Khushbu Shah

Thriller

3  

Khushbu Shah

Thriller

અસ્તવ્યસ્ત ઘર

અસ્તવ્યસ્ત ઘર

2 mins
631


લિંકન રોડ પોલીસ સ્ટેશનમાં ફોન રણક્યો,સામે છેડે કોઈ લાભુભાઈ નામના વ્યક્તિ વાત કરી રહ્યા હતા.

"સર,જલ્દી આવો ને,અમારા જેવા ગરીબોને પણ મદદ કરો."

"હા લાભુભાઈ,તમારું પાક્કું સરનામું બોલો." ઇન્સ્પેક્ટર પાટીલ બોલ્યા.

"ઘર નંબર 3, જૂની કલ્યાણ બસ્તી."


   ઇન્સ્પેક્ટર પાટીલ પહોંચ્યા ત્યારે ઘરે તો ભારે ઉદાસ વાતાવરણ હતું.બધી વસ્તુઓ વીખરાયેલી હતી. એવું લાગતું હતું કે ભારે ધમાચકડી થઇ હતી.

"બોલો,તમારી શું ફરિયાદ છે ?" ઇન્સ્પેક્ટર પાટીલ ઘરનું નિરીક્ષણ કરતા બોલ્યા.

"સાહેબ,આજે સવારે જ અમે ગામથી પાછા આવ્યા.આ મારી છોકરીના વિવાહ કરવા ગામ ગયા હતા.પરંતુ આવ્યા ત્યારે આખું ઘર અસ્તવ્યસ્ત હતું.મને લાગે છે કે ચોરી થઇ હશે."

"હશે? એટલે તમે ચેક નથી કર્યું ." ઇન્સ્પેક્ટર નવાઈ પામતા બોલ્યા.

"ના રે સાહેબ, એવું કરીયે તો પેલા ફિંગરપ્રિન્ટ મળે અમારા.પછી તમે અમને ચોર સમજો આ ટીવી પર આવતી સિરિયલોમાં બતાવે ને એવું."લાભુભાઈના પત્ની બોલ્યા.

"ભલા માણસ, એ તો તમારા ફિંગરપ્રિન્ટ તો પહેલેથી આખા ઘરમાં હશે. લોકો પણ સિરિયલ જોઈને કાલ્પનિકતા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ ભૂલી ગયા છે.ચાલો કઈ નહિ અમારી આગળ ચેક કરી લો તમારા પૈસા અને દાગીના સલામત તો છે ને?"


  થોડી વાર બધું બરાબર જોઈ અને ગણતરી કરીને લાભુભાઈ બોલ્યા,

"સાહેબ,આમ તો બધું જ બરાબર છે. કઈ ચોરાયું તો નથી તો ચોર શું કામ આવ્યો હશે અને આખું ઘર આમ કેમ ફેંદયું હશે?"

" પણ તમને પાક્કી ખાતરી છે કે ચોર જ આવ્યો હશે? કોઈના પર શક છે તમને ?" ઇન્સ્પેક્ટર પાટીલને હવે શંકા જાગી.

"હા તો આવું કોણ કરે?"

" સારું ચાલો અમને તપાસવા દો."


   થોડી વાર તો ઇન્સ્પેક્ટર પાટીલ અને તેમના બન્ને કોન્સ્ટેબલે બરાબર ઘર તપાસ્યું , પણ કોઈ પગલાંના નિશાન કે કશું જ ન હતું. ચોરી થઇ જ ન હતી તો ઘર કેમ આમ અસ્તવ્યસ્ત હતું? ઇન્સ્પેક્ટર પાટીલ કોઈને કહ્યા વગર ઘરના પતરા તપાસવા લાગ્યા તેમને એક જગ્યાએ ગાબડું દેખાયું, એ ગાબડાં નીચે જોયું તો એક મોટી કેરી પડી હતી, ઇન્સ્પેક્ટર એ કેરી ઉંચકી લીધી.

"આ રહ્યો તમારો ચોર." ઇન્સ્પેક્ટર એ કેરી લાભુભાઈને બતાવતા બોલ્યા.

"કેરી સાહેબ ?"

"હા આ કેરીના પડવાથી તમારા પતરામાં ગાબડું પડયું અને એમાંથી આ કબૂતરોએ અને એના જેવા જ બીજા પક્ષીઓ,કે ઉંદરડાઓએ આવી તમારું ઘર અસ્તવ્યસ્ત કર્યું.પેલા ખૂણામાં જુવો ત્યાં જ કબૂતરે માળો બનાવ્યો છે અને ઈંડા મુક્યા છે. હવે સમજાયું આ ચોરી છે જ નહિ." ઇન્સ્પેક્ટર પાટીલ બોલ્યા.


"ઓહ એવું સાહેબ, સોરી તમને ખોટા જ હેરાન કર્યા."

" એનો વાંધો નહિ પણ ભલા માણસ ગામ જતા પહેલા પતરા તો ઠીક કરાવવા જોઈએ,કેટલા કાટ ખાઈ ગયા છે."

"હા સાહેબ હવે કરાવી દઈશુ."

 "સાચ્ચે લોકો હવે આ સિરિયલો જોઈ જોઈને નાની નાની વાતમાં પણ જાતે જ ગુનો શોધવા લાગ્યા છે.બાકી આપણા વિસ્તારમાં ચોરી થાય? હા...હા..હા.." ઇન્સ્પેક્ટર પાટીલ મૂછ પર તાવ દેતા બોલ્યા.

"ના રે સાહેબ,ચોરની એટલી હિંમત ? " બન્ને ખુશામતખોર કોન્સ્ટેબલે સુર પુરાવ્યો. 

"ચાલો ત્યારે આ કેસ તો પત્યો." બોલતા ઇન્સ્પેક્ટર પાટીલ લિંકન રોડ પોલીસ સ્ટેશન ઉપાડયા.



Rate this content
Log in

Similar gujarati story from Thriller