અંતે
અંતે


અમેરિકાના રોડ સંગે મરમર જેવા, કોઈ પડે નહીં, ભટકાય નહીં અકસ્માત તો લગભગ થાય જ નહીં - સુખદ પણ નહીં.
આજે પચીસ વર્ષ પુરા થશે અમેરિકામાં. કોઈ ઇન્ડિયાથી પૂછે સેટ થઈ ગયા ત્યારે અપસેટ થઈ જાઉં છું.
રસ્તામાં રોજ જેટલો જ ટ્રાફિક હતો. માણસ તો ઘણા બધા હતા પણ કોઈ ઓળખીતું નહીં. જોયેલા ઘણાંને, ઘણાં તો વીસ વર્ષમાં રોજ મળતા હોય એવા પણ સંબંધ સામસામા નીકળવાનો જ. બીજું કંઈ નહીં. અહીં બીજું કંઈ હોતું જ નથી સૌ માત્ર પોતે જ હોય છે!
હું ઝડપથી ઓફીસ જવાને બદલે ઘરે પાછો આવ્યો. કાજલે પૂછયું, " કેમ આટલા જલદી પાછા?"
"જલદી!" હું અકળાઈ ઉઠ્યો. બહુ મોડું થયું છે. "હું કઈ સમજી નહીં", કાજલ ચિંતાથી બોલી.
"જલદીથી સામાન પેક કર", મેં અધિરાઈથી કહ્યું." કેમ ફરવા જવું છે ક્યાંય" કાજલે આનંદમાં આવીને પૂછયું. "હા, ફરી જવું છે" મેં કહ્યું.
"ક્યાં" કાજલ મને વરતી ગઈ હોય તેમ મારી આંખમાં આંખ પરોવીને બોલી. "વતન".