STORYMIRROR

mariyam dhupli

Romance Thriller

4  

mariyam dhupli

Romance Thriller

અત્તર

અત્તર

4 mins
259

પારદર્શક કાચમાંથી દ્રષ્ટિમાન પરફ્યૂમની બ્રાન્ડેડ શીશીઓ ઉપર વારાફરતી એની પહોળી આંખો ફરી રહી હતી. દુકાનની બહાર તરફના કાચ ઉપર એનું નાક લગોલગ સ્પર્શી રહ્યું હતું. દરેકની કિંમતના આંકડાઓ ચારની સંખ્યામાં હતા. અંદર તરફથી સફાઈ કામદારે કેમિકલ સ્પ્રે છાંટી દુકાનના કાચને અંદરના ભાગ તરફથી સાફ કરવાની શરૂઆત કરી કે એનો ચહેરો છોભીલો પડી પાછળ તરફ હટી ગયો. અન્ય કોઈ ગ્રાહક હોત તો કદાચ એને દુકાનનો સામાન શાંતિથી નિહાળવાની તક મળી હોત. પણ એના માટે કોઈને સમય વેડફવો ન હતો. એ ક્યાં કોઈ મોંઘુ બ્રાન્ડેડ પરફ્યુમ ખરીદવાનો હતો ? દુકાનના અંદર તરફથીજ એ ધારણા બાંધી લેવામાં આવી હતી. 

એ ધારણાને સાચી પુરવાર કરતું એનું શરીર કાચથી દૂર ખસી પીઠ દેખાડતું ફૂટપાથ તરફ આગળ વધી ગયું. ફૂટપાથના એક ખૂણે બેઠક જમાવી બેઠા અત્તર વેચનારા પાસે જઈ એ ઊભો રહી ગયો. જાતજાતના ને ભાતભાતના અત્તરોથી આવતા જતા લોકોનું ધ્યાન આકર્ષતો અત્તર વેચનારો પોતાના અત્તરના ગુણગાન મોટા અવાજે ગાઈ રહ્યો હતો. જુદા જુદા પુષ્પોની આકૃતિ જુદી જુદી શીશીઓને એની વિશિષ્ટ સુગન્ધ અને ખુશ્બુથી વર્ગીકૃત કરી રહી હતી. એ વર્ગીકરણ ઉપર મંડાયેલી એની આંખોમાં મૂંઝવણ અને કુતુહલતા સંમિશ્રિત ડોકાઈ રહી હતી.

" ક્યાં લોગે સાહબ ? એક સે બઢકર એક ખુશ્બુ હે...."

ગ્રાહકનો હાથ થામી પોતાના માલનો પ્રચાર કરવાની પ્રયુક્તિ સ્વરૂપે અત્તર વેચનારે ટેવ પ્રમાણે થોડું અત્તર ગ્રાહકના હાથ ઉપર છાંટ્યું. એ અત્તરની મનમોહક સુગંધથી ગ્રાહકનું તન મન રોમાંચીત થઇ ઉઠ્યું. મનના પટ ઉપર ખીલેલા ગુલાબ જેવો રૂપાનો ચહેરો તરી આવ્યો. 

" ગુલાબ " 

મનમાં ઉપસી આવેલા એ ગુલાબ જેવા તાજા ચહેરાની જોડે મેળ ખાતી ગુલાબની આકૃત્તિ વાળી અત્તરની શીશી નજરે ચઢ઼તાજ એણે પોતાની પસંદગી જાહેર કરી દીધી. ગુલાબવાળા અત્તરની શીશી ગ્રાહક આગળ ધરતાંજ એક વધુ વેંચાણ થયાનો સંતોષ અત્તર વેચનારના ચહેરાને ચમકાવી રહ્યો. 

" પચાસ રૂપે. "

અતિ રોમાંચક ક્ષણને વિઘ્ન નડ્યો હોય એમ એની બોલાયેલી કિંમત અંગે ગ્રાહકના મનમાં થોડું મંથન જાગ્યું. નકામો ખર્ચ તો નથી થઈ રહ્યો ? પૈસા ઝાડ ઉપર ઉગતા નથી. પણ પછી પોતાનાજ વિચારો વખોડી કાઢી એણે મન મનાવ્યું. પ્રેમ અને યુદ્ધમાં બધુજ વ્યાજબી !

પચાસ રૂપિયાનો ખર્ચો મોટા જીગરથી કરી એના ડગલાં પ્રેમની દિશામાં ઉતાવળે ઉપડ્યા. આખા રસ્તે એની દ્રષ્ટિ અત્તરને એવી આશા અને ઉત્સાહથી તાકી રહી જાણે એ કોઈ જાદુ કે ચમત્કારનો નુસ્ખો હોય જે એને પ્રેમ અને રોમાન્સની સૃષ્ટિમાં પોતાની જોડે લઇ જવા આવી હોય. 

રહેઠાણ વિસ્તારના નાકે ગોઠવાયેલી શહેરની ખુબજ વિશાળ કદવાળી કચરાંપેટીઓમાંની એક કચરાપેટી દરરોજ જેમ એનું મૌન સ્વાગત કરી રહી. એની અંદર ભેગો થયેલો દિવસોનો કચરો એની પ્રચંડ દુર્ગંધથી અસંખ્ય માખ અને મચ્છરોને પોતાના તરફ આકર્ષી રહ્યો હતો. એ માખ અને મચ્છરોના ગણગણાટ આજે એના કાનમાં પડી રહ્યા ન હતા. એના કાનમાં તો જાણે શહેનાઇ વાગી રહી હતી. આજે માથું ફાડી નાખે એવી એ કચરાપેટીની દુર્ગંધ એના નાક સુધી પહોંચવાની હેસિયત રાખતી ન હોય એમ ગર્વ વડે એણે અત્તર વેચનારે એના હાથ ઉપર છાંટેલ ખુશ્બુદાર, સુગંધદાર મહેકના છાંટાઓ નાકને અડાડી દીધા. 

એના રહેઠાણની બહાર ઘૂંટણ ઉપર બેઠેલા નાનકડા બાળકના માથા ઉપર એણે હેતથી હાથ ફેરવ્યો. લગ્ન થવાને હજી નામનાજ દિવસો થયા હતા. કદાચ થોડા સમયમાંજ પોતાના જીવનમાં પણ એવુંજ નાનું ખુશીનું પોટલું આવી પહોંચશે એ વિચારે એનો ચહેરો ગુલાબ જેવો લાલ થઇ ઉઠ્યો. ખુલ્લી હવામાં પોતાની કુદરતી વિસર્જનની પ્રક્રિયામાં કોણે ખલેલ પહોંચાડ્યો એ નિહાળવા અર્ધ વિસર્જન વચ્ચેથી એ બાળ દ્રષ્ટિ ઉપર તરફ ઉઠી. પણ એની નજરમાં કોઈ ચઢ્યું નહીં એટલે એણે વિસર્જનની પ્રકિયા આગળ વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. 

ખખડધજ બારણે ઉત્તેજિત હાથે ટકોરા પાડ્યાજ કે સામેથી માથા ઉપર પાલવ સરખો કરતી રૂપનો અંબાર સમી પત્ની રૂપા પોતાના સૌંદર્યના ખજાના જોડે આવી ઊભી. કોઈ જાદુનો ખેલ બતાવતો જાદુગર પોતાની જાદુના ટોપામાંથી ધીમે રહી કંઈક નીકાળે એ રીતે એણે પોતાના હાથમાંનું ગુલાબ અત્તર રૂપા આગળ ધર્યું. લજ્જિત ચહેરે રૂપાએ એ અત્તર હાથમાં લીધું જ કે ઓરડીના બહારથી ડોકાઈ રહેલા આકાશમાં એક પ્રચંડ ગડગડાટ થયો. સૂકી ધરતી ઉપર તૂટી પડવા તત્પર મેઘ કાળા ડિબાંગ વાદળોમાંથી માર્ગ કાઢતો અધીરો છૂટ્યો અને ઓરડીનું બારણું ધીમે રહી બંધ થયું. 

બીજે દિવસે સમયસર કામ ઉપર પહોંચી એણે કપડાં બદલ્યા. કામ કરવા માટે પહેરેલા પોશાકથી સજ્જ એણે પોતાના સ્વચ્છ ખમીસના ખિસ્સામાંથી અત્તરની શીશી નીકાળી ચૂમી લીધી. અતિ કિંમતી વસ્તુ મુકતો હોય એમ અત્યંત સંભાળીને દરકાર વડે એણે એ અત્તરની શીશી ફરી ખમીસના ખિસ્સામાં પરત ગોઠવી અને પોતાના એ સ્વચ્છ વસ્ત્રો એના નિયત ખૂણે સચકી દીધા. 

બહાર મેદાન ઉપર નીકળી એણે પોતાનું નાક હાથ વડે દબાવ્યું. મોઢું અતિ ચુસ્ત હોઠ વડે વાંસી દીધું. આંખો બંધ કરી અને ગટરના કાદવમાં પોતાનું સંપૂર્ણ નખશીખ શરીર હસતા ચહેરે ફરજનિષ્ઠ ધપાવી દીધું. એ કાદવમાં હાજર હજારો ઘરોનાં મળમૂત્ર અને ગંદવાડની અસહ્ય જીવલેણ દુર્ગંધ વચ્ચે એને ફક્ત અને ફક્ત રૂપાના શરીર અને ગુલાબના અત્તરની સુવાસ અનુભવાઈ રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Romance