અસમંજસ
અસમંજસ


એણે આજે પણ ધીરેથી બાલ્કનીનો દરવાજો ખોલ્યો અને બાલ્કનીમાં આવીને બંધ કરી દીધો. કફનીના ખિસ્સામાંથી સિગરેટનું પેકેટ કાઢ્યું અને એમાંથી એક સિગારેટ કાઢી, ઉંધી કરી અને સિગારેટના બોક્ષ પર જ ત્રણ વખત ઠોકી, મોમાં મૂકી અને લાઈટરથી એ સળગાવી, ધૂમાડો સ્હેજ જ થયો અને પછી એણે કશ છોડતા ધુમ્ર્સેરનું વિશ્વ સર્જાયું. એની નજર મારી બારી પર પડી, મેં અધખુલ્લો પરદો આખો ખોલ્યો અને હું બારી પર સ્થિર થઇ. એણે કશ લેતા લેતા મને એકી ટશે જોવાનું શરુ કર્યું અને મેં પણ એને જોયા જ કર્યું.
આ બધુ છેલ્લા દસેક દિવસથી ચાલતું હતું, શરૂઆતના બે-ત્રણ દિવસ મને જરા અજુકતું લાગ્યું. પણ, પછી મને પણ ગમવા લાગ્યું. હું રાહ જોઇને જાગતી પડી રહેતી કે ક્યારે સાડા અગિયાર વાગે અને એની બાલ્કનીનો દરવાજો ખૂલે, ક્યારે એ સિગારેટ સળગાવે અને ક્યારે મારી બારીમાં મને શોધે? નિશાંતને દુબઈ ગયાને એકાદ મહિનો થઇ ગયો હતો, અને આવવાને હજી પંદર દિવસની વાર હતી. આવ્યા પછી એક અઠવાડિયામાં નિશાંત ચાઈનાની ટૂર પર જવાનો હતો.
મેં આજે પિંક વ્રેપ ગાઉન નાઈટી પહેરી હતી, સાટીનની. એની સિગારેટ પતિ ગઈ પણ એ આજે અંદર ન ગયો ત્યાં જ ઉભો રહ્યો. મેં નાઈટીનાં ગાઉનને ઉતાર્યું અને બારીની ફ્રેમ પકડીને ખાલી નાઈટીમાં ઉભી રહી ગઈ, એણે જરા નજર ફેરવી પણ હું ત્યાં જ રહી. મારી બારીમાં અને એની નજરોમાં. એણે ફરી કફનીના ખિસ્સામાં હાથ નાખ્યો અને સિગરેટનું બોક્ષ કાઢ્યું. સિગારેટ સીધી જ બે હોઠની વચ્ચે દબાવી અને સળગાવી, એણે પોતાની કોણી બાલ્કનીના કઠેરા પર ટેકવી અને મારી તરફ નજર જરા વધારે નજીક કરી, હું પણ જરા બારી બહાર સહેજ નમી... અને એની નજર મારા નમવા પર જ સ્થિર થઇ ગઈ. સિગારેટ અડધી જ પતી હતી, કે અડધી જ સળગી હતી, થોડી વાર પછી હું જરા સ્વસ્થ થઇ અને ફરી બે હાથ પહોળા કરી, બારીની ફ્રેમ પર ગોઠવીને ઉભી રહી ગઈ. એ પણ જરા સફાળો થયો, મારા અને એની વચ્ચે રચતા નજરોના સેતુથી કશે બીજે સરકાયો, અડધી પતી ગયેલી સિગારેટ ફેંકી દીધી અને સાવ સહજ રીતે પોતાના રૂમમાં ચાલ્યો ગયો, બાલ્કનીનું બારણું બંધ પણ ન કર્યું, નાઈટ લેમ્પ ચાલુ થયો અને એના આછા પ્રકાશમાં આરતીની કાળી છાયા મને પોતાનું વ્રેપ ગાઉન ઉતારતી દેખાઈ.
મેં બારી બંધ કરી અને સિગારેટ સળગાવી. મારી સામે મારા અને નિશાંતનો છ મહિના પહેલા હનીમુન પર ફરવા ગયેલા ત્યારનો પેરીસનો ફોટો હતો.