Vandana Patel

Thriller Others

4  

Vandana Patel

Thriller Others

અંતિમ વિસામો

અંતિમ વિસામો

6 mins
430


          લીલા શેઠાણી સફેદ સાડીમાં લાલુ શેઠના ફોટા સામે બેઠા છે. ગુલાબના ફુલોથી સજ્જ ટિપોઈ પર હાર પહેરાવેલ ફોટો હવે છબી બની ગઈ. સાચે જ એ છબીએ લીલા શેઠાણીના મનમાં એવી કોતરણી કરી છે કે જાણે પોતે પણ થોડા દિવસના જ મહેમાન ન હોય ! લાલુ શેઠની યાદમાં આંસુ સારતા બેસી રહે છે. શેઠના બંને સંતાનો તો દિગ્મૂઢ જેવા થઈ ગયા છે. કોણ કોને હિંમત આપે ? આ બેસણાંનો સમય પુરો થવામાં જ છે. લીલા શેઠાણી ભૂતકાળમાં સરી પડે છે. પોતે શેઠ જોડે સુરતથી અહીં આવ્યા, ઘડિયા લગ્ન લેવાયા, પ્રેમની શરણાઈ ને લાગણીનો ઢોલ. બંનેમાં ગજબનું સામ્ય ને તાલમેળ એવો કે ક્યારેય બેસૂરો અવાજ ન આવ્યો. પ્રેમની હૂંફમા પોતાની જિંદગી કયારે અંતિમ પડાવે પહોંચી ગઈ એની ખબર જ ન પડી, શેઠની જિંદગીએ તો અંતિમ વિસામો લીધો. શેઠાણીબા વિચારોમાં જ હતા ને એનું ડૂસકું વાતાવરણને ચીરી હાજર રહેલ બધાના હ્રદયની આરપાર નીકળી જાય છે. બધા વારાફરતી ઊભા થઈને શેઠની છબીને વંદન કરી શેઠાણી બા અને બાળકોને હૈયાધારણા આપીને પોત પોતાના ઘર બાજુ પ્રસ્થાન કરે છે.

         આમ તો મનુ આ ઘરનો નોકર હતો પણ શેઠ શેઠાણીની લાગણીના કારણે આ ઘરનો સભ્ય જ બની ગયો હતો. બાળકો પણ મોટાભાઈ જેવું જ વર્તન કરતા. હંમેશા બે-બે પગથિયા ઠેકતો એ શેઠની ટકોર સાથે યાદ આવતા જ પગથિયા પર ફસડાઈ પડે છે.

            લીલા શેઠાણી પોતાના સંતાનો સાથે રૂમમાં બેઠા છે. સાંજના જમવાની થોડી વાર હોવાથી આકાશ અને ધરા મમ્મીને પૂછે છે કે તમારા માટે કંઈક અલગથી બનાવડાવીએ ? કાલનું કંઈ ખાધું નથી. લીલા શેઠાણીએ ના પાડી, પોતાના સંતાનોને ભેટીને રોઈ પડે છે કે હવે હું કેમ જીવીશ ? તમારે બંનેને દાદા -દાદી ,નાના-નાની તો છે નહી કે કોઈ અહી આવીને આપણી હિંમત બનીને રહે. આ સાંભળીને ધરાએ કહ્યુ કે તો આટલું મોટુ સામ્રાજ્ય એકલા હાથે અમારા પપ્પાએ કેવી રીતે ઊભુ કર્યુ ? લીલા શેઠાણી સ્તબ્ધ થઈ જાય છે. જવાબ આપવો કે ન આપવો એવી અવઢવમાં હતા, ત્યાં તો આકાશ બોલ્યો કે નાના- નાની તો બહુ પહેલા ગુજરી ગયા હતા. એ તો ખબર જ છે, મમ્મી એના નાનીમાને ત્યાં જ ભણ્યા છે. હા બેટા, કહી શેઠાણી પાછા રોઈ પડે છે. ત્યાં તો મનુ જમવા માટે બોલાવી જાય છે. આકાશ અને ધરા પરાણે મમ્મીને જમવા લઈ જાય છે.

            જમીને શેઠાણી પોતાના રૂમમાં ઈશ્વર સ્મરણ સાથે માળા કરતા બેઠા છે. આકાશ અને ધરા થોડીવાર પપ્પાના     રૂમમાં જવાનું નક્કી કરે છે. બંને રૂમમાં થોડીવાર બેસી કબાટ વ્યવસ્થિત કરતા હોય છે, ત્યાં તો એક કપડાંની બેવડમાંથી એક કાગળ નીચે પડે છે. આકાશનું ધ્યાન પડતા કાગળ ઉઠાવે છે. ધરા તો હજી પપ્પાના ઝભ્ભાની ગડી કરવામાં જ ..........

                     આકાશ ધરાને ખભેથી હલાવે છે તો ધરાના આંખોમાંથી અશ્રુ મોતી ખરે છે. પલંગની કિનારે બંને બેસે છે, ત્યાં જ ધરાનું ધ્યાન આકાશના હાથમાં રહેલ કાગળ પર પડે છે. આકાશ ધ્રુજતા હાથે કાગળ ખોલીને વાંચવાનું શરૂ કરે છે.

ચિ. આકાશ અને ચિ. ધરા,

         તમે બંને ઈશ્વર કૃપાથી અને બા-દાદાના આશીર્વાદથી સંસ્કારી છો. તમે બંને તમારુ તથા બા- દાદાની સંપત્તિનું ધ્યાન રાખજો. મને તો નાની ઉંમરથી જ મારા શોખ માટે વૈરાગ્ય આવી ગયો હતો. મેં બા-દાદાની સાદાઈ અને પરોપકાર મારા જીવનમાં વણી લેવાનો ભરપુર પ્રયાસ કર્યો. લીલા સાથે કેવી રીતે લગ્ન થયા એ તો તમે બંને જાણો જ છો.

                મને મળેલ સફળતા બા- દાદાના આશીર્વાદ અને તેઓના મર્યા પછી મને પોલીસ ન પકડે એવી તેઓએ ઈશ્વરને કરેલ અરજનું ફળ છે.

   બંને ભાઈ બહેન આશ્ચર્યથી એકબીજા સામે જોઈ આગળ વાંચે છે.

             આકાશ બેટા, હું તને જીવતા ન કહી શક્યો પણ મને લાગે છે કે તું દાદાનો બીજો જન્મ છે. તું તારી સંપત્તિનો માલિક છે. મેં તો ખાલી દેખરેખ રાખી છે. તારા ડાબા હાથની હથેળીમાં અંગૂઠા નીચે તલ અને અંગૂઠા પર લાલ લાખ એ બંને દાદાના હાથની નિશાની છે. તારા જન્મ સમયે જે ખુશી હતી તે દાદા એની ધન સંપતિ ભોગવવા પાછા આવી ગયાનો સંતોષ હતો. સુરતમાં 'બા-દાદાનું ઘર' નામનું ઘરડાઘર છે, ત્યાં પહેલા દર વર્ષે દસ લાખ અને હવે પંદર લાખનું દાન આપુ છું એ તું ચાલુ રાખજે. બાકી અનાથાશ્રમ, ચબુતરાનું દાન, વિધવા સહાય વગેરેના કાગળ તમારી મમ્મીને આપતો જાઉં છું. મારી સાદગીએ લીલાને ઘણી અકળાવી હશે, પણ મેં મારા પ્રાયશ્ચિત રૂપે ક્યારેય સંપત્તિનો દુર્વ્યય કે દુરુપયોગ નથી કર્યો. તારો જન્મ એ દાદાનો પુનઃજન્મ, લીલાએ પણ તે દિવસે માન્યો, જે દિવસે તું અવનીને પહેલી વાર આપણા ઘરે લાવ્યો હતો. અવનીના દાઢી નીચે તલ અને પગના પંજા પર લાલ લાખ એ બા નો પુનઃજન્મ છે. તમે બંને તમારી સંપતિ સંભાળી લો. હું સંતોષ સાથે જાઉ છુ કે મારા બાળકો ધર્મ,નીતિ, પ્રમાણિકતાની જિંદગી જીવશે.

        ધરા દીકરી, તારો અભ્યાસ પૂરો થાય પછી જ લગ્ન કરજે. તારા મમ્મીએ સ્વમાનેર નોકરી કરી. કદાચ એ પણ બા-દાદાની થાપણ ઓછી કરવા ન માગતી હોય ! અથવા વિદ્યા દાનથી મોટું કોઈ દાન નથી. શિક્ષણનું મહત્ત્વ તું જાણે જ છે છતા કહું છું કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવુ પડે તો જજે. તમારી મમ્મીનું ધ્યાન રાખજો. એ મારા વગર નહી રહી શકે તો કદાચ મારી પાછળ પાછળ ચાલી આવે, બા-દાદા જે દયા,મમતા, પ્રેમના પાઠ શીખવી ગયા એ દુનિયાને શીખવજો અને તમારા પોતાના જીવનમાં અમલ કરજો. તમારા મમ્મીને એક પત્ર આપી રાખ્યો છે. એ મારો માફીપત્ર તમારા મમ્મીના ગયા પછી વાંચજો.

લી. તમારા બંનેના પપ્પા,

 લાલુ શેઠ.

               પત્ર પુરો કરી ગડી વાળીને કબાટમાં મુક્યો, ત્યાં તો મનુની ચીસ.......નાના શેઠ.........નાના શેઠ..........

               બંને ભાઈ બહેન ફટાફટ મમ્મીના રૂમ તરફ ભાગ્યા. મમ્મી.... મમ્મી .....બંને ચીસાચીસ કરી મુકે છે. શેઠાણીબા કહે છે કે બેટા, તારા પપ્પા તમારા બંને માટે.....વચ્ચેથી જ ધરા કહે છે કે હા મમ્મી, અમે પપ્પાનો પત્ર વાંચી લીધો છે. અને તમને આપી ગયા છે એ...... ના, મમ્મી અમારે એ પત્ર નથી વાંચવો. આકાશે ડોક્ટરને ફોન કરી દીધો હતો. આકાશ પણ કહે છે કે મમ્મી, તમે પહેલા સાજા થઈ જાવ પછી બીજી બધી વાત.

શેઠાણીબા : બેટા, અવનીને તું પહેલીવાર આ ઘરમાં લાવ્યો ત્યારે મેં અવનીને ચાંદીની ઝાંઝર પહેરાવી હતી, યાદ છે તને ?

આકાશ : હા મમ્મી.

શેઠાણીબા: બસ તે જ દિવસે મેં અવનીના પગના પંજા પરનું લાલ લાખ જોયું એ બા ના પુનઃજન્મની નિશાની છે. તારા પપ્પા મને વારંવાર કહેતા કે બા-દાદા એની નિશાની લઈને આવે તો હું નિરાંતે આ દુનિયા છોડી શકું. તેઓએ અંતિમ વાર બાને પ્રણામ કર્યા ત્યારે આ લાલ લાખ જોયું હતું. અને દાદાને જમુનાજી પાયા ત્યારે ડાબા હાથની નિશાની જોઈ હતી. મારા ગયાના સવા મહિના પછી તું અને અવની લગ્ન કરી લેજો. તારા પપ્પાએ આપેલ દાનના બધા કાગળ અને ચેક મારી તિજોરીમાં છે. તમે બંને વાંચીને એ મુજબ કરજો. આકાશ,તું ધરાનું ધ્યાન રાખજે.......યોગ્ય જગ્યાએ લગ્ન કરાવજે.

ધરા, તું અને આકાશ સંપીને રહેજો.

શેઠાણીબાએ અંતિમ શ્વાસ લીધા. અંતિમ વિસામો....

બંને ભાઈ- બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મનુ પણ દુઃખથી ભાંગી પડે છે.

      હજી ભાઈ- બહેન કંઈ સમજી નથી શકતા કે આટલો પ્રેમ મમ્મી -પપ્પા બા-દાદાને કરતા હતા તો તેઓ આપણી સાથે કેમ નો'તા રહેતા. આજ સુધી કોઈ ઉલ્લેખ પણ નહીં !

             અંતિમ વિધિ પછી મમ્મીના રૂમમાં આવ્યા. ઓશીકા પર ચીઠ્ઠી પડી હતી. ધરાએ ફટાફટ લઈ લીધી. ધરાએ વાંચ્યુ કે .....

મારા વ્હાલા બાળકો,

           જે બા-દાદાનો ઉલ્લેખ આજે ઘરમાં થયો તે સુરતના ઘરડાઘરમાં રહેતા હતા. તમારા પપ્પાના હાથે એમની હત્યા થઈ. આખી જિંદગી પસ્તાવામાં પસાર થઈ. દાન-ધર્મ બહુ    કર્યા. આકાશ અને અવની જ બા -દાદા તરીકે પાછા આવ્યા  છે, એવી ખાતરી થવાથી સંતોષ સાથે અંતિમ શ્વાસ લીધા.   તમે બંને તમારા પપ્પાનો પત્ર જે બા- દાદાને લખેલ છે તે આરામથી વાંચશો. તમારા પપ્પા એક ગરીબ યુવાનમાંથી    લાલુ શેઠ કેવી રીતે બન્યા એનું વર્ણન એમાં કરેલું છે.

            જ્યારે અંતરમનની ન્યાયાલયમાં મન જ આરોપી ને આત્મા ન્યાયાધીશ બને ત્યારે બહારનું ન્યાયાલય પણ કઈ વિસાતમાં

           તમારા પપ્પાને તમે કદાચ ત્યાં વધારે ઓળખી શકો. મનુના પરિવારનું ધ્યાન રાખજો.

લી. તમારી મમ્મીના આશીર્વાદ.

 આકાશ અને ધરા આઘાતમાં ........અમારા પપ્પા એક હત્યારા..........એક હત્યા નહી ને બે-બે...હત્યા........ !

આવતા અંકે એ પત્ર...........


Rate this content
Log in

Similar gujarati story from Thriller