Mariyam Dhupli

Thriller

2.0  

Mariyam Dhupli

Thriller

અનન્ય

અનન્ય

4 mins
770


ટ્રેનના એ કમ્પાર્ટમેન્ટમાં દરરોજ જેવીજ ભીડ હતી. પહેલી વાર મુસાફરી કરતા લોકો કદાચ આવી ભીડમાં ગૂંગળાઈ જ જાય. પરંતુ મારી જેમ દરરોજ અપડાઉન કરી નોકરીએ આવતા જતા લોકો આવી ભીડભાડથી સંપૂર્ણ ટેવાઈ ગયેલા હોય. આ ભીડનું ગણિત પણ કેવું અટપટું ! ક્યારેક મનમાં પ્રશ્ન ઉઠે. વ્યક્તિ જયારે એકાંતમાં હોય એનાથી વધુ એકલતા અજાણી ભીડમાં શા માટે અનુભવે ? હજારો અજાણ્યા લોકો આસપાસ હાજર હોય ત્યારની એકલતા વધુ અકળાવતી હોય.


મારી અકળામણનો સામનો કરવા મારુ પુસ્તક હંમેશા મારા હાથમાં થમાયેલુંજ હોય. એક પછી એક લોકલ ટ્રેનના દરેક સ્ટેશન પર થોભતી ટ્રેન એનો પૂરતો સમય લઇ આગળ વધતી હોય અને એ દરમ્યાન હું પુસ્તક થકી કોઈ જુદાજ સ્થળના સમય અને કાળમાં પરોવાયેલી હોવ. 


એ દિવસે પણ હું મારી પુસ્તક યાત્રામાં ટેવ પ્રમાણે વ્યસ્ત હતી. હજી પાંચ સ્ટેશન કાપવાના હતા. ત્યાં સુધીમાં તો મારી યાત્રા ઘણી આગળ ધપી શકશે એ ઉત્સાહસભર મારો હાથ પુસ્તકનું પાનું ઝડપથી ઉથલાવવા પ્રયાસ કરી રહ્યો. એ ક્ષણ દરમ્યાન મારી નજર અનાયાસે ઉપર ઉઠી. સામેની સીટ ઉપર ગોઠવાયેલા કોઈ અજાણ્યા યાત્રીની નજર એજ સમયે મારી દ્રષ્ટિ જોડે અથડાઈ. 

એક ઔપચારિક હાસ્ય મારા તરફ દર્શાવી એની નજર ફરીથી પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર જઈ ગોઠવાઈ. 


મારું ધ્યાન ફરીથી કેન્દ્રિત કરતી હું પુસ્તકમાં પરોવવા પ્રયાસ કરી રહી. મારી યાત્રા થોડી આગળ વધીજ કે મનમાં થોડી કુતુહલતા જાગી. 


પુસ્તકમાંથી ચોરીછૂપે માર્ગ કાઢતી મારી આંખો ફરીથી સામેની સીટ ઉપર આવી તકાય. મારી કુતુહલતાને વધુ પ્રજ્વલિત કરતી એ અજાણી વ્યક્તિ પોતાના મોબાઈલમાં શાંતિથી ધ્યાનમગ્ન પરોવાયેલી હતી. 


હવે મારી જીજ્ઞાસા અત્યંત તત્પર થઇ ઉઠી.


એકવાર મને નિહાળ્યા પછી પણ એની દ્રષ્ટિ ફરી ઉપર ન ઉઠી ? મારા માટે એ ખુબજ આશ્ચર્ય અને નવાઈસભર બાબત હતી. આજ પહેલા આવો કોઈ અનુભવ મને થયો ન હતો,કદાચ એટલેજ. એની આજુબાજુની સીટ ઉપર ગોઠવાયેલા યાત્રીઓ મને ક્યારના એકીટશે નિહાળી રહ્યા હતા. એ તો મારો રોજિંદો અનુભવ હતો.


એકવાર મને નિહાળી લેનાર મને ફરી નિહાળવા જાણે વિવશ થઇ ઉઠે. મારા ચ્હેરા ઉપર એમની આંખો એવી રીતે અવિરત ચોંટી રહે જાણે મધ ઉપર મધમાખી. ટગર ટગર ઘુરતી આંખોથી હું ટેવાયેલી હતી. કલાકો સુધી મારા ચહેરાનું રસપૂર્વક દર્શન કરતી આંખો મારા માટે રોજિંદો જીવન ક્રમ હતી. 


પણ આજે આ ક્રમ કોઈએ તોડ્યો હતો. પહેલી વાર કોઈએ મને ફરીથી નિહાળવા આંખો ઉપર ઉઠાવી ન હતી. ટગર ટગર મોબાઈલમાં વ્યસ્ત એ દ્રષ્ટિને મારામાં કે મારા ચહેરામાં કોઈ રસ ન હતો. આજે કોઈ મને નહીં હું કોઈને ચોરીછૂપે ઘુરી રહી હતી.


પણ નહીં, એ વ્યક્તિની આંખો તો પોતાના મોબાઈલમાં જડાઈ ચુકી હતી. એની ધ્યેયબદ્ધ દ્રષ્ટિથી મારી સાહિત્ય યાત્રા થંભી ગઈ હતી. એક પછી એક સ્ટેશન ઉપર અટકતી ટ્રેન જોડે મારી નજર પણ વારેઘડીએ સામે બેઠા અજાણ્યા વ્યક્તિત્વ ઉપર આવી અટકતી હતી. એક વાર તો એ ફરીથી મને નિહાળશેજ , મારા મનની એ ખાતરીને દરેક સમયે નિરાશાજ મળી રહી હતી. 


આખરે મારું સ્ટેશન આવ્યું અને હું પુસ્તક સંકેલી ઉભી થઇ. મારી સામેની સીટ ઉપરથી એ અજાણી વ્યક્તિ પણ પ્લેટફોર્મ ભણી આગળ વધી. બન્નેની મંઝિલ એકજ હતી એ જાણી મનમાં હળવી ખુશી ઉપજી.


પ્લેટફોર્મ ઉપર એના ડગલાં અતિવેગે આગળ વધી રહ્યા હતા. પાછળ લટકાવેલી બેગ વ્યવસ્થિત કરતો એ ઝડપથી ટેક્ષી સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો.


થોડીજ ક્ષણોમાં એ આંખોથી ઓઝલ થઇ જશે એ વિચારે મન થોડું વિહ્વળ થયું. મનમાં ઉભરાઈ રહેલો પ્રશ્ન એની સામે મૂકવા હું અધીરી બની. મારા ડગલાની ઝડપ એના ડગલાની ઝડપ સાથે મેળ ખાઈ શકે એ માટે શરીરે દોડ લગાવી. 


 " એક્સક્યુઝ મી. .."


મારા ઊંચા અવાજના પ્રત્યાઘાત સ્વરૂપે ઘણા ચ્હેરા પાછળ ફર્યા. એમાંનો એક ચહેરો એનો પણ હતો. 


પોતાના માટે જ આ સાદ હતી, એ વાતની ચકાસણી કરવા એણે શરીરના હાવભાવોનો સહારો લીધો. દૂરથી જ ઈશારા જોડે હું સહમતીમાં ડોકું ધુણાવી રહી. 


અર્ધી મિનિટમાંજ હું હાંફતી શ્વાસો જોડે એની સામે આવી ઉભી રહી. મારા શબ્દો પણ મારી શ્વાસો સમા હાંફી રહ્યા હતા.


" એક્ચ્યુલી, હમણાં હું એજ કમ્પાર્ટમેન્ટમાં હતી જ્યાં આપ. ..."


હું આગળ કઈ બોલું એ પહેલાજ એણે મારા શબ્દોની પુષ્ટિ કરી. 


" હા, હું જાણું છું. આપને જોયા હતા..."


એના શબ્દોમાં પરિપક્વતા અને આદરનું સુંદર સંમિશ્રણ હતું. એ થકી મારા મનનો પ્રશ્ન એની આગળ હું નિઃસંકોચ ધરી શકી.


" હું દરરોજ આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરું છું. ભીડની વચ્ચે અત્યંત આત્મવિશ્વાસથી રહું છું. કલાકો સુધી એકીટશે નિહાળતી દ્રષ્ટિઓનો સામનો કરું છું. ક્યારેક એવું લાગે કે હું સંગ્રહાલયમાં સચકાયેલ એક એન્ટિક કે અજાયબીની વસ્તુ સમી છું. ફક્ત મને નિહાળવા માટે લોકોને ટિકિટ ખરીદવાની જરૂર નથી પડતી. ટગર ટગર અવિરત ઘુરતી એ પ્રત્યક્ષ સીધી નજરોને કોઈ આડ લેવાની પણ દરકાર નથી હોતી. હું એમને નિહાળતી હોવ તો પણ એમની આંખોના હાવભાવોને બદલવાની એમને જરૂર નથી લાગતી. વર્તનની એ મૌન નફ્ફટાઈથી હું ટેવાઈ ચુકી છું. પણ આજે જયારે તમારું વર્તન જોયું તો હું સાચેજ સ્તબ્ધ થઇ ગઈ. મને વારેઘડીએ ધ્યાન દઈ અજાયબી માફક નિહાળવાની તમને જરૂર ન લાગી ? તમારું વર્તન સજ્જનતા હતી કે પછી મારા તરફનો પરાકાષ્ઠાએ પહોંચેલ અણગમો ? "


મારો પ્રશ્ન કડવો હતો પણ શબ્દેશબ્દ સાચો. મારા કડવા પ્રશ્નના પ્રત્યાઘાતમાં સામેથી એટલુંજ મીઠું હાસ્ય હવામાં ગુંજી ઉઠ્યું. એ મીઠાશ એના શબ્દોમાં પણ સહજતાથી અનુસરી.


" ઉપરવાળાએ દરેકને અનન્ય સર્જન તરીકે ઘડ્યા છે. હું તમારાથી , તમે મારાથી અને આપણે બધા જ એકબીજાથી સ્વરૂપે, આકારે, કદે ભિન્ન - જુદા છીએ. આ જુદાપણું , આ ભિન્નતા , એકબીજાથી અલગ હોવું કે અનન્ય હોવું એ આપણી જન્મજાત ખૂબી છે , આપણી માનવીય વાસ્તવિકતા છે , આપણું ગૌરવ અને આપણો પ્રાકૃતિક અધિકાર પણ છે. જે રીતે મારા અનન્ય અસ્તિત્વને આપ માન આપો, એજ રીતે આપના અનન્ય અસ્તિત્વને માન આપવાની મારી પણ તો ફરજ છે. આ ફરજ દરેક વ્યક્તિ માટે એક સરખીજ છે. મારી ફરજ મારે નિભાવવીજ રહી. ..."


પોતાના મીઠા ટહુકા જોડે આખા પ્લેટફોર્મને અને મારા દિવસને પણ મીઠાશથી ભરી જઈ રહેલા એ ' અનન્ય ' માનવીને હું હેરતથી તાકી રહી. 


જન્મજાત અયોગ્ય વિકાસ પામેલા મારા ચહેરાના દરેક અંગ એ દિવસે સાચી ખુશીથી તરબતર હતા.....!


Rate this content
Log in

Similar gujarati story from Thriller