બાળકલાકાર
બાળકલાકાર
પાંચ વર્ષની ઉંમરથી નાટક અને અભિનયનાં ક્ષેત્રે કામ શરૂ કરેલ કરણ બાળકલાકાર તરીકે પ્રખ્યાત થઈ ગયો. શાળાનાં ભણતર સાથે તે મિત્રો જોડે મસ્તી કરવાનો આનંદ પણ ગુમાવતો. તેને સતત મળતાં પ્રોજેક્ટને કારણે તેના પિતાએ તેની સાથે શૂટિંગ સ્થળ પર હાજર રહેવા કામધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી.
છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે બાળમજૂરી નાબૂદી અને બાળમજૂરીની વિરોધ કરતી ટૂંકી ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો અને સરકારી જાહેરાતમાં કરણનો ચહેરો જ ચમકતો. દસ વર્ષની ઉંમરે તે જ્યારે બાળમજૂરી વિરોધી એક સરકારી જાહેરાત કરી રહ્યો હતો, ત્યારે સ્ક્રીપ્ટ વાંચતાં તેના મનમાં એક વિચાર આવ્યો," બાળકલાકાર પાસે કામ લેવું એ બાળમજૂરીની વ્યાખ્યામાં આવે ?"
