Mariyam Dhupli

Drama Romance Thriller

2.1  

Mariyam Dhupli

Drama Romance Thriller

અનંત પ્રેમ

અનંત પ્રેમ

15 mins
960


" બેટા એને તારી જોડે પરત લઇ આવજે . અમે જાણીએ છીએ કે તુજ એને મનાવી શકે છે . એ તારી વાત જરૂર સાંભળશે . હવે તુજ અમારી એક આખરી આશ છે . પ્લીઝ ..."

વૃદ્ધ જોડેલા હાથને દિશાંતે આશ્વાસનપૂર્ણ થામી લીધા . 


" તમે ચિંતા ન કરો . સૌ ઠીક થઇ જશે ."

ટ્રેનનો ઉપડવાનો સમય થઇ ચુક્યો હતો . એની આગાહી આપતી સિટીથી આખું પ્લેટફોર્મ ગુંજી ઉઠ્યું . વૃદ્ધ દંપતીને પગે લાગી દિશાંત શીઘ્ર પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવી ગોઠવાયો . ધીરે ધીરે આગળ વધતી ટ્રેન મુંબઈની દિશામાં ઝડપ વધારતી પ્લેટફોર્મ છોડી રહી . એ ઝડપની સાથે પ્લેટફોર્મ ઉપર ઉભેલું વૃદ્ધ દંપતી આંખો સામેથી ઓઝલ થઇ ગયું .


પાંચ કલાકની મુસાફરી હતી . પરંતુ એક એક ક્ષણ જાણે હૃદયને અધીરું બનાવતી તાણયુક્ત માહોલ રચી રહી હતી . મનમાં ફક્ત એકજ વિચાર શપથ સમો પુનરાવર્તિત થઇ રહ્યો હતો .

' કઈ પણ થઇ જાય ' દીપશિખા ' ને એટલે કે અમારી જ્યોતિને ઘરે લઇ જ આવવાનું છે .'


ટીસી ને ટિકિટ બતાવી દિશાંતે બારીની બહાર નજર નાખી . બધુજ આગળ વધી રહ્યું હતું છતાં કશે દૂર દૂર દ્રષ્ટિમાં બધું વિરુદ્ધ દિશામાં દોડી રહ્યું હતું . એ તો દ્રષ્ટિ અને ઝડપનું સાદું વિજ્ઞાન હતું . પરંતુ એની ભીતર સમયની વિરુદ્ધ દિશામાં દોડી રહેલા વિચારો લાગણીઓ અને પરિસ્થતિઓના ગૂંથાઈ ગયેલા તાંતણાઓ સિવાય અન્ય શું હતું ? ટ્રેનના પાટાઓ અને પૈડાઓ વચ્ચેથી ઘર્ષણ કરતો ધ્વનિ ધીરે ધીરે દિશાંતના કાનમાંથી આલોપ થઇ રહ્યો હતો અને એની જગ્યાએ પોતાનો અને જ્યોતિનો અવાજ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો .


" જોજે દિશાંત થોડા સમયમાં આપણી રેસ્ટોરાં આ શહેરની પ્રખ્યાત રેસ્ટોરાંની યાદીમાં સમાવેશ પામશે . આ હિલસ્ટેશની નંબર વન રેસ્ટોરાં . ડી એન્ડ જે રેસ્ટોરાં ."

" ઓ મેડમ જરા ધીરે ધીરે . સ્વપ્નો જોવામાં કશું ખોટું નથી. પરંતુ મહેનત અને પરસેવા વિનાના સ્વપ્નો ફક્ત સ્વપ્નો બનીને જ રહી જાય છે . "

" ઓ મિસ્ટર એમ .બી .એ . ફક્ત ડિગ્રીથી બધું ન મળી જાય . ક્રિએટિવિટી તો જન્મજાત જ મળતી હોય . મારી ક્રિએટિવિટીના સ્પર્શથી તારી રેસ્ટોરાંનું આખું સ્વરૂપ બદલાઈ ગયું . એ તો માનશે કે નહીં ? "


" અરે રેસ્ટોરાં શું ? મારા તો આખા જીવનનો ચહેરોજ તે બદલી નાખ્યો . સુંદર અને આહલાદક . "

" આ કરીને મારા પતિ જેવી વાત . પણ હા મારી શરત યાદ છે ને ? બિઝનેઝમાં કોઈ પતિ નહીં કોઈ પત્ની નહીં . વી આર ઈક્વલ પાર્ટનર્સ . "

" યસ બોસ . બધુજ યાદ છે . સાત ફેરાઓનું વચન પણ અને બિઝનેઝની ૫૦ -૫૦ ડીલ પણ ."

" ધેટ્સ ગુડ ફોર યુ માય પાર્ટનર . જો ડીલ માં કઈ પણ ગડબડ કરી તો ......"

" અરે મારે મરવું છે કે શું ? ગબ્બર સિંહ જોડે પંગો લેવાય ?"


" શું કહ્યું ? થોભ હમણાં બતાવું છું . ક્યાં ભાગે છે ? દિશાંત આમ ગોઈંગ ટુ કિલ યુ . થોભ ...."

" કેચ મી ઇફ યુ કેન ....."


ટ્રેન એક ધક્કા જોડે ઉભી રહી ગઈ . દિશાંતની નજર પ્લેટફોર્મના બોર્ડ ઉપર આવી તકાઈ . ઘણા સ્ટેશનો પસાર થઇ ચુક્યા હતા . ટ્રેનના પણ અને જીવનના પણ . એક નિસાસા જોડે એણે બેગ હાથમાં લીધી . સ્ટેશન ઉપર થોડી તાજી હવા લેવા એ નીચે ઉતર્યો . ચાની લારી પર એક ચા ઓર્ડર કરી . પાસેના બાંકડા ઉપર ગોઠવાઈ ચાની ચુસ્કી જોડે એણે મનને શાંત કરવાનો એક નિષ્ફ્ળ પ્રયાસ કરી જોયો . રેડિયો ઉપરથી ક્લાસિક સંગીત પ્લેટફોર્મને મધુર ગીતની ભેટ આપી રહ્યું હતું .


" ઓ સાથી રે તેરે બિનાભી ક્યા જીના ?...."


એજ સમયે એક સુંદર યુગલ હાથમાં હાથ પરોવી એકબીજામાં ખોવાયેલું અત્યંત નજીકથી પસાર થયું . ગરમ ચામાંથી ઉઠી રહેલ વરાળ આંખોને સહેજ ધૂંધળી કરી રહી . એ ધૂંધળી વરાળ વચ્ચેથી જૂની યાદો ધૂંધળી પરિસ્થિતિમાંથી મનની સપાટી ઉપર ધીરે ધીરે સ્પષ્ટ ડોકાવા લાગી . 


" દિશાંત યુ વોન્ટ બીલીવ એમણે શું કહ્યું . પહેલા તો થોડી ક્ષણો એ મને નિહાળતાંજ રહ્યા . અવિરત ,એકીટશે . જાણે કોઈ અજાયબી નિહાળી લીધી હોય . અને હું તો તદ્દન સ્તબ્ધ . વિશ્વાસ કઈ રીતે થાય કે દેશના ટોચના અભિનેતા અને દિગ્દર્શક આપણી રેસ્ટોરાંમાં !? હિંમત કરી ગળું ખંખેરી આખરે બોલવાનો પ્રયાસ કર્યો . સર મે આઈ હૅલ્પ યુ ? અને કઈ પણ વિચાર્યા વિનાજ એમણે સીધુંજ પૂછી લીધું , વીલ યુ વર્ક ઈન માય ફિલ્મ એસ અ લીડ એક્ટ્રેસ ? મારા કપાળ ઉપર પરસેવો છૂટી આવ્યો . હાથ ધ્રુજવા લાગ્યા . મેન્યુ કાર્ડ સીધું ટેબલ પર ગોઠવાયેલા પાણીના ગ્લાસ સાથે પછડાયું અને બધુજ પાણી એમના કોટ ઉપર . ગભરાટમાં શું કરવું એની કઈ સમજ ન પડી . સામેથી ગુસ્સા કે ક્રોધની સીધી અપેક્ષા સેવી રહી હતી . પણ એમણે મને શાંતિથી સામેની સીટ ઉપર બેસવાનો ઈશારો કર્યો . હું ધ્રુજતા હય્યા જોડે ત્યાં બેઠી અને પછી જે મેં સાંભળ્યું . બસ , આખી દુનિયા જાણે એક ક્ષણમાં 'ફેરીટેલ' બની ગઈ . એ બોલતા ગયા અને હું સાંભળતી ગઈ . યુ હેવ યુનિક બ્યુટી . યોર આયસ , યોર લિપ્સ , યોર નોઝ , યોર ફેસ , યોર હાઈટ ,યોર એક્સપ્રેશન , યોર બોડીલેંગ્વેજ , એવરીથિંગ ઇઝ જસ્ટ પરફેક્ટ ફોર શૉ બિઝનેઝ . યુ હેવ ધૅટ એક્સ ફેક્ટર ધેટ વન ઈન બિલિયન હેઝ . ઇફ યુ આર અગ્રીડ કમ એન્ડ મીટ મી ઈન મુંબઈ વિધિન ફિફટિન ડેઝ . આ રહ્યો એમનો કાર્ડ અને કોન્ટેક્ટ ડિટેલ્સ . દિશાંત મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે મારુ જીવન આમ આટલો મોટો વળાંક લેવા જઈ રહ્યું છે ."


" જ્યોતિ આ બધું જેટલું સહેલું લાગે એટલું હોતું નથી . કોઈ પણ વ્યવસાયની ફક્ત ચકાચોંધ જોઈને એમાં આંધળો પ્રવેશ ન કરાય . સિક્કાની બન્ને બાજુઓ નિહાળવી પડે . વર્તમાનનો દરેક નિર્ણય આપણા ભવિષ્યને ઘડતો હોય છે એટલે દરેક ડગલું અત્યંત સોચી વિચારીને ભરવું પડે . "


" ડોન્ટ ટૉક લાઈક ધોઝ ડબલ સ્ટાન્ડર્ડઝ . જે લોકો માટે પુરુષ ગમે ત્યારે જે પણ તક મળે એ સ્વીકારી જીવનમાં આગળ વધી જાય . જયારે સ્ત્રીને આગળ વધવા માટે ઊંડું ઊંડું વિચારવાની સલાહ . લગ્ન પછી તો જાણે એનાથી પોતાનાજ જીવનનો એક નિર્ણય પણ ન લઇ શકાય ." 


" વાત એ નથી જ્યોતિ . તું સારી રીતે જાણે છે હું એ વિચારશ્રેણી ધરાવનાર લોકોમાં નથી . તારા જીવન ઉપર હું કદી આધિપત્ય ન જમાવીશ . તારો પતિ છું , જીવનસાથી છું , બૉસ નહીં . એક પાર્ટનર તરીકે , એક મિત્ર તરીકે મને તારી ચિંતા છે ને હંમેશા રહેશે . "


" તો પછી તને મારા ઉપર એટલોજ વિશ્વાસ પણ હોવો જોઈએ જેટલો મને તારી ઉપર છે . એજ સાચી પાર્ટનરશીપ , એજ સાચું ૫૦ - ૫૦ . "

" તારો નિર્ણય તારા મમ્મી - પપ્પાને જણાવ્યો ? એમનું શું કહેવું છે ?"

" એમની પાસેથી બીજી શી આશા રાખી શકાય ? એમને લાગે છે આ બધું લગ્ન પહેલા વિચારાય . મારી જોડે વાત કરવા પણ તૈયાર નથી . નકામો મેલોડ્રામા . "

" ઠીક છે . જો તારો નિર્ણય આજ છે તો હું તારી જોડે છું . મમ્મી પપ્પાની ચિંતા નહીં કર . એમને સમય જોડે મનાવી લઈશું . "


" ઓહ થેન્ક્સ દિશાંત . આઈ લવ યુ . "

" તો મુંબઈ માટે ક્યારે નીકળવાનું છે ? "

" ત્રણ દિવસ છે તૈયારી માટે . "

" તો હું આપણું રિઝર્વેશન અને રહેવાસની તૈયારી કરી લઈશ . તું ચિંતા ન કર ."


" એની જરૂર નહીં પડે ."

" એટલે ? હું સમજ્યો નહીં . "

" હું બધીજ વ્યવસ્થા કરી લઈશ . મારે એકલાજ જવું પડશે . "

" અરે પણ આમ આટલા મોટા અજાણ્યા શહેરમાં હું તને એકલી કઈ રીતે જવા દઉં ? થોડા દિવસ હું સાથે રહીશ તો તને પણ માનસિક ટેકો મળશે અને મને નકામી ચિંતાઓ ન ઘેરશે . એમ પણ રેસ્ટોરાં માટે તો મારે પરત થવુંજ પડશે ને . "


" દિશાંત , દિશાંત . રિલેક્સ . લિસન ટુ મી . કોન્ટ્રેક્ટ ની એક સૌથી મહત્વની શરત છે ."

" શરત ? "

" આપણા લગ્ન આપણે છુપાવી રાખવા પડશે . ઇટઝ એ શૉ બિઝનેઝ . આઈ હોપ યુ અંડરસ્ટેન્ડ . "

" તો પછી સાત ફેરાઓનું વચન અને આપણી ૫૦ ૫૦ પાર્ટ્નરશિપનું શું જ્યોતિ ? "

" હું તને મારો અંગત નંબર આપીશ . એના ઉપર તને જયારે પણ મારી જોડે વાત કરવી હોય તું કરી શકીશ . દરેક રજા અને બ્રેક વખતે હું સીધી અહીં આવી જઈશ . આઈ પ્રોમીસ . "


ટ્રેનની સિટીથી દિશાંત સફાળો થયો . ચા નો કપ લારી ઉપર પરત કરી એ સાવધાનીથી સમયસર પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવી ગોઠવાયો . દરેક સીટ ઊંઘવા માટે સજ્જ થઇ ચુકી હતી . પોતાના બર્થમાં એણે બન્ને પગ લંબાવી દીધા . બેગને સાચવીને અંદરની પડખે ગોઠવી દીધી . આંખો મીંચી થોડા સમય માટે શારીરિક અને માનસિક આરામ લેવાનો પ્રયાસ આદર્યો . પણ બંધ મીંચેલી આંખો જાણે કોઈ નાટ્યગૃહ નો મંચ હોય એ રીતે જીવનના દ્રશ્યો એક પછી એક તદ્દન સામે સ્પષ્ટ ભજવાઈ રહ્યા . ભિન્ન ભિન્ન સ્વરો , ભિન્ન ભિન્ન સંવાદો , ભિન્ન ભિન્ન અવાજો . જાણે એક દ્રશ્ય ઉપર બીજું દ્રશ્ય છપાતું જઈ રહ્યું હતું . ન કોઈ ક્રમ બદ્ધતા , ન કોઈ નિયમ પાલન . બધુજ સંમિશ્રિત છતાં બધુજ તબક્કાવાર . મેગેઝીન ના કવરફોટો , અવોર્ડશોની રાત્રિઓ , ટીવીની જાહેરાતો , ઇન્ટરનેટ અને સોસીઅલ મીડિયાના સમાચારો અને સમાચાર ચેનલો ઉપરની ઉત્કંઠા . 


' ઘી બેસ્ટ એકટ્રેસ ઈન ન્યુકમર્સ કેટેગરી , નન અધર ધેન દીપશિખા . '

' આ ગુજ્જુ છોકરીએ બોલીવુડમાં પ્રવેશ કરી ધમાલ મચાવી દીધી . પ્રથમ ફીલ્મથીજ લોકોના હૃદય પર રાજ કરી રહેલી દીપશિખાએ એકીસાથે પાંચ ફિલ્મોના કોન્ટ્રેક્ટ સાઈન કર્યા . '

' બોલિવુડ્સ ન્યુ સેન્સેશન દીપશિખા ઇઝ નાવ ન્યુ બ્રાન્ડ એમ્બેસીડર ઓફ એમ એન જી , પેરિસ . '

' એવોર્ડ્સ , એવોર્ડ્સ એન્ડ એવોર્ડ્સ ફોર દીપશિખા . શી ઇઝ અનસ્ટોપેબલ . '


' ઇન્ટરનેટ અને સોસીઅલ મીડિયા પર મિસ્ટ્રી ગર્લ દીપશિખાના પરણિત હોવાના સમાચાર વાયરલ . આમ છતાં એક્ટ્રેસે પોતાના અંગત જીવન અંગે ચુપકીદી સેવવાનેજ પ્રાધાન્ય આપ્યું છે . પણ એની અસર એક્ટ્રેસની પ્રસિદ્ધિ અને સફળતાને દૂર દૂર સુધી સ્પર્શી શકવા સમર્થ નથી . દરેક સોસીઅલ એકાઉન્ટ પર ફોલોવર્સની સંખ્યા જંગી આંકડાઓ વટાવી રહી છે . '


"ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી બીઝી . યુ મે લિવ ધ મેસેજ આફ્ટર ધીઝ ટોન . "

" હેલો જ્યોતિ , મહિનો ઉપર થઇ ગયો . એક કોલ પણ નહીં . આ વખતે તું રજાઓમાં પણ ન આવી . મારા ખાતર નહીં પણ તારા મમ્મી - પપ્પા ખાતર તો આવ . ભલે એ થોડા રિસાયેલા છે . પણ તારી ચિંતામાં એ લોકો એ જાણે જીવવાનું છોડી દીધું છે . હું જાણું છું તું અત્યંત વ્યસ્ત છે . હું ત્યાં નથી આવી શકતો પણ તું તો અહીં આવી શકે છે ને ? એક દિવસ માટે નહીં તો થોડા કલાકો માટે જ. "  

" ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી બીઝી .યુ મે લિવ ધ મેસેજ આફ્ટર ધીઝ ટોન. "

" જ્યોતિ મહિનાઓ વર્ષ બની ગયા . તારો અવાજ પણ સાંભળ્યો નથી . હવે બહુ થયું . હું તને મળવા મુંબઈ આવી રહ્યો છું . જે થવાનું હોય એ થાય . વી નીડ ટુ ટોક . "


મુંબઈ સ્ટેશન આવી ચૂક્યું . યાદો અને ઊંઘને ખંખેરી દિશાંત બેગ લઇ નીચે ઉતર્યો . એક નાના હિલસ્ટેશનની શુદ્ધ સ્વચ્છ હવાની શરીર અને ફેફસાને બાળપણથી ટેવ પડી ચુકી હતી . મુંબઈ જેવી મહાનગરીની પ્રદૂષણયુક્ત હવાથી શ્વાસો રીતસર રૂંધાવા લાગી . પણ આજે પોતાની જ્યોતિને પોતાની જોડે પરત લઇ જવા કોઈ પણ સમસ્યાનો સામનો કરવા એ માનસિક રીતે તૈયાર હતો . ગજવામાંથી રૂમાલ કાઢી એણે નાક ઉપર બાંધી દીધો . રેલવે સ્ટેશનની બહારથી ટેક્ષી લઇ એ સીધો નિશ્ચિત સરનામાં તરફ આગળ વધ્યો . ટેક્ષીની બારીમાંથી એ ચળકતા શહેરને દિશાંત ધ્યાનથી તાકી રહ્યો . એ આબેહૂબ એવુજ હતું જેવું પોતાની અંતિમ મુલાકાત સમયે હતું . હા , આવ્યો હતો એ પોતાની જ્યોતિને મળવા . એને મનમાં ગૂંગળાઈ રહેલા પ્રશ્નો પૂછવા . પોતાના સંબંધના ભવિષ્ય અંગેની ચર્ચા કરવા . એનો હાથ પકડી પોતાના લગ્નના સાત ફેરાઓનું વચન યાદ અપાવવા . 


ટેક્ષીની બારીમાંથી દ્રષ્ટિમાન શહેરનો ઝગમગાટ ધીરે ધીરે આછો થવા લાગ્યો અને અંતિમ મુલાકાતનું એ દ્રશ્ય ધીરે ધીરે એની ઉપર હાવી થવા લાગ્યું . 

" આઈ કાન્ટ બીલીવ ધીઝ . મેં તને કહ્યું હતું દિશાંત . જો મીડિયાને જરાયે જાણ થઇ કે હું તને આમ ચોરીછૂપે અહીં આ હોટેલના ઓરડામાં મળવા આવી છું , તો એકજ ક્ષણમાં બધુજ સમાપ્ત . મારી સફળતા માટે મેં પરસેવો નહીં લોહી વહાવ્યું છે . એને આમ હું એકજ પળમાં હાથમાંથી સરકવા નજ દઈશ . "

" મને થયું આટલા સમય પછી મને મળી તને આનંદ .....ફરગેટ ઈટ ....બટ વી નીડ ટુ ટોક જ્યોતિ ઇટઝ હાઈ ટાઈમ ."


" જો દિશાંત તને જે પણ કહેવું હોય એ જલ્દીથી કહી દે . મારી પાસે સમય નથી . આજે રાત્રે એક એવોર્ડ- શૉમાં મારુ પરફોર્મન્સ 

છે . આઈ હેવ ટુ રિચ ઈન ટાઈમ ."

" ટાઈમ . સમય . એજ તો નથી તારી પાસે . ન મારા માટે, ન આપણા સંબંધ માટે ....."

" ડોન્ટ સ્ટાર્ટ ઈટ અગેન . આ કોઈ રેસ્ટોરાંનો વ્યવસાય નથી કે થોડા કલાકો માટે ગ્રાહકોને સેવા આપો ને સમાપ્ત . આખી - આખી રાત શૂટિંગ , આઉટ ડોર્સ , લેટ નાઈટ પાર્ટીઝ , એવોર્ડ નાઈટ્સ , ફોરેન ટ્રિપ્સ ....પણ રહેવા દે તું નહીં સમજીશ . "

" હા , હું નથી સમજતો અને મારે સમજવું પણ નથી . જે સફળતા પાસે આપણા પોતાના પરિવાર માટે સમય , લાગણી કે સંવેદનાઓ ન બાકી રહે હું એને સફળતા નહીં નિષ્ફ્ળતા માનું છું . "

" નહીં દિશાંત , એ તારી જીવનની ફિલોસોફી નહીં , તારા અંદરની ઈર્ષ્યા, અસુરક્ષા ને લઘુતાગ્રન્થિ છે . જે પોતાની પત્નીની સફળતા પચાવવામાં વિઘ્ન બની ઉભી થઇ છે . "

" ના , આ મારી જ્યોતિ નથી . હું તને નથી ઓળખતો . આ એક સફળતાનાં નશામાં ધુત્ત , આંધળી , સ્વાર્થી , અભિમાની અને ઘમંડી સ્ત્રી બોલી રહી છે . જેને ન તો લાગણીઓ જોડે કોઈ લેવાદેવા છે , ન સંબંધો જોડે . આજે મને સાચેજ શરમ આવે છે એ સ્વીકારવામાં કે તું મારી પત્ની છે . "


" દાદા સાચુજ કહેતા હતા . મારે અહીં આવવુંજ જોઈતું ન હતું . "

" ઓહ રિયલી ? તો પછી આવવાનું કારણ ?"

" આને માટે . વીલ યુ પ્લીઝ સાઈન ધેમ ?"

" ઓહ , કેમ નહીં ? આ લે . આજથી તુ આ સંબંધથી અને મારાથી મુક્ત થઇ . પણ તારા મમ્મી -પપ્પા? એમનું શું ? એમણે તને માફ કરી દીધી છે . તારી જોડે રહેવા એમને અહીં ....."

" માફ . વૉટ અ જોક ! એમનો પ્રેમ મારી ઉપર નહીં મારા બેંક એકાઉન્ટ ઉપર વરસી રહ્યો છે ..."

" જ્યોતિ ...."


ભૂતકાળના એ પ્રચંડ થપ્પડના ધ્વનિ જોડે ટેક્ષી પોતાની અંતિમ મંઝિલ ઉપર પહોંચી ગઈ . દિશાંતે પોતાની જાતને યાદોમાંથી ઉઘારી ટેક્ષી ડરાઇવરને પૈસા ચૂકવ્યા . રહેઠાણ વિસ્તારની ગુણવત્તા નિહાળતા દિશાંત નું હૃદય પહેલાથી બમણું ચિંતિત અને હતાશ થઇ ઉઠ્યું . એક દ્રષ્ટિ એણે ઇમારત ઉપર નાખી અને દાદર તરફનો રસ્તો શોધવા ડગલાં ધ્રુજતા હૈયા જોડે આગળ વધ્યા .


ફ્લેટમાં વ્યાપેલું અંધકાર ખુબજ ગાઢ હતું . આ અંધકારમાં જાણે બધુજ છુપાવી રાખવું હોય એ રીતે દરેક બારીઓ જડબેસલાક બંધ હતી અને સુરક્ષાને બમણી કરતા પર્દાઓ દરેક બારીને અતિચુસ્ત ઢાંકી રહ્યા હતા . આખા ફ્લેટમાં એકમાત્ર નાઇટલેમ્પનો આછો પ્રકાશ ફેલાયેલો હતો . અલમારીમાં ગોઠવાયેલી ટ્રોફીઓ અને એવોર્ડ્સના ઢગલાં એ આછા પ્રકાશમાં અત્યંન્ત ઝાંખા ચળકી રહ્યા હતા . ફ્લેટનો દરેક અરીસો ચાદરથી ઢાંકી દેવાયો હતો . ગાઢ અંધકારમાં દેખાઈ રહેલી પીઠ જોડે એક તીણો અવાજ મોબાઇલમાં કરગરી રહ્યો હતો , જાણેકે કોઈ ભિખારી . 


" દાદા , પ્લીઝ . કોઈ કામ મીલ જાતા તો . કોઈ ભી રોલ હો . છોટા ભી ચલેગા . પરદે કે પીછે કા ભી , કુછભી કામ ચલેગા . પૈસે નહીં હે . અબ આપ સે હી ઉમ્મીદ હે . પ્લીઝ દાદા હેલ્પ મી . હેલો દાદા , હેલો , હેલો , હેલો , દાદા ,આપ ....હેલો ......"


મોબાઈલ અંધકારમાં જમીન પર અફળાયો . ક્રોધની અગ્નિ શરીરને ધ્રુજાવી રહી . બીજીજ ક્ષણે જમીન પર પછાડવામાં આવેલા મોબાઈલના છૂટા પડેલા અંગોને જાતેજ ઉઠાવતા હાથ અચાનક થંભી ગયા . ફ્લેટની ડોરબેલ રણકી હતી . ડર અને ભયથી આત્મા ફફડી ઉઠી . કોણ હશે ? કોઈ મીડિયા ? કોઈ જર્નાલિસ્ટ ? નહીં , નહીં , બારણું નથી ખોલવું . જરાયે નહીં . શરીર ચુસ્ત જકડાઈ ગયું . હૈયાનો ધબકાર ફૂલેલી શ્વાસો જોડે સંભળાવા લાગ્યો . 


ફરીથી ડોરબેલ રણકી ઉઠી . શરીર બમણું ચુસ્ત થઇ ઉઠ્યું . અચાનક મનમાં વિચારોએ વળાંક લીધો . દાદા , દાદા તો નહીં આવ્યા હોય ? કદાચ એમના હૃદયમાં દયા જન્મી હોય ...

હિમ્મત ભેગી કરી શરીર અંધારામાં માર્ગ બનાવતું બારણાં તરફ આગળ વધ્યું . બુકાની જેમ બાંધેલા કાપડ પાછળ છુપાયેલો ચ્હેરો જાણે કોઈ ચોર જેવો દીસી રહ્યો . 


બારણાનું લોક ઉઘાડી ખુબજ સાવચેતીથી બુકાનીધારી ચ્હેરો ફક્ત આંખો જેટલો બહાર ડોકાયો . સામે ઉભેલી વ્યક્તિને નિહાળતાંજ તરતજ બારણું વાંસી દેવા પ્રયાસ થયો . બહારની બાજુએ થી દિશાંતે પોતાના શરીરનું મહત્તમ જોર બારણાને અંદર તરફ ધકેલવા લગાવ્યું . એક મોટા ખડકાટ સાથે આખરે દિશાંત ફ્લેટની અંદર તરફ પ્રવેશ્યો . અંધકારને ચીરતો ધ્વનિ ફ્લેટને ગુંજાવી રહ્યો . 


" શા માટે અહીં આવ્યો છે ? મારી પડતી નિહાળવા ? જતો રહે અહીંથી , લિવ મી અલોન . હું આનેજ લાયક છું . ગો ...જસ્ટ લિવ , ગેટ આઉટ ....."

દિશાંતની નજર ફ્લેટના સ્વીચ બોર્ડ ઉપર આવી તકાઈ . પરિસ્થિતિને હોંશયારીથી સંભાળતા એણે વીજળીની સ્વીચ ઓન કરી . આખો ફ્લૅટ ધારદાર પ્રકાશથી ઝળહળી ઉઠ્યો . 

" નો , બંધ કર એને ". બુકાની ઉપરના હાથ વધુ સખત થયા . 

વીજળીની સ્વીચ ફરીથી બંધ કરવાનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવતા દિશાંતે બુકાની ચપળતાથી ખેંચી લીધી .

નગ્ન ચ્હેરાની લાચારીતા ફ્લેટના કોઈ ખૂણામાં છુપાઈ શકવા નિરર્થક પ્રયાસ કરી રહી .

અરીસા ઉપરની ચાદરો દિશાંતે ત્વરાથી ખેંચી કાઢી .

બેકાબુ શરીરને પોતાની સશક્ત પકડમાં ઘેરી દિશાંતે અરીસા આગળ ઉભા રહેવા વિવશ કર્યું . 

" જ્યોતિ , સત્યનો સામનો કર . ફેસ ધ રિયાલિટી . યુ હેવ ટુ . "

અરીસામાં ડોકાયેલું પ્રતિબિંબ નિહાળતાંજ એક અસહ્ય ચીખ શરીરમાંથી આત્માને વિંધતી નીકળી આવી . ચુસ્ત શરીર તદ્દન ઢીલું પડી દિશાંતની સશક્ત પકડમાં વિખરાઈ રહ્યું . 

" હજારો ફોલોવર્સ , હજારો ફેન્સ , એવોર્ડ્સ , ઓટોગ્રાફ્સ , સેલ્ફીઝ , બધોજ પ્રેમ , બધોજ સ્નેહ , બધુજ સમાપ્ત , બધુજ સમાપ્ત , બધુજ ...."


એક તરફ ધીરે ધીરે ઢગલો બની દિશાંતના પગ તરફ ઢળી રહેલું શરીર તો બીજી તરફ ફ્લેટના અંધકારમાં મહિનાઓથી દબાઈને સંગ્રહાયેલી વાસ્તવિકતાઓ જોર જોરથી સંમિશ્રિત સ્વરમાં ચારે દિશામાં છવાઈ ગઈ .

' વન મોર ડિઝાસ્ટર ઈન સ્કિન સર્જરી . '

' દીપશિખા , વોટ અ બ્રેનલેસ ડીસીઝન ? નોટ વન , નોટ ટુ , થ્રિ સર્જરી ઈન રૉ . ટર્નિંગ હર સેલ્ફ ઈન ગોસ્ટ ?'


' કોસ્મેટિક સર્જરી એ ફરીથી એકવાર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે . શું માનવી એ પ્રકૃત્તિ જોડે છેડછાડ કરવી જોઈએ ? દીપશિખાનો ભયાનક ચ્હેરો એક ઉદાહરણ અને શીખ સમો છે . હમણાં નહીં ચેતશું તો ક્યારે ?'

' કોસ્મેટિક સર્જરી ની બિહામણી બાજુ . એક સમયની પ્રસિદ્ધ અને જાણીતી અભિનેત્રી બોલીવુડમાંથી અદ્રશ્ય . વધુ સુંદરતાની લાલચમાં ગુમાવી પોતાની અસીમ સુંદરતા અને સફળતા . ન કોઈ કમ્પનીની એમ્બેસેડર , ન મળી રહી છે ફિલ્મો . '

' સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ દીપશિખાની સર્જરી પછીની તસ્વીરો . 'ભયાનક ' શબ્દ થી ટ્રોલ થઇ એક્ટ્રેસ . ફોલોવર્સ અને ફેન્સમાં જંગી ઘટાડો . '

' સૂત્રો કે મુતાબિક દીપશિખા કા ફિલ્મી કરિયર હો ચુકા હે ખતમ . ન મીલ રહા હે કામ , ન બચી હે શોહરત . મુંબઈકે કિસી કોનેમેં છોટેસે ફ્લેટમેં બીતા રહી હે દીન . એક સાલ સે કીસીને દેખા નહીં ચ્હેરા તક . અપનેઆપ કો ફ્લેટમેં કર લિયા હે બંધ . '


' અ વર્સ્ટ ડાઉનફૉલ ઑફ એન એક્સ સુપરસ્ટાર .' 

જમીન ઉપર પછડાયેલી જ્યોતિનું માથું દિશાંતે સાચવીને પોતાના ખોળામાં સરકાવ્યું . રડતી આંખોને હાથ વડે વિસામો આપ્યો . ટાઢા પડેલા શરીર ઉપર સ્નેહ સભર આલિંગન આપ્યું .


" કશું સમાપ્ત નથી થયું જ્યોતિ . મારો વિશ્વાસ કર .હું અહીં કોઈ પણ દયાભાવોથી પ્રેરાઈને આવ્યો નથી . હું તો મારી ૫૦ - ૫૦ પાર્ટનરને લેવા આવ્યો છું . મને એની જરૂર છે . મારી રેસ્ટોરાંને એની જરૂર છે . એના મમ્મી - પપ્પાને એની જરૂર છે . પ્રેમ કદી સમાપ્ત ન થઇ શકે . સ્નેહનો કોઈ અંત ન હોય . અને જો પૂર્ણવિરામ આવે તો શું એ સાચો પ્રેમ કે સ્નેહ કહેવાય ? ચહેરાની સુંદરતા મટી જતા જો માન - સન્માન મટી જતા હોય તો એ તો ભ્રમણાની પરાકાષ્ઠા જ . કેવા ફેન્સ ? કેવા ફોલોવર્સ ? મારાથી મોટો કોઈ તારો ફેન હોય શકે આ વિશ્વમાં ? તારી ક્રિએટિવિટી હું જાણું છું અને એને અનન્ય માન પણ આપું છું . અને તારા સાચા ફોલોવર્સ તો તારા મમ્મી - પપ્પા છે , જે જીવનના દરેક ડગલે તને ફોલો કરતા રહ્યા . તારાથી રિસાયેલા રહીને પણ તારી ચિંતામાં પીગળતા રહ્યા . એમણે જ તો મને અહીં મોકલ્યો છે . પોતાની દીકરીને પરત લઇ આવવા . તું આવીશ મારી જોડે ? એક નવી પાર્ટનરશીપની શરૂઆત કરવા ? "


" પણ જો પાર્ટનરશીપમાં કઈ ગડબડ કરી તો ?" રડમસ અવાજ બાળક જેવો થઇ રહ્યો . 

" અરે મારે મરવું છે કે ? ગબ્બર સિંહ જોડે પંગો લેવાય ? " 


દિશાંતના ઉત્તરથી રુદનની ધાર ફરીથી છૂટી રહી અને જ્યોતિએ દિશાંતને વધુ સખત પકડ સાથે આલિંગનમાં લઇ લીધો .

દૂર સ્ટેશન ઉપર ઉભી ટ્રેનની સિટી ફ્લૅટની દીવાલોમાં પડઘો પાડી રહી .


Rate this content
Log in

Similar gujarati story from Drama