અનોખી પ્રેમકહાની
અનોખી પ્રેમકહાની


વર્ષો પહેલાની વાત છે. ઘૂમલી ભંગાણા પછી જ્યારે જેઠવા કૂળ અલગ પડયું ત્યારબાદ એમાથી આગળ જતાં એક સાંખ રાવલિયા આવી. આ રાવલિયામાં એક ફૂટડો જુવાન પાક્યો અને એનું નામ ખેમરો. દ્વારકાના સૂર્યવદર ગામમાં ખેમરાની બહાદુરીના ગીતો ગવાતાં. આ ગામ સામે કોઈ ડાકુ કે લૂંટારા આંખ પણ માંડી શકતાં નહોતા.
વિધિના લેખ કોણ જાણી શક્યું છે અને આ લેખ પતમાને સૂર્યવદરથી સેંકડો ગાઉ દૂર ખંભાતમાં રહેતાં જેરામ મહેતાના ખમતીધર સંસ્કારી અને ખાનદાની ખોરડે ઉછરેલ ફુલડું એટલે લોડણ. ભાગ્યશાળી દીકરીના પ્રતાપમાં જેરામ મહેતાના વહાણ અનેક દેશમાં હાલતાં. આવા વૈભવ વચ્ચે પણ વૈરાગીની જેમ જીવી જાણે એવો મનખા દેહ એટલે જેરામ મહેતા.
જેરામ મહેતાના આંગણે ઘણીવાર સાધુ અને સંતોનો સત્સંગ થાય, ભજન-કીર્તન થાય. એકવાર આવા જ ભજન-કિર્તનમાં મીરાબાઈનાં કૃષ્ણપ્રેમની ગાથા ગવાતી હતી. બધા માત્ર સાંભળી રહ્યાં હતાં પણ લોડણ તો જાણે મીરામાં જ ઓગળી રહી હતી. " કાનાને પામવાના કોડ પૂરા કરવા કેવી ભક્તિ કરવી પડે, બાપજી?", લોડણના આ સવાલનો છોકરમત ગણી સાધુએ તેને આ ભૂલવાડવા આકરી વાત કરી નાખી. સાધુએ કીધું," બેટા એના માટે તો તારે કઠણ તપ આદરવું પડે. આજથી જ પરપુરુષનું મોઢું જોવાનું બંધ કરી અને ઉંમરલાયક થા ત્યારે સીધું પહેલું મોઢું કાનુડાનું જોવે તો જ એને પામે."
અહીંથી જ લોડણનાં સતીત્વના મંડાણ. એણે તો જેરામબાપા અને એનાં ભાઈ સિવાય કોઈનેય ન જોવાનું આકરું પ્રણ લીધું. મનોમન કાનુડાની મુરત જોવાના કોડ સાથે જીવન વિતાવે છે. અંતે એ દિન પણ આવી પૂગ્યો. લોડણ મોટો સંઘ લઈ ખંભાતથી દ્વારકા જવા નીકળ્યાં. હાલતાં-હાલતાં સંઘ રાવલ પહોંચે છે. સંઘનું પગેરું દબાવતાં કેટલાંક ડાકુઓ દી આથમે સંઘ પર લૂંટના ઈરાદે હિચકારો હુમલો કરે છે પણ સાની નદીના કાંઠે પોતાનાં ખેતરમાં પાણી વાળતા ખેમરાને આની ભનક આવી જાય છે. સંઘની વહારે આવેલ ખેમરો જીવ સટોસટની લડાઈ કરી ડાકુઓને ભગાડે છે. હવે આ ગડમથલમાં જ રાત ત્યાં પડી જતાં સંઘને ત્યાં રાતવાસો કરવો પડે છે.
લોડણની ભક્તિની વાતું સાંભળીને ખેમરો પણ જાણે એને એની વિધાતા જાણે બોલાવી રહી હતી. ખેમરાએ કયેય નહીં ને આજે ભારે હઠ લીધી. માવડિયુંએ ઘણોય વાર્યો પણ એ તો કોઈ કાળે માને જ નહીં. " ઈ સતીના તપ ન તોડાય ખેમરા. સતનાં પારખાં ન હોય મારા બાપ", કહીને બધી બાઈઓએ એને સમજાવ્યો પણ એનો ઉત્તર વાળતાં કીધું, " એનું નીમ નઈ ભાંગુ. આઘેથી મોઢું જોઈને પાસો વળી જાહય." પણ આને લઈ કેમ જાવો એ બધાં વિચારવા મંડ્યા. છેવટે ખેમરાની ભોજાઈના કપડાં પહેરાવીને એને લઈ ગ્યા.
લોડણ સહુ શ્રધ્ધાળુ સાથે સત્સંગ કરી રહ્યાં છે ત્યારે આ ટોળું આવે છે. વિધાતાનાં લેખમાં કોણ મેખ મારી શકે? હજાર હાથવાળાની ઈચ્છા પ્રમાણે આ ટોળું આવતું હોય ત્યારે તેની આડું એક વોકળું આવે છે. પુરુષસહજ સ્વભાવથી ખેમરો એ ઠેકે છે જ્યારે બાકીની સ્ત્રીઓ એમાં પગ બોળીને ચાલે છે. લોડણનું ધ્યાન ત્યાં જ જાય છે. એને ખેમરાના પગ જુદા જણાય છે. ઈશ્વર ઈચ્છાથી જ લોડણ ખેમરાની સાડીનો ઘૂમટો ઉઠાવે છે અને એના નીમનો ભંગ થાય છે. ખેમરામાં જ તેને કૃષ્ણ દેખાય છે. હરિ ઈચ્છા બળવાન ગણી લોડણ તેની સાથે દ્વારકાની જાત્રા પુરી કરીને ચોરીના ચાર ફેરા ફરવાનો કોલ આપે છે. ખેમરો જાત્રા પુરી કરવાની રજા આપે છે.
તગડેલા ડાકુ આવીને રાતમાં દગેથી સૂતેલા ખેમરાને મારી નાખે છે.
દ્વારકાના દરિયા કિનારે પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરી ૫૬ પગથિયાની સીડી ચડી અને દ્વારકાધીશની મંગળા આરતીનાં દર્શન કરી રહેલ લોડણને આ દૃશ્ય ત્યાં સ્વપ્ન સ્વરૂપે દેખાય છે. અમંગળ ભાસતા લોડણ મનોમન પ્રાર્થના કરે છે.
સંઘ ઝડપથી પાછો આવે છે પણ ખેમરો તો ખાખ થઈ ગ્યો છે. કાળજું ફાડી નાખે એવું રુદન કરી લોડણ માથું પછાડી - પછાડીને પ્રાણનો ત્યાગ કરે છે અને આ બેલડીની પ્રિત્યુંને પોખવા ચારણ લલકારે છે,
"કોઇ ચડાવે સિંદૂર , કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોહી, તારી ખાખ માથે ખેમરા !"