બાળમજૂરી
બાળમજૂરી
વૈભવશાળી ગાડી લાલ થયેલા ટ્રાફિક સિગ્નલ પાસે આવી ઊભી રહી ગઈ. એસીની ઠંડી હવાથી ગાડીની અંદર તરફનું તાપમાન અત્યંત આરામદાયક હતું. પાછળ તરફની સીટ ઉપર ગોઠવાયેલી સ્ત્રીએ જાજરમાન સાડી પહેરી હતી. બ્યુટીપાર્લરમાંથી તાજા સેટ થયેલા વાળ અત્યંત શોભનીય લાગી રહ્યા હતા. પડખે ગોઠવાયેલા પર્સ ઉપર ડિઝાઈનર લોગો ઝળહળી રહ્યો હતો. હાથની ગોલ્ડન નેલપોલિશથી રંગાયેલી આંગળીઓ વાળમાં વારંવાર ફરી જતી હતી. કાનના લટકણિયામાં ઝૂલી રહેલા નંગ કિંમતી હતા એ વાતમાં કોઈ શંકાને સ્થાન ન હતું. ગાડીમાં ગૂંજી રહેલ સંગીતની ધૂન પર ઊંચી ઍડીવાળી સેન્ડલ આમથી તેમ ફરતી તાલમાં તાલ મેળવી રહી હતી. હાથમાં થમાયેલા માર્કેટમાં નવા જ લોન્ચ થયેલા આઈફોન ઉપર આંગળીઓ ઝડપથી સ્ક્રોલ કરી રહી હતી. પડખેની સીટ ઉપર એક છ વર્ષની બાળકી બેઠી હતી. પરી જેવા સફેદ રંગના સુંદર ગાઉનમાં એ સાચુકલી નાનકડી પરી જેવી જ લાગી રહી હતી. એનો ચહેરો એની ગોદમાં થમાયેલા વિશાળકાયી ટેડીબેર જેવો જ ગોળમટોળ હતો. એના વાંકડિયા વાળમાં ભિન્ન રંગની હેરપીન સજ્જ હતી. બન્ને કાનમાં ગાઉનને મેચ કરતા મોતી જેવા સફેદ ઈયરિંગ શોભી રહ્યા હતા. ટેડીબેરના પેટને વીંટળાયેલા બન્ને હાથના કાંડામાં મોતીના દાણામાંથી તૈયાર કરાયેલી બંગડીઓ ચળકી રહી હતી.
અચાનક ગાડીના કાચ પર બે નાના હાથ ટકોરા પાડવા લાગ્યા. પાછળની સીટ પર ગોઠવાયેલી સ્ત્રીની નજર એક ક્ષણ માટે મોબાઈલના પડદા પરથી ઉપર ઉઠી. ડ્રાઈવરે ધીમે રહી બારીનો કાચ નીચે ઉતાર્યો.
" અરે, જરૂર નથી. રહેવા દે. "
ડ્રાઈવરના શબ્દને અવગણતા નાનકડા પંજા પોતાના કાપડના કટકાથી ગાડીને અતિ ઝડપે સાફ કરવા લાગ્યા. પાછળની સીટ પર બેઠી સ્ત્રીની નજર ફરીથી મોબાઈલના પડદા પર વ્યસ્ત થઈ ગઈ. પડખે બેઠી છોકરીએ પોતાની ગોદમાં રાખેલા ટેડીબેરને વધુ ચુસ્ત આલિંગનમાં લઈ લીધું. ટેડીબેરના ગોળમટોળ પેટ પાછળથી એની બે નાનકડી આંખો ગાડીના આગળના કાચને સાફ કરી રહેલા છ સાત વર્ષના છોકરાને ધ્યાન દઈ તાકવા માંડી.
એ શરીર માથાથી પગ સુધી પોતાના શરીરનો વિરોધાભાસ દર્શાવી રહ્યું હતું. એના મેલા, ગંદા ગંજીમાં ઘણા બધા છિદ્રો હતા. એની હાર્ફ પેન્ટ એટલી મેલી દેખાઈ રહી હતી જાણે એને કદી ધોવામાં જ આવી ન હોય. ગાડીની બહાર તરફનું ૪૨ ડિગ્રી વટાવેલું તાપમાન એના શરીર પર ઉતરી રહેલા પરસેવાના રેલાઓમાં સાફ પ્રતિબિંબ પાડી રહ્યું હતું. એની આંગળીઓના વધી ગયેલા નખમાં ભેગી થયેલી ધૂળ એના કાપડના કટકામાં ભેગી થયેલી ધૂળ જોડે જાણે સ્પર્ધામાં ઉતરી હતી. આખો દિવસ તડકામાં ઊભા રહેતા રહેતા સૂર્યની કિરણોએ શરીરની ચામડી પર કરેલું શોષણ ઘેરા કાળા રંગમાં પરિણમ્યું હતું. હાંફતું હાંફતું એ શરીર અર્ધી મિનિટના ટેવગત અતિ ઝડપી પરિશ્રમનું ફળ મેળવવા ફરી ડ્રાઈવરની બારી નજીક આવી ઊભું રહી ગયું. ના પાડવા છતાં વહાવવામાં આવેલા પરસેવાની કિંમતની ચૂકવણી કરતા ડ્રાઈવરે કેટલાક સિક્કાઓ હાથમાં થમાવતાં પડખે ઊભા બાળશરીરને ઉપરથી નીચે સુધી નિહાળ્યું.
" શાળાએ જાય છે ? "
હાથમાં મેળવેલા સિક્કાઓની ગણતરી કરવામાં વ્યસ્ત નજર જોડે ગરદન નકારમાં ધૂણી જ કે પાછળ તરફથી આવેલા હાથે એક તરાપ મારી બધાં જ સિક્કાઓ નાનકડા પંજામાંથી ઝૂંટવી લીધા.
" બાકીના ? "
કડક આંખોના શિકાર બનેલા છોકરાએ તરત જ પોતાનો હાથ પોતાની મેલી, ગંદી હાર્ફ પેન્ટના ખિસ્સામાં કમને નાખ્યો અને અંદર સાચવી રાખેલા સિક્કાઓ પંજામાં આવી પહોંચ્યા. એક અન્ય ચીલ જેવી તરાપ જોડે એ સિક્કાઓ પણ મોટા પંજામાં પહોંચી ગયા.
ડ્રાઈવરે એક ધૃણાસ્પદ નજર સિક્કા ગણી રહેલા પુખ્ત હાથ તરફ નાખી અને મનનો તિરસ્કાર આંખોમાં રેડાઈ ગયો.
" શરમ નથી આવતી. આટલા નાના બાળક પાસે કામ કરાવે છે ? એને શાળામાં હોવું જોઈએ. બાળમજૂરી કાયદાકીય ગુનોહ છે. "
સિક્કા ગણવામાં વ્યસ્ત આંખોએ એ શબ્દોને એવી રીતે અવગણ્યા જાણે દરરોજ એવી સલાહ શિખામણ સાંભળી કાન ટેવાઈ ગયા હોય. એ જ સમયે સિગ્નલ લીલા રંગમાં ફેરવાઈ ગયું. પાછળ રાહ જોઈ રહેલ વાહનચાલકોની અધીરાઈ એકજોડે ગૂંજી ઉઠેલા હોર્નમાં ફાટી પડી. ટેડીબેરના પાછળથી ચોરીછૂપે તાકી રહેલી નજર હેરતથી છોકરા અને એની પડખે ઊભા પુખ્ત શરીરને તાકી રહી હતી. ડ્રાઈવરે ગાડી તરત જ ગિયરમાં નાખી. આગળ વધી ગયેલી ગાડી જોડે બાળકીની ભયભીત કીકીઓ ટેડીબેરની આડમાં છૂપાઈ ગઈ.
થોડા સમય પછી ગાડી એક મોટા શોપિંગ મોલના પાર્કિંગ વિસ્તારમાં આવી ગોઠવાઈ. પડખે બેઠી સ્ત્રીએ પોતાના મોબાઈલમાંથી કોલ લગાવ્યો.
" અમે પાર્કિંગમાં છીએ. "
કોલ કાપી એણે પર્સમાંથી નાનકડો હાથનો અરીસો ચહેરા આગળ ધર્યો. પોતાના વાળ અને મેકઅપનું અંતિમ નિરીક્ષણ કર્યું. છોકરીની આંખો ગાડીના આગળના કાચ તરફ અપલક ગોઠવાયેલી હતી. એ કાચમાંથી એક સ્ત્રી ગાડીની દિશા તરફ આવતી દેખાઈ. એને નિહાળતા જ ટેડીબેરને આપવામાં આવેલું આલિંગન વધુ ચુસ્ત થયું.
પડખે બેઠી સ્ત્રીએ તરત જ પોતાના હાથમાંનો અરીસો પર્સમાં ગોઠવી દીધો.
" લેટ્સ ગો, કામ્યા. "
છોકરીએ ટેડીબેરને એ રીતે ગળે લગાવી લીધું કે કોઈ પણ એને એ ટેડીબેરથી જુદું પાડી શકે નહીં.
" મારે નથી આવવું, મમ્મી. આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. "
ગાડીની દિશામાં આગળ વધી રહેલી સ્ત્રીને ગાડીના આગળના કાચમાંથી નિહાળતા સ્ત્રીએ છોકરીના માથા પરની હેરપીન ઉતાવળ જોડે વ્યવસ્થિત કરવા માંડી.
" કમોન, કામ્યા. થોડા દિવસોની તો વાત છે. મમ્મીએ પ્રિન્સિપલ જોડે વાત કરી છે ને ? એકવાર શૂટિંગ પતી જાય પછી યુ વીલ બી બેક ટુ સ્કૂલ, આઈ પ્રોમિસ. "
છોકરીના અવાજમાં બળવાનો લ્હેકો ગૂંજયો.
" લાસ્ટ ટાઈમ પણ તમે એમ જ કહ્યું હતું. આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. "
ગાડીના લગભગ નજીક પહોંચેલી સ્ત્રીની ઝડપથી અધીરો થયેલો હાથ છોકરીના ચહેરા પણ એક થપ્પડ બની ફરી વળ્યો.
" કેટલી વાર કહેવાનું ? હું જે કાંઈ કરી રહી છું, ઈટ્સ ઓનલી ફોર યોર બ્રાઈટ ફ્યુચર. હવે આ બધો તમાશો બંધ કર અને બહાર નીકળ."
ગાડીનો દરવાજો ખુલ્યો જ કે સામેની દિશામાંથી ધસી આવેલી સ્ત્રીએ પોતાના હાથમાંનો ચેક બાળકીની સીટની દિશામાં ધપાવી દીધો.
" ગુડ ન્યુઝ, ગુડ ન્યુઝ, ગુડ ન્યુઝ ! વિશાલ સરે નેક્સ્ટ સિરીઝ માટે પણ કામ્યાને સિલેક્ટ કરી છે. આજે અંતિમ બર્થડેવાળું સીન અહીં મોલમાં શૂટ થઈ જાય એટલે આવતીકાલે વી આર ફ્લાયિંગ ટુ ગોવા. લાંબી સિરીઝ છે. બે મહિનાનું આઉટડોર છે. કામ્યાનું પરફોર્મન્સ ઈઝ માઈન્ડબ્લોઈંગ. શી ટ્રુલી ડિઝર્વસ ધીઝ. "
પડખે ગોઠવાયેલી સ્ત્રીએ તરત જ ચીલ ઝડપે તરાપ મારી છોકરીની દિશામાં રજૂ કરાયેલા ચેકને ઉલ્લાસ જોડે નિરીક્ષણ કરી પોતાના ડિઝાઈનર લોગોવાળા પર્સમાં સંભાળીને ગોઠવી દીધો. ગાડીમાંથી હર્ષ જોડે બહાર નીકળી એણે આંખો પરના સનગ્લાસીસને વાળ પર ગોઠવતા રાહ જોઈ રહેલ યુનિટની દિશામાં દોરવી રહેલી સ્ત્રી જોડે ડગલાં આગળ વધારી દીધા.
પાછળની સીટ ઉપર છોકરીએ આખરે ટેડીબેરને ઝળહળ્યાવાળી આંખો સાથે ગાડીમાં વ્યવસ્થિત ગોઠવી દીધું. ઉતરેલા ચહેરા જોડે એણે માથા ઉપર સ્ત્રી દ્વારા ઘરેથી સોંપવામાં આવેલ તાજ ગોઠવી દીધો. ગાડીમાંથી બહાર નીકળી એ ધીમા ડગલે બંને સ્ત્રીઓના પાછળ દોરવાતી ગઈ. નજરમાં છલકાઈ પડેલ ઘૃણા અને તિરસ્કાર જોડે ડ્રાઈવરની નજર દર વખત જેમ એ નાનકડી પરીને પાછળ તરફથી નિસહાય તાકતી રહી.
