JHANVI KANABAR

Abstract Fantasy Others

4.7  

JHANVI KANABAR

Abstract Fantasy Others

અપરિચિત

અપરિચિત

5 mins
213


અનિકેત અનિમેષ નયને ખુલ્લા આભને તાકી રહ્યો હતો. સતત બે વર્ષની મહામારીને કારણે બેકારી ભોગવતો અનિમેષ હવે જાણે હારી ચૂક્યો હતો. હંમેશા હસતો બોલતો અને ઉઘાડી આંખે સપના જોતા અનિકેતના હૃદયમાં નિરાશાએ સ્થિર આસન જમાવી દીધુ હતું. રોજે રોજ કંઈક નવું અને ટેસ્ટી પકવાનોનો રસિક એવા અનિકેતની જીભનો સ્વાદ ફિક્કો પડી ગયો હતો. તરવરાટ ભરેલ યુવાન આજે અકાળે વૃદ્ધ દેખાતો હતો. મલ્ટીનેશનલ આઈ.ટી. કંપનીમાં સ્ટાફ ઓછો કરવાના નિર્ણયે અનિકેત જેવા સ્માર્ટ એફિશિયન્સ એમ્પ્લોઈને બેરોજગાર બનાવી દીધો હતો.

`અનિકેત... બેટા ! તને કેટલી બૂમો પાડી ? ચાલ જમી લે..’ અનિકેતના વાળમાં મમતાભરી અંગૂલિનો સ્પર્શ થતા તે જાણે ભાનમાં આવ્યો.

`હા મમ્મી...! આજ ભૂખ નથી. ખાલી દૂધ પી લઈશ.’ અનિકેતે ભૂખ ન હોવાનું નાટક કરતાં કહ્યું.

`બેટા ! છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું, બરાબર ખાતોપીતો નથી, કોઈ સાથે હસતો બોલતો નથી ! જાણું છું કે, નોકરી નથી રહી તારી, પણ એથી શું ? બીજી મળી જશે. ઘેર ઘેર આ પ્રોબ્લેમ્સ છે. આમ નિરાશ ન થવાય બેટા ! તારા પપ્પાની ખામી તો હું નહિ પૂરી શકું પણ બનતા પ્રયત્નો કરીશ તારો ટેકો બનવાનો.’ મનોરમાબેને દીકરાને સમજાતા કહ્યું.

અચાનક મમ્મીના મુખે આવા શાંત્વના ભર્યા શબ્દો સાંભળી અનિકેતનું હૈયું ભરાઈ આવ્યું અને તે મનોરમાબેનના ખોળામાં માથુ નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. `પણ મમ્મી આર્યા હજુ દસમા ધોરણમાં છે. તેના ભણવાનો ખર્ચ... આગળ જતા પણ.... ‘

`હા બેટા ! તારી બેન આર્યા હજુ નાની છે, એની જવાબદારી છે આપણા પર.. પણ તું ચિંતા ન કર, બધા દિવસો એક સમાન નથી હોતા. ઈશ્વર બધુ સારુ કરશે.’ મનોરમાબેને અનિકેતને શાંત કરતાં કહ્યું.

બહાર ઊભી આર્યા ભાઈ અને મમ્મી વચ્ચેનો વાર્તાલાપ સાંભળતી હતી. ભાઈની લાચારી અને મમ્મીની દયનીય સ્થિતિ જોઈ તે પણ રડી પડી.

અનિકેતે એક પછી એક ઈન્ટરવ્યુ આપવા માંડ્યા પણ હાલના કપરા સમયમાં નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ હતી. દિવસો જતા હતાં. આમ ને આમ ચાર મહિનાનું ઘરનું રેન્ટ પણ ભેગુ થઈ ગયું હતું. આર્યાની સ્કુલ ફી, ટ્યુશન ફી, ઘરખર્ચ.. અનિકેતને કંઈ જ સૂઝતુ નહોતું. એમાંય મકાનમાલિકે એકવાર ઘરે આવીને કડક શબ્દોમાં વોર્નિંગ આપી. છેવટે અનિકેતે તેનું બાઈક વેચી રેન્ટ ભર્યું. અનિકેત અને તેનો પરિવાર હવે ભાંગી પડ્યો હતો. સતત નોકરીમાં રિજેક્શન, વધતી જતી જવાબદારી અને બેરોજગારીને કારણે અનિકેતના થાકેલા મગજ અને હારેલા હૃદયએ એક ન કરવાનો નિર્ણય કરી લીધો. સાંજ થવા આવી અનિકેતનો ક્યાંય પત્તો નહોતો. મનોરમાબેનનું મન વ્યાકુળ થતું હતું. છેલ્લા કેટલાય દિવસથી અનિકેતની નાજુક માનસિકતાથી તેઓ અજાણ નહોતા. મનમાં કંઈ કેટલાય ખરાબ વિચારો આવતા હતાં. તેમણે સગાવહાલાઓ, અનિકેતના દોસ્તો બધે જ પૂછી લીધું, અનિકેતની કંઈ જ ખબર ના મળી. હવે તેમનું મનોબળ ખૂટ્યું. તેમનું કારમું આક્રંદ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા. સૌએ મનોરમાબેનને શાંત્વના આપી. પોલિસમાં પણ જાણ કરી. એક દિવસ, બે દિવસ એમ દિવસો વીતવા લાગ્યા.

રોજેરોજ મોડી રાત સુધી દીકરાની ચિંતામાં જાગતી આંખોમાં ક્યારે ઊંઘ ભરાઈ ગઈ ખબર જ ન રહી. ઉપરાઉપરી ડોરબેલનો અવાજ સાંભળી મનોરમાબેનની આંખ ખૂલી અને તેમણે દરવાજો ખોલ્યો. આ શું ? તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો. સામે અનિકેત ઊભો હતો ! એ જ સ્કાય બ્લુ શર્ટ જરા પણ કરચલી વગરનો ઈસ્ત્રીટાઈટ, બ્લેક પેન્ટ, ટાઈ, શૂઝ, ક્લીનશેવ્ડ ફેસ... બધુ જ એ દિવસે ઈન્ટરવ્યુ આપવા ગયો હતો એવું જ. આટલા દિવસે વહાલસોયા દીકરાને સામે જોઈ મનોરમાબેન તેને વળગીને ખૂબ રડ્યા. આર્યા પણ આંખો ચોળતી આવી અને ભાઈને ભેટી પડી. અનિકેતે અંદર આવી મમ્મીને અને નાનકડી આર્યાને શાંત પાડ્યા. અનિકેતને જોઈ ઘરમાં જાણે જીવ આવી ગયો હતો.

`ક્યાં હતો આટલા દિવસ બેટા તું ? શું થઈ ગયું હતું ? ફોન નહિ ! ખબર નહિ ! જાણે છે તારા વગર મારી અને તારી આ બહેનની શી દશા થઈ હતી ?’ મનોરમાબેન બોલ્યે જ જતા હતાં.

`જાણું છું.. મા ! પણ બસ હવે આપણી બધી જ મુશ્કેલીઓનો અંત. હું તને બધુ જ કહુ છું. શાંતિથી સાંભળજે.’ અનિકેતે વાત કરવાની શરૂ કરી.

`હું સોમવારે 6 જાન્યુઆરીએ ઈન્ટરવ્યુ આપવા ગયો હતો.. ઈન્ટરવ્યુ સારો ગયો હતો પણ પાછળથી ખબર પડી કે આ જોબ કોઈને લાગવગથી મળી ગઈ છે. હું ત્યારે ખૂબ જ હતાંશ થઈ ગયો હતો. નસીબને દોષ દેતો હું થાકી હારી પુલ પર ગયો અને મેં ઝંપલાવી દીધું.’

મનોરમાબેન આઘાતથી અનિકેતને સાંભળી રહ્યા હતાં.

