અરવિંદભાઈનું ઘર
અરવિંદભાઈનું ઘર
સીતેર વર્ષના અરવિંદભાઇ છેલ્લા ત્રણ વર્ષથી વૃધ્ધાશ્રમમાં રહેતા હતા. તેના પત્નીનું પાંચ વર્ષ પહેલાં નિધન થયેલું સંતાનમાં એક દીકરી જેને સુખી સંપન્ન પરિવારમાં પરણાવેલી. પત્નીના મૃત્યુ બાદ અરવિંદભાઇ થોડો સમય દિકરીનાં ઘરે રહેતા, તેનું દિલ નહોતું માનતું દિકરી સાથે રહેવામાં અજુગતું લાગતું હતું, પોતાને પેન્શન પણ સારૂ આવતું હતું, જમાઇએ તેમજ દિકરીના સાસુ સસરાએ સાથે રહેવા ધણાં સમજાવ્યા.
એક દિવસ અરવિંદભાઇએ વિનયથી કહ્યું "તમે બધા મારૂં ખૂબ જ ધ્યાન રાખો છો મને કોઈ વાતે ખોટું આવવા દેતા નથી. હું એકલો હવે આ ઉંમરે ઘર ખોલીને રહી શકું તેમ નથી આમેય હમણાંથી મારી તબિયત પણ નરમ ગરમ રહ્યા કરે છે.આથી મેં વિચાર્યું છે કે હું વૃધ્ધાશ્રમમાંમાં રહેવા ચાલ્યો જાવ મારી ઉંમરના ત્યાં કેટલાંય લોકો હશે તેઓની સાથે મારો સમય પણ પસાર થઈ જશે તમને મનફાવે ત્યારે મને મળવા આવી જજો, વાર તહેવારે હું તમારે ત્યાં વગર બોલાવ્યે આવી જઇશ વણનોતર્યા મહેમાનની માફક."
આટલું બોલ્યાં ત્યાં તો અરવિંદભાઇ હાંફી ગયા ને ઉધરસ ખાવા લાગ્યા, દિકરી દોડીને તેની માટે પાણીનો ગ્લાસ લઈ આવી. દિકરી જમાઇ એકબીજાની સામું જોઈ રહ્યા, ને અરવિંદભાઇને વૃધ્ધાશ્રમમાં રહેવા માટે મૌન સંમતિ આપી.
અરવિંદભાઇને જોઈતી ચીજવસ્તુઓ આપી કમને રડતાં રડતાં દિકરી જમાઇ વૃધ્ધાશ્રમમાં મૂકવા ગયા ત્યાં પણ અરવિંદભાઇ માટે સુખ સુવિધાથી સંપન્ન રૂમ પસંદ કર્યો, જેમાં નાનકડું ફ્રીઝ, ગેસ તેમજ ટી.વી. હતું. દિકરી જમાઇ વૃદ્ધાશ્રમની બહાર નીકળ્યા પછી અરવિંદભાઇએ રૂમમાં દાખલ થતાં ચારેબાજુ નજર ફેરવી અને મનોમન બોલ્યા, "દિકરીના ઘરે હું કેટલો સમય રહી શકું ? હાશ મને જોઇતું હતું તે મળી ગયું હવે આ જ મારૂં ઘર છે હું અહીં શાંતિથી ઉંઘી શકીશ."
