છેલ્લો શ્વાસ
છેલ્લો શ્વાસ
ભાવનગર શહેરની તખ્તસિંહજી હોસ્પિટલ એટલે કે ભાવનગરનું "લાલ દવાખાનું". સવારના નવ વાગતાની સાથે જ દવાખાનામાં લોકોની ચહલપહલ શરૂ થઈ ગઈ. 'નો પાર્કિંગ' ની જગ્યાએ કેટલીય સાઈકલ ને સ્કૂટર પડ્યા હતા. ત્યાં લાકડી સાથે ઉભેલો ચોકીદાર "અહીં નહીં, આ પાર્કિંગની જગ્યા નથી સામે મૂકો," રાડો પાડી બધાને કહી રહ્યો હતો, તેનું કોઈ સાંભળવા તૈયાર નહોતું ને ત્યાં સુધી જવા પણ કોઈ તૈયાર નહોતું. દવાખાનાની અંદર દાખલ થતાં નર્સ સ્ટાફ અહીંથી તહીં દોડાદોડી કરતો હતો, જાણે કે તેમને બહું જ કામ હોય તેવું લાગી રહ્યું હતું. કેસ કઢાવવાની બારી પર લાંબી લાઈન લાગી હતી પણ કેસ બારી હજુ ખુલી નહોતી. ડોક્ટરો ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી સફેદ કોટમાં પોતાની ઓ.પી.ડી. તરફ જઈ રહ્યા હતાં.
દવાખાનાની લોબીમાં એક સ્ટ્રેચર ઝડપથી ઓપરેશન થિયેટર તરફ ભાગી રહ્યું હતું, પાછળ એક માજી હાંફતા હાંફતા દોડતા ચાલી રહ્યા હતાં, સ્ટ્રેચર ઓપરેશન થિયેટરની અંદર દાખલ થઈ ગયું ને તેના બારણાં બંધ થઈ ગયા. ઉપર રહેલી લાલ બત્તી શરૂ થઈ. માજી ઘણીવારે ઓપરેશન થિયેટર નજીક પડેલી ખુરશી પાસે પહોંચી ધબ કરતા તેમાં બેસી ગયા. માજીએ છાતી પર હાથ દઈ દીધો, તેનું મોં ખુલ્લું હતું ને તેઓ ખૂબ જ હાંફી રહ્યા હતાં. થોડીવાર પછી તેઓ ઊભા થયા એક-બે આંટા મારી પાછા ત્યાં ને ત્યાં બેસી ગયા, પોતાના સાડલાના છેડાથી મોઢું લુછ્યુ, ત્યાં એક નર્સ થિયેટરમાંથી બહાર આવી, માજી તેને પૂછવા ઊભા થયા, એટલીવારમાં તો તે ચાલી ગઈ હતી. આમને આમ એકાદ કલાક જેવો સમય પસાર થઈ ગયો, માજીના ચહેરા પર ચિંતાના ભાવ દેખાઈ રહ્યા હતાં. લોકો ત્યાંથી અવર-જવર કરી રહ્યા હતાં ને તેમની સામે જોતાં પણ હતાં પણ તેઓ માજીને આશ્વાસનના બે શબ્દો કહેવા પણ તૈયાર નહોતા.
ઓપરેશન થિયેટરના બારણાં ઉપર રહેલી લાલ લાઈટ બંધ થઈ ગઈ ને સ્ટ્રેચરમાં સુતેલા દાદા બહાર આવ્યા. તેમને દવાખાનાના સ્ટાફના બે માણસો એક રૂમમાં લઈ ગયા, માજીને પાછળ આવવા કહ્યું, માજી હાથનો ટેકો લઈ ઊભા થયાં, ધીરેધીરે દાદાની પાછળ ગયાં. માણસોએ દાદાને એક ખાટલામાં સુવાડી માજીને ધ્યાન રાખવાનું કહ્યું. એક માણસ આવી માજીને પાણીની બોટલ સાથે ગ્લુકોઝના બિસ્કીટ ને ચા આપી, "આ ખાઈ લેજો, તમે સવારના ભૂખ્યા હશો કહી ત્યાંથી નીકળી ગયો."
હજુ સુધી દાદા ભાનમાં નહોતા આવ્યા, માજીને ભૂખ અને તરસ બને લાગી હતી કમને તેઓએ શીશામાંથી બે ઘુંટડા પાણી પીધું, ચાનો કપ મોંઢે માંડતા તેમનો દીકરો વરૂણ યાદ આવી ગયો ને માજી વિચારે ચડી ગયા. વરૂણ બે વર્ષ પહેલાં અમદાવાદ નોકરી કરવા ગયો હતો. પગાર સારો હતો તેથી ઘરે પૈસા મોકલતો. થોડા દિવસ પહેલાં દાદાની તબિયત બગડતાં તે બે દિવસ પહેલાં જ અમદાવાદથી ભાવનગર આવતો હતો ને રસ્તામાં બે બસોનું એક્સિડન્ટ થયું તેમાં અમદાવાદથી ભાવનગર આવતી બસ ઊંધી વળી ગઈ, તેમાં બેઠેલી વ્યક્તિમાંથી દસેક જણને નાનું મોટું વાગ્યુ પાંચ જણા મોતને શરણ થયા જેમાં માજીનો દીકરો વરૂણ પણ હતો. દાદા દીકરાનું મોત જીરવી ન શક્યા ને હાર્ટએટેકનો ભોગ બન્યાં.
એકાએક "વરૂણ એ વરૂણ તું ક્યાં છે ? અહીં આવ મારી પાસે બેસ" અવાજ આવતા માજી તન્દ્રામાંથી જાગ્યા આંખ ખોલી જોયું તો દાદા વરૂણને બોલાવી રહ્યા હતા. માજીએ ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટર આવ્યા ત્યાં તો દાદાને શ્વાસ ચડ્યો. દાદા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતાં તેમનો એક હાથ માજીના હાથમાં હતો. દાદાએ છેલ્લો શ્વાસ લીધો ને તેના મોઢામાંથી "વરૂણ....." શબ્દ નીકળ્યો ને તેમની ડોકી નમી ગઈ, આંખ અર્ધી મીંચાઈ ગઈ.