`હું મારા શ્વાસ છોડી જ ચૂક્યો હતો ત્યાં મને કોઈએ જકડી લીધો અને પાણીમાંથી બહાર કાઢી પટક્યો. મને લાગ્યું કે મને કોઈએ બચાવી લીધો છે. મેં મારા પર કંઈક પ્રકાશ પડતો અનુભવ્યો. અજવાળાથી મારી આંખો ખૂલતી નહોતી પણ જાણે મારામાં જીવ સંચય થતો હતો. શ્વાસ જાણે પાછા આવી રહ્યા હતાં. મેં ધીમે ધીમે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો અને જોયું તો સામે વિચિત્ર આકૃતિ દેખાઈ, જે મનુષ્યની જેમ બે પગ, બે હાથ, બે આંખ, નાક, કાન બધુ જ ધરાવતી હતી છતાં તે વિચિત્ર લાગતી હતી. જાણે કે પૃથ્વી બહારનો કોઈ જીવ હોય ! મને લાગ્યુ કે આ એલિયન્સ હોવા જોઈએ. મે તેમના વિશે વાંચ્યુ હતું. ધીરે ધીરે એ આકૃતિ મારી તદ્દન નિકટ આવી ગઈ અને તેણે મને ઊંચકી એ યુ.એફ.ઓ.માં નાંખી દીધો જ્યાંથી એ પ્રકાશ આવતો હતો. યુ.એફ.ઓ. આકાશ તરફ ઉડ્ડયન કરી રહ્યું હતું. અંદર ખૂબ જ લાઈટ હતી અને ઘણા બધા બટન્સ પણ હતાં. આખરે એ યુ.એફ.ઓ. ક્યાંક ઊભુ રહ્યું અને તેનો ડોર ખૂલ્યો. મારી સાથેના ત્રણ એલિયન્સ અને હું બધા તેમાંથી બહાર નીકળ્યા. એ દુનિયા કંઈક અજબ જ હતી. પૃથ્વી કરતા સાવ અલગ. હું બાઘાની જેમ ચારેબાજુ જોઈ રહ્યો હતો. એલિયન્સ એમની ભાષામાં અંદરોઅંદર કંઈક વાતો કરી રહ્યા હતાં. તેમાંના એક એલિયને મારી પાસે આવી મારા હાથમાં એક પેનડ્રાઈવ જેવું કંઈક મૂક્યુ. એ પછી મને પાછો એ યુ.એફઓ.માં ધકેલી દીધો. યુ.એફ.ઓ પાછુ ગતિમાન થયું અને એક ધક્કો વાગતા હું ક્યાંક પટકાયો. મેં ઊઠીને આજુબાજુ જોયું તો હું જમીન પર એક ગાર્ડન જેવી જગ્યા પર પડ્યો હતો. ચારેબાજુ લોકોની અવરજવર હતી. થોડીવાર તો મને લાગ્યું કે હું સપનુ જોઈ રહ્યો છું પણ પેલી પેનડ્રાઈવ યાદ આવતા મેં શર્ટના ખિસ્સામાં હાથ નાખ્યો અને સાચે જ એ પેનડ્રાઈવ ખિસ્સામાં જ હતી. એક સજ્જનના હાથમાં છાપુ હતું અને તેમાં શુક્રવાર તા. 10 જાન્યુઆરી લખી હતી. મને તો લાગ્યુ હતું કે, થોડા જ કલાકમાં આ બધું બની ગયું હતું પણ અહીં પૃથ્વી પર તો પાંચ દિવસ વીતી ચૂક્યા હતાં. હવે કંઈ જ વધારે વિચાર્યા વગર મેં એક સાયબર કેફેમાં જઈ એ પેનડ્રાઈવ ચેક કરી. જોતાં જ મારા હોશ ઊડી ગયા. છેલ્લા કેટલાય સમયથી અમારી આઈ.ટી. કંપની આ સોફ્ટવેર બનાવવાનો ટ્રાય કરી રહી હતી તે એમાં રેડી હતું. આનો અર્થ એ કે આ બીજા ગ્રહના એલિયન્સ આપણા કરતાં ટેક્નોલોજીમાં ઘણા જ એડવાન્સ છે. હવે એમણે આપેલી આ ગિફ્ટ આપણને બધી જ મુસીબતોમાંથી ઉગારી લેશે મમ્મી..!’

મનોરમાબેન અને આર્યા તો હતપ્રભ થઈ અનિકેતની વાત સાંભળી જ રહ્યા હતાં. અનિકેતે બીજે જ દિવસે મિડિયા દ્વારા પોતાની જોડે બનેલી વાતનો ખુલાસો કર્યો. અનેક રીતે અનિકેતની ચકાસણી કર્યા પછી તેની વાતનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. અનિકેતે સોફ્ટવેરને દેશની સરકારને સોંપ્યું. અનિકેતની નિઃસ્વાર્થ રાષ્ટ્રભાવનાને ધ્યાનમાં રાખી તેનું સન્માન કરવામાં આવ્યું અને ગવર્મેન્ટ ઈન્સ્ટીટ્યુટમાં નોકરી આપવામાં આવી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract