખૂંપી રહ્યાં, ઘડિયાળમાં વાગી રહેલા એ બારના ટકોરા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